માર્કસ, ડ્રુસસ લિવિયસ (જ. ?; અ. ઈ. પૂ. 109) : પ્રાચીન રોમનો રાજકીય નેતા અને સુધારક. ઈ. પૂ. 122માં પ્રસિદ્ધ સુધારક ગાઇયસ ગ્રાક્સ સાથે એ ટ્રિબ્યૂનના હોદ્દા પર હતો. એણે ગાઇયસ ગ્રાક્સના સુધારા કરતાં વધારે લોકપ્રિય આર્થિક અને રાજકીય સુધારા રજૂ કર્યા હતા, પરંતુ એમને ગંભીરતાપૂર્વક અમલમાં મૂકવા પ્રયાસો કર્યા નહોતા. એણે ઇટાલી અને સિસિલીમાં 12 નવી વસાહતો સ્થાપવાની યોજના રજૂ કરી હતી, એમાં મિલકતની લાયકાત વગર બધા વર્ગના લોકોને વસવાટ કરવાની છૂટ આપવાની હતી. એણે એવી પણ દરખાસ્ત કરી કે ટાયબેરિયસ ગ્રાક્સના સમયથી જે જમીનો ખેડૂતોને વહેંચવામાં આવી હતી, તેમનું ભાડું માફ કરવું જોઈએ. આ સુધારાઓ રજૂ કરી એણે લૅટિનોમાં લોકપ્રિય થવાનો પ્રયત્ન કરેલો.
આ ઉપરાંત, એણે લૅટિન લોકોને રોમન મૅજિસ્ટ્રેટો દ્વારા અપાતી શારીરિક શિક્ષામાંથી મુક્ત કરવાનું વચન આપ્યું. એણે રોમન નાગરિકો કરતાં પણ લૅટિન લોકોને વધારે અધિકારો આપવાનો પ્રયાસ કર્યો. એ સમયે રોમન મૅજિસ્ટ્રેટો દ્વારા કરાતી શારીરિક શિક્ષાથી લોકો ખૂબ ડરતા હતા. એણે સેનેટની સભ્યસંખ્યા વધારી તેમાં નવા શ્રીમંત વેપારીઓ, કોન્ટ્રૅક્ટરો અને દલાલોને પ્રતિનિધિત્વ આપવાની યોજના રજૂ કરી. ડ્રુસસના આ ક્રાંતિકારી સુધારાઓ વિશે વિચારણા કરવા એક કમિશનની રચના પણ થઈ હતી; પરંતુ એ સુધારાઓ અમલમાં મૂકી શકાયા નહોતા.
ડ્રુસસ ઈ.પૂ. 112માં કૉન્સલ બન્યા પછી મેસિડોનિયાનો ગવર્નર બન્યો. ત્યાં એણે સ્કોરડિસ્કી જાતિ સામે ઝુંબેશ ચલાવી, એમાં સફળતા મેળવી. મેસિડોનિયાથી પરત આવીને ઈ.પૂ. 110માં એણે પોતાના આ વિજયની ઉજવણી કરી; પરંતુ થોડા સમયમાં જ, ઈ.પૂ. 109માં, એ સેન્સરના હોદ્દા પર હતો ત્યારે એનું અવસાન થયું.
એનો સમાન નામધારી પુત્ર માર્કસ ડ્રુસસ લિવિયસ પણ રોમનો રાજકીય અગ્રણી હતો. ઈ.પૂ. 91માં ટ્રિબ્યૂનના હોદ્દા પર ચૂંટાયા પછી એણે એના પિતાની માફક રોમમાં ખેતીવિષયક અને વસાહતોને લગતા સુધારા સૂચવ્યા, જેણે લોકોમાં ઘણો અસંતોષ અને ઉશ્કેરાટ જગાવ્યો. પરિણામે ઈ.પૂ. 91માં જ એક અજાણ્યા હત્યારા દ્વારા એનું ખૂન થયું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી