માર્ચ, ફ્રાન્સિસ ઍન્ડ્રુ (જ. 25 ઑક્ટોબર 1825, મિલબરી, મૅસેચુસેટ્સ, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1911, ઈસ્ટન, પેન્સિલવેનિયા) : અમેરિકાના ભાષા-વિજ્ઞાની અને કોશકાર. આધુનિક તુલનાત્મક ઍંગ્લોસૅક્સન (ઓલ્ડ ઇંગ્લિશ) ભાષાશાસ્ત્રના તે પ્રમુખ સ્થાપક હતા.

1857માં તે ઈસ્ટનની લૅફેયેટ કૉલેજ ખાતે અંગ્રેજી ભાષા તથા તુલનાત્મક ભાષાશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેમણે આ પ્રકારની આ સર્વપ્રથમ સ્વાધ્યાયપીઠ(chair)નું પદ 1907 સુધી સંભાળ્યું. તેમનું ભગીરથ કાર્ય તે ‘એ કમ્પૅરેટિવ ગ્રામર ઑવ્ ધી ઍંગ્લો સૅક્સન લૅંગ્વેજ’ (1870; પુનર્મુદ્રણ 1977). એમાં તેમના 10 વર્ષના સઘન સંશોધનનો પુરુષાર્થ હતો. આ મહત્વના ગ્રંથમાં તેમણે અગ્લો-સૅક્સન ભાષાના સંસ્કૃત, ગ્રીક, લૅટિન તથા 5 જર્મૅનિક ભાષાઓ સાથેના સંબંધની છણાવટ કરી છે. યુરોપ તેમજ અમેરિકામાં આ ગ્રંથને પ્રથમ કોટિની સિદ્ધિ તરીકે સહસા સ્વીકૃતિ મળી. ત્યારપછી અંગ્રેજી ભાષાના ઇતિહાસલક્ષી અભ્યાસ માટે આ તુલનાત્મક વ્યાકરણ સીમાસ્તંભ બની રહ્યું. વર્ષો સુધી તે અમેરિકામાં સંશોધક-અભ્યાસીઓને માર્ગદર્શન આપતા રહ્યા અને ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી ઑન્ હિસ્ટૉરિકલ પ્રિન્સિપલ્સ’(ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી)નું નિર્માણ કર્યું. તેમનું ‘ધ સ્પેલિંગ રિફૉર્મ’ (1881) અંગ્રેજી ભાષાના જોડણીવિજ્ઞાનની સુધારણામાં મહત્વનું પ્રદાન બની રહ્યું. પોતાના પુત્ર ફ્રાન્સિસ ઍન્ડ્રુ સાથે તેમણે ‘એ થિસૉરસ ડિક્શનરી ઑવ્ ધી ઇંગ્લિશ લૅંગ્વેજ’(1903; બીજી આવૃત્તિ, 1980)નું સંપાદન કર્યું છે.

મહેશ ચોકસી