માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ (1939) : મૂળ આર્મેનિયન વંશના પ્રખ્યાત અમેરિકી લેખક વિલિયમ સારૉયાનનું પ્રલંબ એકાંકી. ‘માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ’ અમેરિકી નાટ્યસાહિત્યના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મનસ્વી કવિ અને એના યુવાન પુત્રની એમાં કાવ્યાત્મક કથા છે. સારૉયાનની નાટ્યકથાઓમાં સાહજિકતા અને સ્વયંભૂ વિકસતી પ્રસંગગૂંથણી નોંધપાત્ર હોય છે. સામાજિક પ્રતિબદ્ધતા સાથે કામ કરતા ગ્રૂપ થિયેટર દ્વારા આ નાટકની રજૂઆતે રોમાંચ સર્જ્યો હતો. આ નાટ્યલેખકના બીજા નાટક ‘ધ ટાઇમ ઑવ્ યૉર લાઇફ’ને પુલિત્ઝર પારિતોષિક અર્પણ થયું હતું, જે એમણે નકારતાં જણાવ્યું હતું કે ‘શ્રેષ્ઠીઓને કલાની શી સમજ હોય ?’ આ કાવ્યાત્મક નાટકના અનુવાદો અનેક ભાષાઓમાં થયા છે અને રંગમંચ પર રજૂઆત પામ્યા છે.
હસમુખ બારાડી