માર્શ, ઍથ્નિયેલ ચાર્લ્સ (જ. 1831, લૉકપૉર્ટ, ન્યૂયૉર્ક; અ. 1899) : પ્રાચીન પ્રાણીવિદ્યાના નિષ્ણાત. તેમણે યેલ યુનિવર્સિટીમાં તેમજ જર્મની ખાતે અભ્યાસ કર્યો હતો. 1866થી ’99 સુધી તેમણે યેલ યુનિવર્સિટી ખાતે અધ્યાપન કર્યું અને તેઓ 1882થી ’92 સુધી ‘યુ. એસ. જિયોલૉજિકલ સર્વે’માં કરોડરજ્જુ ધરાવતાં પ્રાણીઓ વિશેની પ્રાણીવિદ્યાના પ્રમુખ અને નિષ્ણાત વિજ્ઞાની બની રહ્યા. તેમણે કરોડરજ્જુ ધરાવતાં પ્રાણીઓના 1,000 ઉપરાંત અશ્મીભૂત અવશેષો શોધી કાઢ્યા અને યેલ્સ પીબૉડી મ્યુઝિયમ માટે તેનો વિશાળ સંગ્રહ ઊભો કર્યો. કરોડરજ્જુવાળાં લુપ્ત થયેલાં પ્રાણીઓ વિશે તેમણે કરેલા વર્ગીકરણથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને સમર્થન મળી રહ્યું. તેમણે ડાઇનોસૉર પ્રાણીઓની 80 નવી જાતો વિશે વિગતે વર્ણન તૈયાર કર્યું અને પશ્ચિમ અમેરિકામાં મળી આવતા સાપ તથા ઊડતા સરીસૃપના સર્વપ્રથમ અવશેષો શોધી કાઢ્યા. વળી તેમણે સરીસૃપ તથા પક્ષી વચ્ચેની ઉદભવ – કડી, ઘોડાઓની ઉત્ક્રાંતિ તથા ઉત્તર અમેરિકામાં ઉત્ક્રાંતિના અંતિમ તબક્કાનું કે ઊંચામાં ઊંચા વર્ગનું પ્રાણી (primate–અંગુષ્ઠધારી–જેમ કે વાંદરો, માણસ વગેરે) વસતું હોવાના પુરાવા જેવી કેટલીક મહત્વની બાબતો પર શોધખોળ પણ કરી હતી.
મહેશ ચોકસી