મહેન્દ્રગઢ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 47´ 50´´થી 28° 28´ ઉ. અ. અને 75° 54´થી 76° 51´ પૂ. રે. વચ્ચેનો 1,683 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભિવાની અને રોહતક જિલ્લા; ઈશાન અને પૂર્વમાં ગુરગાંવ જિલ્લો; પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં રાજસ્થાનની સીમા આવેલાં છે. રાજસ્થાન સાથેની તેની સરહદે અલ્વર, જયપુર, સિકાર અને ઝૂનઝૂનુ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાનો નૈર્ઋત્ય તરફ આવેલો નારનૌલ તાલુકો હરિયાણા અને રાજસ્થાનની મિશ્ર સંસ્કૃતિનું ઉદાહરણ બની રહેલો છે. મહેન્દ્રગઢ જિલ્લામથક હોવા ઉપરાંત જિલ્લાનું ઉપવિભાગીય મથક તેમજ શહેર બની રહેલું છે. જિલ્લાનું નામ મહેન્દ્રગઢ પરથી પડેલું છે.
ભૂપૃષ્ઠ–આબોહવા–જળપરિવાહ તથા ખેતી–પશુધન : આ જિલ્લાની આબોહવા અર્ધશુષ્ક છે, ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે, ચોમાસામાં વરસાદ અલ્પ પ્રમાણમાં પડે છે. જિલ્લાનો વિસ્તાર અરવલ્લી હારમાળાની વનસ્પતિવિહીન નીચી ટેકરીઓ તથા રેતીના ઢૂવાથી છવાયેલો છે. રેતીનાં તોફાનોથી રચાતા ઢૂવાઓની તુલનામાં છૂટીછવાઈ ટેકરીઓ ખુલ્લી, ખડકાળ અને ગોળાકાર સ્વરૂપમાં અલગ તરી આવે છે. અહીંના ભૂપૃષ્ઠનું સ્થળશ્ય એકંદરે રણજન્ય ઘસારાની ઘટનાનું ઉદાહરણ પૂરું પાડે છે. રણપરિસ્થિતિનો વિકાસ સિંચાઈની યોજનાઓ માટે અવરોધરૂપ બની રહેલો છે. રાજ્યના ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ ઈશાનથી નૈર્ઋત્ય અને પશ્ચિમતરફી છે, પરંતુ આ જિલ્લાનો ઢોળાવ ઉત્તરતરફી છે. જિલ્લામાં રેતાળ અને ગોરાડુ-રેતાળ જમીનો માત્ર મહેન્દ્રગઢ–નારનૌલ તાલુકાઓ પૂરતી મર્યાદિત છે. ભૂગર્ભજળની સપાટી ઘણી ઊંડી છે. જિલ્લાની રેતાળ અને ખડકાળ સપાટીને કારણે નહેરો બાંધવાનું કાર્ય મુશ્કેલ બની રહેલું છે. ખેતીનો મુખ્ય આધાર થોડા પ્રમાણમાં પડતા વરસાદ પર રહે છે. ખેતીનો વિસ્તાર માત્ર પશ્ચિમ ભાગ પૂરતો જ મર્યાદિત છે. અહીંની મુખ્ય નદીઓ દોહણ, કંસાવતી (કંસોતી) અને સાહિબી છે. આ ત્રણેય નદીઓ રાજસ્થાનમાં પડતા વરસાદ પર આધારિત છે અને ઉત્તર તરફ વહે છે. ઊંડા કૂવાઓ દ્વારા ખેતીને સિંચાઈ અપાય છે. અહીંના મુખ્ય કૃષિપાકો ઘઉં, બાજરો અને ચણા છે. મુખ્ય પશુધનમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરાં તથા ઊંટનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં 45 જેટલાં કારખાનાં કાર્યરત છે. તે પૈકીના લગભગ 50 % એકમો સુતરાઉ કાપડનું ઉત્પાદન કરે છે. મોટા અને મધ્યમ ગણાતા ઉદ્યોગોમાં ડિટરજન્ટ, પિત્તળ–તાંબા–ઍલ્યુમિનિયમનાં પતરાં અને વાસણો, છાપકામના અને વીંટાળવાના કાગળો, હલકી જાતના રેસા તથા સૂક્ષ્મ કેશવાહિનીઓ(capillary tubes)ના એકમોનો સમાવેશ થાય છે. નાના એકમોમાં ખાદ્યાન્ન, ધાતુપેદાશો, ખનિજ-તેલ અને કોલસાની પેદાશો, ચામડાની ચીજવસ્તુઓ, રબર, પ્લાસ્ટિક, યાંત્રિક ઓજારો અને સાધનો, લાકડાની પેદાશો, રસાયણો અને રાસાયણિક પેદાશો તેમજ સુતરાઉ કાપડની પેદાશો આપતા એકમોનો સમાવેશ થાય છે. પશુપતિ સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સ લિ. અને રીકો ઑટો ઇન્ડસ્ટ્રીઝ લિ. અહીંના મોટા ઉદ્યોગો છે.
જિલ્લામાં આરસ અને તેની કપચી, તારના ખીલા અને જાળીઓ તથા સિમેન્ટ-પાઇપોનું ઉત્પાદન લેવાય છે. જિલ્લામાંથી નિકાસ થતી ચીજોમાં સરસવ અને તેનું તેલ, ઘઉં, જવ તથા આયાત થતી ચીજોમાં ઘઉં, ગોળ, ચોખા, કેરોસીન અને કપાસિયાનો સમાવેશ થાય છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લાનાં મોટાભાગનાં સ્થળો પાકા માર્ગોની સુવિધાથી જોડાયેલાં છે. જિલ્લાનાં પ્રાચીન તેમજ ઐતિહાસિક ગણાતાં અગત્યનાં સ્થળોમાં ઇબ્રાહીમખાન, શાહ કુલ્ફખાન અને પીર તુર્કમાનની કબરો; રાય બાલમુકંદની છત્રી; ચીરે ગુંબદ અને જળમહેલનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર તરફથી પ્રવાસીઓ માટે અહીં વિશ્રામગૃહો, મનોરંજન-સ્થળો, હોટલો, રેસ્ટોરાં જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. આ પૈકીનું એક રેસ્ટોરાં અને ઉપાહારગૃહ નારનૌલ ખાતે ‘સેન્ડગ્રાઉસ’ નામથી જાણીતું છે તથા ‘જંગલબાબલર’ નામનું વિશ્રામગૃહ દિલ્હીથી 70 કિમી. અંતરે દિલ્હી–જયપુર ધોરી માર્ગ પર ધરુહેરા ખાતે તૈયાર કરવામાં આવેલું છે. ત્યાં 13 એકર જેટલી ભૂમિ પર ઉદ્યાન વિકસાવાયો છે. તેમાં ગોળ ઉપલોથી નાનાંમોટાં સુંદર સ્થાપત્ય બનાવ્યાં છે. વાંકીચૂકી જાળીઓ અને સ્લેટની દીવાલો આ સ્થાપત્યોની શોભાને વધારી મૂકે છે. વધારાની સુવિધાઓમાં મૉટેલ, રેસ્ટોરાં, મદ્યપાન-મથક, બાલઉદ્યાન, કલાકારીગરીવાળી ભેટસોગાદોની દુકાન વગેરેનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં વારતહેવારે જાતજાતના મેળા પણ ભરાય છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી 1991 મુજબ 6,81,869 જેટલી છે, તે પૈકી 3,57,004 પુરુષો અને 3,24,865 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 5,97,225 અને 84,644 જેટલું છે. જિલ્લામાં લોકવ્યવહારની મુખ્ય ભાષા હિન્દી છે. ધર્મવિતરણની ર્દષ્ટિએ જોતાં અહીં હિન્દુઓ : 6,76,405; મુસ્લિમ : 2,344; ખ્રિસ્તી : 12; શીખ : 1,794; જૈન : 919; બૌદ્ધ : 1; અન્યધર્મી અને અનિર્ણીત ધર્મીઓ 394 જેટલા છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 3,17,093 જેટલી છે, તે પૈકી 2,20,897 પુરુષો અને 96,196 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 2,67,017 અને 50,076 જેટલું છે. મહેન્દ્રગઢ ખાતે ચાર કૉલેજો આવેલી છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું તથા તબીબી સેવા-વ્યવસ્થાનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લાને વહીવટી સરળતા માટે બે તાલુકાઓ અને પાંચ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે.
મહેન્દ્રગઢ (નગર) : આ નગર મોહિન્દરગઢ નામથી પણ ઓળખાય છે. તે જિલ્લાનું વડું વહીવટી મથક છે. થરના રણની કિનારી પર આવેલું આ નગર અગાઉ કનોડ નામથી પણ ઓળખાતું હતું. 1861માં અહીંના શીખ અગ્રણી મોહિન્દરસિંહના માનમાં તેને મોહિન્દરગઢ નામ અપાયેલું, પરંતુ હવે તે મહેન્દ્રગઢ નામથી ઓળખાય છે. તે જિલ્લામથક હોવાથી મુખ્ય બજાર પણ ધરાવે છે અને મુખ્યત્વે હસ્તકૌશલ્યની ચીજો માટે તથા ભરતકામવાળાં પગરખાં માટે જાણીતું બનેલું છે. તેની વસ્તી એક લાખથી ઓછી છે.
ગિરીશભાઈ પંડ્યા