માઘ (ઈ. સ.ની સાતમી સદીની આસપાસ) : સંસ્કૃત ભાષાના અગ્રગણ્ય મહાકવિ. તેઓ ગુજરાતના હતા. પોતાના મહાકાવ્ય ‘શિશુપાલવધ’ના અંતે કવિવંશપરિચયના પાંચ શ્લોકોમાં અને અંતિમ પુષ્પિકામાં માઘે પોતે જે થોડીક માહિતી આપી છે તે આ પ્રમાણે છે : માઘ ભિન્નમાલ અથવા શ્રીમાલના વતની હતા. શ્રીમાલ એ સમયે ગુજરાતની હદમાં હતું. એ ઉપરથી તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હોવાનું અનુમાન થયું છે. માઘના દાદાનું નામ સુપ્રભદેવ હતું. સુપ્રભદેવ વર્મલાત નામના રાજાના વિદ્વાન પ્રધાન હતા. માઘના પિતાનું નામ દત્તક હતું. તેઓ મહાવૈયાકરણ અને શાસ્ત્રજ્ઞ હતા. માઘ ગર્ભશ્રીમંત કવિ હતા, પરંતુ તેમનું મૃત્યુ ગરીબીથી થશે એવી ભવિષ્યવાણીને ખોટી પાડવા પિતાએ અઢળક ધનની વ્યવસ્થા કરવા છતાં અંતે તેમની દાનશૂરતાને લીધે ગરીબીથી જ તેઓ મૃત્યુ પામ્યા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી અને કૃષ્ણના પરમ ભક્ત હતા.

રાજા વર્મલાતનો શિલાલેખ 625માં લખાયેલો મળે છે તે માઘનો સમય 700ની આસપાસનો સૂચવે છે. માઘે ‘કાશિકાવૃત્તિ’ (650) અને તેના પરની ‘ન્યાસ’ નામની ટીકા (700) – બંનેનો ઉલ્લેખ કર્યો છે; તેથી તેઓ 700ની આસપાસ થઈ ગયા. માઘનાં બે ઉદ્ધરણો ‘ધ્વન્યાલોક’- (850)માં મળે છે. તથા ‘યશસ્તિલકચંપૂ’ (959) માઘનો ઉલ્લેખ કરે છે, તેથી તેમનો સમય 700ની આસપાસનો હોવાનું નક્કી કરી શકાય.

તેમને કાવ્યની બાબતમાં મહાકવિ કાલિદાસની અને ભારવિની સાથે મૂકવામાં આવે છે. તેમના મહાકાવ્યના પહેલા નવ સર્ગો ભણ્યા પછી સંસ્કૃત ભાષામાં નવો કોઈ શબ્દ મળતો નથી. કાલિદાસની કુદરતી કાવ્યરચના, ભારવિની કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારની સંક્રાન્તિ કાળની કાવ્યરચના માઘના મહાકાવ્યમાં કૃત્રિમ અને અલંકૃત બની જાય છે, તેથી તેઓ અલંકૃત શૈલીના યુગપ્રવર્તક મહાકવિ લેખાય છે. એમની સર્વશાસ્ત્રવિશારદતા વ્યાકરણશાસ્ત્ર, દર્શનસાહિત્ય અને રાજનીતિશાસ્ત્રમાં પ્રકૃષ્ટ કક્ષાએ પહોંચેલી જણાય છે. તેમની એકમાત્ર મહાકાવ્યની રચના અલંકૃત શૈલીનો આદર્શ ગણાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી