માંડલે : મ્યાનમાર(બ્રહ્મદેશ)ની મધ્યમાં, ઇરાવદી નદીને કિનારે આવેલું શહેર. વસ્તીની ર્દષ્ટિએ રંગૂન, હવે યાંગોન પછી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 96° 06´ પૂ. રે.. આ શહેર ઇરાવદી અને તેની સહાયક નદીઓના કાંપથી જમાવટ પામેલા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમતળ મેદાની પ્રદેશ નિર્માણ પામ્યો છે. આ શહેર ઇરાવદી નદીને કિનારે તેમ જ તેની સહાયક નદીઓ મિતંગ (myitnge) અને મગઈ(Magyi)ની વચ્ચે આવેલા પ્રવાહોના સંગમ પર વસ્યું છે અને વિકાસ પામ્યું છે. તેની ઉત્તર અને ઈશાનમાં સાગાઇંગ અને માગવે વિસ્તારની સીમા આવેલી છે.
આ શહેરનું જાન્યુઆરી અને જુલાઈ માસનું સરેરાશ તાપમાન અનુક્રમે 20° સે. અને 29° સે. જેટલું રહે છે. અહીં વરસાદ આશરે 828 મિમી. જેટલો પડે છે.
વરસાદ અને તાપમાનના અનુકૂળ સંજોગોને કારણે આ શહેરની ચારે બાજુ વાંસનાં જંગલો જોવા મળે છે. આ શહેરની આસપાસ સૂકાં મેદાનો આવેલાં છે, પરંતુ વિવિધ સિંચાઈ-યોજનાઓને કારણે આશરે 36,400 હેક્ટર જમીનને પાણીનો લાભ મળી રહે છે. અહીં રેશમી કાપડ બનાવવાનાં, ચાનું પૅકિંગ કરવાનાં, દીવાસળીનાં ટોપકાં માટેનો માવો બનાવવાનાં, લોહ-બિનલોહ ધાતુઓને ઢાળવાનાં તથા સોના-ચાંદીના દાગીના ઘડવાનાં કારખાનાં આવેલાં છે.
આ શહેર પાકા રસ્તા, આંતરિક જળમાર્ગો અને હવાઈ માર્ગોની સુવિધાઓ પણ ધરાવે છે. તે ઇરાવદીના મુખથી આશરે 2,000 કિમી. દૂર દેશના અંતરિયાળ વિસ્તારમાં આવેલું મહત્વનું નદીબંદર પણ છે. આંતરિક વેપાર માટે આ જળમાર્ગનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. રેલમાર્ગો અને હવાઈ માર્ગો દ્વારા આ શહેર અહીંથી દક્ષિણે આવેલા યાનગોન શહેર સાથે પણ સંકળાયેલું છે. આ ઉપરાંત તે ઉત્તરે મીતકીન (Myitkyin) અને લાશીઓ (Lashio) સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે. લાશીઓ શહેરથી ‘બર્મા રોડ’નો પ્રારંભ થાય છે. આ શહેર ચોખા, ઇમારતી લાકડું અને સોના-ચાંદીના દાગીનાનું મુખ્ય વેપારી મથક બની રહેલું છે.
આ શહેરમાં મોટે ભાગે બર્મી લોકોનું પ્રમાણ વધુ છે, તેઓ બૌદ્ધધર્મીઓ છે. સમગ્ર મ્યાનમારમાં સૌથી વધુ બૌદ્ધ સાધુઓ અહીં રહે છે. શહેરની નજીક સાયગોનની ટેકરીઓમાં બૌદ્ધ સમયના શિલાલેખો આવેલા છે. ઉત્તર અને ઈશાનમાં સગાઇન અને માગવે તેમજ આવા (Ava) અને અમરાપુરા વિસ્તારની સીમા આવેલી છે. પશ્ચિમે પાગાન (Pagan) શહેર આવેલું છે. મ્યાનમારમાં સૌથી વધુ પૅગોડા અહીં આવેલા છે.
અહીં યાંગોન યુનિવર્સિટી સંલગ્ન વિનયન અને વિજ્ઞાનની કૉલેજો આવેલી છે. આ યુનિવર્સિટીની સ્થાપના 1958માં થઈ હતી. આ ઉપરાંત 1857માં સ્થપાયેલી માંડલે યુનિવર્સિટી પણ અહીં છે. અહીં શિક્ષણની કૉલેજો, કૃષિ-વિદ્યાલયો, મેડિકલ કૉલેજ, ચિત્ર-નૃત્ય અને નાટ્યકલાનું શિક્ષણ આપતી સંસ્થાઓ, સંગ્રહસ્થાન, આરોગ્ય સારવાર-કેન્દ્રો અને વર્તમાનપત્રો છાપતાં મુદ્રણાલયો પણ આવેલાં છે. માંડલે શહેરની ઉત્તરે મિનગુન (Mingun) ગામ પાસે 70 ટન વજનનો એક વિશાળ ઘંટ આવેલો છે, તેની ગણતરી વિશ્વના સૌથી મોટા ઘંટોમાં થાય છે.
શહેરની મધ્યમાં ડફરિનનો કિલ્લો (Fort Dufferin), રાજમહેલ, પ્રાચીન મંદિરો અને બ્રિટિશ સમયનાં સ્થાપત્યો આવેલાં છે. ઈશાન માંડલેની ટેકરીઓ પાસે નદીકિનારે લશ્કરી છાવણીઓ આવેલી છે. માંડલેની ટેકરીઓની તળેટીમાં અનેક પૅગોડા પણ છે. માંડલે વિભાગની વસતિ અંદાજે 65,74,000 જેટલી છે. જ્યારે માંડલે શહેરની વસતી 12,34,000 (2010) જેટલી છે.
ઇતિહાસ : અહીં સ્થપાયેલા પૅગોડા 11મીથી 13મી સદીના સમયગાળાના છે. 1044માં રાજા અનિરુદ્ધે(અનવ્રથે) બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપેલો. 1167માં મિનશિનસૉ રાજાએ ધ શ્ર્વે કીઇમિન્ટ પૅગોડા બનાવરાવ્યું હતું. બોડાઉ પાયા રાજાએ 1784માં આરાકાન પૅગોડા પાસે પિત્તળની ધાતુની બુદ્ધ ભગવાનની પ્રતિમા બનાવરાવી, જેની ઊંચાઈ આશરે 37 મીટર છે.
1857–59માં રાજા મિન્ડોને અમરાપુરા ખાતેની રાજધાની બદલીને માંડલેનું નિર્માણ કર્યું. 1885ના નવેમ્બરમાં બ્રિટિશ દળોએ તે જીતી લીધું. તત્કાલીન બર્માની તે છેલ્લી રાજધાની હતી. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં જાપાને માંડલે જીતીને તેનો સર્વનાશ કર્યો. નિષ્ણાતોના મંતવ્ય મુજબ 1945ના માર્ચમાં ફક્ત 12 દિવસોમાં જ જાપાનીઓએ આ કાર્ય પૂરું કર્યું હતું, પરંતુ બ્રિટનની ચૌદમી બટાલિયને તેને પાછું મેળવી લીધેલું. આ આક્રમણની સમગ્ર યોજના જનરલ સર વિલિયમ સ્લિમની હતી.
નીતિન કોઠારી