માફિલિન્ડો (Ma, Phil, Indo) : અગ્નિ એશિયામાં પ્રાદેશિક સહકાર માટેનું સંગઠન. 16 સપ્ટેમ્બર 1963માં રચાયેલા આ સંગઠનમાં મુખ્ય ત્રણ દેશો જોડાયેલા હતા; જેમાં મલેશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો હતો. આ ત્રણેય દેશોના પ્રથમ અક્ષર-સમૂહોથી આ સંગઠન ઉપર્યુક્ત નામથી ટૂંકા સ્વરૂપમાં ઓળખાયું. મલેશિયાની રચના અંગે પ્રવર્તતી તંગદિલી દૂર કરવાના પ્રયાસરૂપે આ ત્રણેય દેશોના વિદેશપ્રધાનોની બેઠક મનિલા ખાતે યોજાયેલી. આ બેઠકમાં બૃહદ મલય (પાન મલય) સંગઠન/સમૂહતંત્ર યા ગ્રેટર મલય કૉન્ફેડરેશનની રચનાનો નિર્ણય લેવાયેલો અને તેની ફળશ્રુતિરૂપે મફિલિન્ડોની રચના થઈ હતી.
આ સંગઠનનું મુખ્ય ધ્યેય અગ્નિ એશિયાના આ મલય બહુમતીવાળા ત્રણે દેશોને એકરૂપ કરવાનું હતું. આવા રાજકીય ઉદ્દેશ ઉપરાંત આર્થિક વિકાસ માટે આર્થિક સહકારની યોજનાઓ ઘડવાનો ઇરાદો પણ હતો.
તેની સ્થાપના પછીના ગાળામાં સભ્ય રાષ્ટ્રો વચ્ચે પરસ્પર ભારે શંકા અને અવિશ્વાસ પ્રવર્તતાં આ સંગઠન અલ્પજીવી નીવડ્યું. તેની બે સ્પષ્ટ મર્યાદાઓ પણ હતી : એક, ત્રણ મલય દેશોની સંગઠિતતા પર ભાર મૂકતું આ સંગઠન થાઇલૅન્ડ અને સિંગાપુર જેવા બિનમલય દેશોને ખાસ અપીલ ન કરી શકતાં આ વિસ્તારો તેમજ હિંદી ચીન તરીકે ઓળખાતા લાઓસ, કંબોડિયા અને વિયેટનામના દેશો પણ તેનાથી દૂર રહ્યા. બીજું, સબાહ વિસ્તારના પ્રશ્ર્ન અંગે પણ મલેશિયા અને ફિલિપાઇન્સ વચ્ચે મતભેદો ચાલુ જ હતા. આથી ઔપચારિક રીતે સ્થપાયેલ મલેશિયાના સમવાયતંત્રને આ બૃહદ મલય સંગઠનનો અંત જોવાનો વારો આવ્યો. આ પછી અગ્નિ એશિયાના દેશોને સમાવતા એસોસિયેશન ઑવ્ સાઉથ-ઈસ્ટ એશિયન નૅશન્સ(એસિઆન – ASEAN)ની 1967માં રચના કરવામાં આવી.
રક્ષા મ. વ્યાસ