મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર (જ. 18 ઑગસ્ટ 1941, ભુજ [કચ્છ]) : ગુજરાતીના કવિ, નાટકકાર, વિવેચક. પિતા રાજ્યના ઉચ્ચ અધિકારી. માધ્યમિક શિક્ષણ વડોદરા–મુંબઈમાં. ગુજરાતી મુખ્ય – સંસ્કૃત ગૌણ વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.; 1965માં એ જ વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. 1965થી 1968 સુધી ગુજરાતીના અધ્યાપક. 1968માં ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે અમેરિકા જઈ 1970માં સૌન્દર્યશાસ્ત્ર તથા તુલનાત્મક સાહિત્યમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. પછી ડૉ. ન્યૂટન પી. સ્ટૉલનેસ્ટના માર્ગદર્શન નીચે ‘નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર 1975માં પીએચ.ડી. એક વર્ષ ફ્રાન્સમાં રહી ફૉર્ડ ફેલોશિપ હેઠળ. આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં અનૂદિત કર્યું અને શેક્સ્પિયરના ‘મૅકબેથ’ સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ 1972થી 1977 દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. 1977માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હી તરફથી તૈયાર થઈ રહેલા ‘ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ’ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂક. 1977માં રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન નીચે ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. 1983થી વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક. પ્રારંભનાં 5 વર્ષ અધ્યક્ષ પણ હતા; પછી 3 વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ઉપકુલપતિ થયેલા. કાવ્યસંગ્રહ ‘જટાયુ’ માટે 1987નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 1998માં મધ્યપ્રદેશ સરકાર તરફથી ‘કબીર સન્માન’. 2017માં કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા ‘વખાર’ કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સમ્માન. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (2018-2020 સુધી). ગુજરાત સાહિત્ય સભા તરફથી 1989માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. 2000–’01ના વર્ષ માટે ગુજરાતીના અધ્યાપક સંઘના અધ્યક્ષ. 2006માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યાં છે.
સિતાંશુ પાસેથી ‘ઑડિસ્યુસનું હલેસું’ (1974) અને ‘જટાયુ’ (1986) ‘વખાર’ (2008), ‘મહાભોજ’ (2019) નામક કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે. તેઓ ગુજરાતી કવિતાને પરાવાસ્તવવાદી (surrealistic) વળાંક આપે છે. ભાષાની ખમીરવંતી, ચિંતનપ્રેરિત વસ્તુલક્ષી ચાલ આ ગતિશીલ કવિની કાવ્યબાનીને વિશિષ્ટ મુદ્રા એનાયત કરે છે. પરાવાસ્તવિક અનુભૂતિને અભિવ્યક્ત કરવા માટે કવિ ભાષા, છંદ અને લયના પરિચિત સંકેતોને તોડીને નવો ખેલ રચે છે. સર્રિયલ કવિતાની રચનાની પ્રક્રિયા માનવચિત્તના જેવી સંકુલ છે. સર્રિયલ કવિતામાં કવિનો પ્રયાસ બૌદ્ધિક પ્રતીતિમાં પુરાઈ રહેલી અનુભૂતિને તેના આદિમ બિંદુ સુધી લઈ જવાનો જણાય છે. કવિ આવશ્યકતાનુસાર બાલવાર્તા, લોકકથા, દંતકથા, પુરાણકથા, પુરાકલ્પન વગેરે વિવિધ ઘાટીઓનું મિશ્રણ કરે છે. તેને લીધે અભિવ્યક્તિની અનેકવિધ શક્યતાઓનું વિશાળ ક્ષેત્ર આ કવિ સમક્ષ ખુલ્લું થાય છે. પ્રથમ સંગ્રહમાં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનો, સ્વયં-સ્ફુરણો, સ્વપ્નો, સંમોહન, અનૈતિહાસિક સમય, અતર્ક, અસંગતિ, તરંગલીલા તથા ઇન્દ્રિયભ્રમોને અનાયાસ અનુસરે છે. વાણીના સૂક્ષ્માતિસૂક્ષ્મ સંચારોના કાવ્યાત્મક વિનિયોગથી કવિ ક્યારેક વિચારપ્રેરક ને રસપ્રદ ચમત્કારો સર્જે છે. સંગ્રહનાં મગનકાવ્યોમાં કવિની વેદના વિડંબનાત્મક રીતે રજૂ થઈ છે. આ કાવ્યોમાં પણ અન્ય કાવ્યોની જેમ નગરજીવનની ભીંસથી સર્જાયેલી આત્મઘાતક પરિસ્થિતિ સામેનો કવિનો વિદ્રોહાત્મક સૂર સાંભળી શકાય છે. ‘એક સર્રિયલ સફર’, ‘યમદૂત’, ‘દુકાળ’, ‘પોમ્પાઇ અર્થાત્ બોમ્બાઇ નગરમાં ‘એક ખેલ યાને વહાણ નામે ભૂલ’, ‘મૃગજળ અને જળ’, ‘દા.ત., મુંબઈ’, ‘મગન અને ગાજર’ જેવાં કાવ્યો કવિની કાવ્યરચનાની વિશિષ્ટ પોતવાળી શૈલીનાં દ્યોતક છે.
‘સંસ્કૃતિ’(ઑગસ્ટ 1970)માં પ્રકાશિત ‘મોંએ-જો-દડો’ સિતાંશુની સર્રિયલ રચનાકૌશલની ઉલ્લેખનીય ઉપલબ્ધિ છે. ‘મૃત્યુ : એક સર્રિયલ અનુભવ’ અને ‘હોચી મિન્હ’ માટે એક ગુજરાતી કવિતામાં કવિએ ભાષાનો વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. ‘મૌન સરોવર છલક્યાં’ નોંધપાત્ર ગીત છે. તેમાં કહેવાયું છે તેમ સિતાંશુનો કવિ તરીકેનો પુરુષાર્થ મનના મૂળ સમયની શીશી ફોડીને પ્રગટ કરવાનો – અચેતન અને અર્ધચેતન સ્તરોની સૃષ્ટિને શબ્દમાં કંડારવાનો છે. ‘જટાયુ’નાં રૂપરંગ પ્રથમ સંગ્રહથી ભિન્ન છે. પ્રત્યેક કાવ્યગુચ્છે કશુંક નવું સિદ્ધ કરવાની મથામણ સિતાંશુની કાવ્યસૃષ્ટિનું ધ્યાનાકર્ષક લક્ષણ છે. આ સંગ્રહના 8 ખંડોમાં ભિન્ન ભિન્ન ભાવવિશ્વ અને કવિનો નોખો નોખો મિજાજ પ્રગટ કરતી 34 રચનાઓ ઉપલબ્ધ થઈ છે. સાતમા ખંડમાં જે 4 કાવ્યો છે તેમાં કવિએ સભાનતાપૂર્વક મધ્યકાલીન ભાષાશૈલી, આખ્યાન-નિરૂપણની પદ્ધતિ અને લયઢાળોને પોતાની રીતે પ્રયોજ્યાં છે. આ કાવ્યગુચ્છનું સર્વોચ્ચ શિખર ‘જટાયુ’ છે. એ કાવ્યમાં કવિએ અત્યંત અંગત અનુભૂતિને સફળતાપૂર્વક પુરાકલ્પનની બિનંગત વસ્તુતામાં પ્રગટાવી છે. ‘પ્રલય’ જેવી દીર્ઘ રચનાએ યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા મથામણ કરી છે. આધુનિક પ્રયોગશીલ ગુજરાતી કવિઓમાં સિતાંશુનો અવાજ અનોખો અને અગ્રેસર છે.
સિતાંશુની સર્જક ચેતના નાટ્યલેખન-નાટ્યરૂપાંતરક્ષેત્રે પણ પ્રવૃત્ત થઈ છે. 2000માં તેમનાં 6 નાટકો એકસાથે પ્રગટ થયાં છે. ‘છબીલી રમતી છાનુંમાનું’ (1999), ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’ (1999), ‘લેડી લાલકુંવર’ (1999), ‘આ માણસ મદ્રાસી લાગે છે’ (1999), ‘તોખાર’ (1999) અને ‘ખગ્રાસ’ (1999). આ બધાં જ નાટકો રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાયેલાં છે. આ નાટકો પૈકી ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’ – ‘અમે અમથાલાલને ત્યાં ચાલ્યા’ રેડિયોનાટક તરીકે લખાયું હતું. ‘તોખાર’ પિટર શેફરકૃત ‘એક્વસ’ પર આધારિત છે. આ ઉપરાંત તેમણે ટૉમસ હાર્ડીની વાર્તા પરથી થયેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કૉયલ’ નામે કર્યું હતું; જે રંગભૂમિ પર ભજવાયું હતું. ‘ગ્રહણ’ અને ‘અશ્વત્થામા’ તેમનાં અન્ય નાટકો છે, જે હજુ અપ્રકાશિત છે. ‘નાટ્ય- કેસૂડાં’ નામનું સંપાદન પણ તેમણે કર્યું છે. જે સમયે પ્રયોગશીલ ગુજરાતી નાટ્યલેખકો ઍબ્સર્ડ નાટકની લપસણી ભૂમિ પર સરકી રહ્યા હતા અને પરંપરાગત નાટ્યલેખકો પોતાના જ નિ:સત્વ અનુકરણમાંથી ઊંચા આવી રહ્યા ન હતા ત્યારે સિતાંશુએ રંગમંચક્ષમતા, સાહિત્યિકતા, નાટ્યાત્મકતા વચ્ચે સંતુલન સાધી માનવજીવનની વિસ્મયજનક સંકુલતાને પોતાની આગવી નાટ્યસૃષ્ટિમાં વ્યક્ત કરવાનો સમર્થ પ્રયાસ કર્યો. સિતાંશુની આ નાટ્યસૃષ્ટિ ગુજરાતી નાટક- સાહિત્યનો એક નોંધપાત્ર ઉન્મેષ છે.
પ્રયોગશીલ કવિ અને પ્રતિભાશાળી નાટ્યકાર સિતાંશુ અરૂઢ શૈલીનાં વિવેચનો પણ આપે છે. ‘સીમાંકન અને સીમોલ્લંઘન’ (1977)ના વિવેચનલેખોમાં તેઓ સૌન્દર્યમીમાંસાની શોધ કરે છે. સંરચનાને લગતી છણાવટ સંગ્રહના 7 લેખોમાં જોવા મળે છે. છેલ્લા લેખ ‘સીમાંકન અને સીમોલ્લંઘન’માં ઉમાશંકર જોશી અને ઍલન ગિન્સબર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. સીમાંકન (form) અને સીમોલ્લંઘન (flow) – એ બંનેથી તેમ તેને અંગેની વ્યવસ્થાથી પર રમણીયતા કવિના શબ્દથી સિદ્ધ થાય છે એ સ્થાપના સિતાંશુએ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ એ શોધપ્રબંધમાં કરી છે. નાના ફલક પર તુલનાત્મક સૌન્દર્યમીમાંસાના વિષયમાં પાયાના વિભાવોને તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. તેમણે પાશ્ચાત્ય સૌન્દર્યમીમાંસાના ‘આકાર’ના સંપ્રત્યય સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ‘સમાધિ’ના વિભાવનો તેમજ કાવ્યાનુભવ સાથે ‘ક્રીડા’ અને ‘રમણીયતા’ના વિભાવનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ગુજરાતીમાં ‘આકાર’ની મહત્તાની ઐકાન્તિક ચર્ચાના કે આકૃતિ અને અંત:તત્વના દ્વૈત પર થતી ચર્ચાના સંદર્ભે સિતાંશુની નવી ભૂમિકા પરથી થયેલી સ્થાપના ધ્યાનાર્હ છે. ‘આસ્થા: સર્ગવિધૌ’ (2002), ‘કાવ્યહેતુ’, ‘કાવ્યપ્રયોજન’નો ફેરવિચાર કરી કવિ, ભાવક, ભાષા, કૃતિ અને વાસ્તવના સ્વરૂપની વાત કરી છે. ‘કાવ્યસત્તા: ઉપસ્થિત અને અનુપસ્થિતિનું કાવ્યશાસ્ત્ર’માં સંરચનાવાદ સંદર્ભે દેરિદાના પુનર્વિચાર અને અનુસંરચનાવાદની વિચારણા ભારતીય અલંકારશાસ્ત્રની ભૂમિકાએ કરી છે. ‘કાવ્યભાષા: વ્યવસ્થા અને વિદ્રોહ’ માન્યભાષાના સંકુચિત પરીઘમાંથી વિસ્તરીને લોકબોલી સુધી વિસ્તરતી ભાષા કેવી રીતે પ્રભાવિત થતી હોય એની તપાસ છે. ‘ભાવક અપેક્ષાપૂર્તિ અને અપેક્ષાભંગ’ કૃતિ અને ભાવક વચ્ચે સધાતા સંવાદની ચર્ચા હુર્સેલ, ઇન્ગાર્ડન, આઇઝર સંદર્ભે ચર્ચી છે. ‘નૂતન કવિ : પુરાણો મુનિ’માં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’ની બાળલીલાનો નવો અર્થ આપ્યો છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ