માધવ મેનન, કોડાઈકાટ (જ. 1907, પલ્લૂટ, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 7 વરસની ઉંમરે 1914માં તે ઘરના એક વડીલ સાથે શ્રીલંકા જવા ચાલી નીકળ્યા અને ત્યાં રખડપટ્ટી સાથે શાળાકીય અભ્યાસ પણ કર્યો. 1915માં ભારત પાછા ફરી ચેન્નાઈમાં અર્ધેન્દુપ્રસાદ બૅનર્જી પાસેથી ડ્રૉઇંગની તાલીમ લીધી. 1922માં મછલીપટ્ટણમ્ જઈ ત્યાંની ‘આંધ્ર જાતીય કલાશાળા’માં રમેન્દ્રનાથ ચક્રવર્તી પાસે ચિત્રકલાની તાલીમ લીધી. 1925માં શાંતિનિકેતન જઈ નંદલાલ બોઝ અને સમરેન્દ્રનાથ કર પાસે ચિત્રકળાની તાલીમ લીધી. 1926માં કોલકાતા જઈ અવનીન્દ્રનાથ ટાગોર અને ગગનેન્દ્રનાથ ટાગોર પાસે ચિત્રકલાની તાલીમ લીધી. 1929માં ચેન્નઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ’ના ચિત્રકલાના ડિપ્લોમા અભ્યાસક્રમના છેલ્લા વરસમાં જોડાયા અને પ્રિન્સિપાલ દેવીપ્રસાદ રાયચૌધરીના માર્ગદર્શન હેઠળ 1930માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તે પછી 12 વરસ સુધી વ્યવસાયી ધોરણે ચિત્રો કર્યાં. 1942થી 1950 સુધી તિરુવનંતપુરમની ‘ચિત્રાલય આર્ટ ગૅલરી’ના ક્યુરેટર અને 1951થી 1971 સુધી અન્નામલાઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ ફાઇન આર્ટ્સના વડા અને 1972થી 1974 સુધી ભારત સરકારની ‘એડ્વાઇઝરી કમિટી ઑન આર્ટ’ના સભ્ય તરીકે કામગીરી બજાવી. હાલ તે કેરળના પલ્લૂટ ગામમાં રહી ચિત્રકામમાં વ્યસ્ત છે. માધવ મેનનનાં ચિત્રોમાં કેરળની સમૃદ્ધ વનશ્રી અને પશુ-પંખીસૃષ્ટિનું બંગાળ શૈલીમાં થયેલું આલેખન જોવા મળે છે.

નવી દિલ્હીની ‘નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ’, નવી દિલ્હીની લલિત કલા અકાદમી, ચેન્નાઈના ગવર્ન્મૅન્ટ મ્યૂઝિયમ, તિરુવનંતપુરમની ‘ચિત્રાલય આર્ટ ગૅલરી’, તાન્જાવુરના ‘સાઉથ ઝોન કલ્ચરલ સેન્ટર’ અને હૈદરાબાદના સાલારજંગ મ્યુઝિયમમાં તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે.

અમિતાભ મડિયા