માઇકોપ્લાઝ્મા : સૌથી નાના કદના ગ્રામઋણી બૅક્ટેરિયા. માઇકોપ્લાઝ્માનું કદ 0.2 μmથી 0.35 μm જેટલું હોય છે. કદની ર્દષ્ટિએ તે મોટા કદના વિષાણુ જેવા ગણી શકાય.
પરોપજીવી જીવન ગુજારતા માઇકોપ્લાઝ્મા જમીન ઉપરાંત વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે.
અન્ય બૅક્ટેરિયાની માફક માઇકોપ્લાઝ્માને કોષદીવાલ હોતી નથી, તેથી તે કોષદીવાલ વગરના બૅક્ટેરિયા તરીકે જાણીતા છે. કોષદીવાલમાં આવેલો અગત્યનો ઘટક – પેપ્ટાઇડોગ્લાયમન આ બૅક્ટેરિયા બનાવી શકતા નથી. કોષદીવાલના અભાવમાં આ બૅક્ટેરિયાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી; તેથી તે બહુરૂપતા ધરાવે છે. આકારે તેઓ અંડાકાર તેમજ તંતુમય ફૂગ જેવા પણ હોઈ શકે છે અને તેથી જ તેનું નામ માઇકોપ્લાઝ્મા (myco = fungus) રાખવામાં આવ્યું છે.
કોષદીવાલ ન હોવા છતાં, આ બૅક્ટેરિયાનું સ્થિર સ્વરૂપ તેના મજબૂત કોષરસપડને આભારી છે. તેના કોષરસપડના બંધારણમાં કોલેસ્ટેરૉલ તેમજ અન્ય સ્ટીરોલ આવેલા હોય છે.
કોષદીવાલ ન હોવાથી આ બૅક્ટેરિયા ખેંચાઈને લાંબા-પાતળા પણ થઈ શકે છે અને તેથી નાનાં છિદ્રોવાળા બૅક્ટેરિયોલૉજિકલ ગળણાં(filters)માંથી પસાર થઈ શકે છે.
કોષદીવાલ ન હોવાથી આ બૅક્ટેરિયાને પેનિસિલિન જેવાં ઔષધો અસર કરતાં નથી, જેથી તે પેનિસિલિનનો પ્રતિકાર કરે છે.
માઇકોપ્લાઝ્મા વાતજીવી, વૈકલ્પિક અવાતજીવી કે સંપૂર્ણ અવાતજીવી હોય છે. તેને વૃદ્ધિ માટે 37° સે. તાપમાન વધુ માફક આવે છે. તેની વૃદ્ધિ ખૂબ ધીમી છે. તે હાલી-ચાલી શકતા નથી.
રક્ત કે સીરમ ઉમેરેલ અતિપૌષ્ટિક માધ્યમ પર તેનો ઉછેર કરી શકાય છે. પોષણ માટે સ્ટેરોલ, મેદ-અમ્લો, વિટામિનો, એમીનોઍસિડો, પ્યુરિન, પિરિમિડિન જેવા વૃદ્ધિવર્ધક જૈવિક અણુઓની તેને જરૂર પડે છે. પ્રયોગશાળામાં ‘હોર્સ સીરમ અગાર માધ્યમ’ પર તેનો ઉછેર કરી શકાય છે. આ માધ્યમ પર તેની વસાહતો એક ઉપર એક – એમ બે પડવાળી (biphasic) જોવા મળે છે.
રોગકારક માઇકોપ્લાઝ્માની કેટલીક જાતિઓ
જાત | રોગ |
1. માઇકોપ્લાઝ્મા ન્યુમોનિ | મનુષ્યમાં ન્યુમોનિયાનો રોગ |
2. માઇકોપ્લાઝ્મા હુમિનિસ | આ બંનેથી પુરુષ તેમજ સ્ત્રીના જનનાંગમાં થતો રોગ |
3. યુરિયાપ્લાઝ્મા યૂરિયાલિટિકમ | |
4. માઇકોપ્લાઝ્મા માયકૉઇડ્સ | ઢોરમાં ન્યુમોનિયાનો રોગ |
5. માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિકમ | મરઘામાં શ્વસનતંત્રનો રોગ |
6. માઇકોપ્લાઝ્મા હાયોન્યુમોનિ | ડુક્કરમાં ન્યુમોનિયાનો રોગ |
7. સ્પાઇરોપ્લાઝ્મા સિટ્રી | ખાટાં ફળોવાળી વનસ્પતિમાં પીળિયાનો રોગ (yellowing disease) |
8. સ્પાઇરોપ્લાઝ્માની કેટલીક જાતિ | મકાઈ, ડાંગર વગેરે પાકોમાં રોગ |
પ્રમોદ રતિલાલ શાહ