મહેન્દ્રનગર : નેપાળ દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલું સરહદીય શહેર.

ભૌગોલિક સ્થાન : તે આશરે 28  55´ ઉ. અ. અને 80  20´ પૂ. રે. પર સ્થિત છે. હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં 229 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર ભારતની સીમા અને મહાકાલી સરહદી નદીથી આશરે 3 કિમી. દૂર આવેલું છે, જે ભીમદત્તાનગર(Bhimdattanagar) તરીકે પણ ઓળખાય છે. આ શહેર નેપાળના કાંચનપુર જિલ્લાના સૂદુરપશ્ચિમ (Sudurpashchim) તાલુકામાં આવેલું છે.

ભૂપૃષ્ઠ –આબોહવા : આ શહેર ફળદ્રૂપ અને નીચાણવાળા દક્ષિણ ઢોળાવ તરફ જતા મેદાની વિસ્તારમાં વસેલું છે. આ શહેરની આજુબાજુ એવી કોઈ ઊંચાઈ ધરાવતી પર્વતીય હારમાળા આવેલી નથી. મહાકાલીની જળપ્રણાલિકા જે આ પ્રદેશનો જળસ્રોત છે. મહાકાળી નદી મુખ્ય કૅનાલના જળનો આ શહેરના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે.

આ નગર ઊંચાઈએ આવેલું હોવાથી કારણે અહીંનું વાતાવરણ એકંદરે હૂંફાળું રહે છે. અહીંનું શિયાળાનું અને ઉનાળાનું તાપમાન 10  સે. અને 26  સે. જેટલું રહે છે. અહીં ભૂતકાળમાં સૌથી ઊંચું તાપમાન 36.7  સે. અને નીચું તાપમાન 6.3  સે. જેટલું નોંધાયેલું છે. વર્ષાઋતુ દરમિયાન વરસાદ આશરે 3500 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ શહેર આજુબાજુના ખેતીકીય પ્રદેશની ખેત-પેદાશોનું મુખ્ય વેપારી મથક છે. અહીં ડાંગર, જુવાર, મકાઈ, શેરડી અને શાકભાજીનો વેપાર મુખ્ય છે. આ શહેરની આજુબાજુ અનેક નાના ઉદ્યોગો, હોટેલ અને મૉલ પણ આવેલાં છે.

પરિવહન : મહેન્દ્રનગર (ભીમદત્તાનગર) જે નેપાળના પૂર્વ-પશ્ચિમ ધોરી માર્ગને સાંકળે છે. આ એક જ માર્ગ નેપાળનો કરોડરજ્જુ સમાન માર્ગ છે. અહીંનાં સરકારી વાહનો અને ખાનગી વાહનો જે નેપાળના અંતરિયાળ વિસ્તારોને પણ સાંકળે છે. ભીમદત્તા હવાઈ મથક પણ આવેલું છે. ભારત અને નેપાળ વચ્ચેના સારા રાજકીય સંબંધોને કારણે બંને દેશોના નાગરિકો સરળતાથી સીમા ઓળંગી શકે છે. અહીં વેપારી માલસામાનનું મુખ્ય જકાતનાકું છે.

વસ્તી : આ શહેરનો વિસ્તાર 171.24 ચો.કિમી. છે. વસ્તી (2021 મુજબ) આશરે 1,22,320  હતી. વસ્તીની દૃષ્ટિએ નેપાળનું નવમાં ક્રમે આવતું આ શહેર કાઠમંડુથી આશરે 700 કિમી. દૂર આવેલું છે. આ શહેરમાં વિવિધ ભાષા બોલાય છે. જેમાં દોતેલી 58.6%, નેપાળી 13.3%, બઈનાડેલી 9.7%, થરુ 8.0%, બજહાન્ગી 4.1%, અચ્છામી 1.6%, દરચુલેતી 1.3%, હિન્દી 1.2%. આ સિવાય મૈથીલી, મગર, ભોજપુરી વગેરે ભાષા બોલાય છે. અહીં વિવિધ જાતિના લોકો વસે છે જેમાં છેનરી 32.4%, હીલ બ્રામિન 25.3%, ઠાકુરી 9.6%, થરુ 8.2% તેમજ કામી, દલિત, ધોલી, દશનામી વગેરે જાતિના લોકો વસે છે. અહીં હિન્દુ (98.6%), ક્રિશ્ચિયન (0.5 %), બુદ્ધિષ્ઠ (0.3%), મુસ્લિમ (0.2%) વગેરે ધર્મના લોકો વસે છે. સાક્ષરતાનું પ્રમાણ 77.3% છે ,જેઓને લખતાં અને વાચતાં આવડે છે.

આ શહેર ‘Far Western University’નો ગઢ ગણાય છે. અનેક કૉલેજો આવેલી છે, જેમાં બૈજનાથ સેકન્ડરી સ્કૂલ, આદર્શ વિદ્યા નિકેતન, એવરેસ્ટ એવરગ્રીન ઇંગ્લિશ સ્કૂલ, ઇન્ટરનેશનલ પબ્લિક હાયર સેકન્ડરી સ્કૂલ વગેરે શાળાઓ આવેલી છે. ત્રિભુવન યુનિવર્સિટીનું મહત્ત્વ વધુ છે.

જોવાલાયક સ્થળો : શુકલાફન્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જે બ્રહ્મદેવ મંદિર પાસે આવેલો છે. દોધારા અને ચાંદરી ટાપુઓ મહાકાલી નદીમાં આવેલા છે. આ સિવાય ‘ગોરા ઉત્સવ’ અને પશુબજારનું મહત્ત્વ વધુ છે. ‘શુકલાફન્ટા વન્ય જીવ રક્ષિત’ અભયારણ્ય નિહાળવા પ્રવાસીઓ આવે છે.

નીતિન કોઠારી