માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ

January, 2002

માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ

માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો કાળ. માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના આ કાળને સામાન્ય સમજ માટે વ. પૂ. 50 લાખ ± વર્ષથી 1 કરોડ ± વર્ષના ગાળા દરમિયાન કોઈક કક્ષાએ શરૂ થયેલો ગણાવી શકાય. પ્રાગ્-ઐતિહાસિક કાળ અગાઉના બધા જ માનવ-જીવાવશેષો (હાડપિંજર સ્વરૂપે આખા હોય કે તેના ભાગરૂપ હોય, અસ્થિઓનું ખનિજીકરણ કે જીવાવશેષીકરણ થયું હોય કે ન થયું હોય) પુરાતત્વશાસ્ત્રના સંબંધે નવપાષાણયુગ અગાઉના ગણાય, તેથી તેમને અર્વાચીન માનવ હોમો સેપિયન્સ સેપિયન્સ માટેની ઉત્ક્રાંતિની પરિસ્થિતિના સંદર્ભમાં મૂલવીને જ વર્ગીકૃત કરી શકાય. માનવની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને માનવીય કાળની સમસ્યાના ઉકેલ માટે માનવ-જીવાવશેષોની ખોજની શરૂઆત ઓગણીસમી સદીના પ્રારંભથી થવા માંડી છે અને તે આજ પર્યંત ચાલુ છે. 1856માં જર્મનીમાંથી નીએન્ડરટલ માનવનો અવશેષ મળી આવ્યો તે અગાઉનાં તેમનાં અર્થઘટનો પરથી માનવકાળની શરૂઆતનાં પગરણ ક્યારે મંડાયાં તે જાણકારી મળી શકી ન હતી. જે જે અવશેષો શોધાયા અને પુરાવા મળ્યા તે બધા મોટેભાગે તો યુરોપ અને યુરોપ નજીકના એશિયાઈ ભાગોમાંથી, આફ્રિકામાંથી, ઉત્તર ચીનમાંથી તેમજ જાવા અને ઑસ્ટ્રેલિયામાંથી મળેલા છે. અમેરિકા ખંડ શોધાયો તે અગાઉ ત્યાં ઘણા લાંબા વખતથી રેડ ઇન્ડિયનોનો વસવાટ તો હતો. તેથી તેમના જીવાવશેષો તો પ્રાગ્-અર્વાચીન સમયના જ ગણાય, તે પરથી તેમને ‘હોમો સેપિયન્સ’માં મૂકવા જોઈએ.

માનવજીવાવશેષોનું વયનિર્ધારણ (dating fossil man) : ‘હોમિનિડી’ પર્યાયથી ઓળખાતું માનવકુળ પ્લાયસ્ટોસીન કાલખંડના પ્રારંભથી અસ્તિત્વમાં આવ્યું હોવાનું અગાઉ માનવામાં આવતું હતું, તેને હવે કપિકુળ ‘પૉન્ગિડી’થી અલગ પાડી શકાયું છે અને તેથી માનવકુળને માયોસીન કાલખંડ સુધી વિસ્તારી શકાયું છે. નૃવંશશાસ્ત્રીઓ (anthropologists) દ્વારા વીસમી સદીની શરૂઆતમાં સૈદ્ધાંતિક રીતે આ મત પ્રતિપાદિત થયેલો તે પૂરતા પુરાવાઓ ઉપલબ્ધ ન થઈ શકવાથી 1940–50ના ગાળામાં પડતો મૂકવામાં આવ્યો છે. પ્લાયોસીન અને માયોસીન નિક્ષેપોમાંથી માનવ-જીવાવશેષના પુરાવાઓ મળી રહેતાં વયનિર્ધારણ કરવામાં સરળતા થઈ ગઈ. પ્લાયસ્ટોસીન દરમિયાનના જીવાવશેષોનું વયનિર્ધારણ પ્રણાલિકાગત જીવાવશેષશાસ્ત્રીય અને ભૂસ્તરશાસ્ત્રીય પદ્ધતિઓ દ્વારા, તત્કાલીન માનવોએ ઉપયોગમાં લીધેલાં ઓજારોના સંકલન દ્વારા, સાપેક્ષ વય માટેની રાસાયણિક અને ભૌતિક કસોટીઓ (જેમ કે, અસ્થિઓમાં ફ્લોરિન એકત્રીકરણ માટે ફ્લોરિન-કસોટી, વર્ષોમાં વયગણતરી માટે રેડિયોકાર્બન અને K-Ar જેવી કાળમાપન-કસોટી) દ્વારા તેમજ પ્રાચીન ચુંબકત્વ અને એમીનો ઍસિડ પદ્ધતિઓ દ્વારા કરવાનું અનુકૂળ થઈ પડ્યું છે. કાર્બન-14 પદ્ધતિથી વયનિર્ધારણનું કાલ-વિસ્તરણ 50,000 વર્ષ પૂર્વે સુધી લઈ જઈ શકાય છે, જ્યારે K-Ar પદ્ધતિથી પૃથ્વીની ઉત્પત્તિના કાળ (460 કરોડ વર્ષ) સુધી અતીતમાં લઈ જઈ શકાય છે. [K-40 ક્રમિક રીતે ક્ષય પામતું જઈને Ca-40 અને Ar-40માં રૂપાંતરિત થાય છે. Ar-40 વાયુસ્વરૂપ હોઈને ખનિજોમાં પકડાયેલું રહી શકે છે, સિવાય કે ઉષ્ણતા(લાવાની અસર)ના સંજોગો હેઠળ તે મુક્ત થઈ જાય. ઠંડું પડતાં Ar-40 ખડકોમાં એકત્રિત થતું રહે છે અને તેનું વયમાપન થઈ શકે છે.]

પૂર્વમાનવીય નૃવંશપરંપરા (prehuman ancestry of man) : જો કોઈ પણ રીતે ખોજ કરતાં કરતાં પૂર્વજોના પૂર્વજો તરફ ચાલ્યા જવાય તો પૂર્વમાનવીય વંશપરંપરાનો ખ્યાલ મેળવી શકાય. માનવ એ જૂની દુનિયાના વાનરો, કપિ અને એમના જેવાં વિવિધ વિલુપ્ત સ્વરૂપોને આવરી લેતા સમૂહનો એક ભાગ ગણાતો ‘કૅટેરહાઇન’ (catarrhine) અંગુષ્ઠધારી (primate) છે. આજ સુધીની જાણકારી મુજબના કૅટેરહાઇનના પ્રાચીનતમ પ્રતિનિધિના જીવાવશેષ ઉત્તર ઇજિપ્તના ફાયુમ સ્તરોમાંથી મળેલા છે. તેમનું વય 3 કરોડ વર્ષ આસપાસનું અંદાજાયું છે. આ પૈકીનો સારી રીતે જળવાયેલો ગણાતો અવશેષ ‘ઈજિપ્તોપિથેકસ ઝ્યુક્સિસ’ (Aegyptopithecus zeuxis) છે. તેને કપિ અને માનવ બંનેનાં સંયુક્ત લક્ષણો ધરાવતો સંભવિત માનવ-પૂર્વજ માનવામાં આવે છે. આ પ્રાણી કદમાં બિલાડી જેવડું તેમજ વાનર જેવો દેહ, કપિ જેવા દાંત અને સ્પષ્ટ ખોપરી ધરાવતું હતું, અર્થાત્ તે ઉત્ક્રાંતિપથનાં મિશ્ર લક્ષણોવાળું હતું. પ્રારંભિક માયોસીનમાં એટલે કે વ. પૂ. લગભગ 2.3થી 1.5 કરોડ વર્ષ વચ્ચેના ગાળામાં પૂર્વ આફ્રિકામાંથી મળેલી ‘ડ્રાયોપિથેકસ’-(Dryopithecus)ની અનેક જાતિઓ (species) માનવ-પૂર્વજોના સંબંધીઓ હોવાની રજૂઆત કરે છે. આ કપિ નાના ચિમ્પાન્ઝીથી નાના ગોરીલાના કદના હતા. તેમની ખોપરી લગભગ ચિમ્પાન્ઝીની ખોપરી જેવડી હતી. બાજુના તીક્ષ્ણ (રાક્ષી – canine) દાંત મોટા અને બહાર પડતા હતા, હાથ-પગનાં અસ્થિ ચતુષ્પાદ પ્રાણીઓ જેવાં અને દોડી શકવાની ક્ષમતાવાળાં હતાં; તેમ છતાં આગળના પગની કાર્યક્ષમતા હાથની કક્ષાની પણ હતી, પરંતુ આજના કપિ જેવી અને જેટલી તો ન હતી.

ઑલિગોસીન કાલખંડથી અર્વાચીન સમય સુધીના કાળગાળા દરમિયાન કરવામાં આવેલી ખોજમાંથી ઉપલબ્ધ માનવોના સંભવિત પૂર્વજોની ખોપરીઓ દર્શાવતું માનવ-આનુવંશિકતાનું ચિત્ર

તુલનાત્મક શારીરિક આકારિકી તેમજ પ્રોટીનના આણ્વિક સંશોધન-અભ્યાસ પરથી પ્રાપ્ત પુરાવા એવા અનુમાન તરફ દોરી જાય છે કે માનવના તદ્દન નજીકના વર્તમાન જીવંત સંબંધીઓ આફ્રિકાના ચિમ્પાન્ઝી અને ગોરીલા જેવા કપિઓને ગણી શકાય. આ સમૂહનો સંયુક્તલક્ષણી પૂર્વજ સંભવિતપણે ડ્રાયોપિથેકસ હતો, જેનું વય મધ્ય માયોસીન એટલે કે આજથી 1.7થી 1.5 કરોડ વર્ષ અગાઉના ગાળાનું મૂકી શકાય.

આ સમયગાળામાં જ ડ્રાયોપિથેકસમાંથી સંભવત: ત્રણ ફાંટા ઉત્ક્રાંતિ પામેલા જણાય છે : શિવપિથેકસ (શિવકપિ), જાયગેન્ટોપિથેકસ (મહાકપિ), રામપિથેકસ (રામકપિ). રામપિથેકસની અનેક પ્રજાતિઓ (genus) પૂર્વ આફ્રિકા (કેન્યાપિથેકસ), ભારત (શિવાલિક ટેકરીઓ), ચીન, ટર્કી અને સંભવત: યુરોપમાંથી મળેલી છે. તેમનો કાળગાળો મધ્ય અને અંતિમ માયોસીન(1.4થી 1 કરોડ વર્ષ અગાઉ)નો મુકાયો છે. આ જાતિઓ યુરેશિયામાંથી મળેલી થોડા પશ્ચાત્ સમયની ડ્રાયોપિથેકસ જાતિને સમકાલીન હતી. ડ્રાયોપિથેકસ આજથી 1 કરોડ વર્ષ અગાઉ વિલુપ્ત થઈ ગયેલું જણાય છે. માનવનો રામપિથેકસ સાથે વધુ ગાઢ સંબંધ હોવાનું તેના દાંતના આકાર અને ગોઠવણી પરથી તથા અન્ય દાંતની સરખામણીએ થોડાક બહાર રહેતા, ટૂંકા રાક્ષી દાંત પરથી સમજી શકાય છે. કમભાગ્યે તેના માત્ર દાંત અને જડબાંના ભાગો જ મળેલા છે, ખોપરી કે અન્ય અવયવો(હાથ-પગ)નાં અસ્થિ હજી સુધી મળ્યાં નથી. માનવકડી માટેની સ્પષ્ટતા રજૂ કરતા નમૂના 1 કરોડ અને 60 લાખ વર્ષ વચ્ચેના સમયગાળાના મળ્યા નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન પૂર્વ આફ્રિકામાંથી મળી આવેલા માત્ર બે દાંત પરથી માનવ-ઉત્ક્રાંતિની ખૂટતી કડી જોડી શકાય છે.

પ્લાયોસીન હોમિનિડી (50થી 20 લાખ વર્ષ અગાઉનો કાળ) : પ્લાયોસીન દરમિયાનનો 30 લાખ વર્ષ અગાઉના કાળનો જે માનવ-જીવાવશેષ-સંગ્રહ મળ્યો છે, તેમાંથી સર્વપ્રથમ વાસ્તવિક માનવ-સમકક્ષ ગણી શકાય એવો ‘ઑસ્ટ્રેલોપિથેકસ’નો જીવાવશેષ મળેલો છે. આ ઉપરાંત 60 લાખ વર્ષ જૂનું ગણાતું, એક દાંતવાળું તૂટેલું જડબું મળેલું તથા તેનાથી નવા સમયના કેટલાક અસ્થિટુકડાઓ પણ મળેલા છે; પરંતુ લગભગ આખાં હાડપિંજર જે કંઈ મળ્યાં તે 20થી 30 લાખ વર્ષ જૂનાં હોવાનાં જણાયાં છે. આ ઑસ્ટ્રેલોપિથેકસ મુખ્યત્વે બે પ્રકારોમાં મળી આવે છે : નાજુક (gracile variety) અને ખડતલ (robust variety). આજના જીવંત કપિ અને ઉપલબ્ધ કપિઅવશેષો તેમજ પછીના સમયના અને અર્વાચીન માનવના માનવ-અવશેષોથી આ અવશેષો તફાવત દર્શાવતા હોવા છતાં તેમનાં કેટલાંક પાયાનાં લક્ષણોમાં કડીરૂપ બની રહ્યા છે. તેમનો દેહ લગભગ માનવસ્વરૂપ જેવો જ, લાંબા પગ સહિત સીધી ઊભી ટટ્ટાર અંગસ્થિતિવાળો હતો. ખોપરીની નીચે કરોડસ્તંભ માટેનું મહાછિદ્ર (foramen magnum) જરાક આગળ સ્થિત હતું, દેહના કદની તુલનાએ હોવું જોઈએ તે કરતાં મગજનું કદ મોટું હતું. કટિમેખલા – નિતંબ(pelvis)ની સ્થિતિ દ્વિપાદચલન દર્શાવતી હતી, જોકે તે વર્તમાન સ્થિતિ જેવી તો ન હતી. દંતરચના માનવ જેવી હતી. નર-માદા બંનેમાં રાક્ષી દાંત નાના કદના હતા. દાઢના દાંત પ્રમાણમાં મોટા (બંને પ્રકારોમાં ઓછાવત્તા મોટા) હતા.  તેમના બંને પ્રકારો વર્તમાન મનુષ્ય કરતાં શારીરિક કદમાં નાના હતા, આ લક્ષણો પરથી બંને પ્રકારોને અલગ પાડી શકાય છે.

તેમના સર્વપ્રથમ જીવાવશેષો 1924માં દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા, પરંતુ વધુ અર્વાચીન અને વયના ખાતરીબદ્ધ પુરાવાવાળા અવશેષો તો પૂર્વ આફ્રિકામાંથી પ્રાપ્ત થયેલા છે. દક્ષિણ આફ્રિકી જીવાવશેષો પાંચ સ્થળોએથી મળેલા છે. આ સ્થળો પ્રાચીન ગુફાઓ હોવા છતાં આ હોમિનિડ એ ગુફાઓમાં વસતા ન હતા, પરંતુ તેમનાં હાડપિંજરો ચિત્તા કે અન્ય માંસભક્ષીઓ દ્વારા ત્યાં છોડી જવાયેલાં હતાં. વિશેષે કરીને બે સ્થળોમાંથી તો 50,000 કે તેથી ઓછાં વર્ષ અગાઉના સમયગાળાના ઘણા જીવાવશેષો મળેલા છે, જોકે આ વયનિર્ણય પુરાવાવાળો જણાતો નથી. તે પછીથી, 1959માં મેરી લીકી અને લૂઈ લીકીને ટાન્ઝાનિયાના ઓલ્ડુવાઇ કોતરમાંથી લગભગ સંપૂર્ણ ખોપરી મળી આવી, જેનું વય તેમણે અંદાજે વ. પૂ. 17.5 લાખ વર્ષનું નક્કી કર્યું. ત્યારપછીથી તો અમેરિકી-ફ્રેન્ચ સંયુક્ત ટુકડીએ ઇથિયોપિયાના ઓમો અને અફાર વિસ્તારો ખૂંદીને સેંકડો જીવાવશેષો શોધી કાઢ્યા. કેન્યાની ટુકડીએ ત્યાંના તુર્કાના (જૂનું નામ રૂડૉલ્ફ) સરોવરના પૂર્વ કાંઠે ખોજ-સંશોધન-કાર્ય કર્યું; આમ ઓલ્ડુવાઇની અભ્યાસ-ખોજ ચાલુ રહી. દક્ષિણ આફ્રિકી જીવાવશેષોના સમકાલીન આ નમૂનાઓ વધુ પૂર્ણ અને ઓછા વિરૂપ હતા. ઉલ્લેખનીય બાબત તો એ છે કે આજ પર્યંત, ઑસ્ટ્રેલોપિથેકસના જીવાવશેષો આ વિસ્તારો સિવાય અન્ય કોઈ સ્થળેથી મળી શક્યા નથી. આ નમૂનાઓ અને સ્થળો પરથી પુરાતત્વીય સંશોધનકાર્ય દ્વારા લઘુગોળાશ્મોમાંથી કાપીને કે તોડીને બનાવેલી ચીજો – લસોટવાના ગોળાકાર પથ્થર, ઓજારો અને નાનાં પ્રાણીઓના શિકાર-અવશેષો પણ મેળવાયાં છે (ઑલ્ડોવન સંસ્કૃતિ). સાધનોના પ્રકાર વિશે કંઈ કહી શકાતું નથી, પરંતુ ઓમો ખીણમાંથી ઉપલબ્ધ પુરાવા આપણને આજથી 25થી 30 લાખ વર્ષ પાછળ પ્લાયોસીનના ઉત્તરાર્ધ કાળમાં લઈ જાય છે.

નાજુક પ્રકાર (gracile variety) : ઑસ્ટ્રેલોપિથેકસના મૂળ સામાન્ય પ્રકારના જીવાવશેષો પ્રમાણમાં ઓછા મળેલા છે. મુખ્યત્વે પૂર્વ આફ્રિકા અને કદાચ દક્ષિણ આફ્રિકામાં રહેતા આ કપિમાનવનો સમયગાળો સંભવત: 60 અને 30 લાખ વર્ષ વ. પૂ. વચ્ચેનો મૂકી શકાય. 30થી 25 લાખ વર્ષ અગાઉ તેમાંથી ઉત્ક્રાંત થયેલા બે પ્રકારો જુદા પડે છે : ‘ઑસ્ટ્રેલોપિથેકસ આફ્રિકેનસ’થી ઓળખાતો નાજુક ઉત્ક્રાંત પ્રકાર, તેના મૂળ પૂર્વજથી ખાસ જુદો પડતો નથી. તે દક્ષિણ આફ્રિકાનો વિશિષ્ટ પ્રકાર છે. પૂર્વ આફ્રિકામાં તે ખાસ મળતો નથી એમ જણાય છે. તેનો સમયગાળો વ. પૂ. 30 અને 20 લાખ વર્ષ વચ્ચેનો મુકાય છે. તેની ઊંચાઈ 120થી 150 સેમી., વજન 22.5થી 40.5 કિલોગ્રામ અને મગજનું કદ કંઈક 450 ઘનસેમી. હોવાનું અંદાજાયું છે (તુલના : ચિમ્પાન્ઝી : 45 કિગ્રા. વજન, 350 ઘનસેમી. મગજકદ; ગોરીલા : 135 કિગ્રા. વજન, 500 ઘનસેમી. મગજકદ; માનવ : 67.5 કિગ્રા. વજન, 1,400 ઘન સેમી. મગજકદ). ખોપરી આછા બાંધાવાળી અને ગોળ, ચહેરો આગળ ઢળતો અને દાંત અર્વાચીન મનુષ્યને મળતા જણાય છે. દાંતનું કદ નાના ગોરીલાને સમકક્ષ હોવા છતાં પ્રમાણ માનવીય છે. દાઢોથી સન્મુખ દાંત તરફ આવતાં કદઘટાડો થાય છે. અફાર (ઇથિયોપિયા) પ્રદેશમાંથી મળેલું ખંડિત હાડપિંજર પણ કદાચ આ જ પ્રકાર રજૂ કરે છે, જેમાં નીચલા જડબાનો ભાગ હતો, ખોપરી ન હતી.

ખડતલ પ્રકાર (robust variety) : ઑસ્ટ્રેલોપિથેકસ રૉબસ્ટસ નામથી ઓળખાતા આ પ્રકારને ‘ઑ. બોઇસી’ (A. boisei) અથવા પ્રજાતિ કે ઉપજાતિ મુજબ ‘પૅરાન્થ્રૉપસ’ પણ કહેવાય છે. આ કપિમાનવ વ. પૂ. 22.5 અને 12.5 લાખ વર્ષ વચ્ચેના પ્લાયો-પ્લાયસ્ટોસીન કે તે અગાઉના સમયગાળામાં પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો. કેટલાંક સ્થળોએ તો આ બંને પ્રકારના કપિમાનવનાં અસ્થિ ભેગાં પણ મળી આવેલાં છે. પૅરાન્થ્રૉપસને તેના મોટા કદ, મગજ-દંતરચનાની લાક્ષણિકતાઓ દ્વારા અલગ પાડી શકાય છે. તેની ઊંચાઈ 135–165 સેમી., વજન 36થી 55 કિગ્રા. ભારે સ્નાયુબદ્ધ ભરાવદાર શરીરબાંધો અને મગજકદ આશરે 525 ઘનસેમી. હતું. ઑ. આફ્રિકેનસ કરતાં ખોપરી વધુ મજબૂત અને ઉઠાવદાર હતી, ખોપરીની ઉપલી બાહ્ય સપાટી પર આગળથી પાછળ સુધી જતી ઊપસેલી મધ્યરેખા હતી, કપોલ-અસ્થિ ઊંડાણવાળાં હતાં અને જડબું નીચે તરફ લંબાયેલું હતું. આ લક્ષણો દર્શાવે છે કે તે કઠણ ખોરાક લેતો હતો અને ચાવવા માટેના સ્નાયુઓ મજબૂત હતા. આગલી-પાછલી દાઢના દાંત વધુ પડતા મોટા હતા, સન્મુખ અને રાક્ષી દાંત નાના, સીધા, ઊભા હતા. આ લક્ષણોને કારણે તે નાજુક પ્રકારથી તેમજ અન્ય કપિ અને માનવથી જુદો પડી આવે છે, તેના આગલા દાંત કાપવા ઉપરાંત કચરવાનું, દળવાનું કાર્ય પણ કરતા હતા. ખોપરીનો પાછલો ભાગ સૂચવે છે કે તેનું બે પગે ચાલવાનું વલણ કદાચ ઓછું હતું અને ઝાડ પર ચડવાનું વલણ વધુ હતું.

એકવંશીય અધિતર્ક (single lineage hypothesis) : ખડતલ કપિમાનવનાં લક્ષણો જોતાં તે માનવ-ઉત્ક્રાંતિની ખૂટતી કડી જોડવા માટે થોડો જુદો પડી આવે છે, જ્યારે નાજુક કપિમાનવ વધુ નજીક હોવાનું જણાય છે, એટલે માની શકાય કે માનવ સંભવત: તેમાંથી ઊતરી આવ્યો હોય ! મોટાભાગના સંશોધકોનો આ મત છે. બીજા કેટલાકનું માનવું એવું છે કે નાજુક પ્રકાર માદા હશે અને ખડતલ પ્રકાર નર હશે; જાતિ (species) એક જ હશે. પરંતુ અન્ય બે પુરાવા આ મતથી વિરુદ્ધ જાય છે : (1) ખડતલ પ્રકાર પૈકી 20 લાખ વર્ષ જૂના મોટા (નર) અને નાના (માદા) ખોપરી-જીવાવશેષો પણ તુર્કાના સરોવરને પૂર્વ કાંઠેથી મળ્યા છે, તેથી માદા દક્ષિણ આફ્રિકી નાજુક પ્રકારને સમકક્ષ નથી. (2) દાંતના તફાવતો પણ એક પ્રકાર હોવા માટે બંધબેસતા આવતા નથી. આમ તે એક જ પ્રકાર હોવાની લિંગજાતીય વિચારધારાને સમર્થન મળતું નથી. ગમે તેમ, પણ આ આદિ હોમિનિડના બે પ્રકારને લગભગ સરખી કક્ષામાં મૂકી શકાય ખરા. જે જે તફાવતના મુદ્દા તરી આવે છે તે કદાચ શારીરિક બંધારણના પરિણામરૂપ પણ હોઈ શકે અને તેથી બંનેને ‘ઑસ્ટ્રેલોપિથેકસ’ નામે એક જ પ્રજાતિમાં મૂકવાનું નિષ્ણાતોને વધુ યોગ્ય લાગે છે.

પ્રારંભિક પ્લાયસ્ટોસીન : હોમિનિડ વંશની બીજી એકમાત્ર પ્રજાતિ હોય તો તે ‘હોમો’ છે, જેમાં માનવનો વાસ્તવિક પ્રકાર (true humans) તેમજ પછીનાં બધાં જ સ્વરૂપો(અર્વાચીન સ્વરૂપ પણ)નો સમાવેશ થઈ જાય છે. હોમોના શરૂઆતના નમૂનાની પરખ માટે પ્રાચીન નૃવંશશાસ્ત્રીઓમાં વિવાદ પ્રવર્તે છે. કેન્યા, ઇથિયોપિયા અને ખાસ તો ટાન્ઝાનિયામાંથી છેલ્લે છેલ્લે મળી આવેલા અવશેષોએ આ સમસ્યાને વધુ ગૂંચવણભરી બનાવી દીધી, જે ‘હોમો’ને 30થી 37.5 લાખ વર્ષ જૂનો હોવાનું સાબિત કરે છે. આમ તે જૂના સમયના બને છે અને જાણીતા બનેલા ઑસ્ટ્રેલોપિથેકસ કરતાં પણ તેમને વહેલી અને વધુ ઉત્ક્રાંત કક્ષામાં મૂકી આપે છે. 1976માં સેવાયેલો વૈજ્ઞાનિક ખ્યાલ પાછો અતીત તરફ ડોકિયું કરતો હોવાથી 1964ની લૂઈ એસ. બી. લીકી અને તેના સાથીદારોની સંકલ્પનાને અનુમોદન અને વેગ મળી રહે છે; જેને કારણે આ ખોજથી ઉપલબ્ધ પ્રજાતિને ઓલ્ડુવાઇમાંથી પ્રાપ્ત અનેક નમૂનાઓને આધારે ‘હોમો હેબિલિસ’ – (Homo habilis species) દક્ષમાનવ નામ અપાયું છે. આ પૈકી વિશિષ્ટ ધ્યાન ખેંચતી ખોજ, 18 લાખ વર્ષ જૂની, એક નાના બાળકના નીચલા જડબા વિશેની છે; જેમાં દાંત ઑસ્ટ્રેલોપિથેકસ આફ્રિકેનસને મળતા આવે છે અને ખોપરીનો ખંડિત ભાગ 650થી 700 ઘનસેમી. ક્ષમતાવાળો અંદાજાયો છે. જોકે ઘણા નિષ્ણાતો આ ખોજને નવી જાતિના પુરાવારૂપ ગણતા નથી અને કહે છે કે અહીંના અન્ય નમૂના માનવનો પછીનો પ્રકાર સૂચવતા હોઈ શકે ખરા. નવાં ખોજ-સંશોધનો સૂચવે છે કે પૂર્વ આફ્રિકા અને કદાચ અન્યત્ર વ. પૂ. 15 લાખ વર્ષ અને 20 લાખ વર્ષ કે તેથી વધુ વર્ષ વચ્ચેના સમયગાળામાં હોમોનું આદિ સ્વરૂપ ખરેખર વિકસેલું હોવું જોઈએ. લૂઈ લીકીના પુત્ર રિચાર્ડ લીકીએ તુર્કાનાના પૂર્વ ભાગમાંથી શોધેલા આ જ જાતિના નમૂનાની તપાસ પરથી જણાય છે કે તેના મગજનું કદ 750–800 ઘન સેમી. હતું, ખોપરીનો આકાર ઊંચો અને ગોળાકાર હતો અને દાંત કદાચ મોટા કદના હતા. નજીકમાંથી જ મળેલાં ઊર્વસ્થિ વધુ અર્વાચીન સમયનાં જણાતાં હતાં. તેથી આ ખોપરીનું વય જે પહેલાં વ. પૂ. 30 લાખ વર્ષનું મુકાયેલું, તે એના જેવા ઓલ્ડુવાઇ જીવાવશેષોને આધારે 20 લાખ કે થોડાં વધુ વર્ષનું અંદાજાયું. આ બધા જ નમૂના જો એક જ જાતિના હોય તો તેને હોમો હેબિલિસ જરૂર કહી શકાય, કારણ કે તે ઑ. આફ્રિકેનસ કરતાં મોટા મગજવાળું અને બે પગે ચાલનારું હતું, તેથી આ પ્રકાર વધુ ઉત્ક્રાંત તો હતો જ; પરંતુ તેની દંતરચનાનું માળખું તો એના જેવું જ હોઈ, ફરી એક વાર બીજો મિશ્ર પ્રકાર અહીં મળી રહે છે; તેમ છતાં માનવ-ઉત્ક્રાંતિના વલણમાં અહીં ચાલવાનો પ્રકાર અને બુદ્ધિચાતુર્ય(intelligence)ને કારણે તેમને ‘હોમો’ તરીકે જરૂર ઘટાવી શકાય. આ હકીકત ઑ. આફ્રિકેનસને લાગુ પડતી નથી. ઓલ્ડુવાઇમાંથી મળેલી, હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ હોમો હેબિલિસે બનાવેલી હોવાનું મનાય છે. હોમો હેબિલિસ ઑ. આફ્રિકેનસ જેવા પ્રકારમાંથી 30થી 20 લાખ વર્ષ અગાઉ ઉત્ક્રાંત થયાનું ચોક્કસપણે તો કહી શકાતું નથી. ઑસ્ટ્રેલોપિથેકસનું મહત્વ એટલા માટે છે કે તે પ્રારંભિક ઉત્ક્રાંતિની કક્ષાના શારીરિક આકારને જાળવી રાખી શક્યું છે, જૂનામાં જૂના હોમો કરતાં પછીના સમયના જીવાવશેષોમાં પણ તે લક્ષણ જળવાયેલું રહ્યું છે.

પિથેકૅન્થ્રોપસ કપિમાનવ (ટટ્ટાર ચાલતો હોમો) :  હોમો હેબિલિસ જાતિ પૂર્વ આફ્રિકી પ્રદેશમાંથી મળતો એક વિરલ પ્રકાર છે અને ભૂસ્તરીય ર્દષ્ટિએ તેનો કાળગાળો ટૂંકો છે, પરંતુ તેનો અનુગામી ‘હોમો ઇરેક્ટસ’ સર્વસામાન્ય, બહોળા પ્રમાણમાં વ્યાપક અને લાંબા સમયગાળા સુધી ટકે છે. તેનો સર્વપ્રથમ અવશેષ 1893માં જાવામાંથી મળેલો, જેને પિથેકૅન્થ્રોપસ ઇરેક્ટસ નામ અપાયું. પછીથી ચીન, ઉત્તર આફ્રિકા, સહરાની આજુબાજુ અને સંભવત: યુરોપમાંથી પણ સમકક્ષ અવશેષો મળેલા. તેમને પ્રત્યેકને વિશિષ્ટ પ્રજાતિ-નામો (generic names) તો અપાયેલાં, પરંતુ હવે તે બધા હોમો ઇરેક્ટસની જ સ્થાનભેદે મળેલી ભિન્ન ભિન્ન ઉપજાતિઓ ગણાય છે. તેનું ધડ લગભગ અર્વાચીન દેહપ્રમાણવાળું, બેઠા ઘાટની નીચી અને ઓછી લંબાયેલી ખોપરી, મગજકદ સરેરાશ 1,100 ઘનસેમી. (800થી 1,300 ઘનસેમી. સુધી ચલિત), નાના દાંત, ઑ. આફ્રિકેનસ કે હોમો હેબિલિસ કરતાં ઓછો ઢળતો ચહેરો, મોટી ભવાંધાર, ખોપરીનાં અસ્થિ જાડાં અને ચિબુકનો ભાગ લગભગ નહિવત્ હતાં. તેમના મોટાભાગના અવશેષો સાથે એક્યુલિયન સંસ્કૃતિકાળનાં કુહાડી જેવાં ઓજારો પણ મળેલાં; તેઓ સમૂહમાં રહીને મૅમથ જેવાં મોટાં પ્રાણીઓનો શિકાર કરતા, અગ્નિનો ઉપયોગ કરતા, રહેઠાણ માટે ગુફાઓ પસંદ કરતા……. વગેરે જેવા કેટલાક પુરાવાઓ પણ મળી રહે છે.

પિથેકૅન્થ્રોપસના જૂનામાં જૂના જીવાવશેષો પણ પૂર્વ આફ્રિકામાંથી જ મળે છે. તેમનું વય વ.પૂ. 15થી 10 લાખ વર્ષ અગાઉનું મુકાયું છે. આ હોમો ઇરેક્ટસ આફ્રિકામાંથી 10 લાખ વર્ષ અગાઉ યુરેશિયામાં જઈને વિસ્તર્યા, કદાચ સ્થળાંતરની આ ઘટના માનવો માટે પ્રથમ વારની હતી. આ ઉપરાંત આ જ ગાળામાં ઑ. આફ્રિકેનસની વિલુપ્તિની ઘટના બની. તે માટે વધુ ઉત્ક્રાંત હોમો ઇરેક્ટસ સાથે થયેલી તેમની સીધી કે આડકતરી હરીફાઈ કારણભૂત ગણાય છે. એશિયાઈ જીવાવશેષો જે મળેલા તે આજથી 10 લાખ વર્ષથી માંડીને લગભગ 2.5 લાખ વર્ષ વ. પૂ.ના સમયગાળાના છે. તે બધા આ ગાળામાં વારાફરતી પ્રવર્તેલી હિમકાળની ઠંડી અને આંતરહિમકાળની ગરમ, હૂંફાળી આબોહવાના પ્રાણી-અવશેષો સાથે સંકળાયેલા મળેલા છે. આફ્રિકામાંથી મળેલા તે પછીના અવશેષો તો લગભગ અર્વાચીન છે. યુરોપમાંથી મળેલા માનવસર્જિત સાધનો, ઓજારો, અન્ય ચીજવસ્તુઓ વગેરેના ચોક્કસ પુરાવાઓ વ. પૂ. 10 લાખ વર્ષ અને 5 લાખ વર્ષ વચ્ચેનો સમયગાળો દર્શાવે છે; પરંતુ 3.5 લાખ વર્ષ અગાઉના કોઈ માનવ-અવશેષો મળ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ નથી. આ પૈકીના જૂનામાં જૂના અવશેષો જે મધ્ય અને અગ્નિ યુરોપમાંથી મળ્યા છે, (સ્થળાંતરના સ્થાનભેદને કારણે) તે આફ્રો-એશિયન હોમો ઇરેક્ટસ કરતાં કંઈક અંશે વધુ ઉત્ક્રાંત હોવાનું જણાયું છે.

પ્રાગ્અર્વાચીન હોમો સેપિયન્સ : એ શક્ય છે કે આ કાળમાં યુરોપમાં પ્રવર્તેલી હાડ ધ્રુજાવતી હિમજન્ય આબોહવાએ હોમો સેપિયન્સ તરીકે ઓળખાતા અર્વાચીન (પ્રારંભિક) માનવ-પ્રકારની ઉત્ક્રાંતિ લાવવામાં વેગ આપ્યો હોય. વળી એ પણ એટલું જ શક્ય છે કે અન્ય હોમો સેપિયન્સ પણ ઉત્ક્રાંત થતા ગયા હોય; પરંતુ 5 લાખ અને 1.5 લાખ વર્ષ અગાઉના સમયગાળાના જે માનવ-અવશેષો મળી આવ્યાનું જાણવામાં છે તે યુરોપમાંથી મળેલા છે. લાક્ષણિક હોમો ઇરેક્ટસ ચીન અને આફ્રિકામાંથી મળેલા છે. આ ગાળામાં જ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ (એરાગો – Arago), જર્મની, હંગેરી અને ગ્રીસમાંથી સંખ્યાબંધ ખોપરીઓના ભાગ મળેલા છે. તે બધા દેહકદના પ્રમાણમાં મોટું મગજ, નાના દાંત અને હોમો ઇરેક્ટસ કરતાં ઓછું ખડતલપણું રજૂ કરે છે. આ બધાને આદિ અથવા પ્રારંભિક હોમો સેપિયન્સમાં વર્ગીકૃત કરી શકાય; આ સમય દરમિયાન માનવસમૂહો જૂની દુનિયાના કેટલાક દેશોમાં વિસ્તરી ચૂક્યા હતા અને તેમણે ત્યાં વસતા તેમના પૂર્વજોને પોતાની ઊંચી બુદ્ધિમત્તા અને દક્ષતાથી ત્યાંથી હાંકી કાઢ્યા હતા. તેઓ હજી ઍક્યુલિયન સંસ્કૃતિ કાળનાં સાધનો ઉપયોગમાં લેતા રહેલા, પરંતુ સાથે સાથે વધુ અસરકારક રીતે તે સાધનોનો ઉપયોગ પણ કરતા થયા હતા. 2 લાખ વર્ષ અગાઉ સુધીમાં તો પૃથ્વીના પટ પર માત્ર આ એક જ પ્રકારની જાતિએ પોતાનો પગદંડો અને વર્ચસ્ જમાવી દીધાં હતાં.

આ પછીનાં 1 લાખ વર્ષ માટે પુરાવાઓની અછત વરતાય છે; આમ છતાં એમ કહી શકાય કે હોમો સેપિયન્સના સ્થાનિક પ્રકારો દક્ષિણ આફ્રિકા, અગ્નિ (અને કદાચ ઉત્તર) એશિયા, યુરોપ તેમજ અન્યત્ર અનુકૂળ સ્થાનોમાં વિકસી ચૂક્યા હશે. આ પૈકીનો સારી રીતે જાણવામાં આવેલો પ્રકાર યુરોપ અને નજીકના પૂર્વ ભાગોમાં મળતો નીએન્ડરટલ (Neanderthal) છે અને તેમાં પણ શ્રેષ્ઠ જાત ‘હોમો સેપિયન્સ નીએન્ડરટલેન્સીસ’ છે. તે પશ્ચિમ યુરોપીય પ્રકાર ગણાય છે. વધુ પૂર્વ તરફ પણ અર્વાચીન જાતો ફેલાતી ગયેલી. નીએન્ડરટલ પ્રકારની જાતિ વ. પૂ. 1 લાખ વર્ષ અને 40,000 વર્ષ વચ્ચેના ગાળામાં તેમની ઉત્ક્રાંતિ તેમજ અન્ય બાબતોમાં ઊંચાં શિખરો સર કરતી ગયેલી; એટલું જ નહિ, પરંતુ વાયવ્ય યુરોપની તીવ્ર ઠંડી, અને શુષ્ક આબોહવા સામે પણ ઝઝૂમેલી; અથવા તેમાંથી તેમણે માર્ગ કાઢેલો અને ટકી શકેલી; જે તેમનું બુદ્ધિચાતુર્ય, આવડત અને ક્ષમતાની સાક્ષી પૂરે છે. આ માનવો જૂથમાં રહેનારા; લાંબી, બેઠા ઘાટની ખોપરીવાળા; વિશાળ ચહેરાવાળા; સુંદર દંતરચનાવાળા; આંખ ઉપર ભવાંવાળા અને 1,500 ઘનસેમી. મગજકદવાળા હતા. તેમણે જ મૉસ્ટેરિયન(મધ્ય પુરાપાષણયુગ)ની સંસ્કૃતિમાંથી મળી આવતાં સાધનો બનાવેલાં. તેમણે ક્યારેક ગુફાનિવાસ કર્યો હતો તો ક્યારેક કાષ્ઠ-આવાસો બનાવ્યા હતા. તેઓ રમતોની સ્પર્ધાઓ યોજતા હતા. તેમણે પ્રારંભિક ધર્મ-માન્યતાઓ પણ વિકસાવેલી. તેમના જીવાવશેષો અલ્પ સંખ્યામાં દૂરપૂર્વમાંથી કે દૂરદક્ષિણમાંથી મળે છે, પરંતુ ઓછામાં ઓછી બે, કદાચ ચાર કે વધુ અન્ય માનવજાતો એશિયા અને આફ્રિકામાં અસ્તિત્વ ધરાવતી હતી એમ જણાય છે. આ બધી જ વસ્તી હોમો ઇરેક્ટસથી સ્પષ્ટપણે અલગ છે. પ્રદેશભેદે અને દેશભેદે અલગ અલગ જાતો (tribes) વિસ્તરીને વહેંચાઈ ગઈ છે, તેમ છતાં શારીરિક લક્ષણોના સંદર્ભમાં તો અર્વાચીન માનવ જેવી છે. વર્ગીકરણની ર્દષ્ટિએ તેમને બધાંને હોમો સેપિયન્સની ઉપજાતિ(subspecies)માં વહેંચી શકાય.

દક્ષિણ આફ્રિકાખંડના ઝામ્બિયા(જૂનું નામ રહોડેશિયા)ના બ્રુકન હિલ સ્થાનકેથી એક ખોપરી મળેલી, તેને ‘રહોડેશિયન માનવ’ નામ અપાયેલું છે. એવા જ સમલક્ષણવાળા અવશેષો દક્ષિણ આફ્રિકા (સ્થળ – સલ્દાન્હા) અને ટાન્ઝાનિયા(ઇયાસી સરોવર)માંથી મળેલા છે. આ માનવોએ મધ્ય પાષાણયુગનાં સાધનો/ઓજારો બનાવેલાં. તેમનો સમય વ. પૂ. 1 લાખ વર્ષની આસપાસનો ગણાય છે. ઇન્ડોનેશિયાના મધ્ય જાવામાંથી ‘સોલો માનવ’ (solo-man) તરીકે ઓળખાતા માનવોની બાર જેટલી ખંડિત ખોપરીઓ મળી આવેલી; પરંતુ તેમાં મગજનો ભાગ ખાલી હતો, જે મગજ ખાઈ જવાનો (brain eating) ધાર્મિક (?) વિધિ આચરવો પડતો હોવાનો પ્રબળ પુરાવો આપે છે. ચીનના માપા સ્થળેથી મળેલી ખોપરીનો એકમાત્ર ટુકડો ‘સોલો મૅન’થી તદ્દન જુદો પડે છે. ‘સોલો’ની જેમ જ તેનો સમય પણ નિશ્ચિત થયેલો નથી. આ ત્રણેય પ્રકારો(રહોડેશિયન, ચીની અને જાવા)ને ‘નીએન્ડરટલૉઇડ્ઝ’ અથવા ‘અયનવૃત્તીય નીએન્ડરટલ’ માનવ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આધુનિક જાવાનીઝને અયનવૃત્તીય યુરોપિયન કહેવાય છે તેમ આ ત્રણેય પોતપોતાની રીતે તદ્દન સ્વતંત્રપણે વિકસેલા છે અને હોમો સેપિયન્સ-સેપિયન્સ પ્રારંભિક હોમો સેપિયન્સમાંથી જ સમાંતર રીતે ઉત્ક્રાંતિ પામેલા ગણાય છે.

હોમિનિડ ઉત્ક્રાંતિ કડીનું વંશવૃક્ષ

અર્વાચીન માનવનું વિસ્તરણ : ઊભો સીધો ચહેરો, નાના દાંત, ઊપસેલાં ભવાં, ચિબુક અને ઊંચી ગોળાકાર ખોપરીનાં દૈહિક લક્ષણો ધરાવતા અર્વાચીન હોમો સેપિયન્સ-સેપિયન્સના પ્રારંભિક ઇતિહાસ અને મૂળ ઉત્પત્તિસ્થાનના સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત થતા નથી. પૂર્વ આફ્રિકામાંથી મળેલા કેટલાક અવશેષો આ અંગેનો અપૂરતો અંગુલિનિર્દેશ કરે છે, તેમજ ભૂમધ્ય સમુદ્રની આજુબાજુના દક્ષિણ અને પૂર્વ કાંઠેથી મળેલા અવશેષો અર્વાચીન અને નીએન્ડરટલથી થયેલા મિશ્ર (સંકર) માનવો હોવાનું જે પહેલાં માનવામાં આવતું હતું તેમને પછીનાં સંશોધનો અર્વાચીન માનવની વિલુપ્ત જાતિઓ(races)માં ગોઠવી આપે છે. ઉત્પત્તિસ્રોત અને સ્થાન જે હોય તે, આજથી અગાઉનાં 1 લાખ વર્ષ અને 50,000 વર્ષ વચ્ચેના સમયગાળામાં અર્વાચીન માનવના સીધા પૂર્વજો જૂની દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા. આજથી 40,000થી 35,000 વર્ષ અગાઉના ગાળાની વચ્ચે આ એકમાત્ર માનવસ્વરૂપ હોવાનું જોવા મળે છે. એક એવું પણ સૂચન થયેલું છે કે આજનું અર્વાચીન દેહમાળખું ધરાવતી માનવવસ્તીના સીધા પૂર્વજો ‘નીએન્ડરટલ’ માનવો હતા; મોટાભાગના નૃવંશશાસ્ત્રીઓ એમ પણ વિચારે છે કે જુદી જુદી જાતો અન્યોન્ય ભળવાથી મિશ્ર પ્રજા ઉદભવેલી છે. હોમો સેપિયન્સ-સેપિયન્સનું એકમાત્ર સ્વરૂપ ટકી રહેવાનું સફળ કારણ તેમનાં વધતાં જતાં બુદ્ધિ, ચતુરાઈ અને કૌશલ્ય હોવાનું ગણાય છે; જેના દસ્તાવેજી પુરાવા અંતિમ (ઊર્ધ્વ) પુરાપાષાણયુગનાં વિવિધ સાધનો દ્વારા મળી રહે છે; જેમ કે, પ્રાણીઓના આકારોનાં કોતરકામ, સમય-ગણતરીની પદ્ધતિ અને ગુફાઓમાં કરેલાં રંગીન ભિત્તિચિત્રો તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે.

પ્રારંભિક અર્વાચીન માનવોની જાતોને, ખાસ કરીને યુરોપમાં, જુદાં જુદાં નામ અપાયાં છે; પરંતુ તે તો ગૌણ તફાવતો જ દર્શાવે છે. ક્રો-મૅગ્નૉન અને તેના સમકાલીન માનવો આવશ્યકપણે યુરોપીય પ્રજા હતી, જ્યારે પ્રારંભિક આફ્રિકી પ્રજા દક્ષિણ આફ્રિકાની ગુફાઓમાં રહેતી જણાઈ છે. કિલોર અને મુંગો સરોવર પાસેથી મળેલા અવશેષો પરથી ઑસ્ટ્રેલિયામાં આજથી આશરે 30,000 વર્ષ અગાઉ (?) માનવનો વસવાટ થયેલો હોવાનું જણાય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં થયેલી ખોજનાં તારણો મુજબ હજી ફેરફારને અવકાશ છે. આ વયનિર્ધારણમાં નવી દુનિયાની ઇન્ડિયન વસાહતનું મૂળ ઉત્પત્તિસ્થાન ચોક્કસપણે સાઇબીરિયા હતું, જ્યાંથી તેમણે બેરિંગની સામુદ્રધુનીના ભૂમિસંધાન મારફતે સ્થળાંતર કરીને વસવાટ કરેલો છે. આ માન્યતાને પણ 1997માં પડકારવામાં આવેલી છે. આજથી 20,000 વર્ષ અગાઉના હોવાના ગણાતા ઘણા માનવ-અવશેષો ઉ. અને દ. અમેરિકામાંથી મળેલા છે. વળી ભરોસાપાત્ર વયનિર્ણય કરેલા કેટલાક અવશેષો 50,000 વર્ષ જૂના હોવાનું પણ જણાય છે, જે દર્શાવે છે કે હેરફેર કરવા માટે ત્યારે અનેક ભૂમિસંધાનો હોવાં જોઈએ.

2. માનવીય ઉત્ક્રાંતિના ક્રમબદ્ધ પ્રકારો : આજે માનવોની માત્ર એક જ ઉપજાતિ (subspecies) છે અને તે ‘હોમો સેપિયન્સ-સેપિયન્સ’ નામથી ઓળખાય છે. ‘હોમો’નો અર્થ માનવ અને ‘સેપિયન્સ’નો અર્થ શાણો થાય છે. આ શાણા-વિવેકી માનવને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવેલો છે :

સૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ Kingdom : Animalia
ઉપસૃષ્ટિ બહુકોષી Subkingdom : Metazoa
સમુદાય મેરુદંડી Phylum : Chordata
ઉપસમુદાય પૃષ્ઠવંશી Subphylum : Vertebrata
વર્ગ સસ્તન Class : Mammalia
શ્રેણી કેટેર્હાઇન Series : catarrhini
ગોત્ર અંગુષ્ઠધારી Order : Primata
ઉપગોત્ર પુરુષાભ વાનર Suborder : Anthropoidae
કુળ હોમિનિડી Family : Hominidae
પ્રજાતિ હોમો Genera : Homo
જાતિ હોમો સેપિયન્સ Species : H. sapiens
ઉપજાતિ હોમો સેપિયન્સ સેપિયન્સ Sub species : H. sapiens sapiens

ઉત્ક્રાંતિનાં કારણો : કેનોઝોઇક યુગના પ્રારંભિક તેમજ મધ્ય કાલખંડો દરમિયાન થયેલા ગિરિનિર્માણને કારણે ભૂપૃષ્ઠમાં મોટા પાયા પરના ફેરફારો થયે જવાથી પર્યાવરણીય સંજોગો બદલાતા ગયા. પરિણામે મધ્યજીવયુગી ચતુષ્પાદ પ્રાણીઓ બદલાતી જતી પરિસ્થિતિ દરમિયાન ઉત્ક્રાંતિની અસર હેઠળ આવ્યાં. આ પૈકીનું એક જૂથ અંગુષ્ઠધારીઓનું હતું, જે કીટકભક્ષી પ્રાણીઓમાંથી ઊતરી આવ્યા હોવાનું ગણાય છે. તેઓ ત્યારે ગીચ જંગલોમાં વૃક્ષનિવાસી હતા. વનસ્પતિમાંથી પ્રચુર માત્રામાં ખોરાક મળી રહેતો હતો અને વૃક્ષોને કારણે શિકારી પ્રાણીઓથી રક્ષણ મળી રહેતું હતું. આ જૂથ પ્રોસિમિયન (પૂર્વ-વાનરકક્ષા) તરીકે ઓળખાય છે. પેલિયોસીન કાલખંડ દરમિયાન, વિકસતા અને વિસ્તરતા રહેલા આ જૂથમાંથી ક્રમે ક્રમે વાનરો અને કપિઓ તૈયાર થતા ગયા. તેમનો મુખાગ્રભાગ (snout) સપાટ અને મસ્તક ગોળાકાર બનતાં ગયાં. આંખો સામેના ભાગમાં ગોઠવાતી ગઈ, જેથી તેમની ર્દષ્ટિક્ષમતા વધી. આ ઉપરાંત શિકાર કરવાની, ખાવાની અને પકડવાની ક્રિયાઓમાં પણ આવડત વધી. ઝાડની ડાળીઓ પર ઝૂલવાની સ્થિતિમાંથી અંગસ્થિતિ સીધી થતી ગઈ; એટલું જ નહિ, આંગળાં વડે પકડવાની સ્થિતિમાંથી એક આંગળું અંગૂઠા(pollex)માં ફેરવાયું, આ કારણે આ જૂથ અંગુષ્ઠધારી (Primate) કહેવાયું. માયોસીન સુધીમાં તેમાંથી કપિઓનું એક જૂથ ‘ડ્રાયોપિથેકસ’ અલગ પડ્યું, તેને હોમિનિડના પૂર્વજ તરીકે ઘટાવવામાં આવેલું છે. આ ડ્રાયોપિથેકસમાંથી રામપિથેકસ તથા ઑસ્ટ્રેલોપિથેકસ તૈયાર થયેલા છે. ઑસ્ટ્રેલોપિથેકસ નામના કપિમાનવોને માનવોના જૂનામાં જૂના સંબંધીઓ ગણવામાં આવેલા છે.

ઉત્ક્રાંતિની કક્ષામાં માનવના તદ્દન નજીકના ગણાતા જો કોઈ સંબંધીઓ હોય તો તે પુરુષાભ (માનવસદ્દ્શ) વાનરો અથવા કપિઓ (anthropoid apes) છે. આજે અસ્તિત્વ ધરાવતા કપિઓમાં ગિબન, ઓરાંગ-ઉટાન, ગોરીલા અને ચિમ્પાન્ઝીનો સમાવેશ થાય છે. આ પૈકીના છેલ્લા બે પ્રકારો માનવને વધુ મળતા આવતા નજીકના સંબંધીઓ ગણાય છે. કપિ-સમકક્ષ અંગુષ્ઠધારીઓમાંથી માનવીય વલણ તરફી ઉત્ક્રાંતિ થવા માટે નીચેનાં મુખ્ય પરિબળોને જવાબદાર ગણાવેલાં છે : (1) મગજનો વિકાસ અને વિસ્તૃતિ, (2) નિતંબનો વળાંક ઘટતો જવાનું વલણ, (3) ક્રમશ: પૂર્ણ થયેલી ટટ્ટાર અંગસ્થિતિ અને (4) માનવ-વસ્તીનો વ્યાપક વિકાસ.

અર્વાચીન માનવનું મગજકદ 1,500 ઘનસેમી. જેટલું ગણાય છે, જે આજના કોઈ પણ પુરુષાભ વાનરની ખોપરીની ક્ષમતા કરતાં વધુ છે. મગજના (મસ્તિષ્કના) બંને ગોળાર્ધના કદમાં વિસ્તૃતિ થતી જવાની ક્રિયાને તે માટે કારણભૂત લેખાય છે. ખોપરીનો અગ્રભાગ ધીમેધીમે ઊપસતો જવાથી કપાળ મોટું અને પહોળું થતું ગયેલું છે, ચહેરો સીધી ઊભી સ્થિતિમાં ગોઠવાયો છે, જડબાં દબાતાં જઈને નાના કદનાં થતાં ગયાં છે, રાક્ષી દાંતની લંબાઈ ઘટી છે. મગજકદ વધવાથી બુદ્ધિ, ચતુરાઈ અને કૌશલ્ય વિકસ્યાં છે; તેમાંથી ચહેરા તથા અંગોના હાવભાવ, વિચારોની આપલે અને બોલી ઉદભવ્યાં છે. પૂર્વજોના પૂર્વજો તરફ અતીતમાં જઈએ તો, આજે જેમ કપિઓમાં જોવા મળે છે તેમ, કરોડસ્તંભ જે વાંકો હતો તેમાં ફેરફાર થતો જઈને તેની વક્રસ્થિતિમાં ઘણો ઘટાડો થયો છે. નિતંબના ભાગથી ધડ અને ખભાઓના ભાગથી મસ્તક સીધાં થયાં છે. આજના માનવનો કરોડસ્તંભ ઉપર તેમજ નીચે તરફ થોડો જ વળેલો છે, તે સૂચવે છે કે અંગસ્થિતિ ટટ્ટાર થઈ છે. ચાર પગે ચાલતા કપિઓમાંથી માનવ બે પગે ચાલતો થયો છે. આગલા પગના પંજા અને આંગળાંથી ઝાડની એક પછી એક ડાળીઓ પકડીને ઝૂલતા જવાની કપિઓની આદતને કારણે આગલા પગ ચાલવાની સ્થિતિમાંથી ક્રમે ક્રમે મુક્ત થતા જઈને હાથમાં ફેરવાયા છે. આખા ધડનું વજન પગ પર આવવાથી પગ લાંબા થતા ગયા છે, હાથનો કાર્યપ્રકાર બદલાયો છે. આ બધાં કારણોથી માનવની દ્વિપાદચલનસ્થિતિ વિકસી છે. છેલ્લાં કેટલાંક હજારો વર્ષથી જેમ જેમ બુદ્ધિ, ચતુરાઈ, આવડત અને ઠરેલપણું વિકસતાં ગયાં તેમ તેમ માનવો સમૂહમાં રહેતા થયા અને તેમાંથી કુટુંબભાવના, લાગણીઓ અને અન્યોન્ય જવાબદારીઓ પણ વધ્યાં છે. તથા તેમાંથી જ માનવજાતિઓ (પ્રજાઓ) અલગ પડીને વિસ્તરતી ગયેલી છે.

માનવીય ઉત્ક્રાંતિના પ્રકારો : માનવની દૈહિક અને માનસિક સ્થિતિમાં ક્રમબદ્ધ થતા ગયેલા ફેરફારો મુજબ તેમને કડીબદ્ધ ઉત્ક્રાંતિ-પ્રકારોમાં આ પ્રમાણે ગોઠવવામાં આવેલા છે : ઇજિપ્તોપિથેકસ, ડ્રાયોપિથેકસ, રામપિથેકસ, ઑસ્ટ્રેલોપિથેકસ, પિથેકૅન્થ્રોપસ, સિનાન્થ્રોપસ, હાઇડેલબર્ગ માનવ, નીએન્ડરટલ માનવ, ર્હોડેશિયન માનવ અને ક્રોમૅગ્નન માનવ. ઉત્ક્રાંતિના સંદર્ભમાં જે જે ખોજ-સંશોધન-અભ્યાસ થયાં છે અને જે જાણકારી ઉપલબ્ધ થઈ છે તે મુજબનાં માનવીય લક્ષણોનાં તારણો આ પ્રમાણે છે :

રામપિથેકસ (ભારતીય કપિમાનવ, માયોસીન કાળ) : 1934માં લૂઈ સેમુર બૅઝેટ લીકીને ભારત(હવે પાકિસ્તાન)ની શિવાલિક ટેકરીઓના માયોસીન ખડકોમાંથી કમાનાકાર દંતરચના સહિતનું કપિ-માનવ-જડબું મળેલું. તેને કપિમાનવનું હોવાનું જણાવીને તેણે ‘રામપિથેકસ’ નામ આપ્યું. તેનાં મોટાભાગનાં લક્ષણો કપિ કરતાં જુદાં પડતાં હતાં; અર્થાત્ માનવીય વલણને વધુ મળતાં આવતાં હતાં. તે પછીનાં 25 વર્ષ બાદ લીકીને આફ્રિકામાંથી પણ લગભગ એવું જ જડબું મળેલું, જે રામપિથેકસને સમકાલીન હતું. રામપિથેકસના અવશેષો થોડાક જ અને ટુકડાઓમાં મળેલા હોઈ તેમની અંગસ્થિતિ વિશે ચોકસાઈથી કંઈ કહી શકાતું ન હોવાથી તેને માનવનો જૂનામાં જૂનો પૂર્વજ ગણવા માટે એકવાક્યતા પ્રવર્તતી નથી. માત્ર એટલું જ કહી શકાય છે કે તે ઉત્ક્રાંતિની કક્ષામાં, પછીથી તૈયાર થયેલા ઑસ્ટ્રેલોપિથેકસ કરતાં, ચોક્કસ જૂના વયનો હતો.

વર્તમાન પૂર્વે આશરે 1.4 કરોડ વર્ષથી 80 લાખ વર્ષ વચ્ચેના કાળગાળામાં આ કપિપ્રકાર અસ્તિત્વ ધરાવતો હતો. મોટાભાગના વૈજ્ઞાનિકો એક વાર એવી માન્યતા ધરાવતા હતા કે આ પ્રકાર માનવોનો જૂનામાં જૂનો અને સીધેસીધો પૂર્વજ હતો, પરંતુ હવે ર્દષ્ટિકોણ બદલાયો છે અને વૈજ્ઞાનિકો રામપિથેકસનો માનવો સાથે સંબંધ હોવાનું સ્વીકારતા નથી; તેને બદલે એવા વિચાર સાથે તેઓ સંમત થાય છે કે તે એશિયામાં આજે અસ્તિત્વ ધરાવતા મોટા કદના કપિ ઓરાંગઉટાનનો સંભવિત પૂર્વજ હતો. રામપિથેકસ આછાં જંગલોથી છવાયેલા વિસ્તારોમાં રહેતો હતો અને શિંગો (nuts), મૂળ, બીજ જેવો ખોરાક ખાતો હતો.

અમેરિકી નૃવંશશાસ્ત્રી જ્યૉર્જ ઈ. લૂઈએ રામપિથેકસના અવશેષોની સર્વપ્રથમ ખોજ 1932માં કરેલી. આજે પાકિસ્તાનમાં રહેલા, તત્કાલીન ઉત્તર ભારતના વિસ્તારમાંથી તે વર્ષે તેમને તેનું જડબું અને કેટલાક દાંત મળેલાં. આ અવશેષો ભારતમાંથી ઉપલબ્ધ થયા હોવાથી તેમણે તેને રામના કપિના અર્થમાં રામપિથેકસ નામ આપ્યું. તે પછીથી તો ચીન, ગ્રીસ, હંગેરી, ભારત (અન્ય ભાગ), કેન્યા, પાકિસ્તાન અને ટર્કીમાંથી પણ રામપિથેકસનાં જડબાંના અને દાંતના વધુ અવશેષો મળ્યા છે.

1970–80 દરમિયાન વૈજ્ઞાનિકોએ રામપિથેકસને હોમિનિડમાં વર્ગીકૃત કરેલો. હોમિનિડ એટલે માનવ કે માનવસમકક્ષ પ્રાણીઓથી બનેલા કુળનો સભ્ય. વૈજ્ઞાનિકો માન્યતા ધરાવતા હતા કે રામપિથેકસ આફ્રિકામાં રહેતા હોમિનિડ ઑસ્ટ્રેલોપિથેકસમાં ક્રમે ક્રમે ઉત્ક્રાંત થયેલો. 1970ના દશકામાં રામપિથેકસના પૂર્ણજીવાવશેષો ચીન અને પાકિસ્તાનમાંથી મળી આવ્યા છે. આ અવશેષો સૂચવે છે કે રામપિથેકસ હોમિનિડ નહિ, પણ કપિ જ હતો.

ઑસ્ટ્રેલોપિથેકસ(દક્ષિણ કપિમાનવ)નો કલાકારે તૈયાર કરેલો દેહઆકાર

ઑસ્ટ્રેલોપિથેકસ (પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન કાળ, દક્ષિણનો કપિસમ માનવ : ઑસ્ટ્રેલો=દક્ષિણનું, પિથેકસ= કપિસમ) : 1924માં ડાર્ટ(Dart)ને દક્ષિણ આફ્રિકી પ્લાયસ્ટોસીન ગુફાનિક્ષેપોમાંથી કપિ અને માનવ વચ્ચેની કક્ષાનું બાળકની ખોપરીનું એક સ્વરૂપ મળેલું (મૂળ તે પ્લાયોસીન કાળનું હતું, પરંતુ સ્થાનાંતરિત થઈને પ્લાયસ્ટોસીન નિક્ષેપોમાં જળવાયેલું), જેને ‘ઑસ્ટ્રેલોપિથેકસ’ નામ અપાયું. ત્યારબાદ પુખ્ત વયના કપિ-માનવનાં ખોપરી, થોડા દાંત અને ચહેરાના અસ્થિ-ટુકડા તેમજ નિતંબ અને અન્ય અવયવોનાં અસ્થિ પણ મળેલાં. તેમાં ચહેરો અને ખોપરી કપિનાં હતાં, જ્યારે દાંત માનવીય હતા. રાક્ષી દાંતનું કદ ઓછું હતું. નિતંબ અને અન્ય અવયવોનાં અસ્થિ અંગુષ્ઠધારીઓની લગભગ સીધી અંગસ્થિતિ થઈ હોવાનો નિર્દેશ કરતાં હતાં. 1961–63માં થયેલી ખોજમાંથી સ્થાપિત થયું કે તે જરૂર માનવનો કપિ-માનવની સાથે કડીરૂપે જોડાતો આદિસ્વરૂપ પૂર્વજ હતો; એટલું જ નહિ, તેનામાંથી જ પછીનાં કપિમાનવો તેમજ માનવસ્વરૂપો પણ વિકસેલાં હોવાનું ગણાય છે.

હોમો હેબિલિસ (દક્ષમાનવ) : માનવ-ઉત્ક્રાંતિના ઇતિહાસમાં થઈ ગયેલો સીધી અંગસ્થિતિ ધરાવતો એક માનવ-પ્રકાર. દક્ષમાનવ કપિ અને માનવ વચ્ચે કડીરૂપ પ્રકાર. મોટાભાગના નૃવંશશાસ્ત્રીઓના મત મુજબ ઉત્ક્રાંત માનવ-પ્રકારોમાં આ જૂનામાં જૂનો ગણાય છે. આશરે 20 લાખ વર્ષ અગાઉ આ પ્રાગ્ઐતિહાસિક માનવ આફ્રિકામાં વસતો હોવાનો જીવાવશેષ-પુરાવો મળેલો છે.

હોમો એટલે માનવ અને હેબિલિસ એટલે કૌશલ્ય ધરાવનાર. આ માનવ-અવશેષ સાથે જૂનામાં જૂના પાષાણ-અવશેષો મળેલા હોવાથી આ પ્રમાણેનું નામ અપાયું છે. ખોજ-સંશોધનો પરનો અભ્યાસ સૂચવે છે કે આવાં ઓજારો હોમો હેબિલિસે જ બનાવેલાં.

હોમો હેબિલિસ અવશેષો બ્રિટિશ નૃવંશશાસ્ત્રી મેરી લીકી (લૂઈ લીકીનાં પત્ની) અને તેમના પુત્ર જૉનાથનને 1960માં ટાન્ઝાનિયામાંના ઓલ્ડુવાઇ કોતર ખાતેથી મળેલાં. આ સિવાય હોમો હેબિલિસના અવશેષો કેન્યાના તુર્કાના સરોવર ખાતેથી તથા પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાંથી પણ મળેલા છે. હોમો હેબિલિસનો જૂનામાં જૂનો ખોપરી-અવશેષ 19 લાખ વર્ષ અગાઉનો મળેલો. લૂઈ લીકી અને મેરી લીકીના પુત્ર રિચાર્ડ લીકીને પણ હોમો હેબિલિસનો અવશેષ 1972માં તુર્કાના સરોવર ખાતેથી મળેલો.

1987માં નૃવંશશાસ્ત્રીઓએ હોમો હેબિલિસની ખોપરી અને અવયવોનાં અસ્થિઓની ખોજની વિગતોનો અહેવાલ તૈયાર કરેલો છે. ઓલ્ડુવાઇ કોતર ખાતેની ખોજમાંથી મળેલાં ભુજાસ્થિ, ઊર્વસ્થિનાં  અસ્થિની સરખામણીએ પ્રમાણમાં લાંબાં હતાં. આ પરથી કેટલાક વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે હોમો હેબિલિસ, માનવ કરતાં વધુ કપિ જેવો હતો. વળી તે તેનો ઘણોખરો સમય વૃક્ષો પર વિતાવતો હતો.

ઘણા નૃવંશશાસ્ત્રીઓ માને છે કે હોમો હેબિલિસ ઑસ્ટ્રેલોપિથેકસ જૂથમાંથી ઉત્ક્રાંતિ પામેલો છે. તેનું મગજ ઑસ્ટ્રેલોપિથેકસ કરતાં મોટા કદનું હતું, પરંતુ આજના માનવના મગજના કદની સરખામણીએ અડધા કરતાં થોડુંક મોટું હતું. હોમો હેબિલિસ પૂર્વ આફ્રિકામાં આજથી 15 લાખ વર્ષ પહેલાં તૈયાર થયેલો, જે હોમો ઇરેક્ટસ–સીધી અંગસ્થિતિ ધરાવતો–માનવપ્રકાર હતો. સીધી અંગસ્થિતિધારક માનવો પૈકી તે સંભવત: આદિ કક્ષાનો હતો.

પિથેકૅન્થ્રોપસ (જાવા માનવ, પ્લાયસ્ટોસીન કાળ, પિથેકૉઇડ=કપિ-સમ, ઍન્થ્રોપસ=માનવ : કપિસમમાનવ.) : 1891–92–93ના ગાળામાં ડૉ. ડ્યુ બૉઇસને મધ્ય જાવાના પ્લાયસ્ટોસીન નિક્ષેપોમાંથી ખોપરી-આવરણ, ઊર્વસ્થિ અને બે દાઢનો સમાવેશ કરતા અવશેષો મળેલા. તે માનવસમકક્ષ કપિ હોવાથી આ નામ અપાયેલું છે. આ અવશેષોને વ્યવસ્થિત ગોઠવી તેની દેહરચનાનો અભ્યાસ કરતાં જણાયું કે તે ઑસ્ટ્રેલોપિથેકસ કરતાં નવું પણ અર્વાચીન માનવની ઉત્ક્રાંતિની કક્ષામાંનું આદિસ્વરૂપ હતું. તેની ખોપરીનું કદ આશરે 900થી 1,000 ઘનસેમી. જેટલું હતું, જે ગોરીલાની 580 ઘનસેમી. અને માનવની 1500 ઘનસેમી.ની તુલનામાં મધ્યમ પ્રકારનું ગણાય. બુદ્ધિમત્તાનું પ્રમાણ ઓછું હતું, પરંતુ તેનામાં બોલી શકવાની ક્ષમતા ઉદભવી હોવાનું જણાતું હતું. દેહરચના આ પ્રમાણે જણાતી હતી : મસ્તકનો ઉપલો ભાગ બેઠા ઘાટનો, ભવાંધાર ભારે અને આગળ પડતી, જડબાં મોટાં, મજબૂત, આગળ ધપેલાં, રાક્ષી દાંત પ્રમાણમાં મોટા તથા અન્ય દાંત લગભગ માનવસમકક્ષ હતા. આ લક્ષણો સૂચવે છે કે તે ટટ્ટાર સ્થિતિમાં ભૂમિ પર ચાલતો થયો હતો. તેનું નિવાસસ્થાન જંગલોમાં હતું, પરંતુ જરૂર જણાતાં તે ગુફાઓમાં આશ્રય લેતો થયો હતો. એ પણ શક્ય છે કે પિથેકેન્થ્રૉપસ અગ્નિનો, લાકડાનાં અને પથ્થરનાં ઓજારો તેમજ સાધનોનો ઉપયોગ કરતો થયો હોય !

સિનાન્થ્રોપસ ચીની માનવ, [પેકિન(પેકિંગ)માનવ, પ્લાયસ્ટોસીન કાળ; સિનાઈ=ચીની, ઍન્થ્રોપસ=માનવ] : આ પ્રકારના અવશેષો ચીનમાંથી મળેલા છે. તેની ખોપરી બેઠા ઘાટની પરંતુ ખોપરીનાં અસ્થિની જાડાઈ વધુ હતી, કપાળ આછું ઢળેલું હતું; નીચલું જડબું ચિબુકવિહીન હતું અને રાક્ષી દાંત દળદાર હતા; અર્થાત્ મોટા ભાગનાં લક્ષણો જાવા માનવને મળતાં આવતાં હતાં. જાવા માનવ અને ચીની માનવ – આ બંને ટટ્ટાર અંગસ્થિતિ ધરાવતા હતા. સંભવ છે કે તેઓ પ્લાયસ્ટોસીન કાળમાં સાથે કે એક પછી એક સ્થળાંતર કરીને એશિયાના આ ભાગોમાં આવીને વસ્યા હોય !

હાઇડેલબર્ગ માનવ (જર્મની, પ્લાયસ્ટોસીન પૂર્વાર્ધકાળ) : 1907માં દક્ષિણ જર્મનીના હાઇડેલબર્ગ નજીકના માવર ખાતેની નદીરેતમાંથી આ માનવપ્રકારના કેટલાક અવશેષો મળી આવેલા. જડબું કપિ સમાન ખૂબ ભારે અને દળદાર, રાક્ષી દાંત સહિત બધા જ દાંત વ્યવસ્થિત હરોળમાં એકસરખા મધ્યમ કદના અને માનવ-સમકક્ષ હતા તથા નીચલું જડબું જરાક આગળપડતું હતું. આ લક્ષણો કપિને નહિ, પરંતુ માનવને મળતાં આવે છે. તે પરથી કહી શકાય કે તેની ઉત્ક્રાંતિનું વલણ પિથેકૅન્થ્રોપસ કરતાં ઊંચી કક્ષાનું હતું. એવું માનવામાં આવે છે કે આ માનવો પ્લાયસ્ટોસીનના પૂર્વાર્ધકાળમાં યુરોપમાં છૂટથી વસતા અને ફરતા થઈ ગયા હતા.

નીએન્ડરટરલ માનવના મસ્તક સહિત ચહેરાનો તૈયાર કરેલો આકાર

નીએન્ડરટલ માનવ (યુરોપીય, એશિયાઈ અને આફ્રિકી માનવ, પ્લાયસ્ટોસીનનો તૃતીય આંતરહિમકાળ) : પિથેકૅન્થ્રોપસ કરતાં પછીના બધા જ માનવપ્રકારોને ‘હોમો’ (માનવીય) પ્રજાતિમાં મૂકવામાં આવેલા છે, તેમ છતાં તેને હોમો પૈકી જૂનો ગણવામાં આવે છે. તે પ્લાયસ્ટોસીનના તૃતીય આંતરહિમકાળ દરમિયાન ઉત્ક્રાંત થયો હોવાનું મનાય છે. તેનો સર્વપ્રથમ અવશેષ 1856માં જર્મનીની નીએન્ડર નદીની ખીણમાંથી મળેલો છે. તેનાં દૈહિક લક્ષણો આ પ્રમાણે છે : ખોપરી બેઠા ઘાટની, ચહેરો મોટો, ઉપલું જડબું આગળપડતું, ચિબુક પાછળ દબેલી, ઓછી ઊંચાઈ, બાંધો ખડતલ, ભવાંધાર, ખભા અને મસ્તક ત્રણેય આગળ ઢળેલાં હતાં. ઊર્વસ્થિ વળેલું હોઈ ઢીંચણ પણ આગળ વળેલો રહેતો હતો. પરિણામે ચાલ કઢંગી-વાંકીચૂકી રહેતી હતી. મગજનું કદ વધ્યું હોવાથી સમજ અને વ્યવસ્થાશક્તિ વિકસી હતી. બુદ્ધિચાતુર્ય સરળ, સીમિત હોવા છતાં વિચારોની આપલે કેળવાઈ ચૂકી હતી. પુરાપાષાણયુગીન આ માનવો સંસ્કૃતિમાં વિકસ્યા હતા. તેઓ જરૂરિયાત મુજબ પાષાણમાંથી કાપીને, ઘસીને સાધનો, ઓજારો અને હથિયારો બનાવવામાં કુશળ બન્યા હતા. અગ્નિનો ઉપયોગ સારી રીતે કરતા હતા. તેમનામાં શબને ચકમકની ચીજો તથા તત્કાલીન ઉપયોગમાં લેવાતાં ઘરેણાં સહિત દાટવાની પ્રથા હતી. વાઘ, રીંછ, વરુ, ગેંડો અને મૅમથ જેવાં વિશાળકાય કે હિંસક સમકાલીન પ્રાણીઓને હંફાવીને તેમની સામે પોતાનું રક્ષણ કરીને જીવવાની, ટકી રહેવાની કળા પણ તેઓ શીખી ગયા હતા.

રહોડેશિયન માનવ (ઝામ્બિયા, અંતિમ પ્લાયસ્ટોસીન) : દક્ષિણ આફ્રિકામાં ઉત્ક્રાંત થયેલો, નીએન્ડરટલ માનવને મળતો આવતો પ્રકાર. તેના અવશેષ ઝામ્બિયાના બ્રુકન હિલ વિસ્તાર ખાતેથી મળેલા છે. તેની ખોપરી બેઠા ઘાટની, ખોપરીનો ઉપલો ભાગ સપાટ, ભવાંધાર ભારે અને જડબાં આગળ ધપેલાં હતાં. જડબાંમાં દંતરચના કમાનાકાર હતી. છેલ્લી ડહાપણની દાઢો ચોક્કસપણે અર્વાચીન માનવીય લક્ષણ સૂચવતી હતી. ખોપરીની ક્ષમતા 1,300 ઘનસેમી. જેટલી હતી. અર્વાચીન માનવની તુલનામાં બુદ્ધિચાતુર્ય ઊતરતી કક્ષાનું હતું. અહીં આ પ્રકારના માનવો અંતિમ પ્લાયસ્ટોસીન કાળમાં રહેતા હતા.

ક્રોમૅગ્નોન માનવ (ફ્રાન્સ, અંતિમ પ્લાયસ્ટોસીન કાળ) : પુરાપાષાણયુગના છેલ્લા માનવપ્રકારને આ નામ અપાયું છે અને તેને હોમો (સેપિયન્સ) પ્રજાતિમાં મૂક્યો છે. તેના સર્વપ્રથમ અવશેષ ફ્રાન્સમાંથી મળેલા છે. ખોપરી મોટી પણ સાંકડી, ચહેરો પહોળો, જડબાં જાડાં અને મજબૂત અને ચિબુક સાંકડી હતી. કપાળ ઊંચું અને ભવાંધારો દબેલી હતી. નીએન્ડરટલ માનવની તુલનામાં તેની ખોપરીની ક્ષમતા થોડી વધુ હતી. દંતરચના સ્પષ્ટપણે માનવીય, ઊંચાઈ વધુ અને અંગસ્થિતિ ટટ્ટાર સીધી હતી. આ માનવોનું નિવાસસ્થાન ગુફાઓ અને પહાડોમાં હતું. એ પણ શક્ય છે કે તેમણે તેમનાથી જૂના નીએન્ડરટલ માનવોને હાંકી કાઢ્યા હોય !

સ્વાન્સકૉમ્બે માનવ : આશરે 3.5 લાખ વર્ષ પૂર્વેના સમયગાળાનો માનવ. 1935, 1936 અને 1955માં લંડન પાસે આવેલા સ્વાન્સકૉમ્બે ખાતે વહેતી થેમ્સ નદીના પટના કાંકરાઓ નીચેથી મળી આવેલા ખોપરીના ત્રણ ટુકડાઓ પરથી કહેવાય છે કે તે વિસ્તારમાં આદિમાનવો વસતા હતા. વિજ્ઞાનીઓ માને છે કે તેઓ ત્યાંની જંગલઆચ્છાદિત નદીખીણોમાં રહેતા હતા અને આજે વિલુપ્ત પામેલાં હરણ, હાથી તેમજ હિપ્પોપોટેમસ અને ગેંડાનો શિકાર પણ કરતા હતા. 1933માં દક્ષિણ જર્મનીના સ્ટાઇનહાઇમ ખાતેથી પણ સ્વાન્સકૉમ્બે ખોપરી કરતાં વધુ પૂર્ણ ખોપરી (3.75 લાખ વર્ષ જૂની) મળેલી.

મોટાભાગના વિજ્ઞાનીઓ માને છે કે સ્વાન્સકૉમ્બે અને સ્ટાઇનહાઇમના આ અવશેષો હોમો સેપિયન્સના પ્રારંભિક સ્વરૂપના હોવા જોઈએ; આ માનવોએ સંભવત: 4 લાખ વર્ષ અગાઉ. યુરોપના હાઇડેલબર્ગ માનવને તે વિસ્તારમાંથી હાંકી કાઢ્યા હશે. હાઇડેલબર્ગ માનવ એ હોમો ઇરેક્ટસનું જૂનું સ્વરૂપ ગણાય. પુરાવા કહે છે કે સ્વાન્સકૉમ્બે અને સ્ટાઇનહાઇમમાંથી મળેલી ખોપરીઓ પ્રમાણમાં ઓછી જાડી હતી પરંતુ હાઇડેલબર્ગ માનવ કરતાં કદાચ મોટી હતી.

નર્મદામાનવ (મધ્યપ્રદેશ, અંતિમ પ્લાયસ્ટોસીન કાળ) : ઉપર્યુક્ત માનવપ્રકારો, ઉપરાંત અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે 1988 પહેલાં ભારતીય સર્વેક્ષણ ખાતાના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી અરુણ સોનાકિયાએ મધ્યપ્રદેશના હોશંગાબાદ નજીકના હાથનોરા ખાતેની નર્મદા-ખીણમાંથી એશિયાઈ માનવ-ખોપરીનો એક અવશેષ શોધી કાઢેલો. તેની ક્ષમતા 1,260 ઘનસેમી. જેટલી હતી. આ પ્રકાર જાવા કે ચીની પ્રકારથી અલગ પડે છે. તેની સાથે જ મળેલાં પ્લાયસ્ટોસીનનાં વિલુપ્ત સસ્તન પ્રાણીઓના સમય પરથી તે પ્લાયસ્ટોસીન કાળનો હોવાનું નક્કી થયેલું છે અને તેનું વય વ. પૂ. 1.5 લાખથી 2 લાખ વર્ષ વચ્ચેનું નિર્ધારિત કરવામાં આવેલું છે. પુણે ખાતેની ડેક્કન કૉલેજના જીવાવશેષશાસ્ત્રી ડૉ. જી. એલ. બદામ કહે છે કે આ ખીણમાં ગૌર, ભેંસ અને હરણના જીવાવશેષો મળ્યા છે. અહીં હિપ્પો તથા હાથી (22 ઉપજાતિઓ) પણ વસતા હતા.

આમ માનવ જૂની દુનિયાનું પ્રાણી ગણાય. પ્લાયસ્ટોસીન તથા ઉપઅર્વાચીન સમય દરમિયાન અર્વાચીન માનવ પૃથ્વીના પટ પર સર્વત્ર વિસ્તરી ચૂક્યો હતો.

1. પ્લાયોપિથેકસ. કપિનું પૂર્વસ્વરૂપ. સંભવત: આજના ગિબન જેવો તેનો પૂર્વજ, 2. પ્રોકૉન્સલ. સંભવત: આજના ચિમ્પાન્ઝીનો પૂર્વજ, 3. ડ્રાયોપિથેકસ. મોટા કદનો સર્વપ્રથમ કપિ. સ્થળ : યુરોપ, ભારત અને ચીન, 4. ઓરિયાપિથેકસ : સંભવત: માનવનું પૂર્વજ. માનવવૃક્ષની એક શાખા રૂપે. 5. રામપિથેકસ. સંભવત: માનવનો જૂનામાં જૂનો પૂર્વજ, બહુ જ ઓછા અવશેષો ઉપલબ્ધ. 6. ઑસ્ટ્રેલોપિથેકસ. રામપિથેકસમાંથી 90 લાખ વર્ષ પૂર્વે અલગ પડેલો. બે પગ પર ચાલવાની ટટ્ટાર અંગસ્થિતિ. 7. ઑસ્ટ્રેલોપિથેકસ રોબસ્ટસ. સીધી અંગસ્થિતિ, માનવસમકક્ષ લક્ષણો. ઉત્ક્રાંતિમાં પછીથી વિલુપ્ત. 8. હોમો હેબિલિસ. ઓજારો વાપરનાર જૂનાં માનવસમકક્ષ પ્રાણીઓ પૈકી મોટા કદનો તથા ખોપરીનું કદ પણ મોટું.

9. હોમો ઇરેક્ટસ. આજની આપણી માનવજાતિનો પ્રથમ માનવ. ઘણા ભાગોમાં ફરતો થયેલો. અવયવો આજના જેવા પણ હાથ અને મગજ આદિસ્વરૂપના જૂથમાં રહેવાની આદત. અગ્નિના ઉપયોગની જાણકારી; 10. પ્રારંભિક હોમો સેપિયન. ત્રણ માનવ-અવશેષો સ્વાન્સકૉમ્બે, સ્ટાઇનહામ અને મૉન્ટમૉરિનથી રજૂઆત. અર્વાચીન હોમોસેપિયનનું પ્રથમ ઉદાહરણ; 11. રહોડેશિયન માનવ. હોમો સેપિયન્સની વિલુપ્ત જાતિ. વતન : આફ્રિકા. હોમો ઇરેક્ટસ કરતાં વધુ ઉત્ક્રાંતિ, તેમ છતાં પ્રારંભિક બુશમૅન કરતાં જૂનો. 12. નીએન્ડરટલ માનવ. આજના માનવની ખોપરી કરતાં તેની ખોપરીની ક્ષમતા વધુ હતી. તે વધુ સારી જાતનાં ઓજારો વાપરતો થયો હતો; 13. ક્રો-મૅગ્નોન માનવ. તેણે નીએન્ડરટલ માનવનું સ્થાન લઈ લીધેલું. માત્ર સંસ્કૃતિમાં તે પાછળ હતો. તેણે ગુફા-ચિત્રાંકનો કરેલાં, પાષાણ પર કોતરકામ કરેલું; 14. અર્વાચીન માનવ. ક્રો-મૅગ્નોન માનવ જેવો જ, તફાવત માત્ર સંસ્કૃતિનો તેમજ ખોરાકી-પાકોનું વાવેતર પશુપાલનનો. તે સ્થિર થયો, વસવાટો કર્યા અને તે સંસ્કૃત બન્યો છે.

પ્રાણીશાસ્ત્રી રિચાર્ડ લીકીનાં પત્ની મીવ લીકીએ 1994–95 સુધીમાં આફ્રિકામાં કરેલી ખોજ અને તેનાં તારણો : મીવ લીકીને કેન્યા(આફ્રિકા)ના તુર્કાના સરોવરથી નૈર્ઋત્યમાં 48 કિમી. અંતરે આવેલા કાનાપોઇમાંથી 40 લાખ વર્ષ જૂનાં માનવખોપરી અને હાથ-પગનાં અસ્થિ મળી આવ્યાં હતાં. આ ઉપરાંત તેમને ત્રણ ભેગા દાંત તેમજ કપિ-લક્ષણો ધરાવતું નીચલા જડબાનું દાંતનું આખું ચોકઠું પણ મળ્યાં હતાં. આ અવશેષો સંભવત: કપિ અને માનવ વચ્ચેની ‘હોમિનિડી’ સંક્રાંતિકક્ષાનો નિર્દેશ કરે છે. આ અવશેષ માનવવંશવૃક્ષ પરના સર્વપ્રથમ ઉત્ક્રાંતિ પામેલા ટટ્ટાર અંગસ્થિતિવાળા બેપગા પણ નાનું મગજકદ ધરાવતા માનવનો હતો. મગજનો વિકાસ અને બુદ્ધિચાતુર્ય તો તે પછીથી એટલે કે આજથી 20 લાખ વર્ષ અગાઉ ‘હોમો’ના પ્રારંભ સાથે જોવા મળે છે. મીવ લીકીની ખોજમાં મળેલા આ દાંતને માનવકડી માટેનો જૂનામાં જૂનો અવશેષ ગણાવાયો છે. (હોમિનિડ એટલે માનવવંશવૃક્ષ પરના આપણા જૂનામાં જૂના પૂર્વજો અથવા કપિમાંથી ફંટાયેલા નજીકના સંબંધીઓ).

આ દાંત ત્યાં પથરાયેલા લાવા લઘુગોળાશ્મોના પટમાંથી જડેલા. અહીંનો આખોય પ્રદેશ ભૂસંચલનજન્ય ઘટનાની અસરથી ઉપર તરફ ઊંચકાઈ આવેલા જૂના વયના નિક્ષેપોથી બનેલો છે. એ વખતનાં હોમિનિડ-અસ્થિ આ નિક્ષેપોમાં દટાયાં હશે. વખતોવખત ફૂંકાતાં વર્ષાવાવાઝોડાંથી થતા નિક્ષેપ-ઘસારામાંથી આવા દટાયેલા અવશેષો છૂટા થયા હશે. વળી અહીં જ્વાળામુખી-પ્રસ્ફુટનો દરમિયાન ભસ્મના થર પણ જામેલા મળે છે. ભસ્મમાં રહેલા કિરણોત્સારી દ્રવ્યનું વયનિર્ધારણ થઈ શક્યું છે, જે વ. પૂ. 10થી 30 લાખ વર્ષ વચ્ચેનો પ્લાયો-પ્લાયસ્ટોસીન કાળગાળો સૂચવે છે; પરંતુ ઊંચકાયેલા નિક્ષેપો તો તેના કરતાંયે જૂના લાગે છે. આ કાળગાળા દરમિયાન આ પૂર્વજોનો હોમોમાંથી હોમો સેપિયન્સમાં ફેરવાવા માટે જરૂરી વિકાસ થઈ ચૂક્યો હતો, એટલે આ બાબતો ઉપર્યુક્ત વયનિર્ધારણને યોગ્ય ઠેરવે છે.

નીચલા જડબાના ચોકઠા સહિત ત્રણ દાંત

1994 સુધી તો નિષ્ણાતો પાસે 36 લાખ વર્ષથી વધુ જૂની માહિતી આપતા પુરાવા ન હતા. જાણકારી મુજબ માનવજાતનો જૂનામાં જૂનો મનાતો કપિસમકક્ષ પૂર્વજ ઑસ્ટ્રેલોપિથેકસ અફારેન્સિસ ગણાય છે. 1974માં ઇથિયોપિયાના હડાર નજીકથી ડૉનાલ્ડ જોનસનને એક માદા હાડપિંજરનો કેટલોક ભાગ મળેલો, જેને ‘લૂસી’ નામ અપાયેલું. તેને કપિ જેવા લાંબા હાથ હતા, પરંતુ નિતંબ અને પગનાં અસ્થિ પરથી તેની દ્વિપાદચલનસ્થિતિનો ખ્યાલ મેળવી શકાયેલો. તેનું વય વ. પૂ. 31.8 લાખ વર્ષનું અંદાજેલું છે; પરંતુ આ લૂસીને પણ પૂર્વજો હતા, કારણ કે 1978માં મૅરી લીકી(લૂઈ લીકીનાં પત્ની અને રિચાર્ડ લીકીનાં માતા)ને ટાન્ઝાનિયાના લિટોલીમાંથી જ્વાળામુખી-ભસ્મ પર લૂસીની પ્રજાતિના કોઈ ત્રણ પૂર્વજોનાં પગલાંની છાપ જળવાયેલી મળેલી. મેરીએ તેનું વય વ. પૂ. 35.6 લાખ વર્ષનું નક્કી કરી આપ્યું છે.

હોમિનિડ અને તેનાથી અગાઉના કપિ છેવટે તો કોઈ એક જૂથમાંથી ઊતરી આવ્યા હોવાનું અને તેમના પછીથી ફાંટા પડ્યા હોવાનું જણાય છે. આજે જેમ ચિમ્પાન્ઝી અને ગોરીલા જંગલોમાં વસે છે તેમ આ પ્રકાર પણ જંગલોમાં રહેતો હતો, વૃક્ષો પર તેનો વસવાટ હતો, હાથ(આગલા પગ)ની મદદથી તે ઝૂલ્યા કરતો હતો અને ચારેય પગે વૃક્ષો પર ચઢવાની તેને ટેવ હતી. આવી આદતોવાળા જૂથમાંથી કેટલાક પૂર્વજો વિષમ સંજોગો હેઠળ અલગ પડી જતાં ઉત્ક્રાંતિ પામતા ગયા, પાછલા બે પગ પર ચાલવાની આદત વિકસતી ગઈ…. અને આમ આ કપિજૂથમાંથી હોમિનિડ જુદા પડતા ગયા.

માનવ, ચિમ્પ અને ગોરીલાનાં જનીન (genes) તેમજ રક્ત-પ્રોટીનના તફાવતો પરથી આણ્વિક જીવશાસ્ત્રીઓ અંદાજ મૂકે છે કે આજથી 50થી 70 લાખ વર્ષ અગાઉના ગાળામાં આફ્રિકાના કપિઓમાંથી હોમિનિડનો ફાંટો અલગ પડેલો છે.

1967માં અમેરિકી ટુકડીના અગ્રેસર બ્રાયન પૅટર્સનને તુર્કાના સરોવર નજીકના લોથાગામમાંથી હોમિનિડના નીચલા જડબાનો ટુકડો મળેલો. આ જડબું જે ખડકનિક્ષેપમાં જડાયેલું હતું, તેનું વય વ. પૂ. 56 લાખ વર્ષનું મુકાયું છે; જે ઉપરના અંદાજ સાથે મેળ ખાય છે. તે કાળમાં જંગલો વચ્ચેથી સર્પાકારે વહેતી કોઈ એક મોટી નદીની આજુબાજુ હાથી, ગેંડો, ડુક્કર, જિરાફ, સાબર, ઘોડા અને તીક્ષ્ણ

ત્રણ દાંત : 56 લાખ વર્ષ વ. પૂ. તથા લૂસીના દાંત : નીચલું જડબું

દાંતવાળા વાઘ સહિત વિવિધ માંસભક્ષી પ્રાણીઓ પણ વસતાં હતાં. આ પર્યાવરણ સૂચવે છે કે વ. પૂ. 50થી 70 લાખ વર્ષ વચ્ચેના ગાળાના પૂર્વજોને જંગલોનું આવું પર્યાવરણ પસંદ હતું. તુર્કાના સરોવર ત્યારે આજના કરતાં વધુ મોટું હતું અને આજનું કાનાપોઈનું સ્થળ પાણી નીચે હતું. 42 લાખ વર્ષ સુધીમાં અગાઉ તેમાં નિક્ષેપો ભરાવાથી ક્રમશ: પુરાતું ગયેલું અને તે પછીનાં 2 લાખ વર્ષમાં તે વધુ ખુલ્લું બનેલું. કાનાપોઈમાંથી જે અસ્થિ-ટુકડો મળેલો છે, તેનું વય 41 લાખ વર્ષનું અંદાજાયું છે. આ ઉપરાંત અલિયા ઉપસાગર પરના એક સ્થાનમાંથી 40 લાખ વર્ષ જૂનો બીજો પણ એક અવશેષ મળ્યો છે; વળી ટીમ વ્હાઇટને અરામિસમાંથી 44 લાખ વર્ષ જૂનો અવશેષ મળેલો છે, તેને ‘આર્ડિપિથેકસ રેમિડસ’ નામ આપ્યું છે.

આ બધા અવશેષો પરથી તારણ કાઢી શકાય છે કે આજ સુધીમાં ઉપલબ્ધ અવશેષો પૈકી લોથાગામનો અવશેષ જૂનામાં જૂનો છે. એ 56 લાખ વર્ષ જૂનો હોમિનિડ અવશેષ છે; અર્થાત્ 35 લાખ વર્ષ જૂના ગણાતા લૂસીના વયનિર્ધારણ પરથી 1994ના અભિયાન દ્વારા વધુ અતીતમાં જઈ શકાયું છે. કાનાપોઈ અવશેષ એને 6 લાખ વર્ષ પાછળ, અરામિસ અવશેષ એને 9 લાખ વર્ષ પાછળ અને લોથાગામ અવશેષ એને 21 લાખ વર્ષ પાછળ સુધી લઈ જાય છે. એ રીતે માનવ-અવશેષોની ખોજ અને સંશોધન હજી આજે પણ ચાલુ છે.

નિષ્ણાતોએ તૈયાર કરેલો તત્કાલીન માનવ આકાર

3. માનવીય ઉત્ક્રાંતિનો ઇતિહાસ (હોમો ઇરેક્ટસ) : જાવા(ઇન્ડોનેશિયા)ના ટાપુથી પૂર્વ તરફ લોમ્બોકની સામુદ્રધુની વટાવ્યા પછી, બાલીની નજીક આવેલા લોમ્બોક ટાપુ પરથી આશરે 20 લાખ વર્ષ અગાઉના મળી આવેલા ખોપરી સહિતના થોડાક માનવ-અવશેષો માનવોની ઉત્પત્તિ (અને ઉત્ક્રાંતિ) પર પ્રકાશ પાડે છે.

જૂની દુનિયામાં આશરે 20 લાખ વર્ષ અગાઉના કાળગાળામાં વિસ્તરી ચૂકેલી હોમિનિડ જાતિના માનવની જાવામાંથી મળેલી ખોપરી

હોમિનિડના બે મુખ્ય સમૂહો – ઑસ્ટ્રેલોપિથેકસ અને હોમો ઇરેક્ટસ અર્થાત્ દક્ષિણનો કપિમાનવ અને સીધી અંગસ્થિતિ ધરાવતો માનવ – પૈકી બીજા ક્રમે આવતો હોમો (લૅટિન અર્થ – માનવ) આજથી આશરે 25 લાખ વર્ષ અગાઉ ઉત્ક્રાંતિ પામેલો હોવાનું જણાય છે.

લક્ષણો : ઑસ્ટ્રેલોપિથેકસનું મૂળ વતન આફ્રિકા, દેખાવ કદરૂપો, કદ ઠીંગણું અને બાંધો ખડતલ; જ્યારે હોમો સુડોળ, કદ લંબાઈવાળું, બાંધો પ્રમાણસરનો અને સ્થાન આફ્રિકા, યુરોપ, જાવા, ચીન અને સંભવત: છેલ્લે ઑસ્ટ્રેલિયા. ઉત્ક્રાંતિ પામેલો આ હોમો આફ્રિકાથી સ્થળાંતર કરતો કરતો અહીં ઘણે દૂર ઇન્ડોનેશિયા સુધી પહોંચ્યાને આશરે 10 લાખ વર્ષ થયાં હોવાનો અંદાજ એ વખતે મુકાયેલો, જે પછીથી વયનિર્ધારણપદ્ધતિથી 18 લાખ વર્ષ નક્કી થયો છે. સ્થળાંતર માટે બાલીનો ટાપુ દૂરપૂર્વનું છેલ્લું સ્થાન ગણાતું હોવાની એક સમજ પ્રવર્તે છે. આ અંગે અહીં એક બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે બાલી અને લોમ્બોકના ટાપુઓ વચ્ચે આવેલી લોમ્બોકની સામુદ્રધુનીને આલ્ફ્રેડ રસેલ વૉલેસે એક એવી સીમારેખા તરીકે નિર્ધારિત કરી આપેલી છે, જેમાં ‘બાલી તરફ જે એશિયાઈ વિશિષ્ટ પ્રાણી-પ્રકારો મળી આવે છે, તે લોમ્બોક-ઑસ્ટ્રેલિયા તરફ મળતા નથી; જ્યારે ઑસ્ટ્રેલિયાનાં કાંગારુ એશિયાના વિસ્તારમાં મળતાં નથી, વાઘ બાલી પછીના કોઈ પૂર્વ વિસ્તારમાં જોવા મળતો નથી.’ આ બે ટાપુઓ વચ્ચે ઊંડી ખાઈ આવેલી છે. એ જ રીતે ઉપલબ્ધ માહિતી અનુસાર, એ વખતે આ આદિમાનવો પણ પૂર્વ તરફ વધુમાં વધુ જાવા સુધી જઈ શકેલા. નૃવંશશાસ્ત્રી ઍલન થૉર્નના સર્વેક્ષણ મુજબ ઑસ્ટ્રેલિયાના વિલાન્દ્રા સરોવર-વિસ્તારમાંથી મળેલા માનવ અવશેષો (ઊર્વસ્થિ – femur), ઉપલબ્ધ જાણકારી મુજબ, 37,000 વર્ષથી જૂનાં નથી. થૉર્ન માને છે કે આફ્રિકાથી અન્યત્ર જવા નીકળેલ આદિ હોમો સેપિયન્સ જુદા જુદા વિસ્તારોમાં ફેલાયા પછી જ ક્રમશ: વર્તમાન સ્વરૂપમાં ફેરવાયેલા છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે સીધી અંગસ્થિતિ ધરાવતો માનવ છેલ્લા એક લાખ વર્ષના ગાળા દરમિયાન સેપિયન્સનું સ્વરૂપ પામ્યો છે.

સંશોધન-આધારિત, નિષ્ણાતો દ્વારા પુષ્ટિ પામેલો, હોમિનિડના પ્રારંભથી હોમો સેપિયન્સ-સેપિયન્સની તવારીખ દર્શાવતો માનવ-ઉત્ક્રાંતિનો આલેખ

હોલૅન્ડના યુવાન લશ્કરી ડૉક્ટર યૂજીન ડ્યુ બૉઇસે (Du Bois) કપિ અને માનવ વચ્ચેની ખૂટતી કડી શોધી કાઢવાના એકમાત્ર આશયથી જાવા સુધી 1887માં સમુદ્રસફર ખેડેલી. તેમણે 1891 સુધીમાં જાવાનાં જુદાં જુદાં સ્થળો ખૂંદ્યાં અને ત્યાંના ઈસ્ટ ઇન્ડિયન કેદીઓ પાસે ઉત્ખનન કરાવીને છેવટે ટ્રિનિલ ગામ નજીકની સોલો નદીના એક વળાંક પરથી ખોપરી-આવરણ, ઊર્વસ્થિ અને દાઢનો એક દાંત મેળવ્યાં. માનવ-ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આ અવશેષો તેણે પ્રયોજેલા ‘જાવા-માનવ’ પિથેકૅન્થ્રોપસ (અર્થ : સીધી અંગસ્થિતિધારક કપિમાનવ) નામથી ઓળખાય છે.

જાવા-માનવના અવશેષો

હોમોનું મૂળ ઉત્પત્તિસ્થાન : દુનિયાભરના મોટાભાગના માનવ-ઉત્ક્રાંતિવિદોમાં એવો એકમત પ્રવર્તે છે કે સર્વપ્રથમ હોમિનિડ આફ્રિકાની ભૂમિ પર ઉત્પન્ન થયા અને ઉત્ક્રાંતિ પામ્યા છે. સર્વપ્રથમ માનવજાત તૃણભક્ષી હતી, રહેઠાણોની નજીકમાં મળતી વનસ્પતિ ખાઈને તેઓ જીવતા હતા. પોતાનાં સ્થાનો છોડીને તેઓ વધુ દૂર જતા નહિ. 20 લાખ વર્ષ અગાઉના ગાળામાં હોમિનિડનો એક ભિન્ન માંસભક્ષી પ્રકાર તૈયાર થયો અને ખોરાકની શોધમાં વિચરતો થયો. સીધી અંગસ્થિતિનો ધારક હોમો આ રીતે આફ્રિકા છોડીને યુરોપ અને એશિયામાં ગયો હોવાનું જણાય છે. તે જે જે માર્ગે ફર્યો અને વસ્યો હશે ત્યાં ત્યાં તેણે પોતે બનાવેલાં અને ઉપયોગમાં લીધેલાં સાધનો-ઓજારો છોડ્યાં હશે; તેના અસ્થિ-અવશેષો પણ ત્યાં ત્યાં દટાયાં હશે. આમ સ્થાનભેદે તેના અસ્તિત્વની સાક્ષીરૂપે આ અવશેષો આજે આપણને ખોજ-સંશોધનો રૂપે મળે છે. જૂની દુનિયાનાં ઘણાં સ્થળોએથી ઓજારો રૂપે મળતી ભિન્ન ભિન્ન આકારોમાં બનાવેલી હાથ-કુહાડીઓ તેના પુરાવા છે.

ડ્યુ બૉઇસની જાવા-માનવની ખોજને પગલે તે પછી તો આ ક્ષેત્રે ઘણું કામ થતું રહ્યું છે. 1920 અને 1930ના દાયકાઓમાં આંતરરાષ્ટ્રીય અભિયાનો થયાં છે. ચીનના બેજિંગ નજીકના એક સ્થળેથી પેકિંગ- માનવ –‘સિનાન્થ્રોપસ’નો અવશેષ મળ્યો. 1950 સુધીમાં જાવા-માનવ અને પેકિંગ-માનવનો તુલનાત્મક અભ્યાસ કરી તેમને એક પ્રજાતિમાં મૂકવામાં આવ્યા છે.

1924માં દક્ષિણ આફ્રિકામાંથી સર્વપ્રથમ વાર મળી આવેલ ઑસ્ટ્રેલોપિથેકસ અવશેષ પરથી કહી શકાય કે આફ્રિકાની મહાફાટખીણના પ્રદેશમાં આજથી 41 લાખ વર્ષ અગાઉ આ કપિમાનવો અસ્તિત્વ ધરાવતા હતા. સંભવત: તે બે પગે ચાલતા થયા હોવા છતાં તેમનામાં કપિલક્ષણો પણ હતાં. તે લાંબા હાથ, જાડો નિતંબ અને ચિમ્પાન્ઝી જેવો ચહેરો ધરાવતા હતા. તેમની જ કોઈ એક જાતિ(species)માંથી હોમો ક્રમશ: ઉત્ક્રાંત થયો હોવા પર નિષ્ણાતો ભાર મૂકે છે. ઘણા વૈજ્ઞાનિકો કબૂલે પણ છે કે હોમોની પ્રારંભિક જાતિ આશરે 25 લાખ વર્ષ અગાઉ કદાચ આબોહવામાં થતા ગયેલા ફેરફારોને કારણે ઉદભવી હોય ! એ કાળે ઉત્તર ગોળાર્ધના ઉત્તર ભાગો હિમક્રિયાના સંજોગો હેઠળ આવતા જતા હતા, આફ્રિકામાં પણ વારાફરતી ઠંડી, સૂકી આબોહવાના ફેરફારો મોટા પાયા પર થયે જતા હતા. હોમો ઇરેક્ટસમાં ફેરવાયેલા માનવોને અયનવૃત્તીય આફ્રિકામાં પ્રવર્તતું વધુ શુષ્ક અને ખુલ્લાં ઘાસનાં મેદાનોવાળું ઓછું-વધતું સ્થાયી પર્યાવરણ અનુકૂળ પડી ગયું હતું. 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષો સુધી તો સંશોધકોને તેના આવા અનુકૂલનની જાણ થઈ શકી ન હતી, કારણ કે મોટાભાગના પ્રાપ્ત અવશેષો તો ખોપરીના ટુકડાઓના સ્વરૂપના જ હતા; પરંતુ 1984–85ના વર્ષગાળા દરમિયાન લૂઈ લીકીના પુત્ર રિચાર્ડ લીકીની ટુકડીને ઉત્તર કેન્યાના તુર્કાના સરોવર નજીકથી વર્તમાન પૂર્વે 15.4 લાખ વર્ષ અગાઉનું 12 વર્ષની વયના હોમો ઇરેક્ટસ બાળકનું પૂર્ણ હાડપિંજર મળી આવ્યું. રિચાર્ડ લીકીએ તેને ‘તુર્કાના બાળક’ નામ આપ્યું. આજે તે નાઇરોબીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં છે. તે માંસભક્ષી હતું અને ઑસ્ટ્રેલોપિથેકસ કરતાં જુદું પડતું હતું. રિચાર્ડ લીકીના સહખોજક ઍલન વૉકરની ગણતરી મુજબ એ કાળના આ પ્રકારના પુખ્ત ઉંમરના હોમો ઇરેક્ટસનું મગજકદ આજના એક વર્ષના બાળકના મગજકદ જેવડું હતું, તેમ છતાં તે ચિમ્પાન્ઝીના મગજકદ કરતાં તો બમણું હતું. તુર્કાના બાળકની ખરી વિશેષતા તેના ઊર્વસ્થિની લંબાઈની હતી, તેના પરથી મૂકેલા અંદાજ મુજબ તે મૃત્યુ પામ્યો ત્યારે જ તેની ઊંચાઈ 157.50 સેમી. જેટલી હતી, જો તે પુખ્ત ઉંમરે પહોંચ્યો હોત તો તેની ઊંચાઈ 180 સેમી. કે તેથી વધુ થઈ હોત. આ બાબત સૂચવે છે કે હોમો ઇરેક્ટસે તે વખતે જ તેની ઉત્ક્રાંતિની કક્ષામાં આટલી ઊંચાઈ તો પ્રાપ્ત કરી લીધી હતી. આ બાળકનો નિતંબ સાંકડો હતો, જે તેને સારી દ્વિપાદચલનસ્થિતિ આપતો હતો. આ લક્ષણો પરથી કહી શકાય કે હોમો ઇરેક્ટસ ઊંચો હતો, તેના નિતંબનો ભાગ પાતળો હતો અને ત્યાંના વિષુવવૃત્તીય સ્થાન પર ગરમીના દિવસોમાં પણ તે શિકાર પકડવા માટે દોડી શકવાની સ્થિતિ ધરાવતો હતો. ‘તુર્કાના બાળક’ના અવશેષ પરનો અસ્થિ-અભ્યાસ કહે છે કે તે સવાના પ્રદેશમાં રહેતો હતો. કેટલાકના મત મુજબ તે આજના માનવની ઊંચાઈ ધરાવતો હોવા છતાં તેનામાં બોલવાની ક્ષમતા પૂરેપૂરી વિકસી ન હતી, તેના કરોડરજ્જુના સૌથી નીચેના મણકાનું કોટર તદ્દન નાનું હતું. તેના ચેતાતંત્રે શબ્દોને સાંકળવા માટેની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી ન હતી.

માનવોનું મૂળ વતન : માનવ ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માટે આફ્રિકા ખંડની ભૂમિ અનુકૂળ રહી, પહેલા હોમિનિડ ત્યાં તૈયાર થયા – આ હકીકત માટે સર્વાનુમતિ સધાયેલી છે. જેઓ તૃણાભક્ષી (શાકાહારી) હતા. તેઓ (પ્રારંભિક જાતિઓ) જાણીતી ખાદ્ય વનસ્પતિ મળતી ત્યાં રહેતા હતા તેથી તેઓ મર્યાદિત વિસ્તારમાં વિચરતા હતા. તે પછી એટલે કે 20 લાખ વર્ષ અગાઉ, એક જુદા જ પ્રકારો હોમિનિડ તૈયાર થયો, તે માંસાહારી હતો અને ઘણાં લાંબા વિસ્તારમાં વિચરતો હતો. પેન્સિલવેનિયાના પ્રાચીન નૃવંશશાસ્ત્રી ઍલન વૉકર કહે છે કે માંસ  એ માંસ છે, એક વાર સ્વાદ ચાખો તો પ્રાણીઓના શિકાર કરવા દૂરદૂર જતા રહો છો. એક વધુ માન્ય સિદ્ધાંત એમ કહે છે કે હોમો ઇરેક્ટસ સર્વપ્રથમ માનવ ગણાય જેણે આફ્રિકા બહાર જવાનું સાહસ કરેલું – માર્ગોમાં જ્યાં જ્યાં રહ્યો હશે ત્યાં ત્યાં તેણે તેનાં અસ્થિ અને સ્વનિર્મિત ઓજારો પણ છોડી ગયેલો. (જુઓ કુહાડીઓનાં સ્થળ). આથી જ તો દુનિયાનાં જુદા જુદા સ્થળોમાંથી સરળ રીતે બનાવેલી કુહાડીઓ તેના અસ્તિત્વના પુરાવા રૂપે આપણને મળી આવી છે. ઇન્ડિયાના યુનિવર્સિટીમાં પાષાણનિષ્ણાત નિક રૉયના મત મુજબ કોઈ સ્પષ્ટ અને દેખીતા પુરાવા તો નથી મળતા તેમ છતાં સંશોધન તેમજ સામાન્ય સમજ સ્પષ્ટ કહે છે કે આ કુહાડીઓ જ પ્રાણીઓને ચીરવામાં ઉપયોગ લેવાતી હતી.  તેમ છતાં એમ પણ કહી શકાય કે હોમો ઇરેક્ટસ કદાચ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ન પણ હોય ! વિરોધાભાસી મંતવ્ય એવું પણ પ્રવર્તે છે કે જ્યારે આફ્રિકામાં હોમો ઇરેક્ટસ તૈયાર થયો તે અગાઉ તેનાથી પણ જૂનો હોમો એશિયામાં તૈયાર થઈ ગયો હતો !

ત્રણ હાડપિંજર : તુલના

વિચારશક્તિ, દલીલશક્તિ અને કલ્પનાશક્તિ ધરાવતી  –
‘પુખ્ત વયની સ્ત્રીની અંદાજે તૈયાર કરેલી મુખાકૃતિ’

નિષ્ણાતો કહે છે કે આ તુર્કાના બાળકના સમય સુધીમાં તો તત્કાલીન માનવોએ પ્રાણીઓને મારવાનાં તેમજ અન્ય જરૂરી ઓજારો વિકસાવ્યાં હતાં. તેમાં બંને પંજામાં મજબૂત રીતે પકડી શકાય એવાં, પથ્થરોમાંથી બનાવેલાં, એક તરફ લસોટી, છૂંદી કે કૂટી શકાય એવાં ગોળાકાર તો બીજી તરફ કાપી, તોડી શકાય એવાં અણિયાળાં ધારદાર પથ્થરો તથા કુહાડીઓ જેવાં ઓજારો-હથિયારોનો સમાવેશ થાય છે. આવી હાથ-કુહાડીઓનાં 12 જેટલાં જુદાં જુદાં સ્થાનો તેમજ તેમનાં વય શોધી-જાણી શકાયાં છે. તેમનું વય વ. પૂ. 13.70 લાખથી 17 લાખ વર્ષ વચ્ચેનું મુકાયું છે. ઇથિયોપિયાનું કોન્સોગાર્ડુલા (Konso-Gardula, KGA) આ માટેનું જૂનામાં જૂનું સ્થળ ગણાય છે. તે ઇથિયોપિયા-કેન્યાની સરહદ નજીક આફ્રિકાની મહાફાટખીણમાં આવેલું છે. હાથ-કુહાડીઓનાં સ્થળોની ખોજ ઉપગ્રહીય તસવીરોની મદદથી કરવામાં આવેલી છે. KGAમાંથી મેળવેલી હાથ-કુહાડીઓ પૈકીની એક કુહાડી તો આશરે 5 કિલોગ્રામ વજનવાળી અને 20 સેમી. લંબાઈવાળી હતી. વળી તે ચીજવસ્તુઓને કાપી-તોડી શકે એવી અણિયાળી ધારોવાળી પણ હતી. તે પછીનાં હજારો વર્ષોમાં ઉપયોગમાં લેવાયેલી કુહાડીઓ પણ મળી આવેલી છે.

ઉપરની બાબત સ્પષ્ટ કરે છે કે આ આદિ માનવોમાં હુન્નરકલાની સમજ કેળવાઈ ચૂકી હતી. ખોતરવા માટેનાં આવાં ઓજારો કે સાધનો તેઓ આંગળાંના માપ જેવાં બનાવતા હતા, માત્ર પથ્થરમાંથી જ નહિ, લાકડાં અને હાડકાંમાંથી પણ બનાવતા હતા.

આફ્રિકાના અહીંના ઘાસભૂમિના પ્રદેશોમાં તેમને સમકાલીન હરણ, ભેંસ તેમજ અન્ય મોટા કદનાં ચારો ચરનારાં પ્રાણીઓ પણ વસતાં હતાં. આ માનવો કાપવાનાં અને ખોતરવાનાં સાધનોથી પ્રાણીઓની જાડી, ર્દઢ ચામડી પણ કાપી શકતા હતા, ચાવી શકાય એટલા કદના માંસના ટુકડા કરતા તથા સિંહો કે ચિત્તાઓએ છોડેલા શિકારનાં હાડકાંને તોડીને અંદરનાં પોલાણોમાં રહેલો પોષણયુક્ત રસઅસ્થિમજ્જા (marrow) ખોતરીને કે ચૂસીને આરોગતા. હથિયારો અને ઓજારોને પાસે રાખીને હાથી કે તેના જેવાં મહાકાય પ્રાણીઓની નજીક પણ જતા. રેસાદાર વનસ્પતિયુક્ત ખોરાક ન મળે ત્યારે તેઓ પ્રાણીઓના માંસ પર જીવતા. માંસ અને મૅરો ખાવાથી તેમને વધુ શક્તિ મળી રહેતી. એમ પણ કહેવાય છે કે આવા ખોરાકથી જ તેમના મગજનું કદ વધ્યું અને તેઓ વધુ ચતુર અને કાબેલ બનતા ગયા.

આશરે 9,90,000 વર્ષ અગાઉ કોઈ એક હાથી મૃત્યુ પામેલો એવા એક પ્રાગૈતિહાસિક કાળના પંકસ્થળેથી 400થી વધુ ધારદાર પાષાણ ઓજારો મળ્યાં છે. તે હાથીનાં કેટલાંક હાડકાં પર વિશેષ ઘસરકા પણ જોવા મળ્યા છે, જે એ ભાગમાંનું માંસ કાઢી લીધાનું સૂચવે છે. ગીધનાં ટોળાં તૂટી ન પડે તે માટે, આ માનવો જ્યારે પ્રાણીઓને મારતા, કાપતા ત્યારે તેમને ઘસડીને દૂર સલામત સ્થળે લઈ જતા. હિંસક પ્રાણીઓ આ આદિમાનવોથી દૂર રહેતાં, કારણ કે તેમને પોતાનો શિકાર થઈ જવાની બીક રહેતી હતી.

હોમો ઇરેક્ટસ હાથ-કુહાડીઓ તેમજ અન્ય સાધનો રાખીને નદીઓ કે સરોવરોવાળાં પોતાનાં રહેઠાણોથી શિકાર અર્થે દૂર સુધી જતા. જુદા પર્યાવરણવાળાં સ્થળોમાં અનુકૂળ થવાનું અને વસવાનું વલણ આ રીતે વિકસતું ગયું. આ ઉપરથી એમ કહી શકાય કે વર્તમાન સમયથી 10 લાખ વર્ષ પહેલાં કેટલાંક જૂથોએ આફ્રિકા ખંડ છોડીને અન્યત્ર (એશિયા, યુરોપ) સ્થળાંતર કર્યું હોવું જોઈએ; પરંતુ બર્કલી જીયોક્રોનૉલોજી સેન્ટરના કાર્લ સ્વિશર અને ગાર્નિસ કર્ટિસ (1994) જાવાના 18 લાખ વર્ષ જૂના જ્વાળામુખી-નિક્ષેપોમાંથી મળેલી એક હોમો ઇરેક્ટસ બાળકની ખોપરીનું વયનિર્ધારણ કરીને કહે છે કે ઉપર જણાવેલું 10 લાખ વર્ષનું અનુમાન આપણને ઓછામાં ઓછાં વધુ 8 લાખ વર્ષ પાછળ લઈ જાય છે.

મોટાભાગના વૈજ્ઞાનિકોમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે હોમો ઇરેક્ટસ માત્ર આફ્રિકામાં જ ઉત્ક્રાંત થયો છે અને ઉત્ક્રાંત થયા પછી તેનું સ્થળાંતર થયું છે; પરંતુ સ્વિશર અને કર્ટિસે કરેલું વયનિર્ધારણ કહે છે કે ઉત્ક્રાંતિની કક્ષાની શરૂઆતમાં જ સ્થળાંતરની ઘટના ઘટી હોવી જોઈએ અને તે જાવા સુધી પહોંચ્યો હોવો જોઈએ. જો આ બાબત યથાર્થ ઠરે તો કદાચ એમ પણ કહી શકાય કે હોમો ઇરેક્ટસ અન્યત્ર ક્યાંક પણ ઉત્ક્રાંત થયો હોવો જોઈએ. તો પછી તેણે ત્યાંથી જ આફ્રિકા અને જાવા તરફ સ્થળાંતર કર્યું હોવું જોઈએ; તેમ છતાં કેટલાક નિષ્ણાતો એવી પણ દલીલ કરે છે કે આફ્રિકી અને એશિયાઈ હોમો ઇરેક્ટસ તેમનાં લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે; આ કારણે તેઓ આફ્રિકી હોમો ઇરેક્ટસને ‘હોમો અર્ગાસ્ટર’ (કાર્યરત માનવ – working man) જેવા નામથી જુદો પાડે છે.

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા (yogyakarta) ખાતે આવેલી ગાદજાહ માડા યુનિવર્સિટીના માનવ-અવશેષો માટે ખ્યાતિ પામેલા, તેન્કુ જેકબ ત્યાં સંગૃહીત એક ગાઢા કથ્થાઈ રંગના ખોપરી આવરણ વિષે કહે છે : દ બૉઇસને જ્યાંથી જાવા-માનવનો અવશેષ મળી આવેલો તે સ્થળની નજીકના મોજોકર્તો(Mojokerto)નગર પાસેથી 1936માં આ ખોપરી-આવરણ મળેલું છે. તે માત્ર છ વર્ષની નાની બાળકીનું હતું. જૂનાં અવશેષો પૈકીનું તે એક ગણાય છે. આ અવશેષ સાથે પ્યુમિસ ચોંટેલો મળી આવેલો છે. K–Ar વયનિર્ધારણ-પદ્ધતિ દ્વારા તેનું વય 18 લાખ વર્ષ અગાઉનું નક્કી થયું છે. આ જ સ્થળેથી 1930ના દાયકામાં ઇરેક્ટસના લગભગ 50 જેટલા અવશેષો પણ મળી આવેલા. અહીંના સાંગીરન સ્થળના નિક્ષેપો પૈકીના એક નમૂનાનું વય 16 લાખ વર્ષ પૂર્વેનું મુકાયું છે.

સાંગીરન આલેખ

સાંગીરન થાળામાંના જ્વાળામુખી-નિક્ષેપોના બે થર વચ્ચે રહેલા જળકૃત સ્તરમાંથી 15 લાખ વર્ષ અને 17 લાખ વર્ષ જેટલા જૂના વયના બે માનવ-અવશેષો મળી આવેલા છે. હોમો ઇરેક્ટસના અવશેષો ધરાવતા આ સ્તરનું વય આફ્રિકાના ઓલ્ડુવાઇ કોતરના વય જેટલું જ થાય છે.

બિલ્ઝિંગ્સેબેન આલેખ

બિલ્ઝિંગ્સ્લેબેનમાંથી મળેલા ખોપરીના ટુકડાઓને ગોઠવવાનો પ્રયાસ.
તેની તુલના આફ્રિકાના ઓલ્ડુવાઇ કોતરમાંથી મળેલા હોમો ઇરેક્ટસની પૂર્ણ ખોપરી, આવરણ સાથે

બેજિંગ(ચીન)ના 88 વર્ષની જૈફ વયે પહોંચેલા આદરણીય પુરાતત્વવિદ જિયા લૅન્પો (Jia Lanpo) ચીની માનવ-અવશેષ ‘સિનાન્થ્રોપસ’-(પેકિંગ માનવ)ની ખોજના સાક્ષી છે. ‘એશિયાઈ વિસ્તારમાં પણ માનવ પૂર્વજ હોમો ઇરેક્ટસની ઉત્ક્રાંતિ થયેલી છે’ – એ બાબત માટે તેઓ ગૌરવ અનુભવે છે. અહીંના ઝોકોડિયન (Zhoukoudian) ખાતેથી 1920માં પેકિંગ-માનવની ખોજમાં ખોપરી-આવરણના પાંચ ટુકડા તથા ઇરેક્ટસના અન્ય 40 કે તેથી વધુ અવશેષો મળેલા. 1936માં પણ અહીંથી મળેલા બીજા એક અવશેષને તેમણે માનવ-અસ્થિ તરીકે ઓળખી બતાવેલો. તેઓ કહે છે કે આજે તો ચીનમાં આ જૂના અવશેષોનાં માત્ર ઢાળેલાં બીબાં જ છે; મૂળ અવશેષો તો, 1941માં જ્યારે આ ભાગ જાપાને કબજે કરેલો ત્યારે તે અહીંથી અમેરિકી સૈનિકો મારફતે તાત્કાલિક સહીસલામત અન્યત્ર મોકલી અપાયેલા. જિયા કહે છે, ‘પેકિંગ-માનવ અહીં 4 લાખ વર્ષ પહેલાં રહેતો હતો. માનવતાનાં મૂળ અને સંસ્કારો એશિયામાં વિકસ્યાં છે, આફ્રિકામાં નહિ.’ લગભગ બધા જ વિદ્વાનો તેમના આ વિધાનને સ્વીકારે છે. તેઓ ઉમેરે છે કે ‘હોમિનિડ માત્ર આફ્રિકામાં જ વિકસ્યા છે, એવી માન્યતા તો આફ્રિકામાં ખોજ/સંશોધન-કાર્ય કરતા નિષ્ણાતોએ જ ઊભી કરેલી છે; હા, તેમને ત્યાંથી માનવોના પૂર્વજો વિશે ઘણું બધું ઉપલબ્ધ થયું, એને માટે ના કહી શકાય એમ નથી.’

આફ્રિકા અને ઇન્ડોનેશિયામાં અવશેષો સાથે જેમ જ્વાળામુખી-નિક્ષેપો મળે છે એવા જ્વાળામુખી-નિક્ષેપો ચીનના અવશેષો સાથે મળતા નથી, તેથી તેમના વયનિર્ધારણનો પ્રશ્ન ઊભો થાય છે. આ કારણે અહીં પ્રાચીન ચુંબકીય વયનિર્ધારણ-પદ્ધતિ તથા ઇલેક્ટ્રૉન સ્પિન રેઝોનન્સ જેવી નવી પદ્ધતિ અખત્યાર કરવામાં આવે છે.

યુન્ક્સિયનનો આલેખ

હુબઈ પ્રાંતના યુન્ક્સિયનમાંથી મળેલી હોમો ઇરેક્ટસની બે ખોપરીઓ.
જમણી બાજુ ઉપર ખૂણામાં જ્યિા લેન્પો તેમના પુત્ર સાથે.

1989–90માં હુબઈ પ્રાંતના યુન્ક્સિયન(Yunxian)માંથી માનવ-ખોપરીઓ મળી આવી છે, તેમને હોમો ઇરેક્ટસ તરીકે ઓળખાવવામાં આવી છે અને તેમનું વય ઓછામાં ઓછું 6 લાખ વર્ષનું અંદાજાયું છે. તેમની ભવાંધાર જાવા-માનવ જેવી, કપોલ-અસ્થિ પેકિંગ-માનવ જેવાં અને ચહેરાનું પરિમાણ યુરોપીય માનવ જેવાં જણાયાં છે. આ મિશ્ર લક્ષણો પરથી કહી શકાય કે હોમો ઇરેક્ટસનાં સ્થાનભેદે મળતાં લક્ષણો ધાર્યા કરતાં વધુ વૈવિધ્ય ધરાવે છે, અર્થાત્ તેનામાં આજની જેમ તે વખતે પણ જાતિઓ(races)ના તફાવતો હશે; પરંતુ કેટલાક આ યુન્ક્સિયન અવશેષોને ઇરેક્ટસ કહેવા અંગે શંકા સેવે છે. તે કદાચ હોમો હાઇડેલબર્ગનો પ્રકાર પણ હોય. ચીનમાં પણ હોમો ઇરેક્ટસ અને હોમો હાઇડેલબર્ગ – બંને વિકસ્યા હોય; કારણ કે હોમો હાઇડેલબર્ગ પ્રકારમાંથી જ નીએન્ડરટલ અને હોમો સેપિયન્સ પ્રકારો વિકસ્યા હશે. નીએન્ડરટલ પ્રકાર યુરોપમાં આશરે 2.3 લાખથી 30,000 વર્ષ વચ્ચેના કાળગાળામાં હતો. કેટલાક નીએન્ડરટલને હોમો સેપિયન્સની ઉપજાતિ તરીકે ઘટાવે છે.

એશિયામાંથી સ્થળાંતર કરીને ગયેલા પૂર્વજોના બે સ્પષ્ટ પ્રકારો પડે છે. તેમના
અવશેષો ખડતલ પ્રકાર અને નાજુક પ્રકારો વધુ દક્ષિણ તરફ જઈ પહોંચેલા

દુનિયાભરનો પ્રાચીનતમ કલાનમૂનો : ઉત્તર ઑસ્ટ્રેલિયાના પથ્થર પર કોતરેલી ભાત. જિન્મિયમ ખાતે મળેલ કાંગારુ જેવી આકૃતિનું ચિત્રણ આ કલાનમૂનો દર્શાવે છે કે તત્કાલીન લોકોએ તેમની સંસ્કૃતિને પાષણ ઉપર  ઉતારી છે. કદાચ તેઓ હોમો ઇરેક્ટસથી વધુ પ્રગતિશીલ હતા, પરંતુ તેમને વિશે વધુ જાણકારી મળી શકી નથી. તેઓ એશિયાના માર્ગે અહીં સુધી આવ્યા હશે.

ક્યારે ઇરેક્ટસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું અને ક્યારથી હોમો સેપિયન્સ ઉત્ક્રાંત થઈ ગયો તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન્સ કદાચ સાથે સાથે પણ વિકસ્યા હોય ! હોમો સેપિયન્સ આફ્રિકામાં 1 લાખથી 2 લાખ વર્ષના ગાળામાં તૈયાર થયા હોય અને ઓછામાં ઓછાં 60,000 વર્ષ પહેલાં ઇન્ડોનેશિયા પહોંચ્યા હોય અને ત્યાંથી તે વૉલેસ રેખા વટાવીને ઑસ્ટ્રેલિયા પણ પહોંચ્યા હોય ! રહીસ જૉન્સ, માઇક સ્મિથ અને રિચાર્ડ રૉબર્ટ્સ જેવા સંશોધકોએ ઑસ્ટ્રેલિયામાંથી વર્તમાન પૂર્વેથી 60,000 વર્ષ પાછળ તરફ જઈ શકાય એવો, માનવોના અર્વાચીન વલણનો પુરાવો મેળવ્યો છે. કૅનબરા યુનિવર્સિટીની પ્રયોગશાળામાંથી સ્મિથ ઉચ્ચ કક્ષાનું હેમેટાઇટ ખનિજ બતાવીને જણાવે છે કે પ્રાચીન લોકો હેમેટાઇટનું લાલ રંગનું ગેરુ જેવું ચૂર્ણ બનાવીને ઉત્સવ વખતે તેમનાં શરીરોને રંગતા અથવા શરીર પર તેનાથી ભાત પાડતા તેમજ ભીંતો પર ચિત્રો બનાવતા. ઉત્તર ઑસ્ટ્રેલિયાની ગુફાઓમાંથી હેમેટાઇટમાંથી બનાવેલી રંગશલાકાઓ પણ મળી આવેલી છે. રૉબટર્સે ઢંકાયેલી આવી શલાકાઓનું વય પ્રકાશીય સંવર્ધિત તાપદીપ્તિ જેવી નવી પદ્ધતિ (જેમાં દટાઈ ગયેલી હસ્તકારીગરીની ચીજોએ છેલ્લો સૂર્યપ્રકાશ ક્યારે જોયો હશે તેના આધારે વયનિર્ણય કરવામાં આવે છે) દ્વારા 53,000 અને 60,000 વર્ષનું મૂકી આપ્યું છે.

જિન્મિયમનો આલેખ

ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે આવેલા ઑસ્ટ્રેલિયન મ્યુઝિયમના પુરાતત્વવિદ રિચાર્ડ ફુલાગર જણાવે છે કે વાયવ્ય ઑસ્ટ્રેલિયાની ખડકભીંતોમાં તથા ગુરુગોળાશ્મો(boulders)માં હજારોની સંખ્યામાં ગોળાકાર કલાત્મક ખાડા જોવા મળે છે. તેમણે તેમનું વય વર્તમાન પૂર્વે 75,000 વર્ષનું અંદાજ્યું છે. આ વયનિર્ધારણ ફ્રાન્સમાં જોવા મળેલાં જૂનામાં જૂનાં ગણાયેલાં ગુફાચિત્રોના વય કરતાં બમણું થાય છે. ઑસ્ટ્રેલિયાના આ ગોળાકારોના તળ-ભાગ હેઠળ દટાયેલાં પાષાણ-ઓજારો અને ગેરુ તો કદાચ તેનાથી પણ જૂનાં હોય ! ગેરુનું વય 1,16,000 વર્ષનું અને પાષાણ-ઓજારોનું 1,76,000 વર્ષનું હોઈ શકે છે. એટલે, વૈજ્ઞાનિકોએ જે ધારણા મૂકેલી કે હોમો સેપિયન્સ દરિયાઈ સફર કરવાની રીત જાણતો ન હતો અને 50,000 વર્ષ પહેલાં તે ઑસ્ટ્રેલિયા જઈ શક્યો નથી, તે બાબત આ ખોજથી યોગ્ય ઠરતી નથી. વળી ઇન્ડોનેશિયાના ફ્લોરિસ ટાપુ પર આશરે 7 લાખ વર્ષ જૂના ખડકસ્તરમાં, હાથીની એક વિલુપ્ત જાતિનાં દટાયેલાં અસ્થિઓ નજીક પાષાણ-ઓજારો પણ જોવા મળેલાં છે. આથી વૉલેસ રેખાને વટાવીને આટલા જૂના કાળમાં કોઈ પ્રાણીની (કે માનવોની) અવરજવર થતી ન હતી એવી માન્યતા પણ હવે ફેરવિચારણા માગી લે છે.

4. યુરોપમાં માનવ-વસવાટનો પ્રારંભ, તેમની તવારીખ અને પ્રવૃત્તિઓ : યુરોપમાં જૂનામાં જૂનો માનવ (નીએન્ડરટલ) આશરે 3 લાખ વર્ષ અગાઉના સમયગાળામાં અસ્તિત્વ ધરાવતો હતો તેની માહિતી જૂનાં સંશોધનો દ્વારા ઉપલબ્ધ થઈ ચૂકેલી છે. ઇટાલી (સિપ્રાનો), ફ્રાન્સ (ઍરાગો), સ્પેન (ગ્રેન ડૉલિના, વેન્ટા મિસેના), જર્મની (માવર, બિલ્ઝિંગ્સ્લેબેન, શોનિન્જન) તથા ઇંગ્લૅન્ડ (બૉક્સગ્રોવ) ખાતે છેલ્લે છેલ્લે થયેલાં સંશોધનો યુરોપમાં માનવ-વસવાટની તવારીખને આશરે 9થી 10 લાખ વર્ષ પૂર્વેના અતીતમાં લઈ જાય છે.

ઇટાલીના રોમથી અગ્નિકોણમાં 88 કિમી.ને અંતરે આવેલા સિપ્રાનો નગર નજીકથી પસાર થતા નવા બંધાયેલા માર્ગ માટે ખોદેલી માટીના ઢગલાઓમાંથી સંશોધકોને 1994ના માર્ચમાં અને 1996ના મેમાં માનવ-હાડકાંના થોડાક ટુકડા મળી આવેલા. ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હ્યૂમન પેલિયૉન્ટૉલોજીના સંશોધકો તે પૈકીના 4 સેમી. લંબાઈના એક અસ્થિ-ટુકડાને માનવની પ્રારંભિક પ્રજાતિ ‘હોમો’માં મૂકે છે. તેનું વય તેઓ વર્તમાન પૂર્વે 8થી 9 લાખ વર્ષ અગાઉનું સૂચવે છે અને તેને યુરોપિયન હોમો ઇરેક્ટસ તરીકે ઓળખાવે છે. તેમણે ‘સિપ્રાનો માનવ’ તરીકે તેનું નામાભિધાન પણ કર્યું છે; એટલું જ નહિ, આ અવશેષ પરથી યુરોપમાં સ્થળાંતર કરીને આવેલાં માનવજૂથો પૈકી તેને જૂનામાં જૂના માનવ તરીકે પણ ઓળખાવે છે.

માનવ-ઉત્ક્રાંતિનો આલેખ

ઇટાલીના રોમથી અગ્નિકોણમાં 88 કિમી. અંતરે નવા રસ્તા પરની ખોદાયેલી
માટીમાંથી 1994 અને 1996માં માનવ અસ્થિના ટુકડા મેળવાયેલા સ્થળનું ર્દશ્ય.

7 લાખ વર્ષ અગાઉનો યુરોપનો (તર્કમાન્ય) નકશો, ઉપલબ્ધ ઓજારો, વિસ્તૃત કરેલી તત્કાલીન કિનારા-રેખા, હિંસક પ્રાણીઓ; જિબ્રાલ્ટર અને સિસિલી થઈને તીરથી દર્શાવેલા સંભવિત માર્ગો. હિમયુગ હતો ત્યારે સમુદ્રસપાટી નીચે ગયેલી હતી, આફ્રિકા અને સ્પેન નીચેના સ્તરે  જોડાયેલાં હતાં. તીક્ષ્ણ દાંતવાળાં વાઘ અને જરખ પણ આવ્યાં હતાં.

માત્ર ઇટાલી જ નહિ, યુરોપના અન્ય દેશોમાંથી છેલ્લે છેલ્લે (1993, 1994, 1995 અને 1996માં) મળી આવેલા અવશેષો પરથી માનવીય ઉત્ક્રાંતિના નિષ્ણાતોને હોમો ઇરેક્ટસના પ્રારંભ વિશે ફરીને વિચારી જવાની ફરજ પડી છે. 1990 સુધી તો એક એવી સ્પષ્ટ સમજ કેળવાઈ ચૂકી હતી કે 2.3 લાખ વર્ષ પૂર્વે યુરોપમાં વસનાર માનવ નીએન્ડરટલ પ્રકારનો જ હતો; 5 લાખ વર્ષ અગાઉ અહીં માનવો આવ્યા હતા એવી કેટલાકની દલીલ સામે બીજાઓ શંકા સેવતા હતા. તેઓ કહેતા હતા કે આફ્રિકામાં 20 લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસ પ્રજાતિનો માનવ ઉત્ક્રાંત થયેલો અને તેના વંશજો ઘણો બધો કાળ વીત્યા પછી જ યુરોપમાં આવેલા. આ હોમો ઇરેક્ટસ આપણા આજના માનવને તત્કાલીન ઉત્ક્રાંતિની કક્ષામાં ઘણાં લક્ષણોમાં મળતો આવતો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે યુરોપના સર્વપ્રથમ આદિમાનવો કોણ હતા, કેવા હતા, ક્યાંથી, કયે રસ્તે આવ્યા અને શી પ્રવૃત્તિઓ કરતા હતા ?

ઇટાલીમાંથી સિપ્રાનો માનવના અવશેષ મળ્યા તે અગાઉ ઇંગ્લૅન્ડ અને સ્પેનમાંથી પણ માનવ-અવશેષો મળેલા છે. આ પરથી જુદા જુદા યુરોપીય દેશો પોતાનાં સ્થળો પર માનવ-વસવાટ વહેલો થયો હોવાનો દાવો આગળ ધરે છે. બ્રિટિશ વૈજ્ઞાનિકો ઇંગ્લિશ ખાડીના ઉત્તર કિનારાથી અંદરના ભૂમિભાગમાં આવેલા બૉક્સગ્રોવમાંથી મેળવેલો, 5 લાખ વર્ષ અગાઉ હોમો વસ્યો હોવા માટેના અવશેષનો પુરાવો રજૂ કરે છે.

બૉક્સગ્રોવ આલેખ

ટિબિયા તથા સન્મુખ દાંત

ટિબિયાનું દળદાર કદ સૂચવે છે કે તે ખડતલ શરીરનું વજન સહન કરી શકવાની ક્ષમતા ધરાવતું હતું. આ માનવો ખનિજક્ષારો અને પ્રોટીન-સમૃદ્ધ માંસાહારી ખોરાક લેતા હતા, તેથી તેઓ ઉત્તર અક્ષાંશોમાં પ્રવર્તતી ઠંડી પણ સહન કરી શકતા હતા. બૉક્સગ્રોવમાંથી આ ટિબિયા સાથે બાર જેટલી કુહાડીઓ પણ મળેલી છે. ઇથિયોપિયાના બોડો ખાતેથી મળેલાં હોમો હાઇડેલબર્ગ સમકક્ષ માનવ-ખોપરી અને ઓજારો તથા બૉક્સગ્રોવના અવશેષો એકબીજા સાથે મળતાં આવતાં હોવાનું માલૂમ પડ્યું છે.

ટિબિયા અને સન્મુખ દાંત પરથી નિર્માણ કરેલી તત્કાલીન માનવ-દેહાકૃતિ તથા પંજામાં પકડેલું કુહાડી જેવું ઓજાર અંતર્નળાસ્થિ(ઢીંચણથી નીચેના પગનું હાડકું – ટિબિયા)

ટિબિયા પરથી કહી શકાય છે કે સ્થળાંતર કરીને ઇંગ્લૅન્ડ સુધી પહોંચેલો હોમો ઇરેક્ટસ 4.78 અને 5.24 લાખ વર્ષ વચ્ચેના ગાળામાં યુરોપના મુખ્ય ભૂમિભાગ સાથે બ્રિટિશ ટાપુઓના ભૂમિસંધાન મારફતે આવ્યો હોવો જોઈએ. નૅચરલ હિસ્ટરી મ્યૂઝિયમ, લંડનના પુરાનૃવંશશાસ્ત્રી (paleoanthropologist) ક્રિસ સ્ટ્રિન્ગરના મત મુજબ બૉક્સગ્રોવના આ માનવો હોમો હાઇડેલબર્ગ પ્રજાતિના હતા. આ ટિબિયા કથ્થાઈ રંગવાળું હતું, બે ટુકડા રૂપે ખંડિત હતું તેમજ કોઈ ભૂખ્યા વરુએ તે વારંવાર ચાવ્યું હોવાનાં ઝાંખાં નિશાનોવાળું પણ હતું. તેની લંબાઈ લગભગ 177.5 સેમી. ઊંચી તથા આશરે 90થી 100 કિગ્રા. વજન ધરાવતી દેહાકૃતિનો અણસાર આપે છે. ટિબિયાનો પાછલો ભાગ મોટી ધારોવાળો હોવાથી તેની સાથે જોડાયેલા સ્નાયુઓ ભરાવદાર અને શક્તિશાળી હોવાનું અનુમાન કરાયું છે.

ગ્રેન ડૉલિના આલેખ

ઓછામાં ઓછાં 8 લાખ વર્ષ અગાઉનાં અસ્થિ દર્શાવતું ગ્રેન ડૉલિના સ્થળ.
1994 અને 1995માં અહીંથી ઉપલબ્ધ સો જેટલાં હોમિનિડનાં અસ્થિ તેમજ બસો જેટલાં ઓજારોનું સ્થળર્દશ્ય.

સ્પૅનિશ સંશોધકો બ્રિટનની તવારીખના દાવાથી પણ વધુ પાછળ જાય છે. આ માટે તેઓ ઉત્તર સ્પેનના ગ્રેન ડૉલિના નજીકના સ્થળેથી મળેલો પુરાવો રજૂ કરે છે. અહીંની એક ગુફાના તળભાગની આદિમાનવોએ મુલાકાત લીધી હોવાનું જણાય છે. તેઓ કહે છે કે નીએન્ડરટલ માનવો ઉત્ક્રાંત થતા હતા તેના કરતાં પણ અગાઉના વખતમાં હોમો ઇરેક્ટસ અહીં આવીને વસેલા. અહીંની એક સ્ત્રી-શોધક ઑરોરા માર્ટિન નજેરાને જમીનમાંથી ત્રણ દાંત મળેલા, તે પછીથી તેના જૂથના સહશોધકોને ચુંબકીય ગુણધર્મધારક ખનિજોવાળા નિક્ષેપોમાંથી લગભગ 100 જેટલા માનવ-અસ્થિના ટુકડાઓ, 200 જેટલાં ઓજારો અને પ્રાણીઓના 300 જેટલા અસ્થિ-ટુકડાઓ મળી આવેલા. આ અવશેષો તેમને ધાર્યા કરતાં પણ ઘણા જૂના જણાયા. ચુંબકીય વ્યુત્ક્રમણ પદ્ધતિ દ્વારા તે નિક્ષેપોનું વય 7.8 લાખ વર્ષ અગાઉનું નક્કી થયું. વળી અવશેષો દટાયેલા મળી આવ્યા હોવાથી તે બધા નિક્ષેપો કરતાં જૂના હોવા જોઈએ. તેથી તેને સિપ્રાનો માનવની સમકક્ષ તવારીખમાં ગોઠવી શકાય તેમ છે. આ ઉપરાંત આંગળીની લંબાઈનાં ધારદાર છરીઓ જેવાં હથિયારો તેમજ આદિ કક્ષાનાં ક્વાર્ટ્ઝ-ઓજારો તેનાથી પણ વધુ ઊંડાઈએથી મળેલાં હોવાથી તેમનું વય આશરે 10 લાખ વર્ષ અગાઉ સુધીનું મૂકી શકાય તેમ છે. આ સાધનોનું વય યુરોપમાંથી મળી આવેલાં કોઈ પણ જૂનાં ઓજારો કરતાં પણ વધુ પાછળ જાય છે. આ ઉપરથી કહી શકાય છે કે એ વખતે માનવો આવાં ઓજારો હરણ, ઘોડા, હાથી જેવાં પ્રાણીઓને કાપવા માટે વાપરતા હોવા જોઈએ. વળી અહીંથી મળેલાં માનવ-અસ્થિ પર કાપાનાં નિશાનો પણ મળે છે. સંભવિત છે કે માનવો એકબીજાનો જાન લેતા હશે, લડતા હશે.

ઍરાગો-ફ્રાન્સ આલેખ

1971માં ઍરાગો ગુફામાંથી મળેલી હોમો ઇરેક્ટસની ખડતલ માનવની ખોપરીના અવશેષનું બીબું  તથા આવરણનો આંશિક ભાગ, વય : 4 લાખ વર્ષ

લગભગ આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ સ્પેનમાં આવેલા ગ્રેનેડા નજીકના સ્થળે ગ્રેન ડૉલિના કરતાં પણ અગાઉના સમયમાં આદિમાનવો પ્રાણીઓની કતલ કરતા હોવાનો પુરાવો જીવાવશેષ-શાસ્ત્રીઓને મળી આવ્યો. તેઓ આ સ્થળને સ્પેનનું ‘ઓલ્ડુવાઇ કોતર’ કહે છે. અહીંથી મળી આવેલી તીક્ષ્ણ દાંતવાળા વાઘ(Megantereon whitei, આફ્રિકન જાતિ)ની ખોપરીના અસ્થિ-ટુકડા ઓર્સ નગરના નાનકડા સંગ્રહાલયમાં રાખેલા છે. બીજા કેટલાક જીવાવશેષશાસ્ત્રીઓ આ માટે એકમત થતા નથી. સ્પેનમાંથી મળેલો વાઘનો અવશેષ આશરે 12 લાખ વર્ષ અગાઉનો હોવાનું અંદાજવામાં આવેલું છે. તેઓ જણાવે છે કે આ સમયે આદિમાનવોએ પણ આફ્રિકાથી યુરોપ તરફ સ્થળાંતર કર્યું હોવું જોઈએ. જેમ ઓલ્ડુવાઇ જેવાં સ્થળોમાં માનવ અને જરખનાં અસ્થિ-મજ્જા તેમજ સડેલા માંસભાગોવાળા મૃતદેહો મળી આવે છે, તેમ અહીં પણ મળતાં હિંસક પ્રાણીઓ તેમના શિકારના માંસલ ભાગો આરોગતાં હતાં. આ ઉપરાંત અહીંથી ગેંડો, હાથીનું બચ્ચું, ઘોડો, તીક્ષ્ણ દાંતવાળા વાઘની અન્ય જાતિ તેમજ બીજાં પ્રાણીઓના ઘણા બધા (1500) અવશેષો પણ મળી આવેલા છે. આવાં પ્રાણીઓનાં ખોપરી સિવાયનાં મોટાભાગનાં હાડકાં જરખના નહોરથી ખોતરાયેલાં છે, કારણ કે જરખ શિકારના માંસલ ભાગો ખાય છે, મગજનો ભાગ ખાતું નથી. જોકે વાઘને બાદ કરતાં અન્ય પ્રાણીઓની ખોપરીઓનો પાછલો ભાગ મળેલો નથી. આ હકીકત એ અર્થઘટન પર દોરી જાય છે કે માનવો જ મગજનો ભાગ મેળવવા ઓજારોથી ખોપરીઓને તોડતા હશે. વાઘની ખોપરીઓ તૂટેલી ન હતી, પરંતુ તેમના પંજાના ભાગો ખૂટતા હતા. કદાચ એ ભાગોમાંથી માનવો ઘસીને છરીઓ બનાવતા હશે.

વેન્ટા મિસેના આલેખ

સ્પેનના અગ્નિભાગમાં આવેલા ઓર્સ નગર નજીકના વેન્ટા મિસેના નામના સ્થળેથી એક હોમો બાળકની ખોપરીનું 7.5 સેમી. વ્યાસની લંબાઈનું આવરણ તેમજ 17.5 સેમી. લાંબું બાહુ-અસ્થિ મળી આવ્યાં છે. કેટલાક પુરાનૃવંશશાસ્ત્રીઓ તેને વછેરાના હાડકા તરીકે ઓળખાવે છે. વાસ્તવિકતા જે હોય તે, ઘણાખરા પુરાતત્વવિદો એક બાબત વિશે સહમત થાય છે કે દક્ષિણ યુરોપમાં 10 લાખ વર્ષ અગાઉ પ્રાણીઓ અને માનવો પ્રવેશી ચૂક્યાં હતાં.

અગાઉની ધારણા કરતાં હોમો પ્રજાતિના માનવો યુરોપમાં વહેલા પહોંચ્યા હતા એના કરતાં વધુ મહત્વની બાબત તો એ છે કે તેમણે તેમની રોજિંદી રહેણીકરણીમાં કુશળતા પણ પ્રાપ્ત કરી લીધી હતી. સિપ્રાનો માનવની ભવાંધાર અને તેના પર જોવા મળતો ઊંડો કાપો આ હકીકતનો પુરાવો પૂરો પાડે છે. આ કાપો આપણને એવા અનુમાન તરફ દોરી જાય છે કે આખલા જેવા મોટા કદના પ્રાણીનો શિકાર કરતી વખતે તે પ્રાણીએ કલાકના 35 કિમી.ના વેગથી શિંગડાંથી વળતો હુમલો કર્યો હોવો જોઈએ; માનવ મરી ગયો ન હતો અને તેનો આ ઊંડો ઘા ધીમે ધીમે રુઝાઈ પણ ગયો હતો. અર્થાત્ ત્યારે માનવો મોટાં આક્રમણખોર પ્રાણીઓનો પણ શિકાર કરી શકતા હતા.

બૉક્સગ્રોવમાંથી મળેલું ટિબિયા ત્યાંના માનવો પણ શિકારી હતા તે વાતની સાક્ષી પૂરે છે. બૉક્સગ્રોવમાંથી ઉપલબ્ધ ઘોડાના ખભાના ભાગ પર માનવ-શિકારી(ઓ)એ લાકડાના ભાલાથી કરેલા ઘાનાં નિશાન જોવા મળેલાં છે. બૉક્સગ્રોવના સ્થળે અવશેષો મેળવવા માટે મોટા પાયા પર ઉત્ખનન કરવામાં આવેલું છે. ત્યાં 1995 સુધી તો 100 એકરના વિસ્તારમાં પથરાયેલી ગ્રૅવલની સપાટીખાણ હતી; પરંતુ આ જ સ્થળ 5 લાખ વર્ષ અગાઉ એક તરફ સફેદ ભેખડોથી ઘેરાયેલું શાંત સરોવર હતું. ત્યારે પાણી પીવા માટે ઘોડાઓનાં ટોળાં અહીં અવરજવર કરતાં રહેતાં હતાં. માનવો ટોળીમાં રહીને તેમનો શિકાર પણ કરતા. અહીં માનવો પ્રથમ શિકાર કરતા હશે અને માંસલ ભાગો કાપીને ખાતા હશે; અન્ય પ્રાણીઓ તેમાંથી વધ્યોઘટ્યો ભાગ ખાવા પછીથી જ આવતાં હશે, કારણ કે શિકાર થયેલાં પ્રાણીઓનાં હાડકાં પર નહોર વાગ્યાના કોઈ ઘસરકા મળતા નથી. વળી એક એવી માન્યતા પણ છે કે ઉત્ક્રાંતિના આ તબક્કે તત્કાલીન માનવોમાં બોલીની ક્ષમતા ઉદભવી ન હતી; પરંતુ આ પ્રકારે ટોળીમાં રહીને જો શિકાર થતો હોય તો તેને માટેના આગોતરા આયોજન માટે, તક મળતાં ઓચિંતો શિકાર કરવા માટે હાવભાવની આપલે, સાંકેતિક ભાષા કે કંઈક ઓછેવત્તે અંશે બોલી વિકસી હોવી જોઈએ.

શોનિન્જન-જર્મની આલેખ

1995 પછીની ખોજ દરમિયાન જર્મનીના શોનિન્જન ખાતેનું સ્થળર્દશ્ય. અહીં 4 લાખ વર્ષ પૂર્વે ઘોડાઓનાં જૂથ ચરતાં હતાં.

વેગ સહિત ફેંકવાથી દૂરના અંતરે પહોંચી શકે એવા સમતોલ વજનવાળા તેમજ સારી રીતે ઘડેલા, તત્કાલીન હુન્નરકળાના
શ્રેષ્ઠ નમૂનારૂપ લાકડાના ભાલા. દંતરચનાવાળું ઘોડાનું જડબું. ઘોડાની ખોપરી. જમીન ખોદવા–ખોતરવાનાં સાધનો.

શિકારના વ્યવસ્થિત પ્રયાસનો વધુ સબળ પુરાવો તો 1995માં જર્મનીના શોનિન્જન ખાતેથી મળેલો છે. ફેંકી શકાય એવા, સારી રીતે તૈયાર કરેલા 4 લાખ વર્ષ જૂના પાંચ જેટલા ભાલા 5.6 કિમી.માં વિસ્તરેલી 99 મીટર ઊંડી એક ખાણની ધાર પરથી મળી આવ્યા છે. અહીં એક વિશાળ સરોવર હતું. ઘોડાઓ તેમાં પાણી પીવા આવતા. માનવો નજીકની ઝાડીમાં સંતાઈ રહીને લાગ મળતાં જ ઘોડાઓને ઘેરી લઈને ભાલાઓ ફેંકીને તેમનો શિકાર કરતા. ઘોડાઓ ભડકે તોપણ પાણીમાં તો કૂદી પડે નહિ એટલે શિકારનો ભોગ બની જતા. સરોવરકાંઠાના પીટના ઢગલામાં દટાયેલી સ્થિતિમાં મળેલા ભાલા અહીંની એક પ્રયોગશાળામાં જાળવી રાખવામાં આવેલા છે. તે પૈકીનો 2.10 મીટરની મહત્તમ લંબાઈવાળો, પરંતુ બે ટુકડાઓમાં તૂટેલો એક ભાલો તેના એક છેડે પાતળો અને સાંકડા ફણાવાળો છે. તેનો વજનદાર છેડાવાળો ભાગ ગોળાઈવાળો છે.

બિલ્ઝિંગ્સ્લેબનનો આલેખ

(i) 28 (21 + 7) કાપ-રેખાઓ દર્શાવતું હાથીના પગનું હાડકું.
આ કાપા વિશિષ્ટ મનોભાવ રજૂ કરવા કે અમુક પ્રવૃત્તિ માટેનું સાંકેતિક સ્વરૂપ દર્શાવવા પાડેલા હોવાનું અનુમાન કરાયું છે.

(ii) બિલ્ઝિંગ્સ્લેબેન ખાતે મળી આવેલી ધાર્મિક, સામાજિક કે અન્ય સામૂહિક
પ્રવૃત્તિ કરવા માટેની કાર્યશાળા – છાવણી. તવારીખ : 4.12 લાખ વર્ષ

આથી પણ વધુ સારો ગણી શકાય એવો માનવપ્રવૃત્તિ અને હુન્નરની કુશળતાનો પુરાવો જર્મનીના પૂર્વ ભાગમાં શોનિન્જનથી આશરે 96 કિમી. અંતરે આવેલા બિલ્ઝિંગ્સ્લેબેન નામના ગામડામાંથી મળે છે. અહીં ઉત્ખનન કરેલાં સ્થળોમાંથી મેળવાયેલો મોટેભાગે હાડકાંમાંથી બનાવેલી હસ્તકારીગરીની ચીજોનો આશરે કુલ પાંચ ટન જેટલું વજન ધરાવતો દુનિયાનો આ પ્રકારનો મોટામાં મોટો ગણાતો સંગ્રહ જાળવવામાં આવેલો છે. આ સ્થળે ઝરા સહિતનું એક સરોવર હતું. આદિમાનવો આ સરોવરની નજીક રહેતા હતા. ત્યાં તેમની કાર્યશાળાઓ પણ હતી. તેમાં બેસીને તેઓ ગેંડો, હાથી, આખલા વગેરે જેવાં મોટાં પ્રાણીઓના શિકાર માટે જરૂરિયાત પ્રમાણે પથ્થર, લાકડાં, હાડકાં કે શિંગડાંમાંથી જુદાં જુદાં સાધનો, ઓજારો, હથિયારો બનાવતા હતા. સામૂહિક કામ કરી શકાય તે માટેની 3.9 મીટર લાંબી અને 2.7 મીટર પહોળી પીઠિકાઓ બનાવેલી મળી આવી છે. રહેણાકની એક જગામાં બરોબર મધ્યભાગમાં હાથીનો દંતશૂલ બેસાડેલો પણ મળી આવ્યો છે. અહીંના નજીકના એક સ્થળેથી દટાયેલી સ્થિતિમાં કેટલીક ભઠ્ઠીઓ પણ મળી છે. વળી આરક્ષિત એક (શેડ) છાંયડા માટેનું ઢાળવાળું છાપરું પણ મળ્યું છે, જેમાં સુંવાળા પથ્થરો અને અસ્થિ-ટુકડાઓના ઢગલા પડેલા હતા. તે સંભવત: 8 મીટરની પહોળાઈવાળા ભાગની ફરસબંધી કરવા રાખેલા હોવાનું મનાય છે. તેઓ તેમની સાંસ્કૃતિક/વ્યાવસાયિક પ્રવૃત્તિ માટે આવી સગવડો કરતા હશે. વળી અહીં આખલાનાં શિંગડાં વચ્ચે ક્વાર્ટ્ઝાઇટના પથ્થરની એક એરણ પણ જડેલી હતી, તેની નજીક તૂટેલી માનવ-ખોપરીઓ પણ હતી. બિલ્ઝિંગ્સ્લેબેન ગામના એક ખંડમાં અહીંથી મળેલું હાથીનું અંતર્નળાસ્થિ – ટિબિયા (પગના નળાનો ટુકડો) જાળવી રાખવામાં આવેલો છે. તેના પર 37.5 સેમી. લાંબી શ્રેણીબદ્ધ 7 રેખાઓ એક દિશામાં અને 21 રેખાઓ બીજી દિશામાં કોતરેલી જણાય છે. આ સિવાય બીજા બે ટુકડાઓ પર પણ વ્યવસ્થિત રીતે કોતરેલી કાપ-રેખાઓ જોવા મળે છે. આ કોઈ આલેખ જેવી સંજ્ઞાઓ હોવાનું કે વિચારોની પરોક્ષ આપલે કરવા માટેની સાંકેતિક ભાષા હોવાનું અનુમાન કરાયું છે. તેની તવારીખ 4 લાખ વર્ષ અગાઉની મુકાઈ છે. આ અનુમાન ભવિષ્યમાં જો યથાર્થ નીવડે તો કહી શકાશે કે આ આદિમાનવો તે વખતે ઉત્ક્રાંતિની કક્ષામાં ઘણા આગળ વધેલા હતા.

3.5 લાખ વર્ષ અગાઉ ઉત્તર યુરોપીય ખંડમાં હિમાવરણના સંજોગો પ્રવર્તતા હતા. ત્યારે કદાચ આદિમાનવો અહીંથી ખસીને તેમને અનુકૂળ ગરમ હૂંફાળા પ્રદેશમાં જઈને વસ્યા હશે. 1993માં સિયેરા દ આતાપ્યુર્કા ખાતેના એક સ્પૅનિશ જૂથે જણાવેલું કે તેમને 3 લાખ વર્ષ અગાઉના 32 વ્યક્તિઓના અવશેષો મળી આવેલા છે. આ બધા અવશેષો અસ્થિભરપૂર ખાડા જેવી ભૂગર્ભીય ગુફામાંથી મળેલા છે. આ અવશેષો વીસી વટાવી ચૂકેલા પુખ્ત ઉંમરના માનવોના હતા. તેમાં ત્રણ ખોપરીઓ હતી; તે પૈકી એક ખોપરીમાં અર્વાચીન માનવના મગજના કદનો ભાગ હતો. તેમના ચહેરાનો બાંધો પ્રારંભિક નીએન્ડરટલ માનવનાં લક્ષણો દર્શાવતો હતો. ચહેરાનો મધ્યભાગ ચાંચની માફક ઊપસેલો હતો. ઊંચાઈ અર્વાચીન માનવ જેટલી હતી, જ્યારે નીએન્ડરટલ તો પ્રમાણમાં ટૂંકા હતા. તેથી આ પૂર્વ-નીએન્ડરટલ માનવોને પ્રાચીન હોમો સેપિયન્સ કહેવા, અંતિમ હાઇડેલબર્ગ કહેવા કે પછી તેમને તદ્દન અલગ જાતિ(species)માં મૂકવા તે નક્કી કરી શકાયું નથી. એ પણ સંભવિત છે કે આફ્રિકામાંથી થતા રહેલા ક્રમિક સ્થળાંતરને કારણે આ પ્રકારનું વૈવિધ્ય વિકસ્યું હોય; કદાચ તત્કાલીન વિષમ આબોહવાના સંજોગો હેઠળ આ પ્રથમ યુરોપીય માનવો જુદો આકાર પામ્યા હોય ! યુરોપમાં શિયાળા લાંબા હોવાથી તે સમયગાળા દરમિયાન વનસ્પતિનો ખાદ્યપુરવઠો મર્યાદિત બન્યો હોય કે મળ્યો ન હોય અને પ્રાણીઓના માંસ પર જીવવું પડ્યું હોય ! વળી સ્થાનભેદે જુદી જુદી પ્રતિકૂળ આબોહવાના સંજોગો હેઠળ તેમનાં અલગ અલગ જૂથ પડી ગયાં હોય અને પછી અલગ જૂથો તરીકે જ તેઓ વિકસ્યા હોય. ટૂંકમાં, યુરોપ માનવ-ઉત્ક્રાંતિનું પારણું ભલે ન ગણાય, પણ માનવ-પ્રવૃત્તિના વિકાસ માટેની કાર્યશાળાનું સ્થળ તો જરૂર કહેવાય.

માવર-જર્મની આલેખ

જર્મનીના સ્ટાઇનહાઇમમાંથી મળેલી 3 લાખ વર્ષ અગાઉની ખોપરી અને ઉપલું જડબું. ભવાંધાર ઊપસેલી. પાછલો ભાગ ગોળાકાર.

હોમો વંશવૃક્ષ કેટલી ડાળખીઓવાળું હશે ? બ્રિટિશ પુરાનૃવંશશાસ્ત્રી ક્રિસ સ્ટ્રિન્જર, હોમો હાઇડલબર્ગનું 5 લાખ વર્ષ જૂનું અકબંધ દંતરચના સહિતનું નીચલું જડબું રજૂ કરીને જણાવે છે કે તે હોમો ઇરેક્ટસ કરતાં વધુ ઉત્ક્રાંત અને વિકસિત હતો. યુરોપમાં વસનાર કદાચ તે પ્રથમ માનવ હતો. આ જૂનામાં જૂના યુરોપીય માનવ-પ્રકારમાંથી જ નીએન્ડરટલ પ્રકાર ઉત્ક્રાંતિ પામ્યો હોવો જોઈએ. બીજા કેટલાક એમ પણ માને છે કે આફ્રિકામાંથી બહાર નીકળ્યા પછી બે જાતિઓ (species) – હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન્સ – અલગ રીતે ઉત્ક્રાંતિ પામી હશે. ચિત્રની પાર્શ્વભૂમિમાં હાઇડલબર્ગ શહેર દેખાય છે.

5. ‘હોમો સેપિયન્સનો ઉત્ક્રાંતિકાળ : હોમો સેપિયન્સ–શાણો માનવ (વિવેકી માનવ). 1990ના દાયકાના મધ્યકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારાની આજુબાજુના ભાગોમાં માનવ-અવશેષોની ખોજ માટે જોહાનિસબર્ગ વિટવૉટરસ્રેન્ડ યુનિવર્સિટીના પુરાનૃવંશશાસ્ત્રી લી બર્ગર, ભૂસ્તરશાસ્ત્રી ડેવિડ રૉબટર્સ, પુરાતત્વવિદ્ સ્ટેફેન વુડબૉર્ન અને કલાવિદ્ જ્યૉર્જ કોલારોસની ટુકડી અવારનવાર કામ કરી રહી હતી ત્યારે રૉબર્ટ્સને રેતી હેઠળ ઢંકાયેલી ખડકસપાટી પર બે માનવપગલાંની છાપના સ્પષ્ટ અવશેષ મળી આવ્યા. આ સ્થળ કૅપટાઉનથી આશરે 96 કિમી. ઉત્તર તરફ આવેલા લૅન્ગબાન ખાડીસરોવર પર આવેલું છે. આ પગલાંની લંબાઈના માપ પરથી તે કોઈ સ્ત્રીનાં હોવાનું જણાયું. વયનિર્ધારણ પરથી તેની તવારીખ વર્તમાન પૂર્વે આશરે 1,17,000 વર્ષ જૂની હોવાનું અંદાજવામાં આવેલું છે. તેની બીબાઢાળ આકૃતિ બનાવીને જાળવવામાં આવી છે. માનવ-પગલાંની આ ખોજ માનવ-ઉત્ક્રાંતિના છેલ્લા ચરણ – અર્વાચીન હોમો સેપિયન્સના વિકાસ – પર પ્રકાશ પાડે છે તથા તેના ઉકેલ માટે કેટલાક પ્રશ્નો આપણી સમક્ષ મૂકે છે : અર્વાચીન માનવો સર્વપ્રથમ ક્યાં તૈયાર થયા ? તેઓ કેવું જીવન ગાળતા હતા ? તેઓ ક્યારથી વિચાર કરતા થયા ? તેમણે તેમના વિચારોની આપલે શબ્દો દ્વારા કરી હશે કે સાંકેતિક ભાષા સ્વરૂપે ? આ અંગેનાં સંશોધકોનાં તારણો આ પ્રમાણે છે.

દક્ષિણ આફ્રિકામાં પ્રાચીન ઢૂવામાં ચાલવાથી દબીને પડેલી બે માનવપગલાંની છાપ : પગલાં પર ઊડેલી રેતી પડવાથી તે ઢંકાઈ ગયેલાં.
વર્ષો વીતતાં તે ભાગ સખત ખડકમાં ફેરવાઈ ગયેલો. વય-નિર્ધારણ 1,17,000 વર્ષ વર્તમાન પૂર્વે. શારીરિક ર્દષ્ટિએ અર્વાચીન માનવ-
પગલાં સમકક્ષ. નજીકના ભૂતકાળના કોઈ હોમો સેપિયન્સ પૂર્વજનાં પગલાં હોવાનું તારણ.

પુરાનૃવંશશાસ્ત્રી બર્ગરે આ પગલાં કોઈ હોમો સેપિયન્સ સ્ત્રીનાં હોવાનું સૂચવીને તે સ્ત્રીનું નામ ‘ઈવ’ (Eve) આપ્યું છે. આ ઈવ બાઇબલમાં વર્ણવેલી ઈવ નથી. આ ઈવ-સમકાલીન માનવોનું અસ્તિત્વ આજથી 1 લાખ અને 3 લાખ વર્ષ વચ્ચેના સમયગાળાનું મૂકવામાં આવ્યું છે. આ સ્ત્રી કણાભસૂત્રીય (માઇટોકૉન્ડ્રિયલ) ડીએનએ (Mt DNA) ધરાવતી હતી. આ પ્રકારનું જનીન-દ્રવ્ય માત્ર સ્ત્રીઓમાં જ હોય છે, તેમાંથી તારણ નીકળે છે કે આજના હોમો સેપિયન્સ-સેપિયન્સ એક સર્વસામાન્ય સ્ત્રી-પૂર્વજ(ઈવ)ના વંશજો છે. જોકે આ પગલાં તેના માપ પરથી સ્ત્રીનાં જ હશે એવી એક ધારણા મૂકેલી છે; વાસ્તવિકતા જે હોય તે, પરંતુ હોમો સેપિયન્સ આફ્રિકાના મૂળ વતની હોવા વિશે આ ધારણા બંધબેસતી આવે છે, માટે તે યથાર્થ સમજવી રહી.

‘હોમો સેપિયન્સનું પ્રથમ વતન’
પ્રારંભિક હોમો સેપિયન્સને આફ્રિકાની અહીંની ઘાસભૂમિ અને જળઉપલબ્ધ આ પ્રદેશ વસવા માટે અનુકૂળ પડ્યાં હોવાં જોઈએ. કલહરીનું રણ અને કારુ પ્રદેશ એ વખતના હિમકાળ વખતે તેમને પ્રતિકૂળ રહ્યાં હશે. અર્વાચીન માનવીય લક્ષણો ધરાવતાં જૂનાં હાડપિંજર આ જ કારણે તો અહીંથી મળે છે. કણાભસૂત્રીય MtDNAનો અભ્યાસ સૂચવે છે કે અર્વાચીન માનવો કદાચ અન્યત્ર રહ્યા હોય તે કરતાં અહીં લાંબો સમય રહ્યા હોવા જોઈએ. વિશિષ્ટ જનીનદ્રવ્ય સ્ત્રીઓમાંથી સ્ત્રીઓમાં જ જતું હોય છે, એટલે તેમને પુત્રીઓ ન હોત તો તે આગળ ચાલ્યું ન હોત. તેથી જ કહી શકાય છે કે અહીં મળેલાં પગલાં સ્ત્રીનાં હોવાં જોઈએ. જો એમ જ હોય તો આ ઈવ માનવજાતિની પૂર્વજ ગણાય.

હોમો સેપિયન્સનાં પ્રાચીન સ્વરૂપો માટે અંદાજે જે 5 લાખ વર્ષનો કાળ મુકાયેલો છે, તેનાથી આ પુરાવો જુદો પડે છે. તેઓ તો તેમના શારીરિક બાંધામાં ખડતલ, મોટા ચહેરાવાળા, આછી હડપચીવાળા તથા ઊપસેલી ભવાંધારવાળા હતા. આફ્રિકામાંના જીવાવશેષસંગ્રહ અને આજના છેલ્લી ઉત્ક્રાંતિની કક્ષાના માનવો વચ્ચેની કડીરૂપ પુરાવા હજી ખૂટે છે. 1,86,000 વર્ષ અગાઉ જે હિમયુગ શરૂ થયેલો, તેનાથી આફ્રિકામાં શુષ્ક સંજોગોવાળું પર્યાવરણ ઉદભવેલું. આ કારણે તત્કાલીન માનવોને જીવન જીવવા માટે જ્યાં પાણી ઉપલબ્ધ થઈ શકે એવાં સ્થળોમાં જવા માટે ફરજ પડેલી; પરંતુ 1,20,000 વર્ષ અગાઉના ગાળામાં આબોહવાના સંજોગો અનુકૂળ બન્યા ત્યારે અર્વાચીન હોમો સેપિયન્સ ઉત્ક્રાંત થવા માટેનાં જરૂરી લક્ષણો તેમનામાં ઉદભવતાં ગયાં હશે. લૅન્ગબાન સરોવર કદાચ આવો જ એક અનુકૂળ ભાગ હશે એમ માની શકાય. આ ખાડીસરોવર જેવું આજે દેખાય છે, એવું જ તે વખતે પણ હશે. ભરતીને કારણે આજના ભીના રહેતા સાગરતટ જેવા તેના કિનારાભાગો પણ ભીના/ભેજવાળા રહ્યા હશે. આજે દરિયાકિનારા પર લોકો લટાર મારવા જાય છે તેમ તે કાળે પણ માનવો અવરજવર કરતા હશે. એ સંજોગોમાં માનવ-પગલાંની આ છાપ પડી હશે, જે તેને અનુકૂળ સંજોગો મળતાં જળવાઈ રહેલી જોવા મળે છે. તે વખતે ભીની રેતીમાં પડેલી પગલાંની છાપ આજે અહીં 9 મીટર ઊંચી ભેખડમાંથી એક તરફ બહાર પડતા રાખોડી રંગના રેતીખડકમાં દેખાય છે. તેમાં પગનાં તળિયાંની ગાદીનો ભાગ, વચ્ચેનો કમાનાકાર વળાંક અને એડીનો ભાગ સ્પષ્ટપણે વરતાઈ આવે છે. શોધકોના જૂથ પૈકીના એકે આ છાપ પર પોતાનું પગલું ગોઠવીને માપી જોતાં જણાયું કે તે પાંચ સેમી. જેટલી નાની હતી, તે પરથી તારણ નીકળ્યું કે તે છાપ પુરુષના પગલાની નહિ, સ્ત્રીના પગલાની છે.

આફ્રિકાનો દક્ષિણ છેડો અર્વાચીન માનવ-ઉત્ક્રાંતિનું પારણું રહ્યો હોવો જોઈએ, મોટાભાગના તજજ્ઞો આ અંગે એકમત છે. દક્ષિણ આફ્રિકા અને ઇથિયોપિયા બંને પ્રદેશોમાં હોમો સેપિયન્સની ઉત્ક્રાંતિનો તબક્કો આશરે 1,20,000 વર્ષ પૂર્વેના સમયગાળાની આજુબાજુમાં શરૂ થયો હોવો જોઈએ. હિમયુગોના સૂકા ગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભાગોમાં તેઓ વસ્યા અને વિકસ્યા હશે. હોમો સેપિયન્સનાં આજે દેખાતાં વ્યવસ્થિત જોડાયેલાં જડબાં, સીધું ઊભું કપાળ અને ઊપસ્યા વિનાની ભવાંધાર જેવાં લક્ષણો પણ ત્યારે જ ક્રમે ક્રમે તૈયાર થતાં ગયાં હશે. વળી દક્ષિણ આફ્રિકામાંથી ઓછા પ્રમાણમાં, પરંતુ શ્રેષ્ઠ નમૂનારૂપ આદિમાનવનાં અર્વાચીન લક્ષણો તરફ દોરી જતા જીવાવશેષ-પુરાવા પણ મળ્યા છે.

હવે વૈજ્ઞાનિકો વચ્ચે ચર્ચા અને ઉકેલનો વિષય એ આવીને ઊભો છે કે આજના મનુષ્યનાં દૈહિક લક્ષણો ધરાવતા થયેલા સર્વપ્રથમ માનવો શું આજની જેમ વિચારી શકતા હતા ખરા ? કેટલાક એમ માને છે કે તેઓ વ્યૂહાત્મક રીતે વિચારી શકતા નહિ હોય; દા. ત., સાગરતટ પર મરેલા પડેલા પક્ષીને કાપીને અને ખોતરીને ખાતા હશે, પરંતુ ઊડતા જીવતા પક્ષીને કેમ પાડી દેવું તે વિચારક્ષમતા તેમનામાં નહિ કેળવાઈ હોય. બીજા કેટલાક કહે છે કે તેઓ આજના માનવની માફક વિચારી શકતા હશે, પરંતુ ગૂંચવણભરી જટિલ બાબતોનો વૈચારિક ઉકેલ નહિ લાવી શકતા હોય.

શું અગાઉના માનવો આપણી જેમ વિચારી શકતા હતા ? પગલાંની છાપના સ્થળેથી 600 કિમી. અંતરે આવેલું ગુફાર્દશ્ય : ક્લેસિસ રિવરમાઉથ ખાતે રહેતા માનવોનું સ્થળ. ગુફાના પ્રવેશ-દ્વારે ઊભેલા હિલેરી ડિકન માને છે કે 1,20,000 અને 60,000 (વ.પૂ.) વર્ષ વચ્ચેના ગાળામાં માનવો ક્યારેક અહીં આવતા અને આશ્રય લેતા. તેઓ અર્વાચીન માનવો જેવા જ દેખાતા હતા અને વિચારશક્તિ પણ ધરાવતા હતા. ભઠ્ઠીઓ (ચૂલા) અને કચરાના ઢગલા રોજિંદી પ્રવૃત્તિઓનો ખ્યાલ આપે છે. લાલ ગેરુની બનાવેલી શલાકાઓ રંગોનો સાંકેતિક વપરાશ સૂચવે છે. કેટલાંક ઓજારોની સંખ્યા દર્શાવે છે કે માનવો અંદરોઅંદર તેનો વેપાર કરતા હશે.

લૅન્ગબાન ખાડીસરોવરના વાયવ્ય કિનારા પરના હેડજીસ્પંત નજીકથી 1,25,000 અને 80,000 વર્ષ (વર્તમાન પૂર્વે) વચ્ચેના ગાળાના ગેરુના ટુકડા મળી આવ્યા છે. તે દર્શાવે છે કે આ માનવો ત્યારે તેમના તહેવારો-ઉત્સવો વખતે પોતાના શરીરભાગોને ગેરુ રંગથી રંગતા અને નાચતા હતા. દક્ષિણ આફ્રિકાના છેક છેડે આવેલા ‘ક્લૅસિસ રિવરમાઉથ’ સ્થળે આવેલી ગુફાઓની આ માનવ-શિકારીઓના જૂથે મુલાકાત લીધેલી હોવાનું જણાય છે. તેનો સમયગાળો પણ પગલાંની છાપવાળા માનવસમય જેટલો જ, 1,20,000 વર્ષ(વ.પૂ.)નો મુકાયો છે. તે પછીનાં 60,000 વર્ષોમાં સ્થળાંતર દરમિયાન તેમણે તેમની પાછળ છીપલાં, પ્રાણીઓનાં અસ્થિ, અસંખ્ય ભઠ્ઠીઓ (ચૂલા) તેમજ રાખ છોડેલાં છે; તે દર્શાવે છે કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે અગ્નિ પેટાવી શકતા હતા અને શેકેલો ખોરાક ખાતા હતા. આ માનવજૂથો દરિયાકિનારે શેલફિશ, સીલ અને પેંગ્વિન લેવા બેત્રણ અઠવાડિયે એક વાર ટોળીમાં જતા. ગુફાનિવાસીઓની જેમ જ તેઓ પણ તેમનાં રહેણાકનાં સ્થળોની વ્યવસ્થા ગોઠવતા. તેમનાં રસોડાંની ભઠ્ઠીઓ કે ચૂલા એક તરફ અને ચીજવસ્તુઓ કે કચરાના ઢગલા બીજી તરફ રાખતા.

પગલાંની છાપવાળા અને ક્લૅસિસ ગુફાનિવાસીઓનું માનસિક કૌશલ્ય તેમના પછીના માનવો સાથે સરખાવવા સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના પુરાનૃવંશશાસ્ત્રી રિચાર્ડ ક્લેઇને 60,000 વર્ષ પૂર્વના ક્લૅસિસ ખાતેના તેમજ 20,000 વર્ષ પૂર્વેના દક્ષિણ આફ્રિકાનાં અન્ય સ્થળોએથી મળેલા પ્રાણીઅવશેષોનું વિશ્લેષણ કર્યું છે. આ બે વચ્ચેના કાળગાળામાં પ્રવર્તેલા વિષમ આબોહવાના સંજોગોને કારણે આ વિસ્તારમાં માનવવસ્તી એટલી બધી ઘટી ગઈ હતી કે કોઈ અવશેષો લગભગ મળતા નથી. વિશ્લેષણ કહે છે કે 60,000 વર્ષ અગાઉ ક્લૅસિસ-માનવો માછીમારી કરી શકતા ન હતા, કારણ કે તે ગાળાના નિક્ષેપોમાં માછલીઓનાં અસ્થિ મળતાં નથી; પરંતુ 20,000 વર્ષ અગાઉના સમયમાં સંજોગો બદલાતાં તેઓ અહીં વસવા માટે ફરી આવ્યા હશે. તે વખતના નિક્ષેપોમાં માછલીઓનાં અસ્થિ મળે છે, થોડાક જૂના નિક્ષેપોમાં માત્ર સાબર જેવાં પ્રાણીઓનાં જ અસ્થિ મળે છે, જ્યારે પછીના નિક્ષેપોમાં જંગલી ડુક્કરો તેમજ ભેંસોનાં અસ્થિ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ બાબત શિકાર કરવાની આવડત અને ક્ષમતામાં આવેલા ફેરફારોનો તેમજ માનસિક અને વૈચારિક ઉત્ક્રાંતિનો ખ્યાલ આપે છે. આ તબક્કો 60,000 અને 40,000 (વ. પૂ.) વચ્ચેના ગાળામાં આવેલો જણાય છે. આ બધાં પરથી તેમનામાં આયોજન, કામ કરવાની સૂઝ, કલા અને ભાષાનો વિકાસ થયો હોવાનું જણાય છે; અર્થાત્ તત્કાલીન સંસ્કૃતિનો તાગ મેળવી શકાય છે; તેમ છતાં તેમનામાં બુદ્ધિચાતુર્ય વધ્યું હશે એમ કહી શકાતું નથી. ક્લૅસિસ ખાતેના માનવો વિચારી શકતા હતા, પરંતુ તે વખતે તેમને ખોરાક વિપુલ પ્રમાણમાં નજીકથી મળી રહેતો હતો. તેઓ માત્ર માછીમારી અને અમુક પ્રાણીઓનો જ શિકાર કરતા હતા, પરંતુ હિંસક અને ભયાનક પ્રાણીઓનો શિકાર કરવાનું ટાળતા હતા, એવું જોખમ ખેડતા ન હતા.

વિશાળકાય વિલુપ્ત ભેંસનો મણકો : (તે મોટવણી કરીને દર્શાવેલો છે.) તેમાં ભાલાની અણી મારવાથી પડેલા ખાડા દેખાય છે. આ પુરાવો ખાતરી કરાવે છે કે ક્લૅસિસ સ્થળે રહેતા શિકારી માનવો 2.7 મીટરની પહોળાઈ ધરાવતાં શિંગડાંવાળી ભેંસ જેવા ભયંકર પ્રાણીના હુમલાને પણ ખાળી શકતા હતા.

કારણો ગમે તે હોય, પગલાંની છાપવાળા માનવોના પછીના વંશજો પડકારરૂપ શિકાર પણ કરતા થયા હતા. લી બર્ગરને અહીં નજીકમાંથી જ પ્રાણીઓની કતલ કરી હોય એવી એક વિશાળ જગા પણ મળી આવી છે. સાથે સાથે પથ્થરનાં ઓજારો તેમજ રંગ ઊડી ગયેલાં પુષ્કળ પ્રાણી-અસ્થિઓ પણ મળ્યાં છે. આ પૈકીનાં ઘણાં પ્રાણીઓ આજે તો વિલુપ્ત થયેલાં છે. અહીંથી બર્ગરને કાપાનાં નિશાનોવાળું, રેતી નીચેના ખડકમાં જડાયેલું, મોટા કદના સાબરનું જંઘાસ્થિ મળ્યું છે. કાપા સૂચવે છે કે તેઓ તેમાંથી ઊર્વસ્થિ કેવી રીતે અલગ કરતા હતા. વળી એક વિશાળ કદની ભેંસ(આજે વિલુપ્ત)નાં જંઘાસ્થિ અને શિંગડાં પણ મળેલાં છે. શિંગડાં 2.7 મીટર જેટલા વ્યાપમાં ફેલાયેલાં હતાં. આ પરથી તે ભેંસના શારીરિક કદનો અંદાજ મળી શકે છે. તે કદાચ એક જ ઝાટકે પાંચ માણસોને પછાડી કે મારી દેતી હશે. અહીં આવેલા આજના ગ્રીલબેક સ્થળેથી ખડકનમૂના પણ લેવામાં આવેલા છે, તે 40,000 વર્ષ જૂના છે. મોટી સંખ્યામાં થયેલી પ્રાણીઓની કતલ સૂચવે છે કે ત્યારે માનવોનો વૈચારિક વિકાસ થઈ ચૂક્યો હશે.

તે પછીથી કેટલાંક માનવજૂથો આફ્રિકા છોડીને ઑસ્ટ્રેલિયા તરફ ગયેલાં હોવાનું જણાય છે; કારણ કે ત્યાંની ખડકગુફાઓ(ખડક-આશ્રયસ્થાનો)ની પથ્થરની સપાટીઓ પર સાંકેતિક આકારો દોરેલા/કોતરેલા મળે છે. કેટલાંક જૂથ ઉત્તર તરફ (દક્ષિણ યુરોપની પ્રમાણમાં ઠંડી આબોહવા જ્યાં છે એ તરફ) પણ ગયા જણાય છે. ત્યાં તેમણે નૈર્ઋત્ય ફ્રાન્સની ગુફાઓમાં જે સુંદર કલાત્મક ચિત્રો દોરેલાં તે મળે છે.

1,17,000 વર્ષ પૂર્વેથી માંડીને આજના નજીકના ભૂતકાળના હોમો સેપિયન્સની તવારીખ આ રીતે જાણી શકાઈ છે. એ અંગે ખોજ-સંશોધનો હજી ચાલુ છે.

પગલાંની છાપ કરતાં અગાઉની, 4થી 5 લાખ વર્ષ જૂની, સલ્દાન્હામાંથી મળેલી ભારે ભવાંધાર સહિતની ખડતલ માનવ-ખોપરી.

ફલોરિસ્બાદમાંથી મળેલી અર્વાચીન હોમો સેપિયન્સનાં લક્ષણોવાળી ખોપરી

6. અમેરિકામાં વસેલા સર્વપ્રથમ માનવો : છેલ્લાં સાઠેક વર્ષથી પુરાતત્વવિદો માનતા આવેલા કે અમેરિકા ખંડમાં પહોંચનારા સર્વપ્રથમ માનવો સાઇબીરિયામાંથી માત્ર 12,000 (કે તેથી ઓછાં વર્ષો) દરમિયાન બેરિંગ વિસ્તારના ભૂમિસંધાન મારફતે સ્થળાંતર કરીને આવેલા છે. ન્યૂ મેક્સિકોના ક્લોવિસ સ્થળેથી પુરાતત્વવિદોને પથ્થરમાંથી બનાવેલું કાણાંઓવાળું/સળવાળું ભાલાનું ફણું મળેલું તેના પરથી તેમણે આ પ્રમાણેનું અનુમાન કરેલું. આ માનવો ત્યાં વસ્યા હશે તેથી તેઓ ક્લોવિસ (જાતિના) લોકો તરીકે ઓળખાયા હશે; પરંતુ છેલ્લે છેલ્લે પુરાતત્વવિદોને પ્રાચીન ગણાતી આ ક્લોવિસ વસાહત કરતાં પણ દૂર દૂર દક્ષિણમાં ચિલીના મોન્ટેવર્ડે ખાતેથી સમજમાં ઊતરે એવા અતિપ્રાચીન પુરાવા મળી આવ્યા છે, જે આપણને વ. પૂ. 33,000 વર્ષ પાછળ લઈ જાય છે. વૈજ્ઞાનિકોએ ત્યાં પહોંચીને મેળવેલી હસ્તકારીગરીની માનવસર્જિત સેંકડો ચીજવસ્તુઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. ઉપલબ્ધ વસ્તુઓના વયનિર્ધારણમાં રેડિયોકાર્બન-પદ્ધતિ અખત્યાર કરવામાં ત્યાંના નજીકના જ્વાળામુખીમાંથી નીકળેલા કાર્બનની અસરથી ક્ષતિ તો આવી નથી ને, અથવા આ વસ્તુઓ પૂરથી ખેંચાઈને તો આવેલી નથી ને, વગેરે બાબતો પર તેમણે ચર્ચાઓ, દલીલો અને મનોમંથન કર્યાં છે.

1990ના દાયકાના બીજા ચરણની શરૂઆતમાં પ્રાચીન અમેરિકી સ્થળોના નિષ્ણાત ગણાતા 12 જેટલા પુરાતત્વવિદોની એક નિર્ણાયક સમિતિ ચિલીના મોન્ટેવર્ડેના સ્થળે ત્યાંના સ્થાનની પ્રાચીનતા, વય અને ખાતરીબદ્ધતાની જાતતપાસ માટે મળેલી. તેમણે આ નવું ચિલિયન સ્થળ પ્રાગ્-ઐતિહાસિક વસવાટ ધરાવતું હતું એ વિશે સર્વાનુમતિ દાખવી છે. તેમના અભ્યાસની વિગતો અને તારણો આ પ્રમાણે છે :

આજના દ. ચિલીમાં 12,000 કે તેથી વધુ વર્ષો અગાઉ હિમયુગી શિકારી, ગોળ ચક્કર ગોળાઈમાં ઘુમાવીને દૂર ફેંકી શકાય એવું ગોફણ-જેવું મોટું હથિયાર અને લાકડાનો લાંબો અણીદાર ભાલો લઈને શિકાર અર્થે પ્રાણીઓ પાછળ પડતો હતો. આવાં હથિયારો મૉન્ટેવર્ડે ખાતેથી મળ્યાં છે. તે સૂચવે છે કે પ્રાગૈતિહાસિક માનવો અહીં 12,000 વર્ષ કરતાં ઘણા વહેલા આવીને વસેલા.

પ્લાયસ્ટોસીન કાલખંડ(વ. પૂ. 20–16 લાખ વર્ષથી 12–10 હજાર વર્ષ વચ્ચેનો ગાળો)માં પ્રવર્તેલા હિમયુગ દરમિયાન એટલે કે 12,000 વર્ષ પૂર્વેના ઘણા સમય પહેલાં હિમનદીઓ સાઇબીરિયાથી કૅનેડાની આરપાર થઈને ઉત્તર અમેરિકાના મધ્યભાગ સુધી પથરાયેલી હતી. પ્રાગ્-ઐતિહાસિક માનવો બેરિંગ અને અલાસ્કા વીંધીને બરફીલા ભૂમિમાર્ગે થઈને કેવી રીતે આવ્યા હશે ? એટલો લાંબો માર્ગ પસાર કરતાં તેમને સેંકડો વર્ષો લાગ્યાં હશે. વળી તેમને પાણી તેમજ અનુકૂળ ખાદ્ય વનસ્પતિ કે પ્રાણિજ ખોરાકની પણ એ દરમિયાન જરૂર પડી હશે, વચ્ચે વચ્ચે અવરોધો, મુશ્કેલીઓ અને રોગો પણ નડ્યા હશે. અમેરિકા જેવા ત્યારે તદ્દન નિર્જન ખંડમાં આવી પહોંચ્યા હોય તોપણ તેમણે કુટુંબોની અને બાળકો ઉછેરવાની જવાબદારી નિભાવી હશે અને તો જ તેઓ ટકી શક્યા હશે !

નૂતન અભિગમ : લાંબા કાળથી ચાલ્યો આવતો સિદ્ધાંત કહે છે કે સર્વપ્રથમ અમેરિકન લોકો આશરે 12,000 વર્ષ અગાઉ અપસરણ કરતી હિમનદીઓની વચ્ચેથી પસાર થઈને એશિયામાંથી અમેરિકા પહોંચેલા. મૉન્ટેવર્ડેની સ્તરવિદ્યાની મુલાકાતી વિજ્ઞાનીઓ દ્વારા તાજેતરમાં જ ખાત્રી કરાઈ છે. અહીંના ઘણાં સ્થળો હવે દર્શાવે છે કે બેરિંજિયામાંથી આવવાનો માર્ગ બરફથી અવરોધાયેલો હતો ત્યારે પણ દક્ષિણ ગોળાર્ધના આ ભાગમાં માનવો વસતા હતા. તો શું તેઓ હિમનદીઓની ધાર નજીકથી હોડીઓમાં બેસીને આવેલા ? કે પછી બરફનો અવરોધ થયો તે અગાઉ તેઓ ચાલીને આવેલા ?

પરંપરા એમ પણ કહે છે કે પ્રથમ અમેરિકાવાસીઓ એશિયામાંથી આવેલા છે; જ્યારે આંતરહિમકાળ દરમિયાન હિમગલન થતાં ખુલ્લા ભાગોમાં થઈનેય તેઓ આવ્યા હોય. જોકે ઉત્તર ગોળાર્ધના બેરિંગ સહિતના લગભગ બધા જ ઉત્તરીય ભાગો હિમપટથી અવરોધાયેલા હતા, ત્યારે પણ અમેરિકામાં વસવાટ હતો. તેના વધુ જૂનું વય ધરાવતા પૂરતા પુરાવા મોન્ટવર્ડે તેમજ અન્ય ઘણાં સ્થાનોમાંથી મળેલા છે.

કેટલા સમય પહેલાં માનવો અહીં વસવા માટે આવેલા ?
પુરાવા અને વયનિર્ધારણ. પ્રાગ્-ઐતિહાસિક કાળના માનવ-વસવાટના પ્રદેશોમાંથી હસ્તકારીગરીની જે માનવસર્જિત વસ્તુઓ મળી આવલી છે, તેનાં વયનિર્ધારણ રેડિયોકાર્બન-પદ્ધતિ દ્વારા કરવામાં આવેલાં છે. તેમાં તંબૂ બાંધવા માટેની એક તરફ અણિયાળી ખીંટીઓ, ખોદવા માટેની લાકડીઓ, મૅસ્ટોડોનનો દંતશૂલ તથા દાંતનો ટુકડો, ચૂલાનો પથ્થર, સ્લેટખડકમાંથી બનાવેલી શારડી, બેસાલ્ટનો અણિયાળો પથ્થર, લાકડાનો ભાલો, કોલસો, બળેલું લાકડું, ગાંઠવાળું વણેલું દોરડું, શિકાર માટે ફેંકવાના, વળ ચઢાવેલી દોરડીથી બાંધેલા ગોળા, બળેલી–શેકાયેલી પાંસળીઓ, કોતરીને સળ પાડેલું લાકડું, અંગારા સંકોરવાની વસ્તુ વગેરેનો અહીં સમાવેશ થાય છે, આ વસ્તુઓનું વય આશરે વ. પૂ. 11,000 વર્ષથી 14,000 વર્ષ વચ્ચેનું અંદાજાયું છે.

તો શું તેઓ હિમપટની ધારે ધારે, પૅસિફિકને કિનારે થઈને હોડીઓ કે તરાપાઓ મારફતે આવ્યા હશે કે પછી હિમાવરણનો વધુ જથ્થો જામે તે પહેલાં ચાલતા ચાલતા આવ્યા હશે કે પછી બે હિમપટ વચ્ચેના બ્રિટિશ કોલંબિયા જેવા સાંકડા ભૂમિમાર્ગે થઈને આવ્યા હશે ? શું તેઓ સારા દરિયાખેડુઓ પણ હશે ? – આવા આવા પ્રશ્નોનો ઉત્તર આ પ્રમાણે આપી શકાય : વ. પૂ. 20,000 વર્ષથી વધુ સમય પહેલાંના અમુક સમયગાળામાં જ્યારે હિમજમાવટનું પ્રમાણ ઓછું હતું ત્યારે તેઓ ઉત્તર અમેરિકાનાં મેદાનો કે ખીણ-માર્ગો મારફતે આવ્યા હોવા જોઈએ.

પ્રાગ્-ઐતિહાસિક માનવો અહીં વધુ વહેલા આવ્યા હોવાની ખાતરી મોન્ટેવર્ડેના બીજા એક સ્થળેથી મળી આવેલાં માનવસર્જિત પાષાણ-ઓજારો કરાવી આપે છે. આ હકીકતથી ક્લોવિસ અને મોન્ટેવર્ડેના પુરાવાઓનાં વયનિર્ધારણ અલગ પડે છે. 1976માં એક નાનકડી નદી (ચિંચીહોપી) પરના કાંઠાના માર્ગને ત્યાંના લોકો પોતાનાં બળદગાડાં લઈ જવા માટે ખોદીને પહોળો કરી રહ્યા હતા ત્યારે તેમાંથી મૅસ્ટોડોનનાં અસ્થિ તેમજ અન્ય અવશેષો અને ભીના પીટ-નિક્ષેપોમાંથી જુદાં જુદાં કદ, આકાર અને લંબાઈના લાકડાના ટુકડા મળી આવેલા. બીજે વર્ષે વાલ્દિવિયા (39° 57´ દ. અ. અને 73° 20´ પ.રે.) ખાતે આવેલા, યુનિવર્સિટી ઑવ્ ચિલીના નૃવંશશાસ્ત્ર વિભાગના વડા અમેરિકી પુરાતત્વવિદ્ ટૉમ ડિલેહીએ પુરાવા મેળવવા તે વિસ્તારમાં લગાતાર દસ વર્ષ સુધી ઉત્ખનન કરાવેલું. પૉર્ટ મૉન્ટ  બંદરેથી ઉત્તરે 64 કિમી. દૂર ઑર્સોના જ્વાળામુખી (40° 30´ દ. અ. અને 73° 01´ પ. રે.) નજીકનો આ પ્રદેશ 1976 પહેલાં જે જંગલોવાળો ઠંડો હતો તે આજે જંગલો સાફ થઈ જવાથી સમતળ કરી દેવામાં આવેલો છે.

આ ઉપરાંત અહીંથી 45 જેટલા ખાદ્ય છોડના અવશેષો પણ મળ્યા છે. આ પૈકીના 9 જેટલા અહીંના મુલકી નથી, પરંતુ તે અહીંથી 240 કિમી. દૂરના અંતરેથી લવાયેલા જણાય છે. કેટલાક છોડનાં પાંદડાં ઔષધો તરીકે વાપર્યાં હોવાનું જણાયું છે. આ બાબત સૂચવે છે કે આ લોકો દૂર રહેતાં જૂથો સાથે વેપારવિનિમય પણ કરતા હશે. વળી અહીંથી બટાટા, વાંસ, મશરૂમ અને ઘાસ પ્રકારની ‘રશ’ (rush) પ્રજાતિ જંકસ(juncus)નાં બીજ પણ અવશેષોરૂપે મળી આવ્યાં છે.

તે પછીના કાળમાં અહીં અત્યંત વરસાદ પડ્યા કર્યો હોય, ભૂગર્ભજળસપાટી વધુ પડતી ઊંચે આવી હોય, પાણી ફરી વળ્યાં હોય – ગમે તે કારણે મોન્ટેવર્ડે તારાજ થયું હશે. કેટલોક વિસ્તાર પીટ(peat)માં ફેરવાઈ ગયો હશે; પરંતુ પ્રાગ્-ઐતિહાસિક માનવોએ બનાવેલી અને ઉપયોગમાં લીધેલી ચીજો આજે જળવાયેલી મળી આવે છે. મોન્ટેવર્ડે ખાતે વસતા માનવોએ પથ્થરોમાંથી તોડીને બનાવેલાં કેટલાંક ઓજારો તેમની તવારીખ માટે વધુમાં વધુ વ. પૂ. 33,000 વર્ષ પાછળ સુધી લઈ જાય છે. રેતાળ પંક પર તૈયાર થયેલા પીટમાં ચાલવાથી માનવ-પગલાંની છાપ પણ મળી આવી છે. તે 12.5 સેમી. લાંબી છે એટલે કોઈ બાળકની હોવી જોઈએ. તેમાં પાંચ આંગળાં, નીચેની ગાદીનો ભાગ અને એડી સ્પષ્ટ વરતાઈ આવે છે. તેની આજુબાજુ બીજાં બે પગલાં પણ આછા પ્રમાણમાં મળે છે. તેને કાળજીપૂર્વક જોતાં, ડાબો પગ પહેલો, જમણો પછી અને ફરીથી ડાબો પગ એવો ક્રમ દેખાય છે. આ રીતે ચીલીના મૉન્ટે વર્ડે સ્થળના અભ્યાસ પરથી હોમો સેપિયન્સના નજીકના અતીતમાં ડોકિયું કરી શકાયું છે.

મૉન્ટે વર્ડે ખાતે મળી આવેલાં પગલાં પૈકી એક પગલાની છાપ

સારણી 1 : આદિ-માનવીય વર્તન/આદતો અને પારિસ્થિતિકી

હોમિનિડ પૂર્વજો અને તેમનો સમયગાળો અનુમાન (વ. પૂ. વર્ષોમાં). પુરાવાનો પ્રકાર
1 2 3
1. હોમિનિડના દૂરના પૂર્વજો : 80 (?) થી 50 લાખ વર્ષ. વિષુવવૃત્તીય આફ્રિકી ઉત્પત્તિ ઉત્પત્તિના સંદર્ભમાં આદિમાનવો આફ્રિકી કપિ સમકક્ષ. આજે જેમ આફ્રિકી કપિ વિષુવવૃત્તીય આફ્રિકામાં વસે છે, તેમ આદિ હોમિનિડ પણ પૂર્વ આફ્રિકામાં વસતા હતા.
2. પ્રારંભિક હોમિનિડ : 50 થી 30 લાખ વર્ષ. ભૂમિ પર બે પગે ચાલવાની આદત પડતી ગઈ; ક્યારેક વૃક્ષ-નિવાસી. ઇથિયોપિયાના હડારમાંથી ખોપરીના પાછલા ભાગનો અવશેષ મળ્યો છે; પરંતુ તેના પરથી બે પગે ચાલવાની ટેવ હતી કે નહિ તે વિશે વિવાદ. વૃક્ષ-નિવાસની ટેવ કદાચ વધુ હતી.
ઘાસના પ્રદેશો, વન્ય પ્રદેશો અને ગીચ ઝાંખરાંવાળા ભાગોમાં વસવાટ ટાન્ઝાનિયા, હડાર અને દક્ષિણ આફ્રિકાના માકાપાન્સગેટમાંથી માનવ-અવશેષો મળ્યા છે.
30 થી 20 લાખ વર્ષ. ખુલ્લા સવાના પ્રદેશમાં વસવાટ તત્કાલીન વનસ્પતિ, બીજાણુઓ અને જીવાવશેષોની પ્રાપ્તિ.
ખડતલ ઑસ્ટ્રેલોપિથેકસ કપિ- માનવોમાં રેસાદાર વનસ્પતિના ખોરાકની  ટેવ વિશેષ. દાંત પર સૂક્ષ્મ ઘસરકા; દાંત અને જડબાં મોટાં.
સર્વપ્રથમ પાષાણ-ઓજારો/સાધનો બનાવ્યાં. 25થી 20 લાખ વર્ષ પૂર્વેના ગાળામાં બનાવેલાં સાધનો ઇથિયોપિયા, કેન્યા, માલાવી અને ઝાઇરમાંથી મળે છે.
3.      પ્લાયોસીન–પ્લાયસ્ટોસીન હોમિનિડ : 20થી 15 લાખ વર્ષ (પાષાણ- તકનીકી, ખોરાક અને મગજકદમાં ફેરફાર આ બાબતો હોમો સાથેનું સંકલન દર્શાવે છે). ભૂમિ પર બે પગે ચાલવામાં પ્રગતિ. જૂના હોમોમાં ખોપરીના પાછલા ભાગની આકારિકી પ્રસ્થાપિત.
ઓજારો બનાવવાની અને ઉપયોગ કરવાની દક્ષતા વધી. પાષાણ-ઓજારોની બનાવટ પરથી હાથનાં અસ્થિની આકારિકી પ્રસ્થાપિત.
આદિમાનવો દ્વારા લઈ જવાયેલાં પાષાણિક અને પ્રાણીઓનાં હાડકાંના ભાગો અમુક સ્થાનોમાંથી મળે છે. સંખ્યાબંધ હસ્તકારીગરીનાં સાધનો અને જીવાવશષોનાં જૂનાં સ્થળોની ખોજ.
ખોરાકપ્રાપ્તિ માટે તેમજ ખાદ્ય-પ્રક્રમણમાં સાધનોનો ઉપયોગ. વધારે ઉપયોગ કરવાથી ઘસારો અને ઘસરકા પડ્યા હોય એવાં પાષાણિક અને અસ્થિ-ઓજારો મળે છે.
મોટાં પ્રાણીઓમાંથી પ્રોટીન અને ચરબીયુક્ત ખોરાક-પ્રાપ્તિ માટેના પ્રયાસોમાં વૃદ્ધિ. પ્રાણીઓનાં અસ્થિ પરથી ચરબી ઉતારી લેવા માટે અસ્થિ પર ઓજારો ખોતરવાથી પાડેલા કાપા મળે છે.
મોટાં પ્રાણીઓનો શિકાર, શિકાર બાદ તેમને ખેંચીને લઈ જવાયાં હોય એવાં ચોક્કસ સ્થાનો, ત્યાં માંસપ્રક્રમણ કર્યાના પ્રયાસો. વિક્ષેપરહિત પુરાતત્વીય સ્થળો ખાતે પ્રાણીઓના અવયવોનાં અસ્થિની પ્રાપ્તિ.
ઓજારો ઘડવાની ક્ષમતામાં વધારો, સમૂહમાં સામાજિક પ્રવૃત્તિઓ, હાવભાવ અને બોલી શકવાના પ્રયાસોમાં વિકાસ. અર્વાચીન માનવના મગજકદની તુલનામાં આશરે અર્ધા કે ત્રીજા ભાગનું મગજકદ, અર્થાત્ અગાઉ કરતાં મગજકદમાં વૃદ્ધિ.
માનવોમાં આવેલું ઠરેલપણું. મગજકદની ક્ષમતા વધી હોવાનું સૂચન. દાંતનો વિકાસ.
અવરજવરમાં વૃદ્ધિ. હિંસક પ્રાણીઓ સામે ઝૂઝવાની અને રક્ષણ કરવાની આવડત. કેન્યાના પશ્ચિમ તુર્કાના સરોવર પરથી પ્રારંભિક હોમો ઇરેક્ટસ- (સીધી અંગસ્થિતિ ધારક માનવ)ની ખોપરીના અવશેષો પરથી શારીરિક વિકાસ થયાનો નિર્દેશ મળે છે.
4. પ્રારંભિક પ્લાયસ્ટોસીન હોમિનિડ 15થી 1 લાખ વર્ષ. જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વસવાટ. પૂર્વ આફ્રિકી વિસ્તારોમાં આદિમાનવો વસવાટ કરવા ગયા હોય એવાં સ્થળો મળે છે; આફ્રિકા ખંડમાંથી સ્થળાંતર કરીને હોમિનિડ પ્રથમ વાર બહાર ગયા.
ઓજારોનાં સ્વરૂપો વિકસાવવાની સ્પષ્ટ સમજ કેળવાય છે. મૂળ ધારદાર ખડકટુકડાઓમાંથી ચોક્કસ પ્રકારના આકારવાળી બેધારી કુહાડીઓ બનાવવાની કળા હસ્તગત.

 

અગ્નિનો વિવિધ પ્રકારે ઉપયોગ. અગ્નિનો ઉપયોગ થયેલો હોય એવાં પુરાતત્વીય સ્થળો મળી આવ્યાં છે.
માનવ-પ્રવૃત્તિઓનું ભારણ વધ્યું હોય એવું દર્શાવતાં હાડપિંજર મળે છે. ખોપરીના ઉપલા અને પાછલા ભાગનાં હાડકાંનો મોટા પાયા પર વિકાસ.

 

5.      અંતિમ પ્લાયસ્ટોસીન હોમિનિડ 1 લાખથી 35,000 વર્ષ (નીએન્ડરટલ માનવો). એકસાથે વિવિધ ઉપયોગમાં આવી શકે એવાં ઓજારો સાથે રાખી શકવાની સમજ, તેની તકનીકી, પરંતુ ઓજારોના        વિકાસનો દર ધીમો. અગાઉ કરતાં પાષાણ-ઓજારોના પ્રકારોની સંખ્યા અને બનાવટમાં વૃદ્ધિ.
શબને દાટવાનું વલણ, સંકલિત ધાર્મિક વિધિઓ. દાટેલી ચીજવસ્તુઓ સહિતનાં શબનાં હાડપિંજર મળી આવે છે.
પ્રવૃત્તિ અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ સ્નાયુબદ્ધ હાથ. કઠણ વસ્તુઓ તોડવામાં દાંતનો ઉપયોગ. ખડતલ માનવનાં હાડપિંજર મળે છે, જાડા પગ અને માંસલ હાથનાં અસ્થિ મળે છે. દાંતથી વસ્તુઓ તોડવાને કારણે સન્મુખ દાંત પર ઘસરકાઓની ભાત મળે છે.
સંપૂર્ણપણે અર્વાચીન હોમોસેપિયન્સ 35,000થી 10,000 વ.પૂ.નો સમયગાળો. ચતુરાઈને કારણે કૌશલ્યમાં થયેલો વિકાસ, તેથી પ્રવૃત્તિમાં મંદતા આવે છે. કૌશલ્ય વધવાથી ખડતલ શરીરો ઓછા પ્રમાણમાં મળે છે. આ બાબત 35,000 વર્ષ પૂર્વેના પ્રારંભિક માનવોમાં પણ જોવા મળે છે.
તકનીકી ક્ષમતામાં વૃદ્ધિ. પાષાણિક અને અસ્થિ-ઓજારોના ઉત્પાદનમાં સુધારો; દા.ત., ધારદાર પતરી જેવાં સાધનો, અણીદાર અસ્થિ-ઓજારો બનાવવાની કુશળતા.
શિકાર તેમજ તેના જેવી અન્ય પ્રવૃત્તિઓમાં સુધારો. અમુક ચોક્કસ પ્રકારનાં પ્રાણીઓનો શિકાર કરવાની તેમજ તેમની ખોજ કરવાની આવડત અને રીતો. ભાલા ફેંકી શિકાર કરવાનું વલણ–ભાલા ખૂંપી ગયેલાં પ્રાણીઓનાં હાડપિંજર મળે છે. પ્રાણીઓને ફસાવીને પકડવાનું વલણ. પ્રાણી-આવાસો જેવાં પુરાતત્ત્વીય સ્થળોમાં પ્રાણીઓના જીવાવશેષોની પ્રાપ્તિ.
અગાઉ વસવાટ ન કર્યો હોય એવાં સ્થળોમાં  નિવાસ. દા.ત., યુરોપ અને એશિયાનાં ટુન્ડ્ર પ્રદેશીય સ્થળો; 30,000 વર્ષ (કદાચ 50,000 વર્ષ) અગાઉ ઑસ્ટ્રેલિયામાં જઈને વસવાટ; ઉ. અને દ. અમેરિકામાં સ્થળાંતર.
કલાત્મક સંજ્ઞાઓ, સંકેતો. નિશાનીઓથી રજૂઆત કરવાની દક્ષતા. અન્યોન્ય સમજ-વિસ્તૃતિ. કોતરકામ-શિલ્પકામ, ચિત્રકામ-આકૃતિઓ, ભિત્તિચિત્રો મળે છે. અસ્થિ પર અંકિત ચિહ્નો મળે છે. ઝવેરાતનો ઉપયોગ.
વિવિધ પ્રકારના તકનીકી-સાંસ્કૃતિક ફેરફારો. ઓજારો વસાવવાની અને જરૂર હોય ત્યારે ઉપયોગ કરવાની આવડત.
અનાજદાણા વાવવા અને લણવાની સર્વપ્રથમ શરૂઆત; પશુપાલન. બીજ અને ખેડાણની વનસ્પતિના અવશેષો કેટલાંક સ્થળોમાંથી મળે છે. આ સમયગાળો અંતિમ પ્લાયસ્ટોસીન છે.

સારણી

હોમો ઇરેક્ટસ

 

1.3-1.5

4-5

મજબૂત બાંધો, હાડપિંજર માનવ-સમકક્ષ.

પ્રારંભિક (પ્રાચીન)

હોમો સેપિયન્સ.

 

? (પ્રાપ્ય નથી.)

મજબૂત બાંધો, હાડપિંજર માનવ સમકક્ષ

નીએન્ડરટલ

માનવ

1.5-1.7

5-5.5

મજબૂત બાંધો, હાડપિંજર માનવ સમકક્ષ, પરંતુ ઠંડી આબોહવાને અનુકૂળ.

આદિ અર્વાચીન

હોમો સેપિયન્સ.

1.6-1.85

5.3-6

હાડપિંજર અર્વાચીન માનવ સમકક્ષ, સંભવત: હૂંફાળી આબોહવા માટે અનુકૂળ

   1      2        3       4
750-1250 1100-1400 1200-1750 1200-1700
વિશાળ પશ્ચ કપાલ અને ભવાં સહિત ચપટી જાડી ખોપરી. ઊંચી ખોપરી, ઓછા પ્રમાણમાં આગળ ધપેલો ચહેરો. દ્બેલાં ભવાં, પાતળી ખોપરી, મોટું નાક, ચહેરાનો મધ્ય ભાગ આગળ પડતો. નાનાં ભવાં અથવા ભવાંનો અભાવ, ટૂંકી ઊંચી ખોપરી.
મોટા કદના માનવમાં મજબૂત જડબાં, હોમો

હેબિલિસ કરતાં નાના દાંત.

હોમો ઇરેક્ટસને સમકક્ષ, પરંતુ

દાંત તેથી પણ (સંભવત:) નાના.

પ્રાચીન હોમો સેપિયન્સને સમકક્ષ,

સન્મુખ દાંત સિવાયના બાકી- ના દાંત નાના, કેટલાકમાં દાઢી(ચિબુક)નો વિકાસ.

નીએન્ડરટલ કરતાં નાનાં જડબાં,

ચિબુકનો વધુ વિકાસ, દાંત સંભવત: નાના.

આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા (યુરોપ ?) આફ્રિકા, એશિયા, યુરોપ. યુરોપ અને પશ્ચિમ એશિયા. આફ્રિકા અને પશ્ચિમ એશિયા.
18-03 લાખ વર્ષ 4-1 લાખ વર્ષ 1.5 લાખથી 30,000 લાખ વર્ષ 1.3 લાખથી 60,000 લાખ વર્ષ

 

સારણી 2 : આદિ માનવોની ઉત્ક્રાંતિ

નામ
હોમો હેબિલિસ (નાનું કદ) હોમો હેબિલિસ (મોટું કદ) હોમો ઇરેક્ટસ પ્રારંભિક (પ્રાચીન) હોમો સેપિયન્સ નીએન્ડરટલ

માનવ

આદિ અર્વાચીન

હોમો સેપિયન્સ

ઊંચાઈ : મીટરમાં 1 1.5 1.3-1.5 ? (પ્રાપ્ય નથી) 1.5-1.7 1.6-1.85
ઊંચાઈ : ફૂટમાં 3 5 4-5    – 5-5.5 5.3-6
શારીરિક બાંધો પ્રમાણમાં લાંબી

ભુજાઓ

મજબૂત બાંધો,

હાડપિંજર માનવ-

સમકક્ષ

મજબૂત બાંધો,

હાડપિંજર માનવ-

સમકક્ષ

મજબૂત બાંધો,

હાડપિંજર માનવ-

સમકક્ષ

મજબૂત બાંધો

હાડપિંજર માનવ-

સમકક્ષ, પરંતુ ઠંડી

આબોહવાને અનુકૂળ

હાડપિંજર અર્વાચીન

માનવ-સમકક્ષ, સંભ-

વત: હૂંફાળી આબો-

હવા માટે અનુકૂળ

મગજનું કદ (મિલી.) 500-650 600-800 750-1250 1100-1400 1200-1750 1200-1700
ખોપરીનું સ્વરૂપ પ્રમાણમાં નાનો

ચહેરો,

વિકસિત નાક

વિશાળ, ચપટો

ચહેરો

વિશાળ પશ્ચ કપાલ

અને ભવાં સહિત

ચપટી જાડી ખોપરી

ઊંચી ખોપરી, ઓછા

પ્રમાણમાં આગળ

ધપેલો ચહેરો

દ્બેલાં ભવાં,

પાતળી ખોપરી, મોટું

નાક, ચહેરાનો મધ્ય

ભાગ આગળપડતો

નાનાં ભવાં અથવા

ભવાંનો અભાવ,

ટૂંકી ઊંચી ખોપરી

જડબાં/દાંત પાતળાં જડબાં,

નાની સાંકડી દાઢો

સેપિયન્સને સમકક્ષ,

મજબૂત જડબાં,

મોટી સાંકડી દાઢો

નાનાં જડબાં,

મોટા કદના માનવમાં

મજબૂત જડબાં, હોમો

હેબિલિસ કરતાં નાના

દાંત

હોમો ઇરેક્ટસને

સમકક્ષ, પરંતુ દાંત

તેથી પણ સંભવત:

નાના.

પ્રાચીન હોમો

સન્મુખ દાંત સિવા-

યના બાકીના દાંત

નાના, કેટલાકમાં દાઢી-

(ચિબુક)નો વિકાસ.

નીએન્ડરટલ કરતાં

નાની સાંકડી દાઢો

ચિબુકનો વધુ વિકાસ,

દાંત સંભવત: નાના

વિતરણનાં સ્થાન પૂર્વ આફ્રિકા,

કદાચ દક્ષિણ

પૂર્વ આફ્રિકા આફ્રિકા, એશિયા,

ઇન્ડોનેશિયા

(યુરોપ?)

આફ્રિકા, એશિયા

યુરોપ.

યુરોપ અને પશ્ચિમ

એશિયા.

આફ્રિકા અને પશ્ચિમ

એશિયા.

પ્રાપ્ય તવારીખ

(વર્ષો અગાઉ)

20-16 લાખ વર્ષ 20-16 લાખ વર્ષ 18-03 લાખ વર્ષ 4-1 લાખ વર્ષ 1.5 લાખથી

30,000 વર્ષ

1.3 લાખથી

60,000 વર્ષ

ગિરીશભાઈ પંડ્યા