માઝારીન ઝૂલ (જ. 1602, એબ્રુઝી, દક્ષિણ ઇટાલી; અ. 1661) : કાર્ડિનલ, ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ફ્રાન્સના વડાપ્રધાન. તેમણે ઇટાલી અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ પોપની સેવામાં જોડાયા. આ સેવા દરમિયાન કાર્ડિનલ રિશલૂનું ધ્યાન તેમના તરફ ખેંચાયું.
કાર્ડિનલ રિશલૂ ફ્રાન્સના રાજા 13મા લૂઇના વડાપ્રધાન હતા. તેમણે માઝારીનને ફ્રાન્સમાં પૅરિસ ખાતે આમંત્ર્યા અને તેઓ ફ્રેન્ચ સરકારની સેવામાં જોડાયા તેમજ ફ્રેન્ચ નાગરિક બન્યા. કાર્ડિનલ રિશલૂના અવસાન બાદ રાજા 13મા લૂઇએ તેમને વહીવટી હોદ્દા પર નીમ્યા અને લૂઇ થોડા સમયમાં જ અવસાન પામતાં તેના સગીર વયના પુત્રને 14મા લૂઇ અને સમ્રાટ તરીકે ઘોષિત કરાયો. આ સમયે 13મા લૂઇની પત્ની, રાણી આને ઑવ્ ઑસ્ટ્રિયાએ તેમની વડાપ્રધાન-પદ પર નિમણૂક કરી અને વ્યાપક સત્તાઓ સોંપી. આમ માઝારીન ફ્રાન્સની રાણીના અતિવિશ્વાસુ માણસ બની ગયા. 13મા લૂઇની પત્ની સાથે માઝારીને ગુપ્ત લગ્ન કર્યાં હતાં એવી લોકવાયકાને તે સમયે વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું હતું.
વડાપ્રધાન–પદના પ્રથમ વર્ષે તેમના નેતૃત્વ હેઠળ સ્પેન સાથેના યુદ્ધમાં ફ્રાન્સે વિજય પ્રાપ્ત કર્યો. તેને અંતે થયેલી વેસ્ટફોલિયાની સંધિ ફ્રાન્સને લાભકારક બને તેવી રીતે તેનું સંચાલન કર્યું. ફ્રેન્ચ લશ્કરને વધુ મજબૂત બનાવ્યું. ત્રીસ વર્ષીય યુદ્ધોમાં તેઓ કૅથલિક પોપના લશ્કરના એક પાયદળના વડા બનેલા અને પછીથી રોમન કૅથલિક ચર્ચના કાર્ડિનલ બનેલા. આ યુદ્ધો દરમિયાન બ્રિટિશ પ્રોટેક્ટોરેટ ઑલિવર ક્રૉમવેલ સાથે પ્રયોજેલી મુત્સદ્દીગીરી કામયાબ રહેલી. સ્પેન અને ફ્રાન્સ વચ્ચેનાં યુદ્ધોને કારણે નાણાં એકત્ર કરવા તેમણે પ્રજા પર ભારે કરવેરા નાંખ્યા. વધુમાં ફ્રેન્ચ પાર્લમેન્ટ અને સામંતોની સત્તા ઘટાડવા અને રાજાશાહીની સત્તા મજબૂત બનાવવાના તેમના પ્રયાસોએ ફ્રાન્સમાં ભારે સંઘર્ષ પેદા કર્યો. એથી રાજાશાહી વિરુદ્ધ ઘણાં નાના નાના વિગ્રહો (1648થી ’53 દરમિયાન) પેદા થયા. આ વિગ્રહો દરમિયાન તેમને બે વાર ફ્રાન્સ છોડવાની ફરજ પડેલી. જોકે છેવટે આ વિગ્રહોને કચડી નાંખવામાં તેઓ સફળ અને કુશળ વહીવટદાર પુરવાર થયા. તેમની કાર્યશૈલી રિશલૂ કરતાં વધારે ક્રૂર હતી. તેથી તેમણે ઘણા ટીકાકારો અને શત્રુઓ પણ ઊભા કર્યા હતા. વૈયક્તિક રીતે તેઓ કલાના પ્રશંસક અને ચાહક હતા અને જીવનપર્યંત ફ્રેન્ચ સત્તાના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા.
તેમના પત્રોનો સંગ્રહ બે ગ્રંથોમાં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ અપ્રકાશિત 50 પત્રો ઉમેરીને તેનું નવસંસ્કરણ થયું અને ‘લેટર્સ દ કાર્ડિનલ માઝારીન’ (1745) શીર્ષકથી આ સંગ્રહ પુન: પ્રકાશિત થયો.
રક્ષા મ. વ્યાસ