માનસિક વય : માનસિક વય અથવા માનસિક આયુની સંકલ્પના પ્રથમ વાર ફ્રેન્ચ મનોવિજ્ઞાની બિને(Binet)એ પોતાની પ્રથમ બુદ્ધિ-કસોટીઓ રજૂ કરતાં આપી હતી. 1905ની પ્રથમ આવૃત્તિની મૂળ કસોટીઓની 1908માં થયેલી બીજી આવૃત્તિમાં નકામી જણાયેલી કસોટીઓ કાઢી નાખી બાકીની કસોટીઓને તેણે ઉંમરના ક્રમમાં વહેંચી અને એ રીતે પ્રથમ વય-માપદંડ (age scale) તૈયાર કર્યો. પૅરિસના, 3થી 13 વર્ષની વયનાં, 300 સામાન્ય બુદ્ધિવાળાં બાળકોને એ કસોટી-પ્રશ્નો આપી તેમના ઉત્તરો પરથી તે પ્રશ્નોને વિવિધ વયજૂથોમાં વહેંચ્યા હતા. 3 વર્ષની ઉંમરનાં 80થી 90 ટકા સામાન્ય બાળકો જે પ્રશ્નોના સાચા ઉત્તરો આપી શક્યા હતા તે પ્રશ્નોને તેણે 3 વર્ષ માટે મુકરર કર્યા. એ રીતે 4 વર્ષ માટે, 5 વર્ષ માટે અને એમ 13 વર્ષની ઉંમર સુધી પ્રશ્નોની વહેંચણી કરી તેમને ક્રમમાં ગોઠવ્યા હતા. કોઈ પણ બાળક જેટલાં વર્ષ માટેની કસોટીઓના સાચા ઉત્તર આપી શકે તે ઉપરથી તેના માનસિક સ્તર કે માનસિક વયને નક્કી કરવામાં આવ્યાં. માનસિક વય(mental age)ના ખ્યાલને લીધે બિનેની કસોટીઓ લોકપ્રિય બની, કેમ કે સામાન્ય લોકો પણ પરિણામ સમજી શકતા હતા. જોકે બિનેને પોતાને તો ‘માનસિક સ્તર’(mental level) એ શબ્દપ્રયોગ ‘માનસિક વય’ કરતાં વધુ પસંદ હતો.
1911માં બિનેના મૃત્યુ પછી તેની કસોટીની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તે પછીના એક વર્ષમાં સ્ટર્ન (Stern) નામના મનોવિજ્ઞાનીને લાગ્યું કે માનસિક વય અને સામયિક વય(chronological age)નો ગુણોત્તર લગભગ એકસરખો રહે છે; તેથી તેણે બુદ્ધિમાનાંક(Intelligence Quotient)નો ખ્યાલ રજૂ કર્યો :
(100 વડે ગુણવાનું કારણ અપૂર્ણાંક દૂર કરવા માટેનું હતું.) આમ માનસિક વયને સ્થાને ધીમે ધીમે બુદ્ધિમાનાંકનો ખ્યાલ લોકોના મનમાં સ્થિર થતો ગયો.
સમય જતાં મનોવિજ્ઞાનીઓને લાગ્યું કે બુદ્ધિમાનાંકનો ગુણોત્તર બહુ ઉપયોગી નથી, કેમ કે માનસિક વય સામયિક વયના પ્રમાણમાં વધતી નથી. વળી 15 કે 16 વર્ષ પછી બાળકની માનસિક વય વધતી નથી અને તેથી બુદ્ધિમાનાંક શોધવા વપરાતા ગુણોત્તરને પરિણામે મનુષ્યનો બુદ્ધિમાનાંક (IQ) 16 વર્ષની વય પછી ઝડપથી ઘટતો જાય છે. આથી મનોવિજ્ઞાનીઓએ સામયિક વય 16થી વધુ ન ગણવાનું નક્કી કર્યું એટલે કે 16 વર્ષથી વધુ વયની વ્યક્તિઓનો બુદ્ધિમાનાંક શોધવા સામયિક વય તરીકે 16ને જ ગણવી. જો એમ ન ગણવામાં આવે તો માનસિક વય અને સામયિક વયનો આલેખ સીધી લીટીને બદલે 16 વર્ષ પછી નીચી જતી વક્રરેખારૂપ દેખાય. વળી ઘણા મનોવિજ્ઞાનીઓને એ પણ અનુભવ થયો કે જન્મથી 16 વર્ષ સુધી માનસિક વય અને સામયિક વયનો ગુણોત્તર સ્થિર સંખ્યારૂપે રહેતો નથી અને તે બે વચ્ચે દોરેલો આલેખ સીધી લીટીને બદલે વક્રરેખા બને છે, જેમાં શરૂઆતનાં વર્ષોમાં આલેખની લીટી ઊંચી ને ઊંચી જતી દેખાય, પણ પાછળનાં વર્ષોમાં તે વક્રરેખા બની જાય. એટલે કે બાળકની શરૂઆતની વયમાં તેની બુદ્ધિ ઝડપથી વધતી દેખાય છે, પણ બાળક મોટું થતાં તેની ઝડપ ઘટતી જાય છે અને 15 કે 16 વર્ષ પછી તે વધતી જણાતી નથી.
આ બધાં કારણોને લીધે ધીમે ધીમે મનોવિજ્ઞાનીઓએ માનસિક વય અને સામયિક વયના ગુણોત્તરનો ઉપયોગ છોડી દીધો અને તેને બદલે તેના પ્રાપ્તાંકો પરથી સીધો જ બુદ્ધિમાનાંક શોધવા માટે તેના કોઠાઓ બનાવવા લાગ્યા.
એવું જોવામાં આવ્યું કે બુદ્ધિમાનાંકોની સરાસરી 100 અને પ્રમાણ-વિચલન 15 કે 16 જોવા મળે છે. તેથી કોઈ પણ બુદ્ધિકસોટીઓ પર કોઈ વ્યક્તિના જે પ્રાપ્તાંક મળે તેને 100ની સરાસરી તથા 15 કે 16ના પ્રમાણ-વિચલનમાં બદલી સીધો જ બુદ્ધિમાનાંક (IQ) નક્કી કરી શકાય. હાલ તેથી નવી બુદ્ધિકસોટીઓના રચયિતાઓ પ્રાપ્તાંકો પરથી સીધા બુદ્ધિમાનાંક શોધવાના કોઠા બનાવી કસોટીના સૂચનાપત્રમાં તે મૂકે છે. એટલે કે માનસિક વયનો ખ્યાલ લગભગ છોડી દેવામાં આવ્યો છે.
માનસિક વય બુદ્ધિનો સ્તર દર્શાવે છે. એટલે બુદ્ધિ અંગે થયેલા ઘણા પ્રયોગો માનસિક વયને પણ લાગુ પડે છે. મનોવિજ્ઞાનીઓને ઘણા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું છે કે 15 કે 16 વર્ષ સુધી માનસિક વય અથવા બુદ્ધિનો સ્તર વધે છે અને પછી લગભગ 35 વર્ષની વય સુધી તે લગભગ સ્થિર રહે છે; પરંતુ ત્યારપછી ઉંમર વધતાં માનસિક વય અથવા બુદ્ધિનું સ્તર ધીરે ધીરે ઘટતું જોવા મળે છે. જોકે એ યાદ રાખવું ઘટે કે આ સર્વ પ્રયોગોમાં બુદ્ધિની સપાટી માપવાનું સાધન બુદ્ધિકસોટીઓ છે; જેમાંનું વસ્તુ શાળા-કૉલેજોમાં શીખવાતા વિષયો પર નિર્ભર છે; જ્યારે ઉંમર વધતાં મનુષ્ય શાળા-કૉલેજોમાં શીખેલી બાબતો ભૂલવા માંડે છે. વળી ઉંમર વધતાં બુદ્ધિકસોટીના પ્રશ્નોના ઉત્તર આપતાં સમય પણ વધુ ને વધુ જાય છે, જ્યારે બુદ્ધિકસોટી પરના પ્રાપ્તાંકોમાં સમયની ત્વરાનો પણ સમાવેશ થાય છે. જેમ વ્યક્તિ બુદ્ધિકસોટી પરના પ્રશ્નોના ઉત્તર ઝડપથી આપે તેમ તેના પ્રાપ્તાંક વધે છે. આથી કેટલીક બુદ્ધિકસોટી માટે સમયમર્યાદા પણ રાખવામાં આવતી નથી.
વિવિધ વયના મનુષ્યોની બુદ્ધિ માપવા માટે આપણી પાસે એકસરખો માપદંડ નથી, કેમ કે જેમ ઉંમર વધે તેમ મનુષ્યના અનુભવો પણ વધે છે અને તે બધાને આવરી લેતી કોઈ બુદ્ધિકસોટી હજુ પ્રાપ્ય નથી. નાની વયનાં બાળકો માટેના અને મોટી ઉંમરના મનુષ્યો માટેના પ્રશ્નો એકસરખા હોઈ શકે નહિ. આથી બંને પ્રકારનાં સાધનો એકબીજાં સાથે સરખાવી શકાય નહિ.
વળી માનસિક વય અથવા બુદ્ધિના સ્તરનો આધાર બે બાબતો પર નિર્ભર છે : (1) વ્યક્તિની આનુવંશિકતા (heredity) અને (2) તેનું પર્યાવરણ (environment). આથી જ્યારે કોઈ વ્યક્તિનું પર્યાવરણ બદલાઈ જાય ત્યારે તેના બુદ્ધિકસોટી પરના પ્રાપ્તાંક પણ પરિવર્તન પામે છે. એવા પ્રયોગો પણ થયા છે જેમાં બુદ્ધિમાનાંકમાં 25 પૉઇંટ જેટલો પણ વધારો જોવા મળ્યો છે. વળી વધુ બુદ્ધિમાન વ્યક્તિઓના બુદ્ધિમાનાંકમાં ઓછી બુદ્ધિવાળી વ્યક્તિઓના બુદ્ધિમાનાંક કરતાં વધુ સુધારો જોવા મળે છે. આમ છતાં એમ કહી શકાય કે જે સામાન્ય મનુષ્યોના પર્યાવરણમાં જીવન પર્યંત મોટું પરિવર્તન જોવા મળતું ન હોય તેવા મનુષ્યોના બુદ્ધિમાનાંક સ્થિર રહે છે, એટલે કે તેમાં ખાસ ઘટાડો કે વધારો જોવા મળતો નથી. પરંતુ જો વ્યક્તિના પર્યાવરણમાં મોટો ફેરફાર થાય તો બુદ્ધિકસોટીઓ પરના તેના પ્રાપ્તાંકોમાં મોટો ફેરફાર જોવા મળે છે. એક બાળક ગામડામાં ઊછર્યું હોય તે જો મોટું થતાં શહેરના વાતાવરણમાં ઊછરે તો તેના પર્યાવરણમાં ઘણો ફેરફાર થાય અને પરિણામે તેની બુદ્ધિની સપાટી કે માનસિક વયમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. વળી તે વ્યક્તિ દેશપરદેશ ઘણે સ્થળે ફરે તો તેના પર્યાવરણમાં ખૂબ મોટા ફેરફાર થાય અને તેની બુદ્ધિના સ્તરમાં પણ ઘણો ફેરફાર જોવા મળે.
એક અન્ય બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. વ્યક્તિની પોતાના વ્યવસાયમાં પ્રગતિ અને ધન કમાવાની શક્તિનો આધાર માત્ર તેની બુદ્ધિના સ્તર કે માનસિક વય પર જ નથી, પણ તેના વ્યક્તિત્વનાં સાહસવૃત્તિ, એક જ કાર્યમાં લાંબો સમય ધ્યાન રાખવાની શક્તિ, સત્યપ્રિયતા જેવાં ઘણાં લક્ષણો પર રહે છે.
ગુજરાતમાં ગુજરાતી બાળકોના બુદ્ધિમાપનક્ષેત્રે ગુજરાત યુનિવર્સિટીના દા. જયંતીભાઈ શાહે ઉપયોગી સંશોધન કરી વિશેષ માપનપદ્ધતિ વિકસાવી છે.
કૃષ્ણકાંત ગો. દેસાઈ