માર્શલ, જૉન (જ. 24 સપ્ટેમ્બર 1755, પ્રિન્સ વિલિયમ પરગણું; અ. 7 જુલાઈ 1835, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના વિખ્યાત ધારાશાસ્ત્રી, બંધારણીય કાયદાના નિષ્ણાત અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. શરૂઆતનું શિક્ષણ પારિવારિક વાતાવરણમાં. થોડોક સમય દીક્ષિત પાદરીઓ પાસે ભણ્યા. દરમિયાન જ્યૉર્જ વૉશિંગટનની પડખે રહીને અમેરિકન ક્રાંતિયુદ્ધમાં ભાગ લીધો.
1780માં વર્જિનિયા રાજ્યની વિલિયમ અને મેરી કૉલેજમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1780માં વર્જિનિયામાં તેમણે વકીલાત શરૂ કરી. 1782માં વર્જિનિયા રાજ્યની પ્રતિનિધિ-સભામાં પ્રથમ વાર ચૂંટાયા અને ત્યારબાદ 1790 –95નો પાંચ વર્ષનો ગાળો બાદ કરતાં 1796 સુધી ચૂંટાતા રહ્યા (1782–90 અને 1795–96). 1788માં વર્જિનિયા ખાતે આયોજિત ઐતિહાસિક પરિષદમાં સક્રિય ભાગ લીધો. તેમાં અમેરિકાના બંધારણને બહાલી આપવામાં આવી હતી. તેમની આ ભૂમિકાને લીધે વર્જિનિયા ખાતેના સમવાયવાદી જૂથનું નેતૃત્વ તેમને આપવામાં આવ્યું. અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટને તેમની સમક્ષ કેટલાંક પદો પર તેમની નિમણૂક કરવાની દરખાસ્ત મૂકી હતી, જેમાં અમેરિકાના એટર્ની જનરલના પદનો પણ સમાવેશ થયેલો; પરંતુ તે બધી જ દરખાસ્તો તેમણે ફગાવી દીધેલી. અમેરિકા અને ફ્રાન્સ વચ્ચેના વ્યાપાર અંગેના કેટલાક વિવાદોનું વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવા માટે અમેરિકાએ 1797માં પૅરિસ ખાતે જે પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું તેના સભ્ય તરીકે માર્શલની નિમણૂક થયેલી. આ તેમનું પ્રથમ રાજકીય પદ હતું. 1799માં તેઓ વર્જિનિયા રાજ્યમાંથી અમેરિકાની કૉંગ્રેસમાં ચૂંટાયા હતા. મે 1800માં દેશના વિદેશમંત્રી (Secretary of State) તરીકે તેમની વરણી થઈ. જાન્યુઆરી 1801માં અમેરિકાના પ્રમુખ ઍડમ્સે તેમની નિમણૂક સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિપદે કરી. આ પદ પર 1801–1835ના ગાળામાં સતત પાંત્રીસ વર્ષ સુધી તેમણે જે કામ કર્યું અને તે દરમિયાન તેમણે ન્યાય આપવા અંગેના જે સિદ્ધાંતો નક્કી કર્યા હતા તે શકવર્તી સાબિત થયા છે અને એટલા માટે જ બંધારણીય કાયદાના નિષ્ણાત તરીકે તેમની ખ્યાતિ સાર્વત્રિક બની છે. અમેરિકાના રાજકીય માળખામાં સર્વોચ્ચ અદાલતને હવે જે સ્થાન મળ્યું છે તે માર્શલના અથાગ પ્રયાસોને જ આભારી છે. ઉપરાંત સંલગ્ન રાજ્યોના કાયદાઓની સરખામણીમાં સમવાયતંત્રના કાયદાઓની સર્વોપરિતા પ્રસ્થાપિત કરવામાં તેમણે આપેલા ચુકાદા નિર્ણાયક સાબિત થયા છે. 1803માં તેમણે આપેલા એક ચુકાદા દ્વારા દેશના રાષ્ટ્રપ્રમુખ તથા કૉંગ્રેસે પસાર કરેલા કાયદાઓ અમેરિકાના બંધારણના સિદ્ધાંતો સાથે સુસંગત છે કે નહિ તેનો નિર્ણય કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયને હોય છે. આ સિદ્ધાંત તેમણે પ્રતિપાદિત કર્યો હતો. આ સિદ્ધાંતને ‘ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત’ (The Doctrine of Judicial Review) તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે અમેરિકાના બંધારણની સર્વોપરિતા પ્રસ્થાપિત થઈ છે. 1810માં તેમણે આપેલા એક ચુકાદાને કારણે ખાનગી મિલકતના અધિકારની પવિત્રતા(sanctity)ને બહાલી મળી હતી. 1819માં આપેલ એક ચુકાદા મુજબ દેશનું બંધારણ લિખિત હોવા છતાં તેમાં કેટલીક બાબતો અંગે કલમો કે ખુલાસા જ્યાં ન હોય ત્યાં ‘સૂચિત અથવા ગર્ભિત સત્તાઓના સિદ્ધાંત’(The theory of implied powers)નો આશ્રય લેવો જોઈએ એવું તેમણે પ્રતિપાદિત કર્યું હતું. જ્યાં આમ જનતાના કલ્યાણના પ્રશ્નો ઊભા થાય છે ત્યાં ‘મર્યાદા કે અપવાદને અધીન ન હોય તેવી સત્તા’(plenary powers)ના સિદ્ધાંતની તેમણે રજૂઆત કરી હતી. ન્યૂયૉર્કનું બંદર વ્યાપારી પ્રવૃત્તિ માટે વાપરવાનો અધિકાર માત્ર ન્યૂયૉર્ક રાજ્યને જ નહિ, પરંતુ અમેરિકાનાં બધાં જ રાજ્યોને સમાન રીતે હોવો જોઈએ – આ સિદ્ધાંત એક ચુકાદા દ્વારા પ્રતિપાદિત કરી તે બંદર પરના ઇજારાને તેમણે જાકારો આપ્યો હતો. આમ ન્યાય આપવામાં વિદ્વત્તા અને સાહસ – આ બંનેનો સુમેળ જૉન માર્શલમાં જોવા મળે છે.
તેમના પાંચ ખંડોમાં પ્રકાશિત થયેલા ‘લાઇફ ઑવ્ જ્યૉર્જ વૉશિંગ્ટન’ (1804–1807) ગ્રંથો જાણીતા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે