મહેતા, પ્રકાશ ભૂપતરાય (જ. 22 ઑક્ટોબર 1930, મુંબઈ) : વિવેચક, સંપાદક. વતન ભાવનગર. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી. એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ. એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક તેમને મળેલો. 1955થી મુંબઈ તથા અમદાવાદની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી. છેલ્લે એસ. આઇ. ઈ. એસ. કૉલેજ, મુંબઈમાંથી નિવૃત્ત. 1969માં તેમની પાસેથી ‘બળવંતરાય ઠાકોર’ નામક પરિચયપુસ્તિકા મળી છે. ‘અન્વીતિ’ (1978) બે ભાગમાં વહેંચાયેલ વિવેચનગ્રંથ છે. તેના પહેલા ભાગમાં બ. ક. ઠાકોર વિશેના લેખો છે. બીજા ભાગમાં વિશિષ્ટ કૃતિઓ અને સર્જકોનાં મૂલ્યાંકનો છે. તેમણે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથે મળી ‘સંચયિતા’ અને ભાનુબહેન વ્યાસ સાથે રહી ‘વાર્તાસૃષ્ટિ’ (1-2) નામે બે સંપાદનો કર્યાં છે.
શ્રદ્ધા ત્રિવેદી