માધવ હર્ષદેવ (ડૉ.) (જ. 20 ઑક્ટોબર 1954, વરતેજ, જિ. ભાવનગર, ગુજરાત) : બહુભાષી કવિ તથા સાહિત્યકાર. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પણ લેખનકાર્ય કરે છે. તેમણે એમ.એ. (પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર), બી.એડ્. (પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે) અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલ તેઓ એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ ખાતે પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય છેલ્લાં 27 વર્ષથી સંભાળે છે. તેમણે પીએચ.ડી.ના ત્રણ વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
અત્યાર સુધીમાં તેમણે કુલ 75 ગ્રંથો આપ્યા છે; તેમાં સંસ્કૃતમાં 20 ગ્રંથો, ગુજરાતીમાં 6 અને હિંદીમાં 1 ગ્રંથ આપ્યા છે. સંસ્કૃતમાં 2 નાટ્યસંગ્રહ; 2 વિવેચનગ્રંથો, 6 અધ્યાપન અને અધ્યયનના ગ્રંથો, 3 તંત્રશાસ્ત્ર, 7 સંસ્કૃત વ્યાકરણ; ગુજરાતીમાં 6 વિવેચનગ્રંથો અને 20 સંપાદિત, અનૂદિત ગ્રંથોનો સમાવેશ થાય છે. પ્રથમ સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘રથ્યાસુ જંબૂવર્ણાનાં શિરાણામ્’ તથા પ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ ‘હાથ ફંફોસે આંધળા સુગંધને’ પ્રગટ થયા. તેમની ઉલ્લેખનીય કૃતિઓમાં ‘મૃગયા’, ‘નિષ્ક્રાંતા: સર્વે’, ‘પુરા યત્ર સ્રોત:’, ‘મૃત્યુશતકમ્’, ‘ભાવસ્થિરાણિ જનનાંતર સૌહૃદાનિ’ (સંસ્કૃત કાવ્યસંગ્રહો); ‘હેડલાઇન્સ અગેન’ (અંગ્રેજી કાવ્યસંગ્રહ); ‘પક્ષી કે પંખ પર ગગન’ (હિંદી કાવ્યસંગ્રહ); ‘ક્ષણસ્વપ્ન’ (ગુજરાતી વાર્તાસંગ્રહ) તથા ‘નખચિહન’(સંસ્કૃત વિવેચન ગ્રંથ)નો સમાવેશ થાય છે. તેમણે 85 સંશોધન પેપરો રજૂ કર્યાં છે.
તેમને 1997ના વર્ષનો ભારતીય ભાષા પરિષદ દ્વારા કલ્પવલ્લી પુરસ્કાર, 1998ના વર્ષનો સંસ્કૃત વિકાસ, કૅનેડાનો રામક્રિશ્ન સંસ્કૃત ઍવૉર્ડ; ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કાર પાંચ વખત, 2000ના વર્ષનો અખિલ ભારતીય કાલિદાસ ઍવૉર્ડ અને છેલ્લે 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તવ સ્પર્શે સ્પર્શે’ કાવ્યસંગ્રહનાં કાવ્યો તેમની ગહનતા, આધુનિક સંવેદના, સૂક્ષ્મ અભિવ્યક્તિ અને મૌલિક કલ્પનાશીલતા માટે મહત્ત્વપૂર્ણ છે. તેમાંનાં કેટલાંક કાવ્યોની તુલના દેશવિદેશમાં કોઈ પણ ભાષાનાં શ્રેષ્ઠ કાવ્યો સાથે થઈ શકે છે. તે કારણે આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય કાવ્યમાં ઉલ્લેખનીય ભેટ ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા