માર્કંડેયપુરાણ : ભારતીય પુરાણસાહિત્યમાંનું એક જાણીતું પુરાણ. પ્રસિદ્ધ અઢાર પુરાણોમાં માર્કંડેયપુરાણ સાતમું છે. તેમાં કુલ 136 અધ્યાયો છે. આ અધ્યાયોને 1થી 9, 10થી 44, 45થી 77, 78થી 93 અને 94થી 136 –એમ પાંચ વિભાગોમાં વહેંચી શકાય. છેલ્લો અધ્યાય પ્રથમ વિભાગની ફલશ્રુતિ જેવો છે.
પ્રથમ વિભાગના અ. 1થી 9માં માર્કંડેય ઋષિ વ્યાસમુનિના શિષ્ય જૈમિનિને ચાર વિદ્વાન પક્ષીઓ પાસે વિંધ્યાચળની ગુફામાં જવાની સૂચના આપે છે; જેથી મહાભારતની કથાને લગતા જૈમિનિના પ્રશ્નોનું નિરાકરણ મળી રહે. અ. 10થી અ. 41 સુધીના બીજા વિભાગમાં જૈમિનિ પક્ષીઓને બીજા વધુ પ્રશ્નો પૂછે છે. પક્ષીઓ તેમને તેના ઉત્તર આપે છે. અ. 42થી 77માં પક્ષીઓ તો નામનાં જ વક્તા છે. વસ્તુત: આ વિભાગમાં માર્કંડેય અને તેમના શિષ્ય કોષ્ટુકિ વચ્ચે સંવાદ છે. અ. 78થી 90 સુધીમાં દેવીનું માહાત્મ્ય છે. સુમેધા ઋષિ અને સુરથ રાજા વચ્ચેના સંવાદને માર્કંડેય કોષ્ટુકિની સમક્ષ રજૂ કરે છે. આ વિભાગ સપ્તશતી ચંડી કે ચંડીપાઠ તરીકે સુપ્રસિદ્ધ છે. તેને ‘દુર્ગાસપ્તશતી’ કે ‘દેવીમાહાત્મ્ય’ પણ કહે છે. અ. 91થી અ. 133 સુધીમાં અ. 77માં અધૂરો રહેલો માર્કંડેય-કોષ્ટુકિસંવાદ આગળ ચાલે છે.
અઢાર પુરાણોમાં આ એક પ્રાચીન પુરાણ છે. ઉપલબ્ધ માર્કંડેય-પુરાણનું સ્વરૂપ ઈ.સ. 600–700માં ઘડાયું છે. આ પુરાણમાં પુરાણનાં પાંચેય લક્ષણો સચવાયાં છે. અ. 42–44માં સર્ગ; અ. 45–48માં પ્રતિસર્ગ; અ. 49માં વંશ; અ. 50, 54–64, 66, 77 અને 91થી 97માં મન્વન્તર અને અ. 98, 108–133માં વંશાનુચરિત આલેખાયું છે. અ. 51–57માં ભુવનકોષનું વર્ણન મળે છે. અ. 55માં કૂર્મનિવેશ દ્વારા ભારતવર્ષને કૂર્માકારે કલ્પી વિભિન્ન પ્રદેશોને તેનાં અંગોપાંગો ગણવામાં આવ્યાં છે. અ. 106–107માં રાજ્યવર્ધનનું ચરિત્ર છે. અ. 110થી 133માં સ્વાયંભુવ મનુના પુત્ર દિષ્ટના વંશમાં ઉત્પન્ન વૈશાલ રાજવંશના વત્સપરી, ખનિત્ર, ખનિનેત્ર, કરંધમ અને અવીક્ષિત તેમજ મરુતનું વર્ણન છે. અ. 27માં વર્ણાશ્રમધર્મ, અ. 31માં સદાચાર, અ. 32માં વર્જ્યાવર્જ્ય, અ. 27–30માં શ્રાદ્ધ જેવા વિષયોનું નિરૂપણ છે.
સ્વાયંભુવ મન્વન્તરના ધાતા નામના ઋષિને આયતિ નામની પત્નીથી મૃકંડ કે મૃકંડુ નામે એક પુત્ર થયો હતો. તેણે અયુતયુગ પર્યંત શાલિગ્રામ-તીર્થમાં તપશ્ચર્યા કરી હતી. ભૃગુવંશી આ ઋષિને મનસ્વિની નામની પત્નીથી માર્કંડેય નામે પુત્ર થયો હતો. માર્કંડેયને તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ વિષ્ણુ અને શંકરે પ્રત્યેક ઇચ્છાની પૂર્તિ, અવિચ્છિન્ન યશ, ત્રિકાળદર્શન, આત્મ-અનાત્મદર્શન અને ચૌદ કલ્પ પર્યંત દીર્ઘાયુષ્ય આપ્યું હતું. માર્કંડેયની ચિરંજીવીઓમાં ગણના થાય છે. તેમણે વડના પાન ઉપર સૂતેલા બાલમુકુંદના ઉદરમાં પ્રવેશી સમગ્ર બ્રહ્માંડનું દર્શન કર્યું હતું. રામને તેમણે અ-વિયોગદ કૂપનું દર્શન કરાવ્યું હતું. મહાભારતના માર્કંડેય સમસ્યા પર્વમાં યુધિષ્ઠિર અને માર્કંડેય વચ્ચે તત્વજ્ઞાનવિષયક ચર્ચા છે. માર્કંડેય સાથે માર્કંડેયપુરાણ, વારાહપુરાણ, માર્કંડેયસ્મૃતિ, માર્કંડેયસંહિતા, માર્કંડેયસ્તોત્ર જેવા ગ્રંથો સંકળાયેલા છે.
માર્કંડેય ધર્મપરાયણ અનંત જીવનનું પ્રતીક છે. યતિના નિવૃત્તિ-પ્રધાન ધર્મ અને ગૃહસ્થના પ્રવૃત્તિપ્રધાન ધર્મ વચ્ચેનો સમન્વય સાધનાર ઉપદેશક છે. તેનો પ્રતિધ્વનિ માર્કંડેયપુરાણમાં ઓજસ્વી શબ્દોમાં આલેખાયેલ છે. લોકસંગ્રહાત્મક આચારમૂલક ધર્મનો ઉપદેશ તેમના ઉપદેશનો પ્રધાન સૂર છે.
માર્કંડેયને જૈમિનિએ મહાભારતની કથાને લગતા ચાર પ્રશ્નો પૂછ્યા – (1) જનાર્દન વાસુદેવ નિર્ગુણ, નિરંજન અને જગતનું કારણ હોવા છતાં શા માટે મનુષ્ય-અવતાર લે છે ? (2) રાજકુમારી દ્રૌપદી એકલી હોવા છતાં પાંચેય પાંડવોની પત્ની શા માટે બની ? (3) બ્રહ્મહત્યાનું પાપ બલરામે શા માટે તીર્થયાત્રા દ્વારા ધોયું ? (4) પાંડવોથી સુરક્ષિત અને મહારથી હોવા છતાં દ્રૌપદીના પુત્રો શા માટે અનાથની માફક મર્યા ? માર્કંડેયે પોતે નિત્ય-કર્મમાં વ્યાપૃત હોવાથી જૈમિનિને ચાર પક્ષીઓ પાસે મોકલ્યા કે જે દુર્વાસાના શાપથી તાર્ક્ષી તરીકે જન્મેલી અપ્સરા વપુના ચાર પુત્રો હતા. આ ધર્મપક્ષીઓના કથાનકનું મૂળ ઋગ્વેદ 10–142માં આવતા ચાર ઋષિઓમાં છે. જૈમિનિ તેમની પાસેથી પ્રવૃત્તિ-પ્રધાન અને નિવૃત્તિ-પ્રધાન ધર્મનું જ્ઞાન મેળવે છે.
ઉપર કહેલા પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં અવતારમીમાંસાની ચર્ચા છે. બીજા પ્રશ્નના ઉત્તરમાં ગૌતમ-અહલ્યાનો પ્રસંગ, વૃત્રવધનો પ્રસંગ અને ઇન્દ્રને નિસ્તેજ કરવાનો પ્રસંગ – તેનું કથન છે. એ પછી ઇન્દ્રને નિસ્તેજ કરતાં ધર્મ, અશ્વિનૌ અને વાયુમાં ઇન્દ્રના અંશો પ્રવેશતાં તેમનાથી પાંડવો જન્મ્યા. એ રીતે અગ્નિના અંશવાળી ઇન્દ્રાણીએ યજ્ઞકુંડમાંથી દ્રૌપદી તરીકે જન્મ લીધો. તેથી દ્રૌપદી વસ્તુત: એકલા ઇન્દ્રને વરેલી છે. મહાભારતના યુદ્ધના પ્રસંગે અર્જુન કે દુર્યોધનના પક્ષે રહેવામાં બલરામને દ્વિધા થઈ. તેમાં વળી રેવતી સાથે મદિરાપાન વધુ પડતું કર્યું અને સૂતની પુરાણસભામાં મદોન્મત્ત બનીને ગયા. બ્રાહ્મણોએ તેમનો આદર કર્યો. માત્ર સૂતે આદર ન કરતાં તેમનો વધ કર્યો. આથી પ્રાયશ્ચિત્ત કરવા તેમણે તીર્થયાત્રા કરી હતી. સરસ્વતીના સામા પ્રવાહે તીર્થયાત્રા કરી બ્રહ્મહત્યામાંથી મુક્તિ મેળવી. ચોથા પ્રશ્નના ઉત્તરના સંદર્ભે સત્યવાદી હરિશ્ચંદ્રનું ઉપાખ્યાન વિગતે આપવામાં આવ્યું છે. વિશ્વામિત્રે હરિશ્ચંદ્રને રાજ્યવિહોણો બનાવતાં પાંચ વિશ્વામિત્રોએ કરેલી ટીકા સાંભળી તેમને આપેલા શાપના પરિણામે તેઓ દ્રૌપદીના પુત્રો તરીકે જન્મ્યા હતા અને અકાળે મૃત્યુને વર્યા હતા.
હરિશ્ચંદ્રના કથાનકમાં આનુષંગિક રીતે આડિ-બક-યુદ્ધ, જડ સુમતિના આખ્યાન દ્વારા પ્રાણીઓનાં મૃત્યુ અને જન્મનું રહસ્ય, ગર્ભમાં જીવાત્માની સ્થિતિ, પુણ્યશાળી મહામાનવનું સ્વરૂપ, દત્તાત્રેયચરિત્ર, મદાલસાચરિત અને તદન્તર્ગત મદાલસાએ અલર્કને ઉપદેશેલો પ્રવૃત્તિમાર્ગ, વર્ણાશ્રમધર્મ, ગૃહસ્થધર્મ, દત્તાત્રેયે અલર્કને ઉપદેશેલો અધ્યાત્મ-જ્ઞાનયોગ, યોગમાર્ગ, યોગના માર્ગનાં વિઘ્નો, યોગથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ, મૃત્યુ ઉપર વિજય, નિર્વાણની પ્રાપ્તિ વગેરે આલેખાયાં છે. દત્તાત્રેયના ઉપદેશના પરિણામે નિ:સંગ બનેલા અલર્કે કાશીરાજ અને સુબાહુને રાજ્ય સંભાળી લેવા વિનંતી કરી. સુબાહુએ પણ રાજ્યગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવતાં કાશીરાજને ચતુર્થ પુરુષાર્થ મોક્ષનું મહત્વ સમજાવી અહંતા અને મમતારહિત થવાનો માર્ગ બતાવ્યો. પાતંજલ યોગસૂત્રને અનુસરી યોગમાર્ગનું આ પુરાણમાં નિરૂપણ કરાયેલું મળે છે.
ચોથા વિભાગમાં આવતું દેવીમાહાત્મ્ય સુમેધા ઋષિ અને સુરથ રાજાના સંવાદરૂપે છે. વસ્તુત: આ સંવાદ માર્કંડેય ઋષિ અને શિષ્ય કોષ્ટુકિના સંવાદની અંતર્ગત છે.
આમ આ પુરાણ વૈષ્ણવ, શૈવ અને શાક્ત પરંપરાઓ વચ્ચે સમન્વય સાધનારું, દત્તપરંપરાને ઉપસાવનારું, પ્રવૃત્તિમૂલક અને નિવૃત્તિમૂલક ધર્મનો ઉપદેશ આપનારું અને પાતંજલ યોગસૂત્રાનુસારી યોગદર્શન નિરૂપનારું છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા