માઇક્રોગ્રૅનાઇટ : મધ્યમથી સૂક્ષ્મ દાણાદાર કણરચના ધરાવતો અંત:કૃત અગ્નિકૃત ખડકપ્રકાર. તે ગ્રૅનાઇટ, ઍડેમેલાઇટ અને ગ્રૅનોડાયૉરાઇટના ખનિજીય અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તેમજ તે ખડકોને સમકક્ષ હોવાથી તેને જુદો પાડવાનું મુશ્કેલ બની રહે છે. રીબેકાઇટ અને એજિરિન માઇક્રોગ્રૅનાઇટ ઓછા સામાન્ય સોડાસમૃદ્ધ પ્રકારો છે, તેમને અનુક્રમે પૈસાનાઇટ અને ગ્રોરુડાઇટ કહે છે. અર્ધસ્ફટિકમય માઇક્રોગ્રૅનાઇટને ક્વાર્ટ્ઝ પૉર્ફિરી નામથી ઓળખવામાં આવે છે. આ ખડકોને કૉર્નિશ ખાણિયાએ નામ આપેલાં છે. આ પ્રકારના ખડકોમાં જ્યારે ગ્રૅનોફાયરિક (ગ્રાફિક) કણરચના જોવા મળે ત્યારે તેમને ગ્રૅનોફાયર કહેવાય છે. માઇક્રોગ્રૅનાઇટ અને તેમના સમલક્ષણી ખડકો ડાઇક, સિલ અને નાના દાટા (plugs) સ્વરૂપે મળે છે, પરંતુ વિશાળ કદનાં ગ્રૅનોફાયર સ્વરૂપો પણ ક્યારેક મળી આવે છે. બ્રિટિશ ટર્શિયરી વૉલ્કેનિક પ્રૉવિન્સના ગ્રૅનાઇટ બહુધા ગ્રૅનોફાયર પ્રકારના છે.
ગિરીશભાઈ પંડ્યા