મહોરું (mask)

જીવંત વ્યક્તિના ચહેરા પર પહેરવામાં આવતું બનાવટી ચહેરાવાળું આવરણ. ફરેબનો એક પ્રકાર. પ્રાગૈતિહાસિક કાળના પથ્થરયુગથી માંડીને આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં જુદા જુદા હેતુસર તેનો ઉપયોગ થતો રહ્યો છે. જીવંત વ્યક્તિના ચહેરાનાં હાવભાવ, વ્યક્તિત્વ, ઘાટઘૂટ અને મન:સ્થિતિને છુપાવવા માટે કેટલાક ઇસ્લામી દેશોના અપવાદ સિવાય સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ પ્રચલિત છે.

સામાન્ય લક્ષણો : માત્ર ચહેરો ઢાંકતા દોરીથી બાંધવાના કે હાથથી પકડવાના મહોરાંથી માંડીને આખા માથાને ઢાંકતા કલાત્મક શિલ્પ જેવા અગણિત પ્રકારો રૂપે મહોરાંનું સર્જન થાય છે. મહોરાંના સર્જકો જે તે દેશકાળમાં મળતા પદાર્થોને ધ્યાનમાં લઈને તેમનો કસબ વિકસાવતા રહ્યા છે. તેમાં વિવિધ પ્રકારનાં કાષ્ઠ, ધાતુ, ચામડાં, છીપલાં, પથ્થર, પીંછાં, હાથીદાંત, ઘાસ, વાંસ, લીલાંસૂકાં પાંદડાં, માટી, કાપડ અને કાગળના માવાનો ઉપયોગ ખૂબ વ્યાપક છે. સાવ સાદાસીધા આકારથી માંડીને ઝીણવટભરી આકૃતિવાળાં નકશીદાર, રમ્ય તેમજ ભવ્ય ભપકાદાર મહોરાં બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે મહોરાં પહેરવાની સાથે શરીર પર ખાસ પોશાક પહેરવામાં આવે છે. આને કારણે સમગ્ર શરીરને ઢાંકી કે છુપાવી શકાય છે અને અન્ય વ્યક્તિત્વ ધારણ કરી શકાય છે. આમ ખાસ પોશાક એ મહોરાંનું પૂરક અંગ છે. અલગ અલગ મહોરાં માટે અલગ અલગ પોશાક પણ તૈયાર કરવામાં આવે છે.

સામાન્ય રીતે મહોરાંમાં કલ્પિત માનવો, દેવ-દેવીઓ, ભૂત-પિશાચ, રાક્ષસો, વિવિધ પ્રાણીઓ, જે તે ટોળીના પૂર્વજો વગેરેની પ્રતીકાત્મક રજૂઆત થતી હોય છે.

મહોરું પહેરનાર વ્યક્તિમાં જે તે મહોરાંનો પ્રતિનિધિરૂપ આત્મા કે તેનું વ્યક્તિત્વ પ્રવેશે છે એવું સામાન્ય રીતે મનાય છે.

મહોરાંનું કે મુખવટાનું નિર્માણ : જૂજ અપવાદો બાદ કરતાં, મહોરા કે મુખવટાનું નિર્માણ કુશળ અને નિપુણ વ્યાવસાયિક શિલ્પીઓ, ચિત્રકારો કે તે માટેના કારીગરો જ કરતા હોય છે.

પુરુષો દ્વારા પહેરાતાં જાપાની મહિલાનાં મહોરાં

જે સમાજોમાં વિવિધ ક્રિયાકાંડ વખતે અલૌકિક તત્વોનાં મહોરાંનું ખાસ મહત્વ હોય છે, ત્યાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે મહોરાં બનાવનાર કલાકાર જે તે અલૌકિક તત્વને બરાબર અનુભવી શકતો હોય. માલી દેશની કેટલીક જાતિઓની માન્યતા મુજબ મહોરું બનાવનાર કલાકારને જે તે અલૌકિક તત્વનો પ્રભાવ પણ સાંપડે છે. સમાજમાં પ્રચલિત પરંપરાના ચુસ્ત પાલનને લક્ષમાં લઈ મહોરું બનાવનાર કલાકાર તેના ઘાટ-આકાર કે રંગોની બાબતે કલાર્દષ્ટિએ કોઈ ખાસ છૂટછાટ લઈ શકતો નથી, અને તેમ કરે તો તે અલૌકિક તત્વના ખોફનો ભોગ બને તેવી માન્યતા પણ જોવામાં આવે છે. મહોરાં બનાવનારા કલાકાર ઉપર આવી કેટલીક મર્યાદા હોવા છતાં મહોરાંની અભિવ્યક્તિની શક્તિ મર્યાદિત બની જતી નથી.

મહોરાપરિધાન : મહોરું બનાવનાર કલાકારની માફક મહોરું પહેરનાર વ્યક્તિ પણ જે તે અલૌકિક તત્વ સાથે સીધા સંપર્કમાં આવે છે તેવું મનાય છે અને મહોરાં બનાવનાર કલાકારની માફક મહોરાં પહેરનારે પણ સમાજે ચીંધેલા કેટલાક વિધિનિષેધોનું ચુસ્ત પાલન કરવું પડે છે. મહોરું પહેરનાર અભિનયકુશળ નટ કે નર્તક હોય છે. તેના અભિનય કે નૃત્ય વિના તેમજ સંગીતની સંગત વિના માત્ર મહોરાંનું પ્રદર્શન કરવું પૂરતું થતું નથી. અભિનય કે નૃત્ય દરમિયાન મહોરું પહેરનારમાં ઘણી વાર મનોગત વિકારો–પરિવર્તનો થાય છે. મહોરું ધારણ કરતાં તેનો ધારક તંદ્રા-અવસ્થામાં આવી જાય છે અને જે તે અલૌકિક તત્વે તેનામાં પ્રવેશ કર્યો હોય તેવું લાગે છે. આને કારણે મહોરાંમાં અને તદનુષંગે સમગ્ર અભિનય કે નૃત્યમાં જીવંતતા આવે છે. મહોરું પહેરનાર પોતાની ઇચ્છાથી નહિ પણ મહોરાં સાથે સંલગ્ન જે તે અલૌકિક તત્વના દોરીસંચારથી પોતે ક્રિયા કરતો હોય તેવો ભાવ અનુભવે છે.

દર્શકની હિસ્સેદારી : મોટાભાગનાં મહોરાં પ્રાચીન કથાનાં – એમાં આવતાં પૌરાણિક પાત્રોનાં હોવાથી દર્શક માનસિક રીતે પ્રાચીન કે પૌરાણિક કાળનું વર્તમાન સાથે એક પ્રકારનું સાતત્ય અનુભવી રહે છે. જે સમાજોમાં લિખિત ઇતિહાસ ઉપલભ્ય નથી હોતા ત્યાં આ પ્રકારનું અનુસંધાન કે સાતત્ય ખૂબ ઉપયોગી થઈ પડે છે; કારણ કે દર્શક પોતાના સમાજની સંસ્કૃતિ અને પરંપરા સાથે એકાકાર થઈ શકે છે અને એવી અનુભૂતિ દ્વારા સમાજની સંસ્કૃતિ પેઢી દર પેઢી સુગ્રથિત રીતે જળવાઈ રહે છે.

મહોરાનું કલાવિષયક પાસું : શૃંગાર, વીર, હાસ્ય, કરુણ, અદભુત, રૌદ્ર, ભયાનક, બીભત્સ અને શાંત – એમ વિવિધ રસોનું ઉદ્દીપન કરનારાં મહોરાં સમગ્ર વિશ્વમાં સુલભ છે; પરંતુ ભય કે ત્રાસનો ભાવ જગાવતાં મહોરાં જે તે સમાજની સંસ્કૃતિમાં કે તેના દર્શકોમાં ભય કે ત્રાસનો જ ભાવ જન્માવે તેવું અનિવાર્ય નથી. દરેક સમાજની સંસ્કૃતિના વિશિષ્ટ સંદર્ભો અનુસાર જુદાં જુદાં મહોરાં ખાસ ભાવ-સંકેતો ધરાવે છે. આફ્રિકા અને પૅસિફિક મહાસાગરની ઘણી જાતિઓમાં ભયાનકતાનો ભાવ પ્રગટાવતાં જણાતાં મહોરાં જે તે જાતિના લોકો માટે ભયવાહી નીવડતાં નથી. આમ ભાવ-ઉદ્દીપનનાં ર્દશ્ય ચિહ્નોનું અર્થઘટન સંસ્કૃતિભેદ પ્રમાણે બદલાતું રહે છે.

જાળવણી અને સંગ્રહ : દરેક સમાજમાં મહોરાંની જાળવણી અને તેના નિકાલની આગવી પરંપરા હોય છે. વાર્ષિક ઉત્સવો અને ક્રિયાવિધિ વખતે અને તે ઉપરાંત પ્રસંગોપાત્ત, મહોરાં પર એવી રીતે ફરીથી ચિત્રકામ અને સાજસજાવટ કરવામાં આવે છે કે તેમનાં મૂળ સ્વરૂપ અને પ્રતીકાત્મકતા બદલાઈ જાય નહિ. આ ઉપરાંત ઉત્સવ કે ક્રિયાવિધિ અગાઉ ઘણી વાર અલૌકિક કે ગૂઢ તત્વનું ફરી આહવાન કરી મહોરાંમાં પ્રવેશ કરાવવાની ક્રિયા પણ થાય છે. મહોરાંની જાળવણી ઘણી વાર અમુક વિશિષ્ટ વ્યક્તિઓ, કુટુંબો કે ગોત્રો જ કરતાં હોય છે. કેટલાક દાખલાઓમાં મહોરાંનો માત્ર એક જ વાર ઉપયોગ કરવામાં આવે છે અને પછી ફેંકી કે સળગાવી દઈને તેનો નાશ કરવામાં આવે છે.

મહોરાંનાં સંગ્રહાલયોની શરૂઆત ઓગણીસમી સદીના અંત ભાગમાં થઈ. એ સંગ્રહાલયોમાં જે તે પ્રજા પાસેથી સીધાં જ મેળવેલાં અને એવી પ્રજા જ્યાં વસતી હોય ત્યાં ઉત્ખનન કરીને શોધકાર્ય દ્વારા મેળવેલાં મહોરાં જાળવીને રાખવામાં આવે છે.

મહોરાંનાં કાર્યો : વિવિધ મહોરાંનાં ઘાટ અને આકૃતિઓમાં દેખાતા વિપુલ વૈવિધ્ય પ્રમાણે તેમનાં હેતુઓ અને કાર્યોમાં પણ પુષ્કળ વૈવિધ્ય રહેલું હોય છે. વિવિધ ધાર્મિક, સામાજિક અને મૃત્યુ-વિષયક તેમજ ફળદ્રૂપતાને લગતી તથા રોગનિવારણને લગતી ક્રિયાવિધિઓ માટે; ઉલ્લાસભર્યા ઉત્સવો માટે, નાટકો અને નૃત્યોમાં પૌરાણિક-ઐતિહાસિક પાત્રોની રજૂઆત માટે – એમ અનેકવિધ કાર્યો-હેતુઓ માટે મહોરાંનો ઉપયોગ થાય છે. યુદ્ધમાં અને કેટલીક રમતોમાં રક્ષણાત્મક સાધન તરીકે પણ તેમનો ઉપયોગ કરાય છે.

મહોરાંનો સામાજિક અને ધાર્મિક હેતુઓ માટે ઉપયોગ : આફ્રિકા, ચીન, ઉત્તર અમેરિકા અને પૅસિફિક મહાસાગરના ટાપુઓમાં અમુક વ્યક્તિઓને અમુક પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે મહોરાંનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને બાળકો, સ્ત્રીઓ અને ગુનાખોરોને અમુકતમુક પ્રવૃત્તિથી વેગળા રહેવાની ચેતવણી રૂપે મહોરાંનો ઉપયોગ થાય છે. આફ્રિકાની કેટલીક હબસી જાતિઓમાં પાણી ભરવા જતી માતાની પાછળ પડતા બાળકને બીક બતાવીને દૂર રાખવા માટે પાણી ભરવાના તુંબડા ઉપર બિહામણા ચહેરાનું આલેખન કરવામાં આવતું; તેમાંથી જ મહોરાં બનાવવાની શરૂઆત થઈ એવું પણ માનવામાં આવે છે. વળી ન્યૂ બ્રિટનની ‘ડુકડુક’ નામે ઓળખાતી એક ગુપ્ત ત્રાસવાદી અને કુખ્યાત ખૂની ટોળકી જાહેરમાં મહોરાં પહેરીને ફરતી, જેથી સામાન્ય લોકો અને પોલીસ તેમને ઓળખી કાઢી ન શકે. આ મહોરાં રાક્ષસી અને વિકરાળ હોય છે. કેટલાક સમાજોમાં ન્યાયાધીશ પણ મહોરું પહેરતા હોય છે. જેથી લાગતાવળગતા પક્ષો તેમના પ્રત્યે કિન્નાખોરી કે પૂર્વગ્રહ રાખી કોઈ ગુનો આચરી ન બેસે.

આફ્રિકાની કેટલીક ટોળીઓ કે જાતિઓ રાત્રિની ક્રિયાવિધિઓ દરમિયાન જે તે જાતિના મૃત વડવાના ચહેરા સાથે સામ્ય ધરાવતાં મહોરાં પહેરે છે. તેઓ એવું માને છે કે આવી રીતે મહોરાં પહેરવાથી દુષ્ટ અને પાપી કૃત્યો અટકાવી શકાય છે અને રાત્રિની ક્રિયાવિધિની પવિત્રતા જાળવી શકાય છે. વળી એમ પણ મનાય છે કે આવાં મહોરાં પહેરવાથી મૃત વડવાનો આત્મા તે મહોરાં પહેરનારના શરીરમાં પ્રવેશે છે અને મૃત વડવાની ઇચ્છા અનુસાર તે ચુકાદા આપી શકે છે તેમજ દેવને ચઢાવેલો ભોગ તે દેવ સુધી પહોંચાડે છે.

લિખિત વ્યવસ્થા (લિપિ) અને લિખિત ઇતિહાસ ન ધરાવતી નિરક્ષર જાતિઓ માટે મહોરાં સાથેની ક્રિયાવિધિ અગત્યનું સ્થાન ધરાવે છે. પૅસિફિક સમુદ્ર, આફ્રિકા અને ઉત્તર અમેરિકાની આવી નિરક્ષર જાતિઓ વરસનો અમુક ચોક્કસ સમય મહોરાં સાથેની ક્રિયાવિધિ માટે ફાળવે છે. આમ કરવાથી આવી જાતિઓની વ્યક્તિઓ ભૂતકાળ સાથે પોતાનું અનુસંધાન સાધી શકે છે. ઝૈરના અમુક આદિવાસી સમાજોમાં કિશોરના પુખ્તતા-પ્રવેશ વખતની ક્રિયાવિધિ દરમિયાન શરીર પર રંગલેપન કરવા ઉપરાંત મહોરાં પણ પહેરવામાં આવે છે. આમાં પશ્ચિમ આફ્રિકાના સમુદ્રકાંઠે રહેતી હબસી જાતિઓનાં મહોરાં સૌથી વધુ પ્રભાવક અને ઝીણું નકશીકામ ધરાવતાં હોય છે. ન્યૂગિનીની સેપિક નદીની આસપાસના પ્રદેશમાં બનતાં મહોરાં ખૂબ જ ભપકાદાર અને અલંકૃત હોય છે અને તેમના આકારો ચિત્ર-વિચિત્ર હોય છે.

વિશ્વના પ્રત્યેક પદાર્થમાં ચેતના હોય છે એવી માન્યતાથી પ્રેરાઈને વિશ્વના આદિમ સમાજોએ પોતપોતાનાં ગોત્રો અને કુટુંબો સાથે અલગ અલગ ચોક્કસ માનવેતર ચેતનાને સાંકળી લીધી તેમાં મોટેભાગે પશુ કે પંખીના જીવાત્મા જ હતા. આ રીતે અલગ અલગ કુટુંબો/ગોત્રોએ સ્વીકારેલાં પ્રાણી/પંખીની પ્રતીક-પ્રતિમા મહોરાં પર પણ ઉપસાવવામાં આવે છે.

ન્યૂ ગિનીના પાપુઆ જાતિના લોકો હેવહે નામે ઓળખાતાં ઊંચાં વિરાટકાય મહોરાં નાળિયેરીનાં થડની છાલમાંથી બનાવે છે. દેખાવમાં તે વિકરાળ અને બિહામણાં હોય છે.

કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના અને અલાસ્કાના ઇન્ડિયન આદિવાસીઓનાં મહોરાં પણ આવાં હોય છે. આફ્રિકાનાં આ પ્રકારનાં મહોરાં સીસમ તેમજ અન્ય કઠણ લાકડામાંથી બનાવેલાં હોય છે. આ બધાં મહોરાં મારફત ચિત્ર-વિચિત્ર પશુ-પંખીઓ કે મત્સ્યની આકૃતિઓ રજૂ થતી હોય છે અને તેમનાં અંગોનું આલેખન વિકૃત અને અતિરેકભર્યું હોય છે.

ઉત્તર અમેરિકાના વાયવ્ય સમુદ્રકાંઠા પર વસતા ઇન્ડિયન આદિવાસીઓએ ફેરવી શકાય તેવા ભાગોવાળાં યાંત્રિક મહોરાં વિકસાવ્યાં છે. આથી મહોરાંનો પશુચહેરો ખસેડી માનવચહેરો પણ રજૂ કરી શકાય છે. માનવ-જીવાત્મા પશુમાં અને પશુ-જીવાત્મા માનવમાં પ્રવેશી શકે છે તેવી તેમની માન્યતા હોવાથી તેઓ મહોરાંમાં પશુ અને માનવના ચહેરાઓની અદલબદલ થઈ શકે એવી કરામત કરે છે.

મરણોત્તર વિધિનાં મહોરાં : દફનવિધિનું મહત્વ ધરાવતા સમાજોમાં મરણોત્તર વિધિમાં પ્રાણી-પંખી-મત્સ્યની આકૃતિ અને દૈવી વ્યક્તિત્વની રજૂઆતવાળાં મહોરાંનો ઉપયોગ થાય છે. મૃત માનવના ચહેરાને ઢાંકવા માટે પણ મહોરાનો ઉપયોગ થાય છે. આમ કરવાથી મૃત વ્યક્તિના જીવાત્માનો અન્ય જીવાત્મા સાથે સંપર્ક કરાવી શકાય છે. મૃત શરીરને પહેરાવેલ મહોરું મૃતાત્માનું દુષ્ટાત્માઓથી રક્ષણ પણ કરે છે એવી માન્યતા છે.

ઇજિપ્તમાં ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીથી માંડીને ઈસુની પહેલી સદી સુધી મૃત શરીરના ચહેરાને મહોરાથી ઢાંકવામાં આવતો. કાપડ પર પ્લાસ્ટર કે માટી લગાવીને બનાવેલાં આ મહોરાંને રંગવામાં આવતાં. મહત્વની વ્યક્તિઓ માટેનાં મહોરાંમાં ઉપરથી સોના અને ચાંદીથી સુશોભન કરાતું હતું. ઈ. પૂ. 1350માં તુતનખામન માટે સર્જાયેલું મહોરું આનો નમૂનો છે.

માઇસિનિયાની કબરોમાંથી ઈ. પૂ. 1400માં સોનાનાં પતરાંને ટીપી ટીપીને બનાવેલાં મહોરાં મળી આવ્યાં છે. કંબોડિયા અને સિયામમાં પણ મૃત રાજાઓના ચહેરાને સોનાનાં બનાવેલાં મહોરાંથી ઢાંકવામાં આવતાં. પ્રાચીન રોમમાં મૃત વ્યક્તિના ચહેરા સાથે સામ્ય ધરાવતાં મહોરાં બનાવી મૃત શબને પહેરાવી દફનક્રિયા થતી અથવા તો ભાડૂતી નટને તે પહેરાવી તેને સ્મશાનયાત્રામાં અને દફનવિધિમાં હાજર રાખવામાં આવતો. પ્રાચીન રોમના ધનાઢ્ય સમાજમાં મૃત વ્યક્તિના ચહેરાનું માટી અને મીણ વડે બીબું ઉપસાવી તે બીબામાંથી ચહેરાની પ્રતિકૃતિઓ લેવામાં આવતી. આ પ્રતિકૃતિઓ કૌટુંબિક ઉજવણી વખતે પ્રદર્શિત કરવામાં આવતી. મૃત વ્યક્તિના ચહેરા સાથે હૂબહૂ સામ્ય ધરાવતાં મહોરાં બનાવવાની આ પદ્ધતિ મધ્યયુગના ઉત્તરાર્ધમાં યુરોપમાં પુન: પ્રચલિત બની અને આ પરંપરા અઢારમી સદી લગી ટકી. અધિકૃત પોશાક પહેરેલાં નકલી શરીર ઉપર આ મહોરાં ગોઠવવામાં આવતાં હતાં.

યુરોપમાં સત્તરમી સદીથી ખ્યાતનામ વ્યક્તિઓનાં આ પ્રકારનાં હૂબહૂ મહોરાં બનાવવાની પ્રણાલી શરૂ થઈ, જે વીસમી સદી સુધી ચાલુ રહી. દરમિયાન બીબાંમાંથી કાંસામાં મહોરાં ઢાળવાની પ્રથા વ્યાપક બની.

ઇજિપ્તના ફાયુમ વિસ્તારમાં ઈસુની પહેલી અને બીજી સદી દરમિયાન વાસ્તવિક પ્રકારનાં મહોરાં બનાવવાની બીજી પદ્ધતિ પ્રચલિત બની હતી. વ્યક્તિના જીવનકાળ દરમિયાન જ લાકડાની સપાટી પર મીણરંગોથી તેનું વાસ્તવિક વ્યક્તિચિત્ર કરી લેવામાં આવતું. વ્યક્તિનું મૃત્યુ થતાં મમીના ચહેરા ઉપર આવું વાસ્તવિક વ્યક્તિચિત્ર ધરાવતું મહોરું બાંધી દેવામાં આવતું.

ઉત્તર અને મધ્ય અમેરિકામાં એઝટેક પ્રજા લાકડા ઉપરાંત માનવ-ખોપરીમાંથી પણ મહોરાં બનાવતી હતી. ખોપરીમાં આંખોના ખાડા પાયરાઇટિઝ નામના ખનિજ વડે પૂરવામાં આવતા. આ ઉપરાંત પિરોજી અને બદામી રંગના કોલસા વડે ખોપરી પર મોઝેઇક રચવામાં આવતાં. ખોપરીમાંથી બનાવાતાં મહોરાંની પાછળના ભાગમાં કાણાં પાડવામાં આવતાં, જેથી મહોરાંને પહેરી કે લટકાવી શકાય. પૅસિફિક મહાસાગરના ટાપુઓમાં ખોપરીમાંથી બનાવાતાં મહોરાં પર માટી, ગુંદર અને મીણ વડે સજાવટ કરાતી.

રોગોપચાર માટેનાં મહોરાં : વિવિધ રોગોના પ્રતિકાર અને ઉપચાર માટેની જાદુઈ ધાર્મિક ક્રિયાવિધિઓમાં મહોરાં મહત્વનો ભાગ ભજવે છે. કેટલાક સમાજોમાં મહોરાં પહેરેલી વ્યક્તિઓ રોગોને ભગાડી શકતી એવું મનાતું આવ્યું છે. ઉત્તર અમેરિકાના ઇરક્વૉઇઝ ઇન્ડિયન નામે ઓળખાતા આદિવાસીઓ હિંસાત્મક મૂક નાટ્ય-ભજવણીઓ દ્વારા રોગોના રાક્ષસોને ભગાડી મૂકી રોગમુક્તિ અપાવવાનું કામ કરતા હતા. આ વિધિ દરમિયાન જોતાં જ કંપારી છૂટે તેવાં વિકૃત અને કઢંગાં મહોરાં તેઓ પહેરતા હતા. આ મહોરાં પર ઘોડાની કેશવાળી અને પૂંછડીના વાળ હોય છે. આંખોને સ્થાને ધાતુ કે ધાતુ જેવી ચમકતી ચીજ ગોઠવવામાં આવતી. રાત્રે ચાંદનીમાં અને સળગાવેલા અગ્નિના પ્રકાશમાં આવી આંખો ચમકી ઊઠતી અને મહોરાંને વધુ બિહામણાં દેખાવામાં મદદ કરતી.

ચીન અને મ્યાનમારમાં ઓરી, અછબડા અને કૉલેરાને કાઢવા માટે બાળકો મહોરાં પહેરતાં. શ્રીલંકામાં રોગોના પ્રતિકાર માટે જુદાં જુદાં 19 પ્રકારનાં રાક્ષસી મહોરાં વિકસાવાયાં હતાં. આ રાક્ષસી મહોરાં ચમકતી આંખો અને લાંબાં તીક્ષ્ણ ભક્ષક દાંતોને કારણે ખૂંખાર અને વિકરાળ દેખાતાં. ખાસ પ્રકારનાં જડબાંની ગોઠવણી અને ભડક રંગોને કારણે તે ડ્રૅગન જેવાં પણ દેખાતાં.

યુદ્ધ માટેનાં મહોરાં : પ્રાચીન ગ્રીસ, રોમ, ચીન અને જાપાનમાં યુદ્ધના હેતુઓ માટે પણ મહોરાં વપરાતાં. જોનાર દુશ્મનમાં તે ભય અને ત્રાસનો ભાવ જન્માવવા ઉપરાંત મહોરાં પહેરનારના માથાનું પણ રક્ષણ કરતાં. જાપાનના સૅમુરાઈ યોદ્ધાઓનાં આવાં મહોરાં ‘મેંપો’ નામે ઓળખાતાં.

વિશિષ્ટ રમતો માટેનાં મહોરાં : કેટલીક રમતોમાં મહોરાંનો ઉપયોગ થાય છે. રમતની વિશિષ્ટ લાક્ષણિકતાને લક્ષમાં લઈ, માથાના રક્ષણના હેતુથી પણ મહોરાં પહેરવામાં આવે છે. તલવારબાજી, બેઝબૉલ, અમેરિકન ફૂટબૉલ, રગ્બી અને સ્કીઇંગનો તેમાં સમાવેશ થાય છે. યુરોપમાં વિવિધ આયુધો સાથેની હરીફાઈમાં પણ ઘોડેસવારો પોતાના રક્ષણ માટે મહોરાં પહેરતા. આ મહોરાં પર બારીક સુશોભન કરવામાં આવતું અને તે પ્રતીકાત્મક પણ હતાં.

શિકાર માટેનાં મહોરાં : આદિમ મનુષ્ય શિકાર કરતી વેળા મહોરાં પહેરતો. પથ્થરયુગના આરંભમાં પ્રાણીનો શિકાર કરતી વેળા અને પછી તેના જીવાત્માને શાંત કરવા માટે પણ મહોરાં પહેરાતાં. આધુનિક કાળમાં ઍલ્તેઇક ભૂવા પહેરે છે તેવાં મહોરાં ફ્રાંસની એરીજે ખાતે મળેલી ગુફામાંથી સાંપડેલાં. પ્રાગૈતિહાસિક કાળનાં મહોરાંને તે એકદમ મળતાં આવે છે.

જાનવરથી રક્ષણ માટેનાં મહોરાં : પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં સુંદરવન જંગલોમાં માછીમારો વાઘથી રક્ષણ મેળવવા માટે મહોરાં પહેરે છે. માત્ર માથાના પાછળના ભાગને ઢાંકતાં આ મહોરાં માણસનો સંમુખ (frontal) ચહેરો ધરાવતા હોઈ વાઘ માનવ-ચહેરાથી ગભરાઈ જઈ મનુષ્યની પીઠ પાછળથી પણ હુમલો કરતા નથી.

ખેતી અને ફળદ્રૂપતા માટેનાં મહોરાં : પ્રાગૈતિહાસિક કાળમાં પાછળથી ખેતીનો વિકાસ થતાં ફળદ્રૂપતા માટેની ક્રિયાવિધિ પ્રસંગે મહોરાંનો ઉપયોગ વ્યાપક બન્યો અને અમુક સમાજોમાં તે આજ દિન સુધી ટકી રહ્યો છે. નૈર્ઋત્ય અમેરિકાના હૉપી અને ઝુની ઇન્ડિયનો તથા ઇરક્વૉઇઝ ઇન્ડિયનોની લણણીને લગતી ક્રિયાવિધિઓમાં મહોરાં પહેરેલી વ્યક્તિઓ વાદળ, આકાશ, વરસાદ, તારા, ધરતીમાતા અને અન્ય દેવોની રજૂઆત કરે છે. પ્વેબ્લો ઇન્ડિયનો માટે સૌપ્રથમ વરસાદ લાવનાર કચીન્ઝ નામનો દૈવી આત્મા રણમાં સરોવરને તળિયે નિવાસ કરે છે. વરસાદની જરૂર ઊભી થતાં, નર્તકો મહોરાં પહેરી એ આત્માને પોતાના શરીરમાં બોલાવીને પોતે જાણે કચીન્ઝનો અવતાર ધારણ કરે છે.

ચામડાંમાંથી બનેલાં આ મહોરાં નળાકાર ઘાટનાં હોય છે. માથે વાળ લગાડેલા હોય છે. બહાર નીકળતી ચાંચ અને દાંત તૂંબડામાંથી બનાવેલાં હોય છે. ઘણી વાર માથે શિંગડાં પણ હોય છે. મહોરાં પર ઘણા રંગોનું લેપન કરેલ હોય છે. પીંછાં અને મોતી પણ ચોંટાડ્યાં હોય છે. મહોરાંનો આકાર લિંગ નક્કી કરે છે. માથાનો ભાગ ગોળ હોય તે નર અને માથાનો ભાગ ચોરસ હોય તે માદા.

પશ્ચિમ આફ્રિકામાં પણ ખેતી અને ફળદ્રૂપતાને લગતાં મહોરાં બનાવવામાં આવે છે. માલીની બૅમ્બરા આદિવાસી જાતિઓનાં મહોરાં કલાર્દષ્ટિએ ઘણાં જ આકર્ષક હોય છે. મહોરાંમાંથી નાળિયેરીનાં ઝાડનાં લાંબાં પાંદડાં લટકતાં હોય છે. તે પહેરનારને સમગ્રપણે ઢાંકે છે. મહોરાંની ટોચ પર પહેરનારને માથે લાકડામાંથી કોતરેલું હરણનું નમણું શિલ્પ બેસાડવામાં આવે છે. આ આદિવાસીઓ એમ માને છે કે ખેતીની શરૂઆત હરણે કરી હતી, તેથી પ્રત્યેક વરસે વાવણીને સમયે આ હરણનાં પ્રતીકવાળાં મહોરાં પહેરી નૃત્યવિધિ કરવામાં આવે છે.

આનંદોત્સવ માટેના હેતુ : વિવિધ પ્રકારના સામાજિક નિષેધમાંથી છુટકારો મેળવવા માટે, શુભેચ્છાપૂર્ણ મૈત્રીની અભિવ્યક્તિ રૂપે અને અશ્લીલ હાસ્ય દર્શાવવા માટે પણ ભય અને ત્રાસની લાગણી જન્માવતાં બિહામણાં તથા હાસ્યાસ્પદ અને કઢંગાં જણાતાં મહોરાંનો ઉપયોગ વ્યાપક છે. મહોરું પહેરનાર મહોરાંની પાછળ પોતાની સાચી ઓળખ છુપાવી શકે છે; નાનીમોટી ટીખળ કરે છે, તોફાન કરે છે અને નિર્મળથી માંડીને અશ્લીલ અને ક્રૂર હાસ્ય નિપજાવે છે. ચૌદમી સદીથી માંડી યુરોપ અને લૅટિન અમેરિકામાં વર્ષાન્તે ઊજવાતા લોકોના આનંદ-ઉત્સવોમાં મહોરાંનો ઉપયોગ ખૂબ પ્રચલિત છે. ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં વર્ષાન્તે ઊજવાતા ઉત્સવોમાં પહેરાતાં મહોરાંમાં શિયાળાને ભગાડવાની પ્રતીકાત્મક રજૂઆત હોય છે. ગ્વાટેમાલા અને મેક્સિકોમાં કથા-કથન અને મજાક-મશ્કરી માટે પણ તેનો ઉપયોગ થાય છે. નાઇજિરિયાના ઇબૉઝ અને ઉત્તર ધ્રુવ નજીક રહેતા એસ્કિમો હાસ્યપ્રેરક અને ઉપહાસસૂચક મહોરાંનો ઉત્સવોમાં ઉપયોગ કરે છે.

રંગમંચ માટેના ઉપયોગ : લગભગ સમગ્ર વિશ્વમાં રંગમંચલક્ષી કલાઓમાં મહોરાં વપરાય છે. પશ્ચિમી દુનિયામાં મહોરાંનો સર્વપ્રથમ ઉપયોગ પ્રાચીન ગ્રીસમાં થયો. નવી ફસલ અને ફળદ્રૂપતાના દેવ ડાયૉનિસસની પૂજા દરમિયાન પોતાના શરીરમાં એ દેવાત્માનો પ્રવેશ કરાવવા માંગતી વ્યક્તિઓ પ્રારંભમાં બકરાનાં ચામડાં ઓઢતી અને દારૂ પીતી, પણ પાછળથી તેઓમાં મહોરાં પહેરવાની પ્રથા શરૂ થઈ. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં થેસ્પિસ નામના કવિએ સફેદ સુતરાઉ મહોરું પહેરી નાટકમાં અભિનય કરવાનું શરૂ કર્યું, જેથી સંબંધિત દેવનો આત્મા પોતાનામાં પ્રવેશી શકે. ધીમે ધીમે પ્રાચીન ગ્રીસમાં રંગમંચ માટેનાં મહોરાં વિશે ઘણી જટિલતા પ્રવેશી. અસંખ્ય પાત્રો-વ્યક્તિત્વો માટેનાં અલગ અલગ લક્ષણો ધરાવતાં મહોરાંનું સર્જન થયું. તેમાં આંખ, કાન, નાક અને હોઠ જેવાં અંગોને મૂળ પ્રમાણ કરતાં વિશાળ કદમાં અને ભડકીલા રંગમાં સર્જવામાં આવતાં, જેથી ઘણે દૂર સુધી પ્રેક્ષકો તેમનો પ્રભાવ અનુભવી શકે. મહોરાંની અંદરની બાજુ મેગાફોન જેવી ગોઠવણ હોવાથી નટનો અવાજ પણ ઘણે દૂર સુધી પહોંચી શકતો. પ્રાચીન ભીંતચિત્રો, મોઝેઇક, પથ્થરનાં શિલ્પ અને કૂજા પરનાં ચિત્રો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન રોમ અને ગ્રીસમાં વપરાતાં મહોરાંમાં કોઈ કલાવિષયક ખાસિયતો ન હતી.

યુરોપમાં મધ્યયુગમાં બારમીથી સોળમી સદી સુધી રંગમંચ માટે મહોરાં વપરાતાં. ‘ઓલ્ડ ટેસ્ટમેન્ટ’ અને ‘ન્યૂ ટેસ્ટમેન્ટ’નાં નાટ્યરૂપાંતરોમાં ભજવણી વખતે બધા જ પ્રકારનાં બિહામણાં અને ત્રાસજનક વ્યક્તિત્વો માટે મહોરાંનો ઉપયોગ થતો; જેમ કે, રાક્ષસો, ભૂત-પિશાચ, ડ્રૅગન, 7 મહાપાતકો ઇત્યાદિ માટે. આ ભજવણી ‘મિસ્ટરી પ્લે’ નામે ઓળખાતી. તેમાં વપરાતાં મહોરાં કાગળના માવામાંથી બનાવાતાં અને તે કલાકૃતિના ઉત્તમ નમૂના બની રહેતાં. મહોરાંની અંદરની યાંત્રિક વ્યવસ્થા વડે મહોરાંની અંદર અગ્નિ અને ધુમાડા સંઘરી શકાતા અને પ્રસંગ પ્રમાણે નટ ધારે ત્યારે તે બહાર કાઢી શકતો. દુર્ભાગ્યે, આવાં મહોરાંના નમૂના તો ઠીક, તેનાં ચિત્રો પણ બચ્યાં નથી; પરંતુ યુરોપ અને લૅટિન અમેરિકાના કાર્નિવલ ઉત્સવો અને સરઘસોમાં વપરાતાં મહોરાં મધ્યયુગના યુરોપનાં મહોરાંમાંથી ઊતરી આવ્યાં હોય એવો સંભવ છે. ઑસ્ટ્રિયાનાં ગ્રામજનો દ્વારા બનાવેલાં અને ‘પર્ખ્ટેન’ નામે ઓળખાતાં મહોરાં વિશ્વવિખ્યાત છે.

પંદરમી સદીમાં રેનેસાંના ઉદભવ સાથે ઇટાલીમાં આવિષ્કાર પામેલ હાસ્યજનક નાટ્યપ્રકાર ‘‘કૉમેડિયા દેલા’ ર્તે’’નો ફ્રાંસ, જર્મની અને ઇંગ્લૅન્ડમાં ઝડપથી પ્રસાર થયો. અઢારમી સદી સુધી તે લોકપ્રિય બની રહી. તેમાં નટો મોટેભાગે મહોરાં પહેરતા હતા. ઘણાં મહોરાં અવનવાં અજાયબીપૂર્ણ અને ક્યારેક બિહામણાં પણ હતાં. તે ચામડાંનાં બનાવેલાં હતાં. આ ભજવણીઓમાં પ્રાચીન રોમન નાટ્યકારો પ્લૉટસ (Plautus, ઈ. પૂ. 254–184) અને ટેરેન્સ(Terence, ઈ. પૂ. 186–159)ની કૉમેડીઓનો સમાવેશ થતો હતો. નટોનાં પોશાક, મહોરાં અને રંગમંચની સમગ્ર ભજવણી જેવી વિગત તત્કાલીન ચિત્રકલામાં હૂબહૂ દસ્તાવેજીકરણ પામી છે. કેટલાંક ચિત્રોમાં નટો માત્ર આંખો ઢાંકતાં કાળાં મહોરાં પહેરતાં. તેમાંથી આજના જમાનાનાં માત્ર આંખો ઢાંકતાં ‘માસ્કરેડ’ (Masquerade) મહોરાં વિકસ્યાં છે.

કઠપૂતળીની ભજવણીના અપવાદને બાદ કરતાં પશ્ચિમી જગતની રંગમંચની ભજવણીમાંથી અઢારમી સદીથી માંડીને વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન મહોરાંનો ઉપયોગ સદંતર બંધ થઈ ગયો. પ્રાચીન ગ્રીક નાટકોની આધુનિક ભજવણીમાં ક્વચિત જ મહોરાંનો ઉપયોગ થાય છે. કેટલાક આધુનિક નાટ્યકારોની કૃતિની ભજવણીમાં આજે પણ મહોરાંનો ઉપયોગ થાય છે; દા.ત., ‘ઍલિસ ઇન વન્ડર્લૅન્ડ’નાં નાટ્યરૂપાંતરોમાં; જર્મન નાટ્યલેખક ગેર્હાર્ટ હૉટમાન(Gerhart Hauptmann 1862–1946)ના નાટક ‘ડાય ફેર્સૂકેન ક્લૉક’(Die Versunkene Glocke – the sanken belt – 1897)માં; તથા જાપાનના નોહ (NŌ) નાટકોની શૈલી પર આધારિત આયરિશ સાહિત્યકાર યેટ્સ(W. B. Yeats, 1865–1939)ના નાટક ‘ડ્રીમિંગ ઑવ્ ધ બોન્સ’ અને અન્ય નાટકોમાં આજે પણ મહોરાંનો ઉપયોગ થાય છે. 1926માં અમેરિકન નાટ્યકાર યુજિન ઑ’નિલ’(Eugene O’Neill, 1888–1953)ના નાટક ‘ધ ગ્રેટ ગૉડ બ્રાઉન’માં મહોરાંનો ઉપયોગ વિશિષ્ટ રીતે થયો છે. પાત્રની મનોદશા અને બાહ્ય જિંદગીમાં થતા ફેરફારોને આધારે નટ મહોરાં બદલતા રહીને તે ફેરફારોને સ્ફુટ કરતા હતા. ઇટાલિયન નાટ્યકાર પિરાન્દેલો(Luigi Pirandello, 1867–1936)ના 1957માં ભજવાયેલા નાટક ‘લ ફેવોલા દેલ ફિલ્યો ચૅમ્બિયેતો(La Fevola del Figlio Cambiato – The Fable of the Transformed Son)માં મહોરાં વપરાયાં છે. તેમાં ઘનવાદી અને પરાવાસ્તવવાદી શૈલી સ્પષ્ટ છે. ફ્રેંચ લેખક જ્યાં જેને(Jean Jenet)ના નાટક ‘લ નિગ્રે’(Les Ngres – The Blacks – 1958)માં પણ મહોરાંનો ઉપયોગ થયો છે. બાઉહાઉસ કલાશાળા સાથે સંકળાયેલ અભિવ્યક્તિવાદી ચિત્રકાર ઑસ્કાર શ્લૅમર(1888–1943)ને 1920 પછી રંગમંચની ભજવણીમાં વપરાતાં મહોરાંની રચનામાં રસ પડેલો. રંગમંચની ભજવણીમાં વપરાતાં આજનાં મહોરાંમાં કેટલીક કલાશૈલીઓનું પ્રતિબિંબ જોવા મળે છે. વીસમી સદીમાં રંગમંચની ભજવણીમાં મહોરાંનો ઉપયોગ અપવાદ રૂપે થાય છે.

પૂર્વના રંગમંચ પર જાપાનનાં ‘નોહ’ નાટકોમાં મહોરાં અગત્યનું સ્થાન ધરાવે છે. ચૌદમી સદીમાં ‘નોહ’ નાટકના પ્રારંભથી આજ લગી 125થી વધુ પ્રકારનાં મહોરાં વ્યાપક બન્યાં છે. ‘નોહ’ મહોરાં લાકડાંમાંથી બનાવી તેમના ઉપર પ્લાસ્ટર અને લાખ તથા ક્યારેક કીમતી ધાતુના ઢોળ પણ ચડાવવામાં આવે છે. રંગોની રજૂઆત પ્રતીકાત્મક હોય છે. સફેદ મહોરાં ભ્રષ્ટ શાસકનાં સૂચક હોય છે. લાલ મહોરાં નીતિમાન અને સાચા માણસના પ્રતીક રૂપે હોય છે. કાળાં મહોરાં દુષ્ટ, પાપી, હિંસક અને ક્રૂર ખલનાયકની રજૂઆત માટે હોય છે. ‘નોહ’ મહોરાંમાં ગાલના સ્નાયુઓ, ભ્રમર, કપાળ, નાક ઇત્યાદિનું ઝીણવટભર્યું નકશીકામ ઋજુ મનોભાવો રજૂ કરી શકે છે. આ મહોરાંનું નિર્માણ ‘ટેન્કા-ઈચી’ (Tenka-Ichi) નામે ઓળખાતા નિપુણ કલાકારો કરે છે. તેને ધારણ કરનાર નટ જ્યારે રંગમંચ પર હલનચલન કરે કે ડોકું ફેરવે ત્યારે દર્શકને નટના મનોભાવોમાં બારીક ફેરફાર થતા જણાય છે.

તિબેટમાં મહોરાં પહેરેલા નટ પવિત્ર ધાર્મિક નાટકો ભજવે છે. દેવીદેવતાઓનાં અને રાક્ષસોનાં ભવ્ય મહોરાં પહેરી લામાઓ ‘લાલ વાઘ-દૈત્યનું નૃત્ય’ (dance of the red tiger devil) નામે ઓળખાતા નૃત્ય-નાટકની ભજવણી કરે છે. આ ભવ્ય મહોરાં કાગળ બનાવવા માટેના માવા અને કાપડમાંથી બનાવવામાં આવે છે અને ક્વચિત્ મહોરાંની ઉપર તાંબાના વરખ ચોંટાડવામાં આવે છે; પરંતુ સિકિમ, ભૂતાન અને હિમાચલપ્રદેશમાં લામાઓ દ્વારા ભજવાતી આ નૃત્યનાટિકાઓમાં લાકડાંમાંથી બનાવેલાં મહોરાંનો ઉપયોગ થાય છે, કારણ કે આ સ્થળોએ વાતાવરણ ઘણું જ ભેજવાળું હોવાથી કાગળનો જલદી નાશ થાય છે; વળી લાકડું પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. હિમાલયમાં વસતી તિબેટી, નેપાળી, લડાખી, કાશ્મીરી, સિક્કિમી અને ભુતાની જેવી પ્રજાઓનાં મહોરાં પર અદભુત સૌંદર્ય ધરાવતું રંગલેપન અને માથે યાકના પૂંછડાના વાળ વિવિધ રંગોમાં લગાડેલા હોય છે. એમનાં કેટલાંક મહોરાં ભય, ત્રાસ અને બીકની લાગણી જન્માવે એવાં બિહામણાં પણ હોય છે. પરંપરાથી ચીનમાં કાગળ બનાવવાના માવામાંથી બનાવેલાં અદભુત અને બિહામણાં મહોરાં પહેરી ધાર્મિક અને બોધક નાટકો ભજવવામાં આવતાં; પરંતુ બિનસાંપ્રદાયિક નાટકોના નટો પણ મહોરાં જેવી સજ્જા અને રંગલેપન કરી નાટકો ભજવતા આવ્યા છે. જાપાનનાં કાબુકી નાટકોમાં પણ મહોરાં જેવી દેખાતી સજ્જા અને રંગલેપન કરી નટો નાટક ભજવતા આવ્યા છે. ચીનમાં મહોરાં પહેરીને નૃત્યો કરવામાં આવે છે. ચીન અને જાપાનમાં ભજવાતાં ‘સિંહ’ નૃત્યો અને ‘ડ્રૅગન’ નૃત્યોમાં નટ પોતાનું વિકરાળ મહોરું લાકડીને ટેકે ઊંચકે છે અને પોતે ખાસ પ્રકારના કપડામાં લપેટાયેલો રહે છે. મહોરાં અને કાપડનું સંચાલન કરી નટ ક્રિયામગ્ન હિંસક જાનવરની લાક્ષણિક અદાઓ રજૂ કરે છે. માત્ર મૂળમાં જ જોડાયેલાં મહોરાંના જડબાને નટ દોરી વડે પ્રસંગોપાત્ત, ખોલી-બંધ કરી મોટો અવાજ કાઢતો રહે છે.

જાવા અને બાલીમાં ‘વાયાન્ય વૉન્ગ’ નામે ઓળખાતી નાટ્યનૃત્યની ભજવણીમાં ‘ટુપેન્ગ’ નામે ઓળખાતાં મહોરાંનો ઉપયોગ વ્યાપક છે. અઢારમી સદીની છાયા-કઠપૂતળીની ભજવણીમાંથી આ ભજવણી વિકસી અને તે આનંદપ્રમોદ ઉપરાંત આપત્તિ સામે રક્ષણ આપે છે એવી માન્યતા પ્રચલિત બની. રામાયણ, મહાભારત અને અન્ય પ્રાચીન સંસ્કૃત સાહિત્યની કથાઓ તેમાં ભજવવામાં આવે છે. જાવાની પ્રજાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હોવા છતાં આ ભજવણીની પ્રથા ચાલુ છે. તેજસ્વી રંગલેપન કરેલાં મહોરાં લાકડાં અને ચામડાંમાંથી બનેલાં હોય છે તેમજ માથે ઘોડાની કેશવાળી અને પૂંછડીના વાળ તથા ધાતુના ચમકતા વરખ ચોંટાડેલા હોય છે.

વીસમી સદીના પ્રારંભમાં લોકસંસ્કૃતિઓ અને આદિવાસી સંસ્કૃતિઓ વિલય પામતી જવાથી મહોરાં, કલાસુશોભનની ચીજ બની ગઈ છે. 1960 પછી સમગ્ર વિશ્વમાં લોકસંસ્કૃતિઓ અને આદિવાસી સંસ્કૃતિઓમાં રસ વધતાં જૂનાં મહોરાંની જાળવણી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમની આધુનિક કલા પર મહોરાંનો નિર્ણાયક પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને વીસમી સદીના પ્રારંભમાં આફ્રિકા અને પૅસિફિક સમુદ્રના ટાપુઓનાં મહોરાંમાંથી જર્મની અને ફ્રાંસના ચિત્રકારો અને શિલ્પીઓને પ્રેરણા મળી હતી.

અમિતાભ મડિયા