માર્તીની, સિમૉન (જ. 1284, સિયેન, ઇટાલી; અ. 1344, ઍવિગ્નૉન, ફ્રાન્સ) : ઇટાલીના ગૉથિક શૈલીના ચિત્રકાર. ઇટાલીના સિયેન નગરના મહાન ગૉથિક ચિત્રકાર ડુચિયો પાસે તાલીમ લઈ તેમણે ગૉથિક ચિત્રકલાની સિયેનીઝ શૈલીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. ડુચિયોની માફક માર્તીનીનાં ચિત્રોમાં તેજસ્વી રંગો અને માનવ-આકૃતિઓની પશ્ચાદભૂમાં સ્થાપત્યોનાં આલેખનો નજરે પડે છે. ગૉથિક ચિત્રકલાની ફ્લૉરેન્ટાઇન શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર જ્યોત્તોનાં ચિત્રો જોઈ માર્તીની માનવ-આકૃતિઓને નાટ્યસહજ અંગભંગિ અને સચોટ હાવભાવ સાથે આલેખવાનું શીખ્યા. નિરીક્ષણની ઝીણવટ છતાં માર્તીનીનાં ચિત્રોમાં સ્થળલક્ષી સંદિગ્ધતા જોવા મળે છે. ‘રોડ ટુ કૅલ્વટી’ એ માર્તીનીનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે. કારકિર્દી સિયેનમાં વિતાવ્યા પછી જીવનનાં અંતિમ વર્ષોમાં 1333થી ’39 સુધી અસિસીમાં તથા દક્ષિણ ફ્રાન્સના ઍવિગ્નૉનની એવિન્યોન પૅવલ કૉર્ટ(1339 –’44)માં કામગીરી કરી. જ્યોત્તો અને ડુચિયોની શૈલીઓનો સમન્વય કરવા માટે માર્તીની ગૉથિક પરંપરાની ચિત્રકલામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમની ‘એનન્સિયેશન’ નામની કૃતિ યુફિઝી ગૅલરીના સંગ્રહસ્થાનમાં છે.
કનુ નાયક
અમિતાભ મડિયા