માણિક્યચંદ્ર (ઈ. સ.ની 12મી–13મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના ગુજરાતી જૈન લેખક. તેઓ પોતાને રાજગચ્છના, કોટિક ગણના અને વજ્રશાખાના જૈન સાધુ ગણાવે છે. તેમની ગુરુપરંપરા મુજબ ગુરુ શીલભદ્ર, તેમના શિષ્ય ભરતેશ્વર, તેમના શિષ્ય વીરસ્વામી, તેમના શિષ્ય નેમિચંદ્ર અને તેમના શિષ્ય તે માણિક્યચંદ્ર હતા. સાગરેન્દુ તેમના ગુરુભાઈ હતા. આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર તેમણે લખેલી ‘કાવ્યપ્રકાશસંકેત’ નામની સંસ્કૃત ટીકા ઈ.સ. 1159–60માં રચેલી એવો ઉલ્લેખ તે ટીકાને અંતે તેમણે કર્યો હોવાથી તેઓ 12મી સદીમાં થઈ ગયા હોવાનું અનુમાની શકાય. તેમની આ ટીકા 1921માં આનંદાશ્રમ ગ્રંથમાળા, પુણે દ્વારા અને 1922માં મૈસૂરમાંથી ડૉ. શામશાસ્ત્રી દ્વારા પ્રગટ થયેલી છે. તેમણે ‘પાર્શ્વનાથચરિત’ નામનું કાવ્ય સંસ્કૃત ભાષામાં લખ્યું છે. એ કાવ્ય 1220માં દીવ બંદરમાં વિહાર કરતા હતા ત્યારે રચ્યું હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો છે. એમાં તેમણે પોતાની ગુરુપરંપરા તો ‘સંકેત’ ટીકામાં આપેલી તે જ આપી છે; પરંતુ શીલભદ્રના ગુરુ પ્રદ્યુમ્નસૂરિથી તે રજૂ કરી છે. અલબત્ત, ‘પ્રબંધચિંતામણિ’ નામના ગ્રંથમાં તેના લેખક મેરુતુંગાચાર્યે ‘નલાયન’ અથવા ‘કુબેરપુરાણ’ના લેખક તરીકે માણિક્યચંદ્રનો ઉલ્લેખ કર્યો છે; પરંતુ તેમની ગુરુપરંપરા જુદી હોવાથી તે માણિક્યચંદ્ર નામ ધરાવતા બીજા કોઈ લેખક હોવા જોઈએ.
પ્ર. ઉ. શાસ્ત્રી