માર્કસ, ઍન્ટોનાઇનસ (જ. 225; અ. 244, જૈથા, મેસોપોટેમિયા) : રોમન સમ્રાટ. માર્કસ ઍન્ટોનાઇનસ ગૉર્ડિયેનસ ઉર્ફે ગૉર્ડિયન ત્રીજો ઑગસ્ટ 238થી 244 સુધી પ્રાચીન રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. એના પિતામહ ગૉર્ડિયન પહેલાએ અને કાકા ગૉર્ડિયન બીજાએ માર્ચ-એપ્રિલ 238માં માત્ર ત્રણ સપ્તાહ માટે રોમના સંયુક્ત સમ્રાટ તરીકે રાજ્ય કર્યું હતું. નુમિડિયાના ગવર્નર કાપેલિયાનસ સામેની લડાઈમાં એપ્રિલ 238માં એના કાકા ગૉર્ડિયન બીજાનું યુવાન વયે મૃત્યુ થયાના સમાચાર સાંભળીને તરત જ એના પિતામહ ગૉર્ડિયન પહેલાએ આઘાત લાગવાથી આત્મહત્યા કરી હતી.
બંને સંયુક્ત સમ્રાટોનું એકસાથે અવસાન થતાં રોમની સેનેટે અગ્રણી સેનેટસભ્યો મૅક્સિમસ અને બલ્બિનસની સંયુક્ત સમ્રાટો તરીકે જાહેરાત કરી. પરંતુ લોકોએ અને સમ્રાટના સુરક્ષાસૈનિકોએ એમની સામે અવિશ્વાસ જાહેર કરી 13 વર્ષના માર્કસ ઍન્ટોનાઇનસ ગૉર્ડિયેનસને સમ્રાટ બનાવવા આગ્રહ રાખ્યો. સેનેટે એ આગ્રહનો અસ્વીકાર કરતાં સૈનિકોએ બળવો કરીને મૅક્સિમસ તથા બલ્બિનસની હત્યા કરી માર્કસ ઍન્ટોનાઇનસને ઑગસ્ટ 238માં રોમનો સમ્રાટ બનાવ્યો, જે ગૉર્ડિયન ત્રીજા તરીકે પ્રસિદ્ધ બન્યો.
માર્કસ ઍન્ટોનાઇનસ 13 વર્ષની વયે સમ્રાટ બન્યો તે પછી શરૂઆતમાં એની માતા એના વતી વહીવટ કરતી હતી અને એ પછી એનો શ્વશુર ટિમેસિથિયસ વહીવટ કરતો હતો. ઈ. સ. 242માં સમ્રાટ અને ટિમેસિથિયસે પર્શિયનો સામે આક્રમણ કરી તેમાં સફળતા મેળવી; પરંતુ એ પછી માંદગીને કારણે 243માં ટિમેસિથિયસનું અવસાન થતાં એની જગ્યાએ ફિલિપ ધી અરેબિયનની વહીવટકર્તા તરીકે નિમણૂક થઈ. ઈ. સ. 244ની વસંત ઋતુમાં સૈનિકો દ્વારા માર્કસ ઍન્ટોનાઇનસનું ખૂન થયું. ત્યારે એની ઉંમર માત્ર 19 વર્ષની હતી. એના ખૂન પછી ફિલિપ ધી અરેબિયન એનો અનુગામી સમ્રાટ બન્યો.
મુગટલાલ પોપટલાલ બાવીસી