માર્માગોવા (માર્માગાંવ) : ગોવા રાજ્યના દક્ષિણ ગોવા જિલ્લામાં આવેલું નગર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 25´ ઉ. અ. અને 73° 47´ પૂ. રે. તે માર્માગોવા તાલુકાનું તાલુકામથક પણ છે. તે ગોવાના પાટનગર પણજીથી નૈર્ઋત્યમાં આશરે 33 કિમી.ને અંતરે અરબી સમુદ્રને કોંકણ કિનારે તેમજ ઝુઆરી નદીના દક્ષિણ કાંઠે તેના મુખ પર વસેલું છે. તે મુંબઈથી દક્ષિણે 370 કિમી. દૂર આવેલું છે. 519.3 મીટર લાંબો તરંગરોધ (break-water) તથા તરંગરોધના બહારના છેડાથી પૂર્વ તરફ બંધાયેલ 268.2 મીટર લાંબો બાંધ (mole) આ બારાનું રક્ષણ કરે છે. લંગરસ્થાન બંદરના પ્રવેશદ્વારથી 5 કિમી. દૂર છે. નાળ(channel)ની લઘુતમ ઊંડાઈ 13.7 મીટર અને પહોળાઈ 250 મી. છે. કુદરતી બારાની ઉત્તરે અને પશ્ચિમે ખુલ્લું બંદર છે. અહીં 50 જેટલાં વહાણો ચોમાસામાં સુરક્ષિત રહે છે. આ બધાં કારણોથી આ બંદર વિકસ્યું છે. ભારતનું તે બીજા ક્રમે આવતું બંદર છે. તેનું બારું કુદરતી હોવાથી પશ્ચિમ કિનારા પર બારમાસી બંદર તરીકે તેનું ઘણું મહત્વ છે. દુનિયાભરનાં ઘણાં માલવાહક જહાજો અહીં અવરજવર કરે છે અથવા અહીંથી પસાર થાય છે. 17 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગનો ફાંટો આ બંદર સુધી લંબાવવામાં આવેલો છે. તે ગોવાનું છેલ્લું રેલમથક પણ છે. મુંબઈ–કન્યાકુમારી કંઠાર ધોરી માર્ગ દ્વારા તે દેશના ઘણા ભાગો સાથે જોડાયેલું છે. માર્માગોવા અને મડગાંવ (મારગાંવ) સડકમાર્ગે તથા રેલમાર્ગે જોડાયેલાં છે. ઝુઆરી નદીની સામે પાર આવેલા અગાસીમ કોર્તાલિસ સાથે તે ફેરીસેવાથી સંકળાયેલું છે. વળી પણજી નજીકના ડોનાપૌલાથી યાંત્રિક નૌસેવા પણ માર્માગોવાના બારા સુધી નિયમિત ચાલે છે. ગોવાનું હવાઈમથક દાબોલી (ડેબોલિમ) આ નગરના બહારના ભાગમાં આવેલું છે.
અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય છે, પરંતુ નદી અને દરિયાકિનારાને લીધે આબોહવા ઉત્સાહપ્રેરક રહે છે. ગોવાની ચોપાટી પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહી છે. માર્માગોવા ખાતે પરદેશી પ્રવાસીઓ તથા દેશના અન્ય ભાગમાંથી સહેલાણીઓ ઉનાળામાં આવે છે.
1510માં અલ્ફાંસો દ અલ્બુકર્કે ભારત ખાતે પહેલવહેલી પૉર્ટુગીઝ વસાહત આ સ્થળે સ્થાપેલી. અહીંના બંદરના મુખ પાસે 1624માં એક ભવ્ય કિલ્લો પણ બાંધવામાં આવેલો. 1888માં અહીં અંગ્રેજોએ પણ પહેલો માલધક્કો બાંધેલો. બંદર પર તેના રક્ષણ માટે ત્યારે એક સંરક્ષક પણ રહેતો. 1991ની ગણતરી મુજબ અહીંની વસ્તી 90,429 છે.
ગોવામાં લોહ (હેમેટાઇટ) અને મૅંગેનીઝ અયસ્કના જથ્થા વિપુલ પ્રમાણમાં મળી આવે છે. મોટાભાગના આ જથ્થા જાપાન તેમજ પૂર્વના દેશો ખાતે નિકાસ કરવામાં આવે છે. ક્રોમિયમ, મૅંગેનીઝ અને લોહનાં અયસ્ક, ખાંડ, ખોળ, મોલાસિસ, એલ્યુમિના, ડાંગરની કુશકી, જિંગા માછલી વગેરેની અહીંથી નિકાસ થાય છે; જ્યારે ખાતર, રૉક-ફૉસ્ફેટ, ગંધક, અનાજ, લોખંડ અને સ્ટીલ, યંત્રો, પ્રવાહી રસાયણો, ખનિજતેલ અને તેની પેદાશો, કોક, સિમેન્ટ વગેરેની આયાત થાય છે. આ બંદરેથી આયાત કરતાં નિકાસ વધુ થાય છે. ખનિજ-નિકાસની સગવડો જળવાઈ રહે તે માટે બંદરનું આધુનિકીકરણ કરવામાં આવેલું છે. અહીં ગોવા શિપયાર્ડની સૂકી ગોદી મરામત માટે વપરાય છે, જહાજોની દુરસ્તી કરવાની અન્ય સુવિધાઓ પણ છે. બજરા, ઊંટડા, દીવાદાંડી, યાંત્રિક લોડર, ગોદામો, ગ્રૅબ લોડર, ટગ વગેરે જેવી સગવડો છે. માલ ચડાવવા-ઉતારવા સાત બર્થ-ઉતરાણ જેટીની વ્યવસ્થા છે. 2,75,000 ટન સુધીનાં તોતિંગ જહાજો અહીં ધક્કા સુધી આવી શકે છે.
માર્માગોવામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે. અહીં પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક છે. આ નગરમાં બે હૉસ્પિટલો, બે આરોગ્યકેન્દ્રો, એક કુટુંબનિયોજન કેન્દ્ર, બીજાં ખાનગી દવાખાનાં, શુશ્રૂષાગૃહો, સિનેમાઘરો, રમતગમતનાં કેન્દ્રો આવેલાં છે. અહીંનું વાસ્કો ક્રીડાંગણ ભારતનું પ્રમુખ ફૂટબૉલ-મેદાન ગણાય છે. નગરમાં ભવ્ય સભામંડપ, બગીચા, મહાલક્ષ્મીની ચાંદીની મૂર્તિ ધરાવતું દીપમાળવાળું મહાલક્ષ્મી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, જીર્ણોદ્ધાર કરેલું ગૉથિક શૈલીનું સેંટ ઍન્ડ્રૂ ચર્ચ, દામોદર મંદિર, ગુરુદ્વારા (1972), મસ્જિદ, ઉદ્યાન, બાલવાટિકા વગેરે પણ આવેલાં છે. અહીં ખરીદી માટેનું બજાર પણ છે. નગરના વિકાસની જવાબદારી તાલુકા વહીવટ હેઠળ છે. નગરમાં પાકા રસ્તાઓ અને રાહદારીઓ માટે પગથીઓની સગવડ ઊભી કરેલી છે. માર્ગોની બાજુઓ વૃક્ષોની હારથી સજાવેલી છે. આ નગરમાં વીજળી, પાણી, આગશમન-મથકો, વાહનવ્યવહારનાં સાધનો અને પર્યટકો માટેનાં વિશ્રામગૃહોની પૂરતી વ્યવસ્થા પણ છે. શહેરના મધ્યભાગમાં મધ્યમવર્ગના તેમજ શ્રમિકોના આવાસો છે. ગોવા આવતા પ્રવાસીઓને જોવાલાયક સ્થળો પર જવાઆવવા માટેનાં વાહનો તેમજ માહિતી પણ અહીંથી મળી રહે છે. રેલમથક પર પણ બધી જાતનો માલસામાન ચડેઊતરે છે. હવાઈ મથક ખાતે પણ જરૂરી સગવડો ઊભી કરવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા