માનચંદા, સુભાષ ચન્દ્ર (ડૉ.) (જ. 13 સપ્ટેમ્બર 1940) : વિખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ તથા ઉચ્ચ કોટિના સંશોધન વૈજ્ઞાનિક. ડૉ. સુભાષ ચન્દ્ર માનચંદા વર્તમાનમાં હૃદયવિજ્ઞાન વિભાગ, મેટ્રો હૃદય સંસ્થાન, દિલ્હીના અધ્યક્ષ છે.

સુભાષ ચન્દ્ર માનચંદા
ડૉ. માનચંદાએ ઊંચાઈ પર આવેલાં સ્થળો પર થતી હૃદય સંબંધિત સમસ્યાઓ પર મહત્ત્વપૂર્ણ પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. તેઓને વ્યાવસાયિક શિક્ષણ તથા સંશોધનમાં 36 વર્ષનો બહુમૂલ્ય અનુભવ છે. તેઓ છેલ્લાં 31 વર્ષોથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના સંકાય સદસ્ય (faculty member) છે. વિભિન્ન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મેડિકલ પત્રિકાઓ(journal)માં તેઓના 300થી વધુ વૈજ્ઞાનિક લેખ પ્રકાશિત થયા છે. તેઓએ ઓરમસ (Oram’s) ક્લિનિકલ હાર્ટ ડિસિઝ (1999) સહિત હૃદયવિજ્ઞાન પર 4 પુસ્તકો લખ્યાં છે. તેઓએ ફિલિપિન્સ હાર્ટ ઍસોસિયેશન મિટિંગ, મનીલા તથા ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં 1987માં વિશેષ આમંત્રિત અતિથિ તરીકે વ્યાખ્યાન આપ્યાં છે. તેઓ છેલ્લા 20 વર્ષથી નાગરિકો, સરકારી કર્મચારીઓ તથા દિલ્હીના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતા જીવનરક્ષક ‘સી. પી. આર.’ પાઠ્યક્રમોમાં ભાગ લઈને જનશિક્ષાના ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે તથા આવા 300થી વધુ પાઠ્યક્રમોમાં ભાગ લીધો છે. તેઓ ભારતના પ્રધાનમંત્રીના હૃદયરોગ વિશેષજ્ઞ સલાહકાર રહ્યા છે.
ડૉ. માનચંદાને ઉચ્ચ કોટિના ચિકિત્સક હોવા માટે 1997માં ભારતીય ચિકિત્સા સંઘ (આઈ.એમ.એ.) દ્વારા વિશિષ્ટતા સન્માન, 1998માં પ્રિવેન્ટિવ કાર્ડિયોલૉજીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સંશોધન માટે મદન ચંદ તોલામલ ટ્રસ્ટ પુરસ્કાર તથા 1999માં આયુર્વિજ્ઞાન(medicine)માં ‘નૅશનલ એક્સેલન્સ ઍવૉર્ડ’ તથા અન્ય ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 2004માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા.
પૂરવી ઝવેરી