માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ

January, 2002

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ (જ. 1852, સ્ટ્રજેલ્નો (strezelno), પોલૅન્ડ: અ. 1931, યુ.એસ.) : વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક. અત્યંત ચોકસાઈપૂર્વકનાં માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય (optical) ઉપકરણ માટે તેમને 1907માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

જન્મ સમયે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી થયેલું હતું, પણ તેમની વય માત્ર બે વર્ષની હતી ત્યારે કુટુંબ સ્થળાંતર કરીને યુ.એસ.માં સ્થાયી થયું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ યુ.એસ. નેવલ અકાદમીમાં દાખલ થયા અને 1873માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. જર્મનીમાં અભ્યાસ કરતાં કરતાં તેમણે 1880માં વ્યતિકરણમાપક (interferometer) નામનું વૈજ્ઞાનિક ઉપકરણ તૈયાર કર્યું. આ ઉપકરણ વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ નક્કી કરવા માગતા હતા. તે સમયે એવું મનાતું હતું કે પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે અને ઈથર તે માટેનું એવું માધ્યમ છે. ઈથર સ્થાયી અને પારદર્શક માધ્યમ ગણાતું હતું. પ્રકાશનું કિરણ આવા ઈથર માધ્યમમાં થઈને વિના અવરોધે પસાર થઈ શકે છે. માઇકલ્સને તૈયાર કરેલ આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમિટર તરીકે ઓળખાય છે.

આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સન

પ્રકાશનું એક કિરણ એક દિશામાં ગતિ કરતું હોય અને બીજું કિરણ આ દિશાને કાટખૂણે ગતિ કરતું હોય તો પ્રકાશનાં તેવાં બે કિરણોની ઝડપ માઇકલ્સન ઇન્ટરફેરૉમિટર વડે સરખાવી શકાય છે. યોગ્ય રીતે આવાં બે કિરણો લેતાં તેમની વચ્ચેના વ્યતિકરણ(interference)નો અભ્યાસ કરવામાં આવ્યો. આ પ્રયોગ દ્વારા તેમણે ઈથરમાં પૃથ્વીનો વેગ શોધવા પ્રયત્ન કર્યો. મળેલ વ્યતિકરણની ભાત ઉપરથી નક્કી કર્યું કે ઈથરની સાપેક્ષ, પૃથ્વીની ગતિ શૂન્ય મળે છે.

પોતાના સાથીદાર અમેરિકન રસાયણશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એડવર્ડ મૉર્લે (1838–1923) સાથે આ પ્રયોગ કાળજીપૂર્વક અને પરિષ્કૃત ઢબે કર્યો. આજે આ પ્રયોગ માઇકલ્સન-મૉર્લેના પ્રયોગ તરીકે ઓળખાય છે. આ પ્રયોગનું પરિણામ અગાઉ કરેલા પ્રયોગના પરિણામ જેવું જ મળ્યું. આથી માઇકલ્સન-મૉર્લેના પ્રાયોગિક પરિણામથી ઈથર માધ્યમને જાકારો મળ્યો; પણ આથી આલ્બર્ટ આઇન્સ્ટાઇન(1879–1955)ને સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગંભીરતાથી વિચારવાની તક મળી.

માઇકલ્સન-મૉર્લેના પ્રયોગથી મળતાં ઋણ પરિણામો દર્શાવે છે કે પ્રકાશનો વેગ અચળ રહે છે, અને તે પ્રકાશના ઉદગમ-સ્થાન કે પ્રયોગકર્તાની ગતિ ઉપર આધારિત નથી.

1881માં નેવલ કમિશનમાંથી માઇકલ્સને રાજીનામું આપ્યું. ત્યારબાદ શિકાગોમાં સ્થાયી થઈ શિકાગો યુનિવર્સિટીમાં જીવન પર્યંત ભૌતિકવિજ્ઞાનના વિષયનું અધ્યાપનકાર્ય કર્યું.

આનંદ પ્ર. પટેલ