માન્યખેટ : દખ્ખણમાં રાષ્ટ્રકૂટ વંશના સમ્રાટ અમોઘવર્ષે (ઈ. સ. 814–878) બાંધેલી રાજધાની. માન્યખેટ માટે કેટલાક ઇતિહાસકારો ‘માલખેડ’ અથવા ‘માલખેળ’ લખે છે. એ મૂળ શબ્દનું રૂપાંતર થઈ ગયેલું છે. આરબ પ્રવાસીઓએ તેને માટે ‘મોંગીર’ નામ લખ્યું છે. હાલમાં આંધ્રપ્રદેશના ગુલબર્ગ જિલ્લામાં માલખેડ આવેલું છે.
માળવાના પરમાર વંશનો રાજા સિયક રાષ્ટ્રકૂટ પ્રદેશો પર ચડાઈ કરીને ઈ. સ. 972માં માન્યખેટ સુધી પહોંચ્યો હતો. તેણે ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી અને લૂંટ પણ કરી હતી. તે પછી કલ્યાણીના ચાલુક્ય વંશનો સ્થાપક તૈલપ બંડ કરીને દખ્ખણમાં સર્વસત્તાધીશ રાજા બન્યો. તેની રાજધાની ઈ. સ. 993 સુધી આ માન્યખેટમાં રહી હતી.
શિવપ્રસાદ રાજગોર