માથેર, જ્હૉન ક્રોમવેલ

January, 2002

માથેર, જ્હૉન ક્રોમવેલ (જ. 7 ઑગસ્ટ 1946, રૉનોક, વર્જિનિયા) : અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. તેમના COBE (Cosmic Background Explorer) ઉપરના સંશોધનકાર્ય માટે જ્યૉર્જ સ્મૂટની ભાગીદારીમાં 2006નો નોબેલ પુરસ્કાર તેમને મળેલો.

જ્હૉન ક્રોમવેલ માથેર

1964માં ન્યૂટન હાઈસ્કૂલ ન્યૂટન(ન્યૂ જર્સી)માં માધ્યમિક શિક્ષણ લીધું. 1968માં સ્વાર્થમોર કૉલેજમાંથી બી.એસસી. (ભૌતિકવિજ્ઞાન સાથે) થયા. 1974માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1974–76 સુધી HRC પોસ્ટડૉક્ટરલ ફેલો તરીકે કોલંબિયા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટમાં અવકાશને લગતા અભ્યાસ અને સંશોધન કર્યાં. માથેર નાસાના વરિષ્ઠ ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને મેરીલૅન્ડ યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાનના સંલગ્ન (adjunct) પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે.

વૈશ્વિક સૂક્ષ્મતરંગ પાર્શ્વભૂમિ વિકિરણ(cosmic microwave background radiation)નો કાળા પદાર્થના સ્વરૂપ અને વિષમદિગ્ધર્મિતા (anisotropy) માટેનો આ પ્રયોગ સૌપ્રથમ હતો. કોબ ઉપગ્રહના ઉપયોગથી કરેલા કાર્ય વડે વિશ્વની ઉત્પત્તિના મહાવિસ્ફોટ(big bang)ના સિદ્ધાંતને મજબૂત ટેકો મળે છે. કોબ-પ્રકલ્પને ચોકસાઈપૂર્વકના બ્રહ્માંડવિજ્ઞાનના આરંભબિંદુ તરીકે ગણાવી શકાય.

‘ટાઇમ’ સામયિકે જગતની 100 પ્રભાવક વ્યક્તિઓમાં માથેરનો સમાવેશ કર્યો છે.

ઘણીબધી વિજ્ઞાન સંસ્થાઓ અને એકૅડેમી તરફથી તેમને કેટલાય ઍવૉર્ડ, પુરસ્કાર, ફેલોશિપ અને માનદ ઉપાધિઓ મળી છે.

પ્રહલાદ છ. પટેલ