મારવા : જનક રાગનો એક પ્રકાર. મારવાના સ્વરોમાંથી બીજા ઘણા રાગો ઉત્પન્ન થાય છે, જે મારવા થાટના રાગો કહેવાય છે. મારવામાં રિષભ સ્વર કોમળ તથા મધ્યમ સ્વર તીવ્ર હોય છે. બાકીના સ્વરો શુદ્ધ લાગે છે. મારવા રાગમાં પંચમ સ્વર સંપૂર્ણ વર્જિત રાખવામાં આવે છે. આ રાગમાં છ સ્વરોનો ઉપયોગ થતો હોવાથી તેની જાતિ ષાડવ મનાય છે, તે ઉત્તરાંગપ્રધાન રાગ છે.
મારવા સાયંકાલીન સંધિપ્રકાશ રાગ છે. જ્યારે દિવસ અને રાતની સંધિ થાય છે ત્યારે તે સાંજના ચાર વાગ્યાથી સાત વચ્ચેના સમય દરમિયાન ગવાય છે. તે એક વૈરાગ્યરસપ્રધાન રાગ છે. વાદી સ્વર ધૈવત અને સંવાદી સ્વર કોમળ રિષભ છે. આ બે સ્વરો પર જ મુખ્યત્વે ન્યાસ (ઠહેરાવ) કરવામાં આવે છે. સ્વરોની લગાવટ ખડી એટલે કે મીંડવિહીન કરવામાં આવે છે, જે તેના સ્વભાવને પોષે છે. દિવસભરના કામને અંતે માણસ જ્યારે સાંજે થાકીને ઘરે આવે છે ત્યારે થોડી વિરક્તિ અનુભવે છે. ક્યારેક નિરાશા પણ અનુભવે છે. સંસારથી થાક્યા-હાર્યાનો આ ભાવ મારવા રાગમાં સચોટરૂપે રજૂ થાય છે.
મારવા જેવા જ સ્વરો ધરાવતો બીજો એક રાગ પૂરિયા છે, પરંતુ તેમાં રિષભ-ધૈવતનું મહત્વ ઓછું અને ગંધાર તથા નિષાદનું મહત્વ વધુ છે. તેનું ચલન પણ મારવા જેવું સીધું નથી, પણ સહેજ વક્ર છે. બંનેમાં વિકૃત રે તથા મ નો પ્રયોગ કરવામાં આવે છે. આ બંને રાગો પૂર્વાંગપ્રધાન રાગ છે. બંને ષાડવ જાતિના રાગ છે અને બંનેમાં પંચમ સ્વર વર્જિત છે. મારવાની જેમ પૂરિયાનો ગાયનસમય પણ સન્ધિ પ્રકાશ-કાળ છે. બંને મારવા થાટજન્ય રાગ છે.
મારવા, પૂરિયા અને સોહની આ ત્રણેયમાં સમાન સ્વર હોય છે. પરંતુ સ્વરચલન દ્વારા તેમની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવે છે.
રાગનો આરંભ મંદ્રના ‘ની’થી થાય છે અને રે, રેની સ્વરસંગતિ મુખ્ય છે.
‘