માકસરની સામુદ્રધુની : મધ્ય પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં ઇન્ડોનેશિયાના વિસ્તારમાં આવેલો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આ જળમાર્ગ 2° 00´ દ. અ. અને 117° 30´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં 800 કિમી. લંબાઈમાં સેલિબિસ સમુદ્ર અને જાવા સમુદ્રને જોડે છે. તેની પહોળાઈ સ્થાનભેદે 128 કિમી.થી 368 કિમી. જેટલી છે. તેની પૂર્વમાં સેલિબિસ અને પશ્ચિમે બૉર્નિયો આવેલાં છે. આ સામુદ્રધુની ઊંડી હોવાથી જળવાહનવ્યવહાર માટે ખૂબ જ અનુકૂળ પડે છે. તેમાં વચ્ચે ઘણા ટાપુઓ આવેલા છે. તે પૈકી અગ્નિ બૉર્નિયો તરફના પાલાઉ લૉટ અને સેબુકુ ટાપુઓ મોટા છે. તેને પશ્ચિમ કાંઠે બૉર્નિયોના બાલિકપાપાન અને સેલિબિસનું ઉજુંગ પાંડાગ (જૂનું નામ માકસર) જેવાં મુખ્ય શહેરો વસેલાં છે. માકસર સેલિબિસના દક્ષિણ છેડા નજીક આવેલું છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942ના જાન્યુઆરીમાં યુ.એસ. અને ડચ લશ્કરી દળોએ ભેગાં મળીને આ સામુદ્રધુનીમાં જાપાન સામે નૌકાયુદ્ધ કરેલું. પાંચ દિવસની ખૂનખાર લડાઈમાં સંયુક્ત પ્રયાસ કર્યા છતાં તેઓ જાપાનને બાલિકપાપાન ખાતે ઉતરાણ કરતાં અટકાવી શક્યા નહિ. ડચ બૉર્નિયો પડાવી લેવા માટેનો જાપાનનો આ પ્રથમ પ્રયાસ હતો.
ગિરીશભાઈ પંડ્યા