માધવીલતા : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્પીધિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hiptage benghalensis Kurz syn H. madablota Gaertn.; Benisteria benghalensis (સં. માધવી, અતિમુક્તા; બં., હિં., માધવીલતા, ગુ. માધવીલતા, માધવી, રગતપીતી, માધવલતા, મધુમાલતી; અં. ક્લસ્ટર્ડ હિપ્ટેજ; ડિલાઇટ ઑવ વુડ્ઝ) છે. તે એક મોટો, સુંદર, સદાહરિત, આરોહી ક્ષુપ છે અને સમગ્ર ભારતમાં અને આંદામાનના દ્વીપકલ્પોમાં ભેજવાળી જગાઓએ 1,800 સેમી.ની ઊંચાઈ સુધી થાય છે. છાલ બદામી રંગની હોય છે અને તેની પતરીઓ ખરી પડે છે. તેનાં પર્ણો 15 સેમી.થી 20 સેમી. લાંબાં અને 5.0 સેમી.થી 6.00 સેમી. પહોળાં, ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong) કે અંડ-ભાલાકાર (ovate-lanceolate) હોય છે. પુષ્પો અત્યંત સુગંધિત, રેશમી અને કલગી (raceme)સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપત્રો 5, ઝૂલદાર (fringed) અને સફેદ હોય છે અને 3.0 સેમી. થી 4.0 સેમી. લાંબાં અને 1.0 સેમી. પહોળાં હોય છે. સૌથી ઉપરનું દલપત્ર પીળું અને સોનેરી ટપકાંવાળું હોય છે. તેનાં ફળ સપક્ષ હોય છે અને 1થી 3 અસમાન પાંખો જેવી ચપટી રચના ધરાવે છે. બીજ ઉપગોલાકાર (subglobose) હોય છે.

શિયાળામાં ક્યારેક આખી વેલ પુષ્પોથી ઢંકાઈ જાય છે અને ત્યારે તે ખૂબ સુંદર દેખાય છે. તેની સુગંધી કામોત્તેજક હોય છે. દુષ્યંત અને શકુંતલાની પ્રણયલીલા આ વેલના મંડપ નીચે થયેલી એવો ઉલ્લેખ છે.

પ્રસર્જન બીજ દ્વારા અથવા કટકારોપણ કે ગુટી દ્વારા કરવામાં આવે છે. પુષ્પનિર્માણ પછી થોડીઘણી છાંટણી (pruning) કરવાથી વેલ પ્રમાણસર રહે છે; પરંતુ વધારે છાંટણી તે સહન કરી શકતી નથી. તેના ઉછેરમાં ખાસ કોઈ કાળજીની જરૂર નથી; સાધારણ ખાતર-પાણી પૂરતાં ગણાય છે.

તેને આકર્ષક અને સુગંધિત પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. આયુર્વેદમાં તેનાં પર્ણો અને મૂળ સંધિવા, દમ, ચામડીના રોગો અને મેદસ્વિતામાં ઉપયોગી ગણાવેલાં છે. પર્ણોનો રસ કીટનાશક (insecticidal) ગુણધર્મો ધરાવે છે અને ખસ(scabies)માં વપરાય છે. તેનાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

તેની છાલ સુરભિત (aromatic) અને કડવી હોય છે. તે સ્ફટિકી ગ્લુકોસાઇડ–હિપ્ટેજિન (C10 H14 O9 N2·½H2O) ધરાવે છે. છાલમાં 8.5 % જેટલું ટૅનિન હોય છે.

કાષ્ઠ રતાશપડતું બદામી હોય છે અને કેન્દ્રમાં વધારે ઘેરા રંગના સમૂહો જોવા મળે છે. તેનું વજન મધ્યમસરનું (560 કિગ્રા.થી 609 કિગ્રા./ઘમી.) હોય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા બનાવવામાં અને બળતણ તરીકે થાય છે.

મ. ઝ. શાહ