મહેતા, નીતિન શાંતિલાલ (જ. 12 એપ્રિલ 1944, જૂનાગઢ; અ. 1 જૂન 2010) : કવિ, વિવેચક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. (1968). અને એમ.એ. (1971) થઈને મણિબેન નાણાવટી કૉલેજ, મુંબઈમાં (1973–1984) અને પછી મ. સ. યુનિવર્સિટી વડોદરા(1984–1991)માં ગુજરાતીના અધ્યાપક. 1991થી 2000 મુંબઈ યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. આ દરમિયાન 1968–70માં ‘યા-હોમ’ના સંપાદક મંડળમાં, 1972–73 ‘ગ્રંથ’માં તથા 1991–93માં ‘પ્રત્યક્ષ’ના એક સંપાદક તરીકે કામગીરી. ‘એતદ્’ સામયિકના સંપાદક હતા. એમણે ‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’ (1987) એ પરિસંવાદ-ગ્રંથનું સંપાદન કર્યું છે.

નીતિન મહેતા પ્રધાનપણે તો, આધુનિકતાની સંપ્રજ્ઞતા સાથે સર્જન-પ્રવૃત્ત એક નોંધપાત્ર કવિ છે. એમના કાવ્ય-સંગ્રહ ‘નિર્વાણ’(1988)માં અને એ પછી સામયિકોમાં પ્રગટ થયે જતી એમની કાવ્યરચનાઓમાં આ સંવેદના અને સમજનો એક શક્તિમંત અવાજ સંભળાય છે. ‘નિર્વાણ’ (મરણોત્તર, સંવર્ધિત આવૃત્તિ, 2012),  ‘અનિત્ય’ (મરણોત્તર, 2014) કાવ્યસંગ્રહો છે.

આધુનિક સાહિત્યના અભ્યાસી તરીકેની એમની સજ્જતા 1982માં સુરેશ જોષીના માર્ગદર્શનમાં તૈયાર કરેલા પીએચ.ડી.પ્રબંધ  ‘1956 પછીની ગુજરાતી કવિતાની કાવ્યબાની’માં દેખાયેલી. એ પ્રબંધ ‘કાવ્યબાની’ (2001) નામે પ્રકાશિત થયો છે. એ ઉપરાંત એમના સિદ્ધાંત-વિચાર અને પ્રત્યક્ષ વિવેચનના લેખો સામયિકોમાં પ્રગટ થતા રહે છે. જે ‘અપૂર્ણ’ (2004) અને ‘નિરંતર’ (2007)માં પ્રગટ થયેલા વિવેચનગ્રંથોમાં સમાવિષ્ટ છે. તો ‘નયપ્રમાણ’ (મરણોત્તર, 2010) વિવેચનસંગ્રહ છે. ‘સુરેશ જોષી: કેટલીક નવલિકાઓ (2002), ‘ગુજરાતી કવિતાચયન: 2003’ (2005) તેમના સંપાદનો છે. સાહિત્ય-અધ્યાપનની એમની સૂઝ અને નિસબત મુંબઈ યુનિવર્સિટીમાં એમના દ્વારા યોજાયેલા કેટલાક મહત્વના પરિસંવાદોમાં પ્રતિફલિત થયાં છે.

તેમનાં કાવ્યસંગ્રહને સંધાન ‘ક્રિટિક્સ ઍવૉર્ડ’ અને વિવેચનસંગ્રહોને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.

રમણ સોની