માઇરૉન (જીવનકાળ : ઈસુ પૂર્વે પાંચમી સદી, બિયોટિયા, ગ્રીસ) : પ્રસિદ્ધ ગ્રીક શિલ્પી. તેમણે મુખ્યત્વે કાંસામાં શિલ્પ-કૃતિઓ સર્જી છે અને રમત-પ્રવૃત્ત ખેલાડીઓનાં અભ્યાસપૂર્ણ શિલ્પો માટે તેઓ પંકાયેલા છે. પ્રસિદ્ધ ગ્રીક શિલ્પીઓ ફિડિયાસ અને પૉલિક્લિટસના તેઓ સમકાલીન હતા. ઈ. પૂ. 450થી તેમનાં શિલ્પસર્જનોને ખ્યાતિ મળવી શરૂ થયેલી. ઈ. પૂ. 456થી 444 સુધીમાં તેમણે ખેલાડીઓ વિશે સર્જેલાં 3 શિલ્પોને કારણે તેમના સમયના સૌથી મહાન શિલ્પીઓમાં એમની ગણના થવા લાગી. આ પછી તેમણે અતિખ્યાત અને ઉત્તમ શિલ્પકૃતિ ‘ડિસ્કોબલસ’(ચક્ર ફેંકનાર ખેલાડી)નું સર્જન કર્યું. એ શિલ્પમાં દર્શક સમગ્ર શરીરમાં વ્યાપેલા ગતિ અને શક્તિના સંચારની અનુભૂતિ કરી શકે છે. ચક્ર ફેંકવા માટે નીચે વળેલા નવયુવકનાં ખુલ્લાં સ્નાયુબદ્ધ અંગોપાંગોમાં ચક્ર-ફેંક પૂર્વે વ્યાપેલ તણાવ અત્યંત સાહજિક લાગે છે. અંગો અને સ્નાયુઓની સ્થિતિમાં તેમણે કેટલાક વિકૃતિકારક જણાતા ફેરફાર હેતુપૂર્વક પ્રયોજ્યા છે. ‘લાડાસ’ નામના દોડવીરના શિલ્પમાં દર્શક દોડવીરને હાંફતો જોઈ શકે છે.
અમિતાભ મડિયા