માઇલસ્ટોન, લૂઇસ (જ. 30 સપ્ટેમ્બર 1895, ઑડેસા, રશિયા; અ. 25 સપ્ટેમ્બર 1980) : ફિલ્મ-દિગ્દર્શક. અગાઉ ક્યારેય ન બન્યું હોય તેવું સૌથી પ્રભાવક અને પ્રખ્યાત યુદ્ધવિરોધી ઑસ્કર ઍવૉર્ડ વિજેતા ચલચિત્ર ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’(1930)ના દિગ્દર્શક તરીકે તેઓ વિશ્વવિખ્યાત બન્યા છે. તેમણે અનેક ચિત્રો બનાવ્યાં છે, પણ તે બધાં આ ચિત્ર જેવો પ્રભાવ દાખવી શક્યાં નથી.
જોકે તેમનાં અનેક ચલચિત્રોમાં કેટલાંક તો યાદગાર, હૃદયસ્પર્શી અને સુંદર છે જ. તેમાં ‘ટુ અરેબિયન નાઇટ્સ’ (1927) (ઑસ્કર એવૉર્ડ); ધ ફ્રન્ટ પેજ (1931); ‘ધ જનરલ ડાઇડ ઍટ ડૉન’ (1936); ‘ઑવ્ માઇસ ઍન્ડ મૅન’ (1939); ‘લા મિઝરેબલ્સ’ (1952) તથા ‘મ્યૂટિની ઑન ધ બાઉન્ટી’ (1962) ઉલ્લેખનીય છે. કેટલાક વિવેચકોના મતે 1945માં સર્જાયેલ ‘એ વૉક ઇન ધ સન’માં તેમના સર્વોત્તમ ચિત્ર જેવી ગુણવત્તા તથા સુંદરતા જોવા મળે છે.
મહેશ ચોકસી