મારુ-ગુર્જર શિલ્પશૈલી : ગુજરાત, રાજસ્થાન અને માળવામાં પૂર્વમધ્યકાલ (ઈ. સ. 1000થી 1300) દરમિયાન ખીલેલી શિલ્પશૈલી. આ વિસ્તારમાં આ કાળ દરમિયાન ભાષા અને કલાને ક્ષેત્રે લગભગ સમાન સ્વરૂપ પ્રવર્તતું હતું, તેથી ભાષાની જેમ આ પ્રદેશની શિલ્પશૈલી મારુ-ગુર્જરશૈલી નામે ઓળખાવા લાગી. ગુજરાતના સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સમર્થ રાજવીઓની આણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના કેટલાક ભાગો પર પ્રવર્તતી હતી. આથી પરસ્પરના પ્રભાવથી એકસમાનકલાશૈલીનો પ્રાદુર્ભાવ અને પ્રસાર થયો હોવાનું જણાય છે. ગુજરાતના ચૌલુક્યો, રાજસ્થાનના ચૌહાણો અને માળવાના પરમારોના પ્રોત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાના વિકાસનો પણ ભારે વેગ મળ્યો. આ શૈલીનાં શિલ્પો સજીવ, સુડોળ અને તત્કાલીન લઘુચિત્રોમાં જોવા મળે છે એવી લાંબી અણીયાળી કીકી સહિત કોતરેલી આંખો જેવા તરી આવતાં લક્ષણો ધરાવે છે. અલબત્ત, સ્થાનિક વેશભૂષા જેવી લાક્ષણિકતાઓના સંદર્ભમાં આ શૈલીના પ્રાદેશિક પેટા પ્રકારો પણ પાડી શકાય એમ છે.
ગુજરાતમાં 11મી સદીનાં શિલ્પો સપ્રમાણ દેહ અલંકારયુક્ત, દ્વિભંગ કે ત્રિભંગવાળાં નાજુક જણાય છે. અલંકારો, દેહરચના, કેશગૂંફન વગેરે અનેક બાબતોમાં પરંપરાગત અંશો સચવાયા છે. મોઢેરાનાં શિલ્પો આના સારાં ઉદાહરણો છે. 12મી સદીનાં શિલ્પોમાં નાજુકતાનું સ્થાન હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસ લેવા લાગે છે. વળી તેમના પર આભૂષણોનું પ્રમાણ પણ વધે છે. આ ચૌલુક્યકાલીન શિલ્પોમાં લાંબા સમયની કલાસાધનાને લઈને મૃદુતા, લાવણ્ય અને લાલિત્ય જોવા મળે છે. બીજી બાજુ એમાં ભાવવ્યંજનાનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. સિદ્ધપુરનો રુદ્રમહાલય, મોઢેરાનું સૂર્યમંદિર અને આબુનું વિમલવસહિ આ કાળનાં પૂર્વાર્ધની શિલ્પકલાનાં અને સોમનાથ, ગળતેશ્વર, ઘુમલીનો નવલખો તથા વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં આબુ, ગિરનાર અને શત્રુંજય પરનાં મંદિરો વગેરે ઉત્તરાર્ધની શિલ્પશૈલીનાં દ્યોતક છે. વડનગર, કપડવંજ અને સિદ્ધપુરનાં તોરણો તથા ઈડર અને ઝિંઝુવાડના કિલ્લાઓ પરનાં પ્રવેશદ્વારો તેમની શિલ્પસજાવટને લઈને પ્રખ્યાત છે. આ શિલ્પોમાં મુખ્યત્વે હિંદુ અને જૈન દેવદેવીઓ નજરે પડે છે. ઉપરાંત મંદિર પરની દીવાલો પરના થરોમાં તત્કાલીન સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ, શિકાર, યુદ્ધો, કુસ્તી, મુસાફરી, ધાર્મિક ચર્ચાઓ, પૌરાણિક કથા-પ્રસંગો, નૃત્ય, ગીત, વાદન અને કામશાસ્ત્રનાં દૃષ્ટાંતો જેવાં ભોગાસનોનાં શિલ્પ સુંદર રીતે કંડાર્યાં છે. રૂપાંકનમાં પ્રાણીઓની આકૃતિઓ મનોહર બની છે.
મોઢેરાના સૂર્યમંદિરમાં નૃત્ય કરતી દેવાંગનાઓ, દેવો, પ્રસંગકથાઓ, તેમજ સુશોભનોનું આલેખન ખૂબ વિગતપૂર્ણ અને સમૃદ્ધ છે. સોમનાથ મંદિરની છતનું કાલિમર્દન કરતા કૃષ્ણનું દૃશ્ય, આબુના વિમલવસહિ મંદિરની છતનું હિરણ્યકશિપુને મારતા નરસિંહનું દૃશ્ય અને આબુના લૂણવસહિની છતમાંનું અરિષ્ટનેમિના જીવનપ્રસંગોને વ્યક્ત કરતું વરયાત્રાનું દૃશ્ય, ડભોઈના દરવાજા પરનું અમૃતમંથનનું દૃશ્ય અને ત્યાંથી મળેલ અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત અનેકભુજ દેવની પ્રતિમા, ખેડબ્રહ્માના પંખનાથ શિવાલયના ગવાક્ષની નરેશ-શિવપ્રતિમા, ખેરાળુની સૂર્યપ્રતિમા વગેરે ગુજરાતની સોલંકીકાલીન કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આબુના વિમલવસહિ મંદિરની વિતાનોની બારીક કોતરણી અદભુત છે. આરસમાં કમળની પાંખડીઓનું નિરૂપણ તેની બારીક પારદર્શક કોતરણી કલાકારની સિદ્ધહસ્તના, અસાધારણ ધીરજ અને રૂપાંકન અંગેની ઊંડી સૂઝની પ્રતીતિ કરાવે છે. ત્યાંનું વિમળશાહે બંધાવેલું વિમલવસહિ અને તેજપાલે બંધાવેલું લૂણવસહિ ભારતની અમૂલ્ય કલાનિધિ ગણાય છે. લૂણવસહિમાં અંદરની બાજુએ દેવ-દેવીઓ, અપ્સરાઓ, સંગીતમંડળીઓ, પૌરાણિક પ્રસંગો અને વેલબુટ્ટાની સજાવટમાં શિલ્પીઓએ અજોડ શિલ્પ-કૌશલ દાખવ્યું છે. મંદિરનો અર્ધ ખીલેલ કમળ જેવા ઘાટનો કેન્દ્રીય ઘુંમટ અદભુત છે. તેની પાંખડીઓ એટલી પાતળી પારદર્શક અને કુશળતાપૂર્વક કરેલી છે કે તેને જોતાં પ્રેક્ષક મંત્રમુગ્ધ થઈ જાય છે.
રાજસ્થાનમાં ચંદ્રાવતી, નાડોલ, સાદડી, રાણકપુર, કિરાડુ, બિકાનેર વગેરે સ્થાનોએથી મુખ્યત્વે જૈન ધર્મને લગતાં શિલ્પો મળ્યાં છે. ચંદ્રાવતીમાંથી મળેલી અને હાલ સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ મ્યુઝિયમમાં સુરક્ષિત તીર્થંકર પ્રતિમા 10મી કે 11મી સદીની ચંદ્રાવતીની શિલ્પકલાનો મનોહર નમૂનો છે. બિકાનેરમાંથી મળેલ જૈન દેવી સરસ્વતીની પ્રતિમા નોંધપાત્ર છે. ત્રિભંગમાં ઊભેલાં દેવીના નીચેના ભાગમાં બંને બાજુએ એક એક માલાધાર ગંધર્વ જોવા મળે છે. દેવીએ પોતાના ચાર હાથમાં અનુક્રમે માળાયુક્ત વરદમુદ્રા, કમળ, પુસ્તક અને જળપાત્ર ધારણ કરેલ છે. આભૂષણોમાં રત્નજડિત મુકુટ, કુંડળ, બે હાંસડીઓ, લાંબી પંચસેરી માળા, ભારે બાજુબંધ, બબ્બે વલયો, પહોળો કટિબંધ, અલંકૃત કટિમેખલા અને પગમાં ત્રણ સેરવાળાં સાંકળાં પહેર્યાં છે. દેવીના મસ્તક ફરતું પ્રભામંડળ અને એની છેક ઉપર જ્વાલાકાર કમાન કંડારી છે. દેવીના પગ પાસે અંજલિમુદ્રામાં બેઠેલ દંપતીની આકૃતિ મૂર્તિ ભરાવનાર દાતાની હોવાનું જણાય છે. આસનની નીચે વાહન હંસ ખૂબ નાના કદમાં કંડાર્યું છે. સફેદ આરસની આ લાવણ્યમણી પ્રતિમામાં અલંકારો ખૂબ કાળજીપૂર્વક કંડાર્યા છે. આ મૂર્તિ 12મી સદીની પશ્ચિમ ભારતીય કલાનો સરસ નમૂનો ગણાય છે. બિકાનેર પાસે રાજોરગઢમાંથી મળેલું એક સુંદર સ્ત્રીમસ્તક મનોહર કેશરચનાને લઈને ભારે પ્રશંસા પામ્યું છે. 12મી સદીના આ શિલ્પમાં મસ્તક પર આગળના ભાગમાં સેંથીની બંને બાજુએ ચાર ચાર ગોળાકાર ગુચ્છા રાખવા, બાકીના વાળને પાછળ અંબોડામાં ગૂંથી એના પર પુષ્પગુચ્છની સજાવટ કરવી, કાનની આગળના વાળને આગળની બાજુ ગોળ કલાત્મક વળાંક આપવો અને મસ્તક પર ધારણ કરેલું મુક્તાભરણ વગેરે આ શિલ્પના લાવણ્યમાં અનુપમ વધારો કરે છે.
માળવામાં પરમારોના આશ્રયે સાહિત્ય અને કલાનો વિકાસ થયો હતો. પરમાર નરેશ ભોજદેવે ધારાનગરીના સરસ્વતી મંદિરના મુખ્ય ખંડમાં સ્થાપેલી સરસ્વતીની પ્રતિમા માળવાની લાલિત્યપૂર્ણ શૈલીનો સર્વોત્તમ નમૂનો છે. ઉદયપુરમાં ઉદયાદિત્યે બંધાવેલું નીલકંઠ કે ઉદયેશ્વર મંદિર પણ આ શૈલીનાં શિલ્પો ધરાવતું 11મી સદીના મધ્યનું વિખ્યાત મંદિર છે. માળવાનાં શિલ્પોમાં ખજુરાહો અને ગુજરાતનાં શિલ્પોનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ