માર્ક, હર્માન ફ્રાન્સિસ

January, 2002

માર્ક, હર્માન ફ્રાન્સિસ (જ. 3 મે 1895, વિયેના, ઑસ્ટ્રિયા; અ.?) : જાણીતા જર્મન વિજ્ઞાની. હર્માન માર્કનો વિદ્યાભ્યાસ વિયેના વિશ્વવિદ્યાલયમાં થયો. 1921માં તેમણે પીએચ.ડી. અને 1956માં ડૉક્ટર ઑવ્ નૅચરલ સાયન્સની અને તે પછી 1942માં અપસલા વિશ્વવિદ્યાલયની પીએચ.ડી., 1949માં લીગ વિશ્વવિદ્યાલયની ડૉક્ટર ઑવ્ એન્જિનિયરિંગની પદવીઓ મેળવી 1957માં લોવેલ ટૅકનૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની ડૉક્ટરેટ તથા 1960માં મ્યૂનિખ ટૅકનિકલ વિશ્વવિદ્યાલયની ડૉક્ટરેટ મળેલી છે.

તેઓ 1919થી 1921 દરમિયાન વિયેના વિશ્વવિદ્યાલયમાં ફિઝિક્સ અને ફિઝિકલ કેમિસ્ટ્રીના ઇન્સ્ટ્રક્ટર, 1921–1922માં બર્લિન વિશ્વવિદ્યાલયમાં કાર્બનિક રસાયણના ઇન્સ્ટ્રક્ટર, 1922–26માં કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ, ડાલ્હેમમાં રિસર્ચ ફેલો અને ગ્રૂપ લીડર, 1927–28માં આઈ. જી. ફાર્બન ઇન્ડસ્ટ્રીમાં રિસર્ચ કેમિસ્ટ, 1928–30માં ત્યાં જ ગ્રૂપ લીડર તથા 1930–32માં આસિસ્ટન્ટ રિસર્ચ ડિરેક્ટર નિમાયા હતા. 1932થી 1938 દરમિયાન તેઓ વિયેના વિશ્વવિદ્યાલયમાં રસાયણના પ્રોફેસર, 1940–42માં કાર્બનિક રસાયણમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, 1942–46માં પ્રોફેસર તથા 1946થી 1970 સુધી બ્રુકલિન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિમર સાયન્સ, ન્યૂયૉર્કમાં પૉલિમર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર નિમાયેલા. 1970માં તેઓ પૉલિટેક્નિક વિશ્વવિદ્યાલય, ન્યૂયૉર્કના ડીન તરીકે રહ્યા હતા. આ સાથે તેમણે આ દરમિયાન કેટલીક સમવર્તી વિશેષ જવાબદારીઓ, જેવી કે, 1927થી 1932 દરમિયાન કાર્લ્સરૂહ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એસોસિએટ પ્રોફેસર, યુનાઇટેડ સ્ટેટ્સ નેવી તથા આર્મીમાં ટૅકનિકલ કન્સલ્ટન્ટની સંભાળેલી.

હર્માન માર્કનું નામ પૉલિમર વિશેષજ્ઞ તરીકે ખૂબ જાણીતું છે. રેઝિન, રબ્બર, પ્લાસ્ટિક તેમજ કુદરતી અને કૃત્રિમ રેસાઓ ઉપર તેમનું સંશોધન ખૂબ વખણાયું છે. કાષ્ઠ-રસાયણમાં પણ તેમનું અનેરું પ્રદાન ગણાય છે. તેમણે પૉલિમર વિજ્ઞાનનાં અનેક માસિકો, શ્રેણીઓ, અવલોકનો(reviews)ના સંપાદક – તંત્રી (editor) તરીકે સેવાઓ આપી છે.

ડૉ. માર્ક ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન – IUPAC ના મૅક્રોમૉલિક્યૂલ્સના ચૅરમૅન, નૅચરલ રિસર્ચ કાઉન્સિલ, વાઇઝમૅન ઇન્સ્ટિટ્યૂટ, ઇઝરાયલના એડવાઇઝર તથા ગૉર્ડન રિસર્ચ કૉન્ફરન્સના મૅક્રોમૉલિક્યૂલ્સ તથા ટેક્સટાઇલ્સ વિભાગના ચૅરમૅન હતા. આ ઉપરાંત તેઓ નૅશનલ સાયન્સ એકૅડેમી, અમેરિકન કેમિકલ સોસાયટી, અમેરિકન ફિઝિકલ સોસાયટીના માનાર્હ સભ્ય હતા.

કુદરતી તથા સાંશ્લેષિક મૅક્રોમૉલિક્યૂલ્સનું સંશ્લેષણ, તેમની રાસાયણિક ખાસિયતો, પ્રક્રિયાઓ તથા ગુણધર્મોના અભ્યાસમાં ઇલેક્ટ્રૉન તથા ક્ષ-કિરણોનો ઉપયોગ એ તેમનું સંશોધનક્ષેત્રે ખાસ પ્રદાન ગણાય છે.

જ. પો. ત્રિવેદી