મહેમદાવાદ : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 44´થી 22° 57´ ઉ. અ. અને 72° 35´થી 73° 00´ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમદાવાદ જિલ્લાની સીમા; ઈશાનમાં ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણે નડિયાદ તાલુકો; દક્ષિણ અને નૈર્ઋત્યમાં માતર તાલુકો તથા પશ્ચિમ અને વાયવ્યમાં અમદાવાદ જિલ્લાની સીમા આવેલી છે. સમગ્ર તાલુકામાં ખેડા અને મહેમદાવાદ એ બે શહેરો અને 77 ગામો આવેલાં છે.
તાલુકાનો ભૂમિઢોળાવ ઈશાનથી નૈર્ઋત્ય તરફનો છે. તાલુકાની જમીનો સપાટ અને ફળદ્રૂપ છે. મેશ્વો આ તાલુકાની મુખ્ય નદી છે. તે સમાદ્રા ગામ નજીક વાત્રકને મળે છે. તેના કાંઠે જિંજરથી સમાદ્રા સુધીમાં બાર ગામ આવેલાં છે. ઉનાળામાં મે માસનું મહત્તમ અને લઘુતમ સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 37° સે. અને 29° સે. જેટલું તથા શિયાળામાં જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 32° સે. અને 22° સે. જેટલું રહે છે. સમુદ્રથી આ પ્રદેશ દૂર હોઈ ઉનાળામાં તાપમાન ક્યારેક 44° સે. સુધી પણ પહોંચી જાય છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 750થી 800 મિમી. જેટલો પડે છે. જૂનના મધ્ય ભાગથી દિવસના તાપમાનમાં ઘટાડો થાય છે અને ભેજનું પ્રમાણ વધતું રહે છે.
તાલુકામાં નદીકાંઠે, ગામડાંની ભાગોળે તથા ખેતરોના શેઢે મહુડો, વડ, પીપળો, પીપર, બાવળ, ગાંડો બાવળ, ખીજડો, લીમડો અને આંબા જેવાં વૃક્ષો છૂટાંછવાયાં જોવા મળે છે. તાલુકાની 78 % જમીનોમાં ડાંગર, ઘઉં, બાજરી, બાવટો અને કઠોળ જેવા ખાદ્ય પાકો તથા 22 % જમીનોમાં વરિયાળી, મગફળી, તમાકુ, કપાસ, રાઈ, મસાલા, શાકભાજી જેવા રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ખેડામાં ડાંગર ભરડવાની મિલો, બરફનાં કારખાનાં, જિન, લોખંડની ચીજવસ્તુઓ બનાવવાનાં કારખાનાં તથા લાકડાં વહેરવાના બેન્શો આવેલાં છે. તાલુકાની કુલ વસ્તી 2,45,635 (1991) જેટલી છે, તે પૈકી 80 % વસ્તી ગ્રામીણ અને 20 % વસ્તી શહેરી છે. અહીં દર ચોકિમી.- દીઠ વસ્તીની ગીચતા આશરે 490 વ્યક્તિની છે.
શહેર : મહેમદાવાદ 22° 49´ ઉ. અ. અને 72° 45´ પૂ. રે. પર વાત્રકના પૂર્વ કાંઠા પર આવેલું છે. તે અમદાવાદથી 28 કિમી. અને નડિયાદથી 10 કિમી. અંતરે આવેલું છે. મહમૂદ બેગડાએ આ સ્થળ વસાવેલું હોવાથી તેનું નામ મહેમદાવાદ પડેલું છે. અહીં તેણે ભમરિયો કૂવો, કિલ્લો અને મહેલો બંધાવ્યા હતા.
આ શહેરમાં ચોખા અને તેલની મિલો; લાકડાં વહેરવાની લાટીઓ; પાઇપ, લાદી બનાવવાનાં, વીજળીની મોટરો વગેરેનાં કારખાનાં આવેલાં છે. અહીં પિત્તળનાં વાસણોનો ગૃહઉદ્યોગ પણ છે. માછીમારી અને મરઘાંઉછેર જેવા નાના પાયાના ઉદ્યોગો પણ ચાલે છે. અહીં ખાનગી ક્ષેત્રની એક ઔદ્યોગિક વસાહત છે. આ શહેરમાં બે વાણિજ્ય અને બે સહકારી બૅંકો આવેલી છે. મહેમદાવાદ આજુબાજુનાં ગામો માટેનું જથ્થાબંધ વેપારનું મથક પણ છે. મહેમદાવાદ પશ્ચિમ રેલવેનું સ્ટેશન છે. રાજ્ય-પરિવહનની બસો દ્વારા તે નડિયાદ, ખેડા, મહુધા, કઠલાલ, વડોદરા અને અમદાવાદ સાથે જોડાયેલું છે. શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, બાલમંદિરો અને પુસ્તકાલયની સગવડ પણ છે. તાજેતરમાં અહીં કમ્પ્યૂટર સેન્ટર ધરાવતી આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ પણ ચાલુ થઈ છે.
અહીંનાં જોવાલાયક સ્થળોમાં 22.5 મીટર ઊંડો અને 7.5 મીટર પહોળો, આઠ ખંડો ધરાવતો, પાણી સુધી પગથિયાંવાળો કૂવો; મહમૂદ બેગડાએ તેની બેગમની સ્મૃતિમાં વાત્રકના કાંઠે બંધાવેલા ચાંદો-સૂરજ મહેલના અને કિલ્લાના અવશેષો; મુબારક સૈયદનો રોજો; બેગડાના પુત્રની અને કેટલાક અમીરો તેમજ સગાંઓની કબરો; મહમૂદ બેગડા પૂર્વેની એક પ્રાચીન વાવ; ગંગનાથ, ભીમનાથ અને વૈજનાથનાં શિવમંદિરો; જૈન મંદિર; જુમ્મા મસ્જિદ; બે ખ્રિસ્તી દેવળો; વસંત-રજબ સેવાદળનું કેન્દ્ર તથા માધવાનંદ આશ્રમ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહમૂદ ત્રીજાએ અહીં હરણોની જાળવણી માટેનો ઉદ્યાન પણ બનાવ્યો હતો.
1991 મુજબ આ શહેરની વસ્તી 26,102 જેટલી હતી. તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ હતાં. અહીં 1991માં અક્ષરજ્ઞાન ધરાવનારાઓની કુલ સંખ્યા 17,251 જેટલી હતી.
શિવપ્રસાદ રાજગોર