મહેતા, રસિક હાથીભાઈ (જ. 11 નવેમ્બર 1932, લાકડિયા, કચ્છ) : વીસમી સદીના સાઠ અને સિત્તેરના દાયકાના મહત્વના લોકપ્રિય સાહિત્યકાર–નવલકથાકાર–વાર્તાકાર. વતની ભુજના. અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો. વ્યવસાય લેખનનો.

વ્યવસાય માટે પચાસના દાયકાની અધવચ્ચે મુંબઈ પહોંચ્યા. ‘ચેત મછંદર’ સાપ્તાહિકમાં પત્રકાર તરીકે 1956માં જોડાયા. ‘ચેત મછંદર’ દેશી રજવાડાંઓના શાસકોની નબળાઈઓ છતી કરતું તથા પ્રજાકીય આંદોલનોને વાચા આપતું સામયિક હતું. રસિક મહેતાનાં પુસ્તકોને ‘ચેત મછંદર’ સામયિકનો બહુ મોટો આધાર મળેલો.

1958–59માં તેમણે ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં કામ કરેલું. તેમના સંપાદન હેઠળ ‘ગુંજન’ નામનું માસિક પ્રગટ થતું હતું. તેમણે નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર તેમજ બાલવાર્તાનાં પુસ્તકો આપ્યાં છે. તેમની પત્નીના અવસાન પછી તેઓ વિશેષ ભાવે લેખન તરફ વળ્યા. તેમની પ્રથમ નવલકથા ‘પ્રણયપ્રકાશ’ (1961) ખૂબ લોકપ્રિય થયેલી. આ ઉપરાંત ‘એક મધરાતે’ (1965), ‘ધબકાર’ (1967), ‘આયના મહેલ’ (ભાગ : 1 – 2, 1973), ‘ચંબલનો ચિત્કાર’ (1976), ‘સૂરજબારી’ (1984) વગેરે તેમની જાણીતી નવલકથાઓ છે. તેમણે સંખ્યાબંધ સામાજિક, ઐતિહાસિક નવલકથાઓ તેમજ રહસ્યકથાઓ આપી છે; જેમ કે, ‘શ્વેત રાત્રિ, શ્યામ સિતારા’, ‘એક જિંદગી, લાખ આંસુ’, ‘સોહાગણ’, ‘રાધિકારાણી’, ‘સ્વપ્ન અને શ્રદ્ધા’, ‘અનારકલી’, ‘નૂરજહાં’, ‘આંધી અતીતની’, ‘પ્રેતાંગિની’, ‘એક હતી સાહેલી’, ‘જન્માંધ દિશાઓ’, ‘એક મધરાતે’, ‘કાળનું તખત’ વગેરે.

‘ઋતુબહાર’ (1966) અને ‘રોમાંચ’ (1968) તેમના વાર્તાસંગ્રહો છે. એમનાં નાટકનાં પુસ્તકો ‘એક હતો રાજા’ (બાલનાટક, 1976) અને ‘રહસ્યાંગના’ (1977) જાણીતાં છે. ‘ભગવાન અને ઇન્સાન’ (1972) જીવનચરિત્રનું પુસ્તક છે તો ‘ચાલો ચાંદામામાને ઘેર’ (1966) વગેરે તેમનાં બાલકથાનાં પુસ્તકો છે.

તેમનો વાર્તાસંગ્રહ ‘ઋતુબહાર’ ગુજરાત રાજ્ય સરકાર (1967) દ્વારા પુરસ્કૃત છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘રાજરાણી’ (1981), ‘રંગે બહાર’ (લોકકથા, 1982) અને ‘ભારતની અમર વીરાંગના’ (બાલસાહિત્ય, 1986) પણ પુરસ્કૃત થયાં છે.

યશવંત મહેતા