મામૈયા દેવ : કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. ‘યદુવંશ-પ્રકાશ’ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો પુત્ર તેમના તમામ શાસ્ત્રગ્રંથો લઈને ભાગી ગયેલો અને એક મેઘવાળ હરિજનના ઘરમાં છુપાયેલો. તે હરિજને તેની સાથે પોતાની પુત્રી પરણાવી. તેના પ્રસવકાળમાં તેણે જ્યોતિષ જોયાં કે સારા મુહૂર્તમાં પુત્ર-પ્રસવ થાય તો તેનો પુત્ર મહાન સંત બને. માટે તેણે તેની પત્નીના પેટ પર તંગ બંધાવી રાખ્યા અને ધારેલા શુભ મુહૂર્તમાં પુત્ર-પ્રસવ થવા દીધો. તે પુત્ર પાછળથી માતંગ દેવ તરીકે પ્રસિદ્ધ થયો.
તેમની તેરમી પેઢીના વંશજ તે મામૈયા દેવ. તેમણે ઉગ્ર તપ દ્વારા સિદ્ધિ મેળવેલી. તેઓ ત્રિકાળજ્ઞાની હતા એમ કહેવાય છે. તેમણે તેમનું સમગ્ર જીવન દીન-દુ:ખીજનોના કષ્ટનિવારણમાં અને રોગી અને દુષ્કાળથી પીડાતા લોકોની સેવામાં ગાળ્યું હતું. તે વખતે સોરઠમાં સાત સાત વરસથી દુકાળની સ્થિતિ જોઈ તેમણે ખૂબ અનુકંપા અનુભવેલી. તેમના પોતાના તપોબળથી વૃષ્ટિપાત કરાવ્યાનું અને કચ્છના જામ મૂળવાજીને ભારે શીળીના રોગમાંથી દવા વિના મુક્ત કર્યાનું કહેવાય છે. તે તેમની આગમવાણી અને પરચા માટે ખૂબ જાણીતા હતા. તેમની આગમવાણીના દુહા આજે પણ લોકજીભે સાંભળવા મળે છે. તેમની ભવિષ્યવાણી સાચી પડતી હોવાની પ્રતીતિ થતાં લોકોમાં તેમના વિશેનો પૂજ્યભાવ અને શ્રદ્ધા જાગેલાં. તેમની આગમવાણી પ્રમાણે સંવત 1996માં એટલે ઈ. સ. 1940ના અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળેલું અને કચ્છમાં દુકાળ પડેલો.
તે સમયે નગર સમૈયામાં નંદા જામ રાજ કરતો હતો. તેને મામૈયા દેવે પોતાનો ચમત્કાર દેખાડેલો; પરંતુ નંદા જામે વહેમાઈને મામૈયા દેવનું દગાથી ખૂન કર્યું. તેમનું માથું કપાયું ત્યારે તેમણે પોતાના બે હાથમાં ઝીલી લીધું અને નંદા જામને શાપ દેવાને બદલે તેમનું મસ્તક આગમવાણી ઉચ્ચારવા લાગ્યું. તેમની આગમવાણી દુલેરાય કારાણીના ‘કચ્છ પ્રદેશનું લોકસાહિત્ય’માં ગ્રંથસ્થ કરાઈ છે.
જૂનાગઢના રા’ નવઘણ તેમના પરમ ભક્ત હતા. જામ મૂળવાજી તેમના શિષ્ય બનેલા. હરિજનોના તે આરાધ્ય દેવ મનાય છે. કચ્છમાં ચાંગડાઈ ગામ પાસે ચંદરિયા ડુંગર પર તેમનું સ્થાનક આવેલું છે. પ્રતિવર્ષ ચૈત્ર સુદ આઠમના દિવસે તેમના સ્થાનકે મહેશ્વરી મેઘવાળો દર્શનાર્થે આવે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી હજારો હરિજનો યાત્રાર્થે અને બાધા–આખડી છોડાવવા ત્યાં આવે છે. ત્યારે દેવના પૂજારી (મતિયા) તેમને પોતાની લાક્ષણિક ઢબે ‘જ્ઞાન’ ગાઈ સંભળાવે છે.
તેમની આગમવાણી આજે પણ સાચી પડતી હોવાની પ્રતીતિ કરતો કેટલોક ભાવાર્થ નીચે પ્રમાણે છે :
‘સમાજમાં લુચ્ચા લફંગાનું જોર વધશે. ખોટા ખતપત્રો લખાતા થશે. માગણહારની અવગણના થશે. પૂર્વજોની ઊજળી પ્રતિષ્ઠાનો ભાંગીને ભુક્કો થઈ જશે.’
‘ધીરજવાન લોકો ધીરજ ધરજો. ગોલા લોકોને ઘી-કેળાં થશે. ઘી-દૂધ ખાઈને મોજ કરશે. જેની મા મૂળો ને બાપ ગાજર હશે એવા લોકોનું વર્ચસ્વ વધી જશે.’
‘આ દુનિયામાં ભૂખ્યા લોકો ભડ થઈ જશે. સિંહ જેવા પુરુષો શિયાળવાથી ડરતા થશે. બાપ પોતાના પંડના દીકરાથી ડરતો થશે. એવા દિવસો બહુ દૂર નથી.’
અષાઢ માસથી આરંભાતા કચ્છી સંવતના પ્રથમ દિવસે મામૈયા દેવના પૂજારી આગામી વર્ષનું ભવિષ્ય ભાખે છે. તે સાચું પડતું હોવાથી કચ્છના લોકોમાં અપાર શ્રદ્ધા પ્રવર્તે છે.
જોરાવરસિંહ જાદવ