માખી (ઘરમાખી, housefly) : માનવવસાહતમાં સર્વત્ર ફેલાયેલ અને માનવસ્વાસ્થ્યની ર્દષ્ટિએ એક અત્યંત ખતરનાક કીટક. આ કીટકનો સમાવેશ દ્વિપક્ષી (diptera) શ્રેણીના મસ્કિડી (Muscidae) કુળમાં થયેલો છે. તેનું શાસ્ત્રીય નામ Musca domestica છે. ગંદકી હોય તેવી જગ્યાએ વિકાસ પામી તેઓ માનવના રસોડામાં પ્રવેશીને ખોરાક પર બેસે છે અને ટાઇફૉઇડ, કૉલેરા, અતિસાર જેવા રોગોના સૂક્ષ્મજીવોનો ફેલાવો કરે છે. વર્ષાઋતુ અને તે પછીના સમયમાં ગંદકીનું પ્રમાણ વધારે હોવાથી સ્વચ્છતા અને યોગ્ય કાળજીના અભાવમાં ઘણા લોકો આવા રોગોથી પીડાતા હોય છે અને તેમાં મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે.
ઘરમાખીના શીર્ષ-પ્રદેશમાં બે સંયુક્ત આંખની જોડ આવેલી હોય છે, જે શીર્ષપ્રદેશના મોટા ભાગને આવરે છે. પ્રત્યેક સંયુક્ત આંખ આશરે 4,000 જેટલા એકમની બનેલી હોય છે અને પ્રત્યેક આંખ એક ષટ્કોણી નેત્રમણિ ધરાવે છે. પ્રત્યેક એકમ સ્વતંત્રપણે કાર્ય કરે છે, જેથી ર્દષ્ટિ ખંડિત બને છે. પરંતુ સહેજ પણ ગતિ થાય તો તે તુરત જ પારખી શકે છે. તેને શીર્ષપ્રદેશમાં બે સ્પર્શકો હોય છે. તેમના દ્વારા ભયાવહ પરિસ્થિતિની જાણકારી મેળવવા ઉપરાંત તેમના પર ગંધગ્રાહી અંગો આવેલાં હોવાથી ખોરાકની શોધમાં પણ તે સહાયકારી નીવડે છે.
ઘરમાખીના મુખની રચના ગળણી જેવી હોય છે. તેનો નીચેનો ભાગ નળી જેવા આકારનો હોય છે, જેને સૂંઢ (proboscis) કહે છે. સૂંઢને ઉપલે છેડે બે અંડાકાર જમ્ભકો (labellae) આવેલા હોય છે. જમ્ભકોની મદદથી માખી પ્રવાહી પદાર્થોને સ્પંજની માફક ચૂસી સૂંઢ વડે તેને શોષે છે (sucks). ખાંડ જેવા પદાર્થો પર લાળનો સ્રાવ કરી, તેમને ઓગાળી તેમને પ્રવાહી સ્વરૂપે ચૂસે છે.
ઘરમાખી પોતાના જીવનક્રમ દરમિયાન રૂપાંતરણથી ઈંડા, ઇયળ (maggot), કોશેટો (pupa) અને પુખ્ત માખી – એમ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે, તે જીવન દરમિયાન કુલ 350થી 900 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં 1 મિમી. લાંબાં અને સફેદ રંગનાં હોય છે. 3થી 24 કલાકમાં ઈંડાં સેવાઈને તેમાંથી ઇયળ પેદા થાય છે. ઇયળ પગ વિનાની હોય છે. આવી ઇયળને મૅગટ્સ કહે છે. 6થી 7 દિવસમાં ઇયળનું કોશેટામાં રૂપાંતર થાય છે. કોશેટો કથ્થાઈ-બદામી રંગનો અને કોઠી આકારનો હોય છે. આ અવસ્થા 3થી 6 દિવસ રહે છે. માખીનું કુલ જીવનચક્ર 5થી 20 દિવસમાં પૂરું થાય છે. પુખ્ત માખીનું આયુષ 15થી 25 દિવસનું હોય છે. માખી ઊડવામાં ખૂબ ચપળ હોય છે. તે અગિયાર કિમી. સુધી ઊડીને જઈ શકે છે; જોકે મોટેભાગે 700 મી.થી દોઢ કિમી.નો તેનો ફેલાવાનો વિસ્તાર ગણી શકાય.
ઘરમાખી ઘણા ચેપી રોગોનાં જંતુઓનો ફેલાવો કરે છે. ટાઇફૉઇડ, પેરાટાઇફૉઇડ, અતિસાર, મરડો, કૉલેરા, ગૅસ્ટ્રોએન્ટેરાઇટિસ, એમીબિયાસિસ, પોલિયોમાઇલાઇટિસ, કંજક્ટિવાઇટિસ, ટ્રેકોમા, ઍન્થ્રૅક્સ તેમજ કૃમિઓનો ચેપ લગાડે છે. ઘરમાખી રોગનાં જંતુઓ શરીર ઉપરના તેના રૂંછાદાર વાળ મારફતે તેમજ તેની સૂંઢ દ્વારા મનુષ્યના ખાદ્ય પદાર્થોમાં ફેલાવી રોગનો ચેપ લગાડે છે. વળી ખાદ્ય પદાર્થો ઉપરના માખીના મળત્યાગથી પણ રોગનાં જંતુઓનો ફેલાવો થાય છે.
માખીને ગંદકીવાળું પર્યાવરણ માફક આવે છે. આવાં સ્થળે ઈંડાં મૂકવાથી ઇયળ અને કોશેટાનો વિકાસ થાય છે. તેથી ગંદકી–કચરો, છાણ, મળમૂત્ર, મરેલાં પ્રાણી, સડેલા વનસ્પતિજન્ય પદાર્થો વગેરેના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણ સ્વચ્છ રાખવામાં આવે તો માખીનું આપોઆપ નિયંત્રણ થાય છે. ડીડીટી, ગૅમૅક્સિન, બૉરૅક્સ વગેરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી માખી અને તેની ઇયળોનો નાશ થાય છે. આલ્ડ્રિન, ડિલ્ડ્રિન, ડાયઝિનૉન મેલેથિયૉન કે ફીનાઇલનું મિશ્રણ પાણીમાં કરીને તેને છાંટીને પણ તેમનો નિકાલ કરી શકાય છે. આ ઉપરાંત ફ્લાય-પેપર વાપરવાથી પણ આ માખીઓનું નિયંત્રણ થાય છે.
રા. ય. ગુપ્તે