મહેતા, મુ. (જ. 1945, પેરિયકુળમ્, જિ. તેની, તમિળનાડુ) : તમિળ કવિ અને વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘આકાયતુક્કુ અડુત્તવીડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તમિળ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ પૂર્ણકાલીન લેખક છે.

મુ. મહેતા

અત્યાર સુધીમાં તેમણે 33 ગ્રંથો આપ્યા છે. 1974માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કણ્ણીર પૂક્કળ’ પ્રગટ થયો, જેની 26 આવૃત્તિઓ થઈ છે. તેમણે કવિતા, કથાસાહિત્ય અને ફિલ્મ તથા દૂરદર્શન માટે પટકથા, ફિલ્મગીતો, કથેતર ગદ્ય અને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે ખેડાણ કર્યું છે.

તેમને કાવ્યસંગ્રહ માટે તામિલનાડુ રાજ્ય પુરસ્કાર, તામિલનાડુ સરકારનો પાવેનદાન ભારતીદાસન પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ વાર્તા માટે આનંદ વિકટન પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ ઐતિહાસિક વાર્તા માટે વિકટન પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ ગીતકાર માટેના કણ્ણદાસન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘આકાયતુક્કુ અડુત્તવીડુ’માં ભાવ, શૈલી, નવીનતા અને સૌંદર્યપરકતા વાચકોને આકર્ષે છે. તે સાંપ્રત જીવન પ્રત્યેનું કવિનું દર્શન અને તે અંગેની ઊંડી સમજ પ્રગટ કરે છે. તેમાં સમાજના ઉપેક્ષિત વર્ગની પીડા અને સંઘર્ષો પ્રત્યે સહાનુભૂતિ અને ધાર્મિક તથા જાતિગત સંઘર્ષોની કડવી આલોચના કરવામાં આવી છે. એ રીતે આ કૃતિ તમિળમાં લખાયેલ ભારતીય કવિતાસાહિત્યનું એક ઉત્કૃષ્ટ નજરાણું છે.

બળદેવભાઈ કનીજિયા