માથાઈ, વાંગારી (મુટા) (જ. એપ્રિલ, 1940, ન્યેરી, કેન્યા) : 2004ના શાંતિ નોબેલ પારિતોષિક-વિજેતા સૌપ્રથમ આફ્રિકન મહિલા, કેન્યા સરકારનાં મંત્રી અને પર્યાવરણની સુધારણાની ગ્રીનબેલ્ટ મુવમેન્ટનાં જનેતા અને તેનાં પ્રખર સમર્થક. વાંગારી મુટા કેન્યામાંના દૂરના વિસ્તારનાં રહીશ હતાં અને માતાપિતા લગભગ નિરક્ષર હોવાથી તેમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી. જોકે નિરક્ષર માતાપિતા બાળકોના અભ્યાસ અંગે અત્યંત સચિંત હોવાથી વાંગારી સહિત અન્ય બાળકોનો પ્રારંભિક અભ્યાસ સ્થાનિક શિક્ષણસંસ્થાઓમાં થયો. વાંગારી મુટા અભ્યાસમાં તેજસ્વી હોવાથી વિજ્ઞાનનાં સ્નાતક થયાં અને કૅનેડી પારિતોષિક મળતાં 1960માં વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયાં. ત્યાં જીવવિદ્યાના અનુસ્નાતક થયા પછી અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી જીવવિદ્યા વિષયમાં તેમણે ડૉક્ટરેટની ઉપાધિ મેળવી; જે મેળવનાર તેઓ સૌપ્રથમ પૂર્વઆફ્રિકી મહિલા છે. 1966માં અમેરિકા ખાતેના અભ્યાસ બાદ સ્વદેશ પાછાં ફર્યાં ત્યારે કેન્યામાં તેમની આ ઉપાધિ સ્વીકારવા ખાસ કોઈ તૈયાર ન હોઈ નૈરોબી યુનિવર્સિટીમાં તેમણે રિસર્ચ આસિસ્ટન્ટનો સામાન્ય હોદ્દો સ્વીકારી કારકિર્દીનો આરંભ કર્યો.
કારકિર્દીના કારણે તેમજ કેન્યાની પર્યાવરણીય બેદરકારીથી તેઓ સ્વદેશ પાછાં ફર્યાં ત્યારે વ્યક્તિગત રીતે આઘાતજનક સ્થિતિમાં મુકાયાં; કારણ કે 1960નું લીલુંછમ કેન્યા લીલોતરી-આચ્છાદિત રહ્યું નહોતું, પણ સુકાવા માંડ્યું હતું. ભારે વરસાદથી ધરતીની ઉપલી સપાટીઓનું ધોવાણ થતાં લીલાં વૃક્ષો અદૃશ્ય થવા લાગ્યાં હતાં. એથી ગ્રામીણ જીવનમાં ઈંધણનો અભાવ, જળસંગ્રહની તકલીફો જેવી અનેક સમસ્યાઓ ગ્રામીણ મહિલાઓની હાલાકીમાં વધારો કરતી હતી, જે હાલાકી વાંગારી પણ મહેસૂસ કરતાં હતાં. આ સમસ્યા હલ કરવા માટે તેમણે નવાં વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો. એથી ઈંધણની બચત થવા ઉપરાંત શ્રમ અને શક્તિની બચત થવાની ધારણાથી તેમણે આ દિશામાં સક્રિય પગલાં લેવાં શરૂ કર્યાં.
1969માં એક વ્યાપારી માથાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાતાં તેઓ વાંગારી મુટા મટી વાંગારી માથાઈ બન્યાં. ગૃહસ્થ જીવનના આરંભ છતાં પર્યાવરણ અંગેની સભાનતા તેમને સક્રિય રાખતી હતી. 1974માં તેમના પતિએ કેન્યાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ત્યારે તેમણે તેમના પતિને બે સૂચનો કર્યાં : (1) ડેનિયલ આરાપ મોઈની સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને (2) લોકોને ખૂબ વૃક્ષો રોપવાનું વચન આપી તે દિશામાં સક્રિય બનવું. તેમના પતિ ચૂંટણીમાં વિજયી નીવડતાં સ્વપ્નિલ વચનોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો પુરુષાર્થ તેમણે આદર્યો. 1977માં નૈરોબીના બગીચામાં 7 વૃક્ષો રોપી તેમણે કામનો આરંભ કર્યો. તેમણે પ્રજાને ગળે એ વાત ઉતારી કે વૃક્ષોનું વાવેતર કરવાનું કામ લોકોનું છે; સરકારનું નહિ. મોટા ગજાના કામની નાનકડી શરૂઆત કરીને તેમણે સામાન્ય જનતાને વૃક્ષ-વાવેતરના કામ માટે પ્રોત્સાહિત કરી. આ માટે સરકારના વનઅધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમને વનવિભાગનું સમર્થન મળ્યું. વધુમાં સરકારી અધિકારીઓએ મફત બિયારણની વ્યવસ્થા કરી આપી. મહિલાઓના ટેકાથી ઠેર ઠેર વૃક્ષ-વાવેતરની ઝુંબેશે વેગ પકડ્યો. 1981થી 1987 તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ વિમેનનાં અધ્યક્ષ રહ્યાં. આ સંસ્થાના નેતૃત્વ હેઠળ નાગરિકો નવાં વૃક્ષો રોપે તે અંગેની ઝુંબેશ તેમણે વ્યાપક બનાવી. વૃક્ષજતનના તેમના અસાધારણ પ્રયાસોએ તેમને સૉફી પ્રીઝ ઍવૉર્ડ, પીટર કેલી ઍવૉર્ડ અને જે. સ્ટર્લિંગ મોર્ટન ઍવૉર્ડનાં અધિકારી બનાવ્યાં. તેમણે વૃક્ષો વાવવા માટે એક વિશેષ સંગઠન રચી તેને ‘ગ્રીન બેલ્ટ મુવમેન્ટ’ નામ આપ્યું. તે પાછળનો ઉદ્દેશ પર્યાવરણ સુધારવાનો હતો. વ્યાપક પાયા પર તેમણે છેક પ્રાથમિક સ્તરેથી સંગઠનો રચવાની શરૂઆત કરી. એથી પર્યાવરણ સુધારી તે દ્વારા દેશને બચાવવા માટે ધરાતલ (grassroot) કક્ષાએ કામ કરતું પ્રજાકીય આંદોલન આરંભાયું. આ સંગઠનોનું એકમેવ લક્ષ્ય વધુ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવી, વિસ્તારી ગ્રામીણ કેન્યાનું જીવનસ્તર સુરક્ષિત રાખવાનું હતું. આ માટે કેન્યા અને સમગ્ર પૂર્વ-આફ્રિકામાં વાડીઓ, શાળાઓે અને ચર્ચના કમ્પાઉન્ડમાં – એમ ઠેર ઠેર વૃક્ષો રોપવામાં તેમણે મહિલાઓને પ્રોત્સાહિત કરી. પર્યાવરણના જતન દ્વારા જનજીવનના સશક્તીકરણનું કામ વિશ્વમાં નમૂનારૂપ બન્યું છે. એક વ્યક્તિ કઈ રીતે સમગ્ર સમૂહની જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે તેનું તે દૃષ્ટાંત છે. એથી તેમના નાનકડા પ્રયાસો પ્રચંડ આંદોલનમાં રૂપાંતરિત થયા. 1986 સુધીમાં 50,000 મહિલાઓ તેમની નૅશનલ કાઉન્સિલ ઑવ્ વિમેનની સભ્ય બની. 1990 સુધીમાં 1 કરોડ અને 2004 સુધીમાં 3 કરોડ છોડ રોપાયા. વૃક્ષોના આ વાવેતરથી કેન્યાનું પર્યાવરણ તો તંદુરસ્ત બન્યું પરંતુ એથીયે અદકો લાભ એ થયો કે ગ્રામીણ મહિલાઓનું જીવનસ્તર સુધર્યું. ગ્રીન બેલ્ટ મુવમેન્ટ સામાજિક આંદોલન અને મહિલાઓના જીવનઉત્કર્ષમાં રૂપાંતર પામી. તેમના આ આંદોલનમાં ઉત્તર અમેરિકાનાં સંગઠનો સહભાગી બનતાં આંદોલન વિદેશોમાં વિસ્તર્યું. તેનાં ત્રણ મહત્વનાં ધ્યેય સ્પષ્ટ બન્યાં : (1) પર્યાવરણની જાળવણી; (2) લોકશાહી અને નાગરિક સમાજનું સંવર્ધન અને (3) મહિલા નેતૃત્વને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમનું આ આંદોલન સમાજનવરચનાની દિશાને વેગ પૂરો પાડે છે.
આ સમગ્ર કાર્યવહી દરમિયાન ડેનિયલ મોઈની સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઊઠેલા અવાજને કારણે તેઓ સરકારી કનડગતનો ભોગ બન્યાં, હુમલા અને જેલ વેઠ્યાં, પરંતુ મૂળભૂત ઇરાદાને વળગી રહ્યાં. તેમની માન્યતા છે કે કુદરતી સંસાધનોનું જતન લોકો જ કરી શકશે. નૈરોબીમાં ઉરુરુ પાર્કની નજીક 60 માળનું પૂર્વ આફ્રિકાનું સૌથી ઊંચું મકાન બાંધવાની કાર્યવહી તેમણે અવરોધી. એથી સરકાર સ્તબ્ધ બની; પરંતુ વાંગારીએ વિરોધ ચાલુ રાખ્યો. તે માટે તેમને અદાલતનો અને આંતરરાષ્ટ્રીય સંગઠનનો ટેકો મળ્યો. છેવટે સરકારે નમતું જોખ્યું અને વાંગારી તેમના દેશમાં એક મિસાલ બન્યાં. જાન્યુઆરી, 2003માં તેઓ પ્રચંડ બહુમતીથી કેન્યાની સંસદમાં ચૂંટાયાં. 2004થી કિબાકિ સરકારનાં તેઓ પર્યાવરણ, વન અને કુદરતી સંસાધનનાં નાયબમંત્રી છે.
તેમના આ જનલક્ષી પ્રયાસોની નોંધ લેવાઈ અને ઑક્ટોબર, 2004માં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક તેમને એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી અને 10 ડિસેમ્બર, 2004માં તેઓ આ પારિતોષિકથી નવાજાયાં. નોબેલ શાંતિ પારિતોષિકના અધિકારી બનનાર તેઓ પ્રથમ આફ્રિકી મહિલા છે. શાંતિ પારિતોષિકના સ્વીકાર પ્રસંગે બોલતાં તેમણે જણાવેલું કે ‘આપણે એક પડકારનો સામનો કરી રહ્યા છીએ જે આપણને આપણી વિચારશૈલીમાં પરિવર્તન કરવા તકાદો કરે છે, જેથી માનવજાતની જીવનરેખાને ખલેલ ન પહોંચે. ધરતીના ઘા રુઝવવા આપણે તેને મદદ કરવા બંધાયેલાં છીએ અને પછી નવપલ્લવિત થયેલી ધરતી આપણા ઘા રૂઝવશે. વૈવિધ્યપૂર્ણ, સૌંદર્યમંડિત અને આશ્ચર્યસભર સમગ્ર સૃષ્ટિ રૂડીરૂપાળી બની જશે.’ વૃક્ષો અને પર્યાવરણને જીવનનું કેન્દ્રબિંદુ માનતાં આ મહિલાનું સૂત્ર છે : ‘વૃક્ષો વાવો, શાંતિ લણો.’
રક્ષા મ. વ્યાસ