મહેતા, રવિશંકર વિઠ્ઠલજી (જ. 13 ઑક્ટોબર 1904, ગોંડલ; અ. 19 ઑગસ્ટ 1988, મુંબઈ) : પત્રકાર, નિબંધકાર. મૂલસ્થાન ગોંડલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે જૂનાગઢ ગયા. ત્યાંની બહાઉદ્દીન કૉલેજમાંથી સ્નાતક થયા.
મુંબઈ જઈ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક રૂપે જોડાયા. આ જ અરસામાં ગાંધીજીનું સ્વરાજ્ય-આંદોલન ઉગ્ર ચરણમાં આવતાં સમાજના વિવિધ થરના લોકો તેમાં આકર્ષાયા. 1930માં રવિશંકર સ્વાતંત્ર્ય-સત્યાગ્રહમાં જોડાયા. 1931માં મુંબઈના ‘હિન્દુસ્તાન’ જૂથમાં પત્રકાર રૂપે જોડાયા. પ્રારંભે ગુજરાતી સાપ્તાહિક ‘પ્રજામિત્ર’ના સહતંત્રી નિમાયા. 1932માં અંગ્રેજી સાપ્તાહિક ‘સનડે ઍડ્વોકેટ’ના તંત્રી થયા. પછીનાં વર્ષોમાં માસિક ‘નવયુગ’, સાપ્તાહિક ‘પ્રજામિત્ર’, ‘કેસરી’ અને દૈનિક ‘હિંદુસ્તાન’ના તંત્રી રહ્યા. 1939માં ‘પ્રવાસી’ સાપ્તાહિકનું પ્રકાશન કર્યું. તે જ વર્ષે જન્મભૂમિ જૂથમાં જોડાયા. 1946 સુધી ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી રહ્યા. 1947માં ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. 1951થી મુંબઈના જ ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી થયા. 1968માં પત્રકાર-ક્ષેત્રની સક્રિય સેવામાંથી નિવૃત્ત થયા. બીજે જ વર્ષે, 1969માં, ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ વરાયા.
રવિશંકર પત્રકાર હોવા ઉપરાંત અચ્છા નિબંધકાર પણ હતા. તેમણે જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવા નિબંધો લખ્યા છે. ‘ગૃહજીવનની નાજુક કલા’ અને ‘જીવનની કલા’ તેમનાં મુખ્ય પુસ્તકો છે. ‘વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે ?’ એ નામે તેમણે એક માહિતીપુસ્તિકા પણ લખી છે. તેઓ ઘણી વાર ‘સંજય’ ઉપનામથી પણ લખતા હતા.
બંસીધર શુક્લ