મહેતા, પ્રિયવદન છગનલાલ (જ. 1 મે 1920, સૂરત; અ. 26 મે 1996, અમદાવાદ) : અટીરાના પૂર્વનિયામક અને કાપડ-ઉદ્યોગના ખ્યાતનામ સંશોધક અને વિજ્ઞાની. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિષય સાથે સ્નાતક બન્યા. તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવેલા અને તે બદલ શિષ્યવૃત્તિ મેળવી ફરી ટૅકનૉલૉજીના સ્નાતક બન્યા. ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતાં તેઓ વધુ અભ્યાસાર્થે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1947માં અનુસ્નાતક અને 1948માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી.
1941થી ’45 દરમિયાન તાતા કેમિકલ્સ, મીઠાપુર તથા અન્ય ઉદ્યોગોમાં કામગીરી બજાવી. 1949માં તેઓ વૈજ્ઞાનિક અધિકારી તરીકે અટીરા(અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન)માં જોડાયા અને તેનો રસાયણ-વિભાગ વિક્સાવ્યો. અહીં તેમણે રાસાયણિક ટૅકનૉલૉજી વિકસાવવા સવિશેષ પ્રયાસો હાથ ધર્યા તેમજ સેલ્યુલોઝ રસાયણના ક્ષેત્રે એક આગળપડતું કાર્યજૂથ તૈયાર કર્યું. આ જૂથનું કાર્યક્ષેત્ર સેલ્યુલોઝના ઉપચયન(oxidation)થી માંડીને સેલ્યુલોઝ અણુઓના આબંધન અને તિર્યકબંધનની ક્રિયાવિધિ સુધી વિસ્તરેલું હતું. સેલ્યુલોઝ ક્ષેત્રમાંના તેમના આ નોંધપાત્ર પ્રદાનને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક સ્વીકૃતિ મળી અને ગુજરાત, મુંબઈ, વડોદરા અને મદ્રાસ યુનિવર્સિટીઓએ તેમને પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે માન્યતા આપી. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ અનુસ્નાતક અને પીએચ.ડી. પદવીઓ મેળવી છે. વૈજ્ઞાનિક અને ટૅકનિકલ સામયિકોમાં 125 જેટલા શોધનિબંધો ઉપરાંત વિવિધ ટૅકનૉલૉજીનાં સામયિકોમાં તેમના ઘણા લેખો પ્રસિદ્ધ થયા છે. ઉદ્યોગમાંના અર્થશાસ્ત્રની છણાવટ કરતા તેમના શોધ-નિબંધને એશિયાભરના શ્રેષ્ઠ નિબંધ તરીકે જાપાનનો એશિયા પ્રોડક્ટિવિટી ઑર્ગેનિઝેશન ઍવૉર્ડ મળતાં તેમણે જાપાનનો પ્રવાસ ખેડ્યો હતો.
1965માં તેઓ અટીરાના નિયામક-પદે બઢતી પામ્યા. તેમણે સંશોધનોનાં પેટન્ટ મેળવી, પુરસ્કારની આવક વધારી. અટીરાને આર્થિક રીતે અને સંશોધન-ક્ષેત્રે માતબર સંસ્થા બનાવવાના પ્રયાસો આરંભ્યા. તેના ફળસ્વરૂપે અટીરાને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ મળ્યા, જેને કારણે સિત્તેરના દાયકામાં 104 લાખનાં અદ્યતન સંશોધન સાધનો અટીરા વસાવી શક્યું, તેમજ એશિયાભરની નમૂનેદાર સંશોધન-સંસ્થા તરીકે વિકસવા લાગ્યું. 1974માં અટીરાના રજત જયંતી મહોત્સવ પ્રસંગે આઠ ટૅકનિકલ મૉનોગ્રાફ અને ‘ટેક્સટાઇલ વર્લ્ડ હિસ્ટ્રી’ પ્રકાશિત કર્યાં તેમજ ભારતના કાપડ ઉદ્યોગ અંગે ચાર દસ્તાવેજી ચિત્રો તૈયાર કરાવ્યાં. અટીરામાં તેમણે કાપડને ધોવાના, રંગવાના અને છાપકામ(ટેક્સટાઇલ કેમિકલ ટૅકનૉલૉજી ઑવ્ ફૅબ્રિક ઍન્ડ યાર્ન)ના ક્ષેત્રે સંશોધન-કાર્ય કરનારી અત્યંત કાર્યક્ષમ કાર્યકરોનું જૂથ ઊભું કર્યું. વળી સંસ્થામાં નિરીક્ષણ અને સંચાલન અંગેના તાલીમ-કાર્યક્રમો પણ યોજ્યા. બધા જ વિભાગોના અધિકારીઓને અને અન્ય સાથી કાર્યકરોને પુસ્તકાલય અને પ્રયોગશાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા તેમજ કાપડની મિલોમાં વ્યવસાયીઓને વ્યાવહારિક તાલીમ મેળવવા પ્રોત્સાહિત કર્યા અને એ રીતે તજ્જ્ઞ માનવ-પુરવઠાની એક આખી પેઢી તૈયાર કરી. સંસ્થાનિર્માણ(istitution-building)માં તેમની તમામ શક્તિઓ કામે લગાડી અને શક્તિશાળી નેતૃત્વ પૂરું પાડી અટીરાને અવ્વલ દરજ્જાની સંશોધન-સંસ્થા બનાવી.
ભારતના કાપડ-ઉદ્યોગના ક્ષેત્રમાં કશુંક નવું કરવા માટે તેઓ સદાય તત્પર હતા. કાપડ-ઉદ્યોગને લગતા લગભગ પ્રત્યેક અગત્યના સેમિનારમાં અને પરિષદમાં તેમના જ્ઞાન દ્વારા આગવું પ્રદાન કરવા તેઓ ઉત્સુક હતા. સૂરતમાં ‘મંત્રા’(Manmade Textile Research Association)નો ઢાંચો તૈયાર કરી તેની સ્થાપના કરવામાં તેમનું પ્રદાન અમૂલ્ય હતું અને વર્ષો સુધી તેમણે ‘મંત્રા’માં માનાર્હ સેવાઓ આપી. ભારત સરકારના કાપડ વિભાગમાં તથા કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચમાં સલાહકાર તરીકે સેવાઓ આપીને ભારત સરકારની સંશોધન અને વિકાસની નીતિ ઘડવામાં તેમણે મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ભારતભરના મિલમાલિકોની જૂની પેઢીમાં તેઓ તેમના જ્ઞાનને લીધે ખૂબ પ્રીતિપાત્ર બની રહ્યા અને નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ વ્યાપક પ્રમાણમાં લેવાઈ હતી. 1969માં તેઓ અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિયેશનના પ્રમુખ બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાએ કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અંગેના કાર્યક્રમો વિકસાવ્યા.
વાચનનો અસાધારણ શોખ ધરાવવા ઉપરાંત તેઓ ટેનિસ અને બ્રિજના સારા ખેલાડી હતા. સમયની ચુસ્ત પાબંદી અને શિસ્તનો ર્દઢ આગ્રહ તેમણે જીવનભર જાળવેલાં.
રક્ષા મ. વ્યાસ