મહેતા, રોહિત ચીનુભાઈ (જ. 26 ઑગસ્ટ 1930, અમદાવાદ) : અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક. માતા વિમળાબહેન. 1946માં મૅટ્રિક અને 1950માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા.
1956માં અમેરિકાની બ્હાન્સન કું. સાથે તકનીકી સહયોગ કરીને ઔદ્યોગિક વાતાનુકૂલનનાં ઉપકરણો બનાવવા માટે ઇન્ડસ્ટ્રિયલ મશીનરી મૅન્યુફૅક્ચરિંગ કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ કૉર્ન પ્રૉડક્ટ્સ રિફાઇનિંગ કંપની, અમેરિકા સાથે તકનીકી અને નાણાકીય સહયોગ કરીને વિવિધ પ્રકારની સાકર (dextrose) અને ખાસ પ્રકારના સ્ટાર્ચ બનાવવા માટે મેઇઝ પ્રૉડક્ટ્સ લિમિટેડ નામની કંપની શરૂ કરી. શિરાભ્યંતર (intravenous) દ્રાવણો અને હૉસ્પિટલમાં ઉપયોગી આપાતકાલીન સાધનો ભારતમાં બનાવવા માટે અમેરિકન હૉસ્પિટલ સપ્લાય કૉર્પોરેશન (યુ.એસ.) સાથે ભાગીદારીમાં મેકગો રવીન્દ્ર લૅબોરેટરિઝ ઇન્ડિયા લિમિટેડમાં ઉત્પાદનની શરૂઆત કરી.
કુટુંબના ઔદ્યોગિક જૂથમાંથી 1961માં તેઓ અલગ થયા. ત્યારબાદ તેમણે આઘાતવર્ધનીય (maleable) ઢાળના પાઇપનાં સંયોજનો બનાવતી આર. એમ. એન્જિનિયરિંગ કંપની લિ.નો વિસ્તાર કરવા જાપાનની સીન્ટોમેગીઓ કંપની સાથે તકનીકી સહયોગ કર્યો. આ ઉપરાંત અંત:અક્ષીય (intraocular) નેત્રમણિ, ટાંકા (sutures), નેત્ર માટેની ઔષધિઓ, નેત્રરક્ષા માટેનાં નિદાનસૂચક ઉપકરણો અને શલ્યકાર્ય માટેની સાધનસામગ્રી ભારતમાં ઉપલબ્ધ કરવા માટે આલ્કોન ઇન્ટરનેશનલ ફૉર્ટવર્થ (ટેક્સાસ યુ.એસ.) સાથે સહયોગ કરી રેમ્પિયોન આઇટેક પ્રા. લિમિટેડ દ્વારા દેશમાં વેચાણની પ્રક્રિયા શરૂ કરી.
ગુજરાત સરકારે તેમની નિમણૂક ગુજરાત રાજ્ય નિકાસ નિગમ (1964–78), ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ (1976–78), ગુજરાત રાજ્ય કાપડ નિગમ (1978–81) અને ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઇઝર કંપની લિ.(1978–91)ના ચૅરમૅનપદે કરી હતી.
તેમણે ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર કંપની લિ., ગુજરાત રાજ્ય પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિ. અને સ્ટેટ બક ઑવ્ ઇન્ડિયા, ગુજરાત ઝોનમાં નિયામક તરીકે સેવાઓ આપી હતી.
તેઓ ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (1990–91), અમદાવાદ ટેક્સ્ટાઇલ મિલ્સ એસોસિયેશન (1969–70 અને 1975–76), ગુજરાત ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (1965) અને અમદાવાદ મિલ ઍન્ડ જિન સ્ટોર્સ ઍસોસિયેશનના પ્રમુખ નિમાયા હતા.
રોહિતભાઈ ગુજરાત કૅન્સર સોસાયટી, અપંગ માનવમંડળ, અંધજન મંડળ, ગવર્નમેન્ટ પૉલિટૅકનિક સલાહકાર સમિતિ, એકૅડેમિક પ્લાનિંગ બૉર્ડ – ગુજરાત યુનિવર્સિટી, સ્પૉર્ટ્સ ક્લબ ઑવ્ ગુજરાત, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઈકોનૉમિક રિસર્ચ, લલ્લુભાઈ ગોરધનદાસ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.
ભારતમાં લાયન્સ ઇન્ટરનૅશનલ શરૂ કરવામાં તેમણે અગ્ર ભાગ ભજવ્યો હતો. 1992માં તેમની નિમણૂક લાયન્સ ઇન્ટરનૅશનલના પ્રમુખ તરીકે થઈ. આ સ્થાન સંભાળનાર તેઓ પહેલા ભારતીય હતા. લાયન્સ ક્લબ તરફથી તેમને શુભેચ્છક રાજદૂત તેમજ મેલ્વિલ જોન્સ ફેલો થવાનું બહુમાન મળ્યું છે. તેઓ લાયન્સ ક્લબ તરફથી અંધજનોને ર્દષ્ટિ પાછી મેળવવા માટેની યોજનામાં અને ઊગતી પેઢીને આદર્શ નાગરિક બનાવવા માટેના શોધ અભિયાનમાં સક્રિય રસ લે છે.
તેમની સેવાઓની કદરરૂપે તેમને 1993માં વિશ્વગુર્જરી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝ તરફથી ઉદ્યોગના વિકાસ અને ખિલવણી માટે ફાળો આપવા બદલ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
જિગીશ દેરાસરી