માર્કેટિંગ (વિપણન) : ઉત્પાદનને ઉત્પાદકને ત્યાંથી શરૂ કરી વપરાશકર્તા સુધી પહોંચાડવા માટેની તમામ પ્રવૃત્તિઓનો સમાહાર. સામાન્ય અર્થમાં માર્કેટિંગ એટલે વેચાણ એવી સમજ પ્રવર્તે છે, જે અધૂરી છે. કોઈ પણ ઉત્પાદનનો હેતુ વપરાશ છે. માર્કેટિંગમાં ગ્રાહકની જરૂરિયાત, ઇચ્છા અને માંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તે અનુસાર ઉત્પાદન, આયોજન અને વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જરૂરિયાતનાં પાસાંને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને સંતોષવાના પ્રયત્નો માટે સંશોધન-શોધખોળનો આશરો લેવામાં આવે છે. કેટલીક વસ્તુઓની માંગ વપરાશને કારણે સતત થાય છે, જ્યારે કેટલીક વસ્તુઓની માંગ નવેસરથી પેદા કરવામાં અને ઉદ્દીપ્ત કરવામાં આવે છે. ઉત્પાદકે નવી વસ્તુ બજારમાં દાખલ કરતી વખતે પોતાની જાતને બે જ સવાલ પૂછવાના રહે છે : ગ્રાહક શું કામ તેની વસ્તુ ખરીદે ? શું તેને ગુણવત્તામાં, કિંમતમાં કે વસ્તુની કામગીરી દ્વારા હરીફ વસ્તુ કરતાં વધુ ફાયદો થાય છે ? માર્કેટિંગની કુશળતાના અભાવે નવી વસ્તુ બજારમાં નિષ્ફળ જાય છે તેથી બજારસંશોધનની મદદથી આ બંને પ્રશ્નોના જવાબ જાણી શકાય છે. તેના દ્વારા વપરાશકર્તાના અભિગમને જાણી શકાય છે તેમજ તેને પ્રભાવિત પણ કરી શકાય છે. માંગના અંદાજો અને અપેક્ષાને આધારે ઉત્પાદન-વેચાણ-વિતરણની વ્યવસ્થા ગોઠવી શકાય છે. બજારપ્રક્રિયામાં આ બધી બાબતો ઉપરાંત પ્રમાણીકરણ અને બજારમાહિતીનો પણ સમાવેશ થાય છે. માંગની અપેક્ષા કે માંગને પ્રભાવિત કરતા ધંધાદારીઓ માટે બજારપ્રક્રિયા ઘણી મહત્વની બની રહે છે. આ માટે ધંધાદારી વેચાણકળા અને વિજ્ઞાપનનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. માર્કેટિંગની પદ્ધતિ (વેપાર) સંચાલનના સર્વગ્રાહી ખ્યાલ અને વ્યવસ્થાકીય માળખાના વિભાગોના પારસ્પરિક અવલંબનને સ્પષ્ટ કરે છે. સમાજ અને માલિકનાં હિતો અને સેવા પર વિશેષ ભાર આપી નફાનું વાજબીપણું સ્પષ્ટ કરવામાં આવે છે.
બજારપ્રક્રિયાના નિર્ણયઘડતરના આધુનિક સાધન તરીકે બજાર-સંશોધન આધારભૂત સાધન બની રહે છે. માર્કેટિંગને પરિણામે ગ્રાહકને માહિતી, વિકલ્પોની સંખ્યા અને આનંદ વધારે મળે; પણ એની સ્વતંત્ર વિચારશક્તિ રૂંધાય અને એની આર્થિક સાધનોની પ્રાથમિકતા અને કૌટુંબિક તેમજ સામાજિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડી શકે. બજારક્રિયા માંગની માહિતી અને ઉદ્દીપનથી આગળ વધી માલ/સેવાના વિતરણને પણ સંભાળે છે. વાણિજ્યવિષયક સેવાઓની મદદથી માંગ ઊભી કરનારને તેના અનુકૂળ સ્થળે, સમયે અને તે જે સ્વરૂપમાં માંગે તે સ્વરૂપમાં વસ્તુ/સેવા પહોંચાડવામાં આવે છે. એ માટે પ્રત્યક્ષ, પરોક્ષ અને આધુનિક માહિતીસંચારનાં માધ્યમોની પદ્ધતિઓને ઉપયોગમાં લઈ વિતરણ કરવામાં આવે છે. વિતરણવ્યવસ્થાના છેડે જ્યારે નાનો છૂટક વેપારી કે વિક્રેતા ગ્રાહકને માલ/સેવા આપી દે ત્યારે દેખીતી રીતે બજારક્રિયા પૂરી થતી હોય છે; પરંતુ માર્કેટિંગ હેઠળ ત્યારબાદ પણ એક વધારાનું કામ થાય છે અને તે છે માલ/સેવાના વપરાશથી વપરાશકર્તાના માલ/સેવા માટે બંધાયેલા અભિપ્રાયની જાણકારી મેળવવી તે. આ કાર્ય બજાર-સંશોધનના સામાન્ય હેતુ ઉપરાંત સમગ્ર બજારક્રિયાનું સટીક અવલોકન કરવાના હેતુને પણ સિદ્ધ કરે છે.
દુષ્યંતકુમાર જનકરાય વસાવડા