મહેતા, મણિભાઈ જશભાઈ (જ. 1844, નડિયાદ; અ. 1900, પેટલાદ) : કચ્છ તથા વડોદરા રાજ્યના દીવાન. પિતા જશભાઈ હરિભાઈ મહેતા લોકપ્રિય ફોજદાર હતા. માતા ગંગાબા કુશળ ગૃહિણી હતાં. તેમના ભક્તિભાવના સંસ્કારોએ બાળક મણિભાઈને પ્રભાવિત કર્યા. મહુધા, નડિયાદ અને પેટલાદમાં અભ્યાસ કરીને મૅટ્રિક થયા. 18 વર્ષની વયે પોતાની જ શાળામાં મદદનીશ શિક્ષક નિમાયા. શાળાની બધી પરીક્ષાઓમાં પ્રથમ રહેવા ઉપરાંત સરકારી નોકરી માટેની પરીક્ષામાં પણ પ્રથમ આવી 26 વર્ષની વયે જૂનાગઢ રાજ્યના જ્યૂડિશ્યલ આસિસ્ટન્ટ અને મુખ્ય ન્યાયાધીશ નિમાયા. તેમની કુશળતાથી આકર્ષાઈને પાલનપુરના પોલિટિકલ એજન્ટે ‘નેટિવ આસિસ્ટન્ટ’ની જગા પર નીમ્યા. 1873માં તેમને વડોદરા રાજ્ય ઉપર દેખરેખ રાખતી બ્રિટિશ રીજન્સીના ‘નેટિવ આસિસ્ટન્ટ’ નીમવામાં આવ્યા. વડોદરા રાજ્ય માટે આ કપરો સમય હતો. મહારાજા મલ્હારરાવને પદભ્રષ્ટ કરેલા અને મહારાણી જમનાબાઈએ સયાજીરાવને દત્તક લીધેલા. આ કટોકટીને વખતે મણિભાઈએ કુશળતાથી કામ કર્યું.
1873માં તેઓ કચ્છના દીવાન થયા. કચ્છના દીવાનપદને તેમણે કચ્છની કાયાપલટ માટેના અવસરરૂપે નિહાળ્યું. તેમણે કચ્છ રાજ્યના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું. ભાયાતોના જૂના ઝઘડા સમેટીને મહારાવનું આસન ર્દઢ કર્યું. ખેતી, વેપાર, દરિયાઈ સલામતી, પાણી, જંગલવિકાસ વગેરે પગલાંથી રાજ્યનું અર્થતંત્ર સુધાર્યું. કન્યાશાળાઓ, સંસ્કૃત પાઠશાળાઓ, સંગ્રહાલય, રાજમાતાની સ્મૃતિમાં કલાત્મક વાવ આદિ લોકશિક્ષણ અને કલ્યાણનાં કામોને તેમણે પ્રાધાન્ય આપ્યું. અંગ્રેજ સરકારના નોકર છતાં લોકહિતની વાત વીસર્યા નહિ. કચ્છના મીઠાનું ઉત્પાદન બ્રિટિશ ભારતને આપી દેવાની માગણીનો તેમણે અસ્વીકાર કર્યો. તેમને તરત ત્યાંથી ખસેડવામાં આવ્યા. તેથી ફરી વડોદરા રાજ્યમાં નિમાયા. ત્યાં તેમને દીવાન સર ટી. માધવરાવનો સંપર્ક થયો.
1883માં કચ્છમાં ખેંગારજી મહારાવપદે આવતાં તેમણે મણિભાઈને દીવાનપદે ફરી બોલાવી લીધા. આ સમયે અંગ્રેજી શાસને તેમનું મહત્વ સ્વીકાર્યું. તેઓ ગુજરાતના પ્રથમ ‘દીવાનબહાદુર’ બન્યા. કચ્છમાં બે વર્ષ ગાળી વડોદરા પાછા આવ્યા. 1885માં મહારાજા સયાજીરાવના શાસનમાં નાયબ દીવાન નિમાયા. 1890માં દીવાન થયા. અહીં તેમણે વડોદરા રાજ્યને ભારતનું સૌથી પ્રગતિશીલ રાજ્ય બનાવ્યું. સર્વ ક્ષેત્રે વિકાસ વેગીલો બનાવ્યો. માતૃભાષાના માધ્યમથી કેળવણી આપવાના અભિગમ માટે ગાંધીજીએ તેમની પ્રશંસા કરેલી.
તેમણે સાહિત્યક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન કર્યું. વિજ્ઞાનની પરિભાષાનું ગુજરાતીમાં અવતરણ, મણિલાલ નભુભાઈ દ્વારા પાટણના ગ્રંથભંડારોની હસ્તપ્રતોની યાદી કરાવી ભાષાંતર વિભાગ સ્થાપ્યો જે સમય જતાં પ્રાચ્ય વિદ્યા મંદિરરૂપે વિકસ્યો. તેને ઉપક્રમે સંસ્કૃત ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર-સંપાદન, જૈન હસ્તપ્રતોનું સંશોધન, ષડ્દર્શનસમુચ્ચય, સિદ્ધાંતકૌમુદી, પ્રાચીન કાવ્યમાલા આદિ ઉપયોગી પુસ્તકોનાં પ્રકાશનો કરાવ્યાં. ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝ, સયાજી સાહિત્યમાળા, સયાજી જ્ઞાનમંજૂષા, પ્રાચીન કાવ્યમાળા વગેરે ગ્રંથમાળાની સ્થાપના કરી.
તેમણે વડોદરા રાજ્યની સંનિષ્ઠ સેવા કરી. તે દરમિયાન સેટલમેન્ટ કમિશને વડોદરા રાજ્ય વિરુદ્ધ 32 ઠરાવો કરેલા તે સામે લડીને 21 ઠરાવો ફેરવાવ્યા હતા. મહારાજા સાથે મતભેદ થતાં 1895માં 51 વર્ષની વયે નિવૃત્તિ લઈ લીધી. જોકે તેમની માંદગી વેળા મહારાજા સયાજીરાવે તેમની ખબર કાઢવા પેટલાદના મણિભાઈના નિવાસની મુલાકાત લઈને અને વડોદરાના લક્ષ્મીવિલાસ મહેલના સભાખંડમાં મણિભાઈની કાંસ્ય પ્રતિમા સ્થાપીને તેમના પ્રત્યે સદભાવ દર્શાવ્યો હતો.
પરિમલ યશશ્ચંદ્ર મહેતા