મહેરઅલી, યૂસુફ (જ. 23 સપ્ટેમ્બર 1903, મુંબઈ; અ. 2 જુલાઈ 1950, મુંબઈ) : અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાની અને નિષ્ઠાવાન સમાજવાદી નેતા. શ્રીમંત ખોજા મુસ્લિમ પરિવારમાં જન્મ. પિતા જાફરઅલી વ્યાપારી હતા. મૂળ વતન કચ્છ; પરંતુ વ્યાપાર માટે પરિવારે મુંબઈ સ્થળાંતર કરેલું. તેમનું પ્રાથમિક શિક્ષણ કોલકાતા ખાતે, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ ખાતે થયું હતું. 1921માં મૅટ્રિક, 1925માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક અને ત્યારબાદ મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેમની રાજકીય પ્રવૃત્તિઓને લીધે તેમને વકીલાત કરવાની સનદ આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.
વિદ્યાર્થીકાળથી જ રાજકીય અને ખાસ કરીને યુવક-પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતા. બધી પ્રવૃત્તિઓનું એકમાત્ર ધ્યેય દેશને ગુલામીમાંથી મુક્ત કરવાનું હતું. 1925માં ‘યંગ ઇન્ડિયા સોસાયટી’ નામથી અભ્યાસવર્તુળની સ્થાપના કરી, જેની સભાઓ દર અઠવાડિયે ઓછામાં ઓછી એક વાર મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં મહમ્મદઅલી ઝીણાના કક્ષ(chamber)માં યોજવામાં આવતી હતી. તેમાં ઝીણા ઉપરાંત એમ. આર. જયકર જેવા વિદ્વાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું. 1928માં યૂસુફ મહેરઅલીની પહેલથી મુંબઈ પ્રાંતના યુવકોનું એક સંમેલન મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 1,700 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બે દિવસના આ સંમેલનમાં એક પૂર્ણ સ્વરાજ્યની માગણી કરતો અને બીજો સામ્રાજ્યવાદની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તથા ‘બૉમ્બે પ્રૉવિન્શિયલ યૂથ લીગ’ નામક સંગઠનની રચના કરવામાં આવી હતી, જે સમયાન્તરે યુવકોનું એક મજબૂત સંગઠન બન્યું હતું.
1928માં ભારતમાં સાયમન કમિશન આવ્યું ત્યારે 3 ફેબ્રુઆરીના દિવસે મુંબઈ ખાતે યૂસુફ મહેરઅલીના નેતૃત્વ હેઠળ ચારસો યુવકોએ તેનો જાહેર વિરોધ કર્યો હતો. પોલીસ આ યુવકો પર ત્રાટકી હતી અને તેમાં યૂસુફને સખત ઈજા થઈ હતી. આ સમાચાર વાયુવેગે ફેલાતાં શહેરમાં સંપૂર્ણ હડતાળ પડી હતી. 1929માં મહેરઅલીએ લશ્કરના સંગઠનની તરેહ પર ‘નૅશનલ મિલિશિયા’ નામથી એક નવું સંગઠન રચ્યું, જેના તેઓ પોતે ‘સર્વોચ્ચ વડા’ (General Officer Commading) બન્યા હતા. 1930માં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે તેમને ચાર માસની સજા ફટકારવામાં આવી હતી. 1934માં બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવા માટે કાવતરું ઘડવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી અને બે વર્ષ સુધી તેમને નાશિકના કારાગૃહમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. 1936–37માં કૉંગ્રેસ સમાજવાદી પાર્ટી વતી તેમણે સમગ્ર દેશનો પ્રવાસ ખેડ્યો હતો, જેનો ઉદ્દેશ જનજાગૃતિનો હતો. 1938માં તેમણે યુરોપના કેટલાક દેશો, ઇંગ્લૅન્ડ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો અને ત્યાંની સમાજવાદી ચળવળનો અભ્યાસ કરવા સાથે ત્યાંના અગ્રણી સમાજવાદીઓની મુલાકાત લીધી હતી. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ માટે ફરી તેમની ધરપકડ કરવામાં આવી હતી (1940–41). 1941માં પટણા ખાતે આયોજિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા. આ પરિષદમાં બ્રિટિશ સામ્રાજ્યશાહી વિરુદ્ધ ઉગ્ર ભાષણ કરવા માટે ફરી તેમની ધરપકડ કરી લાહોરની જેલમાં તેમને સ્થાનબદ્ધ કરવામાં આવ્યા હતા. તે જ અરસામાં મુંબઈના નગરપતિ (mayor) તરીકે તેમની વરણી થતાં બ્રિટિશ સરકારે તેમને નાછૂટકે મુક્ત કર્યા હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળનું ભૂગર્ભમાંથી સંચાલન કર્યું હતું, પરંતુ પોલીસે તેમને શોધી કાઢી ફરી જેલમાં ધકેલ્યા હતા.
1929માં તેમણે યુવાનો માટે ‘વૅન્ગાર્ડ’ સામયિકની શરૂઆત કરી અને તેના તંત્રીપદે કામ કર્યું. જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેમણે ભારતીય સમાજવાદી પક્ષના મુખપત્ર ‘જનતા’ માસિકને પણ વૈચારિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
યૂસુફ મહેરઅલી મુંબઈ પ્રાન્તીય કૉંગ્રેસ કમિટી (BPCC), ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (AICC) તથા ભારતીય સમાજવાદી પક્ષની કેન્દ્રીય સમિતિના સભ્યપદે રહ્યા હતા. તેઓ સંસદીય લોકશાહી તથા સ્વદેશીના હિમાયતી હતા. ભારતનું ઔદ્યોગિકીકરણ થાય તો જ દેશની આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થઈ શકશે એવી તેમની ર્દઢ માન્યતા હતી. ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોના શોષણના તેઓ સખત વિરોધી હતા. મુંબઈમાં ગુમાસ્તા મંડળની સ્થાપના તેમના થકી જ થઈ હતી, જે ભારતમાં ‘વ્હાઇટ કૉલર કર્મચારીઓ’નું સર્વપ્રથમ સંગઠન ગણાય છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘લીડર્સ ઇન ઇન્ડિયા’ (બે ભાગમાં, 1942), ‘અ ટ્રિપ ટૂ પાકિસ્તાન’ (1943), ‘ધ મૉડર્ન વર્લ્ડ’ (1945) અને ‘ધ પ્રાઇસ ઑવ્ લિબર્ટી’ (1948) વિશેષ ઉલ્લેખનીય છે.
તેમના નિકટના વર્તુળમાં મીનુ મસાણી, અશોક મહેતા, કે. એફ. નરીમાન, અચ્યુત પટવર્ધન, જયપ્રકાશ નારાયણ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને અરુણા અસફઅલી જેવા તે જમાનાના અગ્રણી સમાજવાદીઓ હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે