મહેતા, વિનાયક નંદશંકર (જ. 3 જૂન 1883, સૂરત; અ. 27 જાન્યુઆરી 1940, પ્રયાગ) : ગુજરાતી નાટ્યકાર – લેખક. વતન માંડવી (કચ્છ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને સૂરતમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને જીવશાસ્ત્રના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ.(1902)ની પરીક્ષા પાસ કરી. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં તે હંમેશાં મોખરે રહેતા. જેમ્સ ટેલર પ્રાઇઝ, નારાયણ વાસુદેવ પ્રાઇઝ, ધીરજલાલ મથુરાદાસ સ્કૉલરશિપ, ઍલિસ સ્કૉલરશિપ. ક્લબ મેડલ આદિ અનેક શિષ્યવૃત્તિઓ ને ચંદ્રકો તેમને મળ્યાં. 1903માં તેઓ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. 1906માં ભારત આવી તેઓ આઇ.સી.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
અલ્લાહાબાદમાં સરકારી ખાતામાં તેમની પ્રથમ નિમણૂક થઈ. તે પછી લખનૌ, કાશી વગેરે સ્થળોમાં રેવન્યૂ કમિશનર થયા. 1932થી 1935 સુધી કાશ્મીર રાજ્યના મહેસૂલ-ખાતાના પ્રધાન થયા. નોકરી છોડી 1937–38માં રાજસ્થાનના બિકાનેર રાજ્યના દીવાન થયા. ઉત્તર પ્રદેશના મહેસૂલ-બૉર્ડના તેઓ વરિષ્ઠ સભ્ય પણ થયેલા.
સંસ્કૃત સાહિત્યના તેઓ ઊંડા અભ્યાસી હતા અને તેમણે પંડિત તરીકે નામના મેળવી હતી. વળી તેઓ ઉર્દૂના પણ જાણકાર હતા. રાજકીય પ્રવૃત્તિમાં વધારે રોકાયેલા હોવાથી ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન સ્વલ્પ છે. એમણે તેમના પિતાનું જીવનચરિત્ર ‘નંદશંકર જીવનચિત્ર’ (1916) નામે લખેલું છે. અંગ્રેજી દૈનિકો તેમજ સામયિકોમાં સાહિત્ય, પુરાતત્ત્વ, રાજકારણ, ગ્રામોદ્ધાર આદિ અનેકવિધ વિષયો ઉપર તેમણે છૂટક લેખો લખ્યા છે. ‘કોજાગ્રિ’ નાટક અને ‘ગ્રામોદ્ધાર’ તેમની વૈચારિક કૃતિઓ છે. તેમનું અવસાન હૃદય બંધ પડવાથી થયેલું.
શિવપ્રસાદ રાજગોર